Daily Archives: સપ્ટેમ્બર 7, 2021

વિન્ડ ચાઇમ

 “વિન્ડ ચાઇમ “ચાલો જમવા…” અનુરાધા બે વાર બૂમ પાડતી, ત્રીજી બૂમ પડે એ પહેલાં તો અમુલખરાય ડાયનિંગ ટેબલ પર હાજર થઈ જતા અને એ બંને અને તેમની દીકરી ઉમા અનુરાધાના હાથનું સ્વાદિષ્ટ ભોજન માણતાં. આજે બૂમ પાડવાની ન હતી કારણ કે અમુલખરાયની તબિયત થોડી નરમ હોવાથી તેઓ દિવાનખંડમાં એમના પ્રિય હિંડોળાખાટ પર જરા આડા પડ્યા હતા. ત્યાં જ અનુરાધા જમવાનું લઈને ગઈ. એમને સૂતેલા જોઈને થાળી સામેના ટેબલ પર મૂકી. તેમને ઉઠાડવાં ગઈ પરંતુ અમુલખરાય હલ્યા નહીં. તેણે ઉમાને બૂમ પાડી. ઉમાને થોડી માનસિક રીતે નબળી અને એક પગે ખોડ હતી. તે કંઈ સાંભળે અને આવે તે પહેલાં તો પડોશીની દીકરી સાક્ષી ખીર આપવા માટે આવી હતી તે દોડી આવી. તેણે પણ અમુલખરાયને હલાવી જોયા પણ… તેને કંઈક ડાઉટ જતાં ત્રીજા ઘરે રહેતા ડૉક્ટરને બોલાવવા દોડી. રવિવાર હોવાથી ડૉક્ટર પણ ઘરે હતા. તેમણે આવીને કહ્યું કે ‘સોરી,નો મોર’ સાંભળીને જ અનુરાધાએ ચીસ પાડી રડવા લાગી અને ઉમા તો આઘાતને કારણે કંઈ બોલી જ ન શકી.સાક્ષી દ્વારા અનુરાધાની ડાયરી લઈને ફટાફટ સગાંવ્હાલાંઓને ફોન થઈ ગયા. અમુલખરાયને ત્રણ દીકરાઓ હતા. તેઓ આજુબાજુના શહેરમાં જ રહેતા હતા. સૌને સાંભળીને શોક લાગ્યો કે અચાનક શું થઈ ગયું? વેકેશનમાં તો બધાં ભેગાં થયાં હતાં. અમુલખરાય તેમને નિયમિત ફોન કરતા કે વારાફરતી અહીં આવતા રહો તો અમને પણ ગમે. પણ વેકેશન સિવાય કોઈ આવતું નહોતું. પણ બાપુજીના મૃત્યુના સમાચાર સાંભળીને સહુ તરત હવેલી પર આવવા નીકળી ગયા. સગાંવહાલાં પણ સહપરિવાર આવી ગયા. કોઈ પોતાની ગાડીમાં આવ્યું, કોઈ ભાડાની ગાડીમાં આવ્યું, કોઈ બસમાં આવ્યું. વળી, આગલે દિવસે કોન્ફરન્સમાં દૂરના શહેરમાં ગયેલો દીકરો ફ્લાઈટમાં આવ્યો. એની જ રાહ જોવાતી હતી. ઘણું મોડું થઈ ગયું હતું એટલે તરત જ સ્મશાને લઈ જવાની તૈયારી ચાલુ થઈ. આખરે સ્મશાને લઈ જઈને મોટાભાઈએ મુખાગ્નિ આપ્યો. સૌ થાક્યાં હતાં. આવીને નહાઈને સૌ બેઠા. આડોશપાડોશમાંથી જમવાનું આવી ગયું હતું. અમુલખરાયની અને અનુરાધાબેનની આજુબાજુ પડોશીઓનો સાથ સહકાર ખૂબ સારો હતો. વધારાનાં ગાદલાં, ચાદર, ઓશીકાં જેવો સામાન પણ પડોશીઓ હવેલી પર મૂકી ગયાં. વળી સાક્ષીનો ભાઈ અમુલખરાયનો મોટો ફોટો પણ ફ્રેમ કરાવી લાવ્યો. દીકરાઓએ હાર પહેરાવ્યો ને વહુઓએ દીવો પ્રગટાવી તપેલીમાં મૂકી ચારણી ઢાંકી. સૌ પગે લાગ્યા. અનુરાધાએ કહ્યું કે ‘હું અને ઉમા અહીં જ સૂઈ જઈશું. તમે સૌ થાક્યા હશો. જાઓ જમીને બીજા રૂમમાં આરામ કરો. હવેલી ઘણી મોટી હતી. ઓરડાઓ મોટા મોટા હતા. પથારી પાથરી સૌ થાક્યા હોવા છતાં વાતે વળગ્યા. પિતાજીની વાત, બાળપણની વાત, હવેલીની યાદો, કંઈ કેટલીય વાતો તાજી થઈ. બાળકો પણ બહુ વખતે મળ્યા હોવાથી થોડી હળવી મસ્તીએ ચઢ્યા. પણ મમ્મીઓએ દાદાનું મૃત્યુ થયું હોવાથી શાંત રહેવા જણાવ્યું. એ હવેલી અદભુત હતી. જાણે પંખાની પણ જરૂર ન પડે. બધી જ બારીઓ પવનની દિશામાં હતી અને અમુલખરાયને વિન્ડ ચાઇમનો બહુ જ શોખ હતો. તેમણે દરેક બારી પાસે વિન્ડ ચાઇમ લટકાવ્યું હતું. અમુલખરાય એટલા બધા ચોક્કસ હતા કે આટલી મોટી હવેલીમાં પણ કઈ બારીને સ્ટોપર તૂટી ગઈ છે કે ઢીલી પડી ગઈ છે એ બારીના અફળાવાથીને વિન્ડ ચાઇમના અવાજથી જાણી જતા અને તરત જ મિસ્ત્રીને બોલાવીને રિપેર કરાવી દેતા. વારસામાં મળેલી હવેલીને તેમણે દિલથી સાચવી હતી. વર્ષમાં તેઓ નિયમિત બે વખત હવન પણ કરાવતા તેથી હવેલીનો દરેક ભાગ શુદ્ધ રહે. તે હવનમાંથી દેવતા લઈને દરેક રૂમમાં ખૂણેખૂણે ફેરવતા અને ધૂપ આપતા. અનુરાધા અમુલખરાયના ફોટાને અપલક જોયા જ કરતી હતી. આજે તે ખૂબ થાકી ગઈ હતી પરંતુ તેને ઊંઘ નહોતી આવતી કારણ કે આખો દિવસ જેટલા આવ્યા તેટલા પૂછતા કે તેમને શું થયું હતું અને દરેકને એકની એક વાત કહીકહીને એ થાકી ગઈ હતી. એની આંખ તો ઘેરાતી હતી પણ એનું હૃદય ઊંઘવા માટે ના પાડતું હતું. અચાનક વિન્ડ ચાઇમ ચહેકી ઊઠ્યું અને તેને થોડા દિવસ પહેલાની વાત યાદ આવી. તેમની પચાસમી એનિવર્સરી હતી. આશા હતી કે છોકરાઓ આવશે. બધાએ કોઈને કોઈ બહાનું કાઢ્યું અને ફોન પર જ વિશ કરી દીધું હતું. ભલે કોઈ ન આવ્યું પણ અમુલખરાય અનુરાધા માટે તેમને ગમતી સફેદ અને લાલ બોર્ડરવાળી સાડી અને સફેદ ગજરો લઈ આવ્યા. અનુરાધા વિન્ડ ચાઇમ ખરીદી લાવી. ગમતી સરપ્રાઈઝ આપી હતી. બાજુવાળી સાક્ષી કેક લઈ આવી હતી અને ખાસ ઉમા સાથે મળી કપાવી હતી. અનુરાધા બાજુમાં સૂતેલી ઉમાના માથા પર હાથ ફેરવવા લાગી. ઉમાને પરણાવી ન હતી. એક બે માંગા પણ આવ્યાં હતાં પરંતુ એઓની નજર ફક્ત હવેલી પર હતી એ અમુલખરાયને હરગિઝ મંજૂર નહોતું. વળી, ઉમાને સાસરિયા સમજે નહીં તો એનું ભાવિ ખૂબ દુઃખદ રહે, એ વિચારે અમુલખરાય અને અનુરાધા હચમચી જતાં. કદાચ આ જવાબદારી ન લેવી પડે તેથી ભાઈઓ પણ વારાફરથી હવેલી છોડીને બીજા શહેરમાં રહેવા ચાલ્યા ગયા હતા. તેઓને ખાતરી જ હતી કે સિદ્ધાંતવાદી પિતાજી વારસામાં સરખા ભાગે હવેલીના ભાગ પાડશે અને એ તો મળવાના જ છે. સાચે જ અમુલખરાય ખૂબ શિસ્તબદ્ધ અને સંયમિત જીવન જીવવાવાળા માણસ હતા, સિદ્ધાંતવાદી હતા. તેમની ખૂબ મોટી હવેલી હતી એટલે હવેલીવાળા કાકા તરીકે ઓળખાતા. તેમને વારસામાં આ હવેલી મળી હતી. આ હવેલી પર તો ઘણાની નજર બગડેલી હતી. મોલ, થિયેટર ને હોટેલ માટે તેમને ઓફર થઈ હતી પરંતુ અમુલખરાયે ઘસીને ના પાડી હતી. અમુલખરાયને ગામમાં સૌ કોઈ માન આપતા. અમુલખરાય પણ ઘણાને જરૂર પડ્યે મદદ કરતા. દીકરાઓને પણ જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે તેમણે સંપત્તિમાંથી મદદ કરી હતી અને બધો હિસાબ પણ ડાયરીમાં લખી રાખ્યો હતો. બીજા રૂમમાં દીકરાઓ સૂવા ગયા ત્યારે ત્રણેય દીકરાઓને પોતાનું બાળપણ યાદ આવવા લાગ્યું. આ જ હવેલીમાં જ્યારે રાત્રે સૂઈ ગયા હોઈએ પછી બાપુજી ઊઠતા અને દરેકને ઓઢવાનું ખસી ગયું હોય તો ઓઢાડી દેતા, મચ્છરદાની પાડી દેતા અને પંખો પણ મધ્યમ ગતિએ છે કે નહીં તે જોઈ લેતા. કેટલી કાળજી રાખતા હતા! પરંતુ બાપ રે! સવારે તો જોવાનું… આવીને બધા બારીબારણાં ખોલી નાંખે, મચ્છરદાની અને ઓઢવાના ખસેડી લે અને ઊઠી જવા માટે આજ્ઞા કરતા. બાપુજી ગણે ત્યાં એક બે ત્રણ અને ચોથી મિનિટે તો ઊઠી જવું પડે કારણ કે તેઓ નિયમિતતાના ખૂબ આગ્રહી હતા. ઊઠીને, દૈનિક ક્રિયાઓ પતાવીને, ધ્યાન, આસન, પ્રાણાયામ કરવા પણ ફરજ પાડતા. વધુ નહીં પણ પંદર મિનિટ પરંતુ તે પણ કંટાળો આવતો. રવિવારે તો બાપ રે! એક ચમચી તો એક ચમચી પણ સુદર્શનચૂર્ણ તો પીવાનું જ રહેતુ. મોટો દીકરો રાહુલ અને નાના ટ્વીન્સ ગૌતમ અને સિદ્ધાર્થ એમ ત્રણેય સાથે હવેલીના ચોગાનમાં બાપુજી ક્રિકેટ અને અન્ય રમતો પણ રમતા. વરસાદ પડે તો બધાને લઈ બહાર નીકળતા. વળી કહેતા કે પહેલા વરસાદમાં તો નહાવું જ જોઈએ. માનો હાથ પકડી બહાર આવીને વરસાદ માણતા. તેઓ પ્રવાસે જવાના ખૂબ આગ્રહી હતા. નદી કિનારે, પર્વત ચડવા માટે કે જંગલમાં નીકળી પડતા. નાની ઉમાને બધા વારાફરથી ઊંચકી લેતા. મા પણ કેટલી ઉત્સાહથી નાસ્તા બનાવતી અને પેક કરી સાથે લઈને જતાં. ખરેખર આ દિવસો એ પરિવારના જીવનનો મહામૂલો આનંદનો ટુકડો હતો. પણ મોટા થયા પછી બધું બગડ્યું. અમુલખરાયની નિયમિતતા બધા પચાવી ન શક્યા. પછી તો લગ્ન થયાં. પછી તો પત્નીઓના પ્રશ્નો, બાળકોના પ્રશ્નો, અહીં બધાની સાથે આ નિયમિતતામાં કેવી રીતે જીવવું? ધીમે ધીમે બધાએ પોતપોતાનો રસ્તો પકડ્યો. મોટો ગયો પછી નાના બંનેને થયું, અમે શું કામ જવાબદારી લઈએ? બહેન પણ તકલીફવાળી અને અપરિણીત. વેકેશનમાં જોકે બધા આવતાં, હવેલીના ચોગાનના આંબાની કેરીઓની મજા પણ માણતાં, તોફાનમસ્તી પણ કરતાં અને પૌત્રોપૌત્રીઓ સાથે દાદાદાદીને પણ મજા પડતી. દિવસો કેટલા જલદી ઊડી જતા હોય છે. બીજા ઓરડામાં સ્ત્રીવર્ગમાં પણ વાતો ચાલતી હતી. તેઓ પણ પરણીને આવ્યા ત્યારના અનુભવો યાદ કરીને એકબીજાની સાથે શેર કરવા લાગ્યા. બીજી કેટલીય વાતોની ગુસપુસ સાથે ઉમાની વાત નીકળતા નાની વહુ ધીમે રહીને બોલી, “ત્યારે ફેમિલી પ્લાનિંગ નહોતું? ત્રણ દીકરાઓ તો હતા.” ને બધાં મોઢે છેડો દબાવી હસતાં રહ્યાં. વળી મોટીએ કહ્યું, “જોજો, હિંડોળાખાટ હું લઈ જઈશ.” અને બીજી બોલી, “તો ભાભી, પેલું કોતરણીવાળું ડ્રેસિંગ ટેબલ મારું. માને ક્યાં હવે સજવુંધજવું છે? ને ઉમાબેન તો સાવ સાદાસીધાં..” “એમ? તો.. મોટા અરીસાવાળું પિત્તળના હેન્ડલવાળું સિસમનું કબાટ મારું..” સવાર પડી અને અનુરાધા ઊઠી. દીકરાઓના રૂમ તરફ જવા માંડી. બધા જ રૂમમાં એમ જ પંખા બળતા હતા અને બિછાના, ચાદર, કપડાં અને સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો. એક નજરે ગભરાઈ ઊઠી કે, ‘હમણાં અમુલખરાય જોશે તો શું કહેશે? પણ થયું, હવે એ ક્યાંથી?’ અનુરાધા દીકરાઓને મળી. હંમેશા લાલચટક ચાંદલાથી શોભતું માનું કપાળ, ચાંદલા વગરનું અને સફેદ સાડીમાં માનું રૂપ દીકરાઓને જોવું ન ગમ્યું પરંતુ કરે શું? માએ પોતાના રૂમમાં દીકરાઓને બોલાવ્યા. વહુઓને પણ બોલાવી. આગળની વિધિ માટે ચર્ચા કરી. કેટલો ખર્ચ કરવો, કેટલાને જમાડવા, કેટલું દાન આપવું વગેરેનું લિસ્ટ તૈયાર કર્યું. છોકરાઓ એકબીજાની સામે જોતા ગયા કે ખર્ચો ભારે છે પરંતુ વાંધો નહીં. બાપુજી પાસે ઘણી સંપત્તિ હતી, તેમાંથી જ આ બધું થશે અને બધું નક્કી થયું. દીકરાઓ પોતાના રૂમમાં ગયા. સમય પ્રમાણે ઘરમાં વિવિધ લિસ્ટ પ્રમાણે સામાન આવતો ગયો. બિલ ચૂકવવાનું આવ્યું ત્યારે મોટો દીકરો મા પાસે ગયો અને પૂછ્યું, ‘મા, આ બધુ ખર્ચ કોણ કાઢશે?’ અનુરાધાએ કહ્યું કે,”તમારા બાપુજીના વહીવટોની મને ખાસ કંઈ ખબર નથી માટે અત્યારે તમે ખર્ચ કરજો અને વહેંચી લેજો. દીકરાઓની ઈચ્છા નહોતી પણ કચવાતે મને તેઓએ આ ખર્ચો કર્યો. ખર્ચમાં જે ખૂટ્યા તે મામા પાસેથી લીધા. ખૂબ સારી રીતે અમુલખરાયની બધી વિધિ પૂરી થઈ. અન્ય સગાંઓ પોતાનાં ઘરે ગયાં. હવે વાત હતી કે, હવેલીમાં અનુરાધા અને ઉમાનું ધ્યાન કોણ રાખે? ખાસ તો મામાએ કહ્યું કે, “વારફરતી દીકરાઓ અહીં રહે અને જોબ માટે અપડાઉન કરે કારણ કે શહેરો નજીક જ છે. અથવા તો તમે અનુરાધા અને ઉમાને થોડા થોડા વખત માટે તમારે ઘરે રાખો. પરંતુ દરેકે કોઈને કોઈ રીતે બહાના કાઢ્યા. કોઈ કહે કે છોકરાઓની સ્કૂલકૉલેજ બદલી નહીં શકાય. કોઈએ કહ્યું કે જોબમાં બહુ તકલીફ છે, અપડાઉનમાં બહુ મોડું થાય. ત્રીજો કહે મેં વિદેશ માટે એપ્લાય કર્યું છે. આખરે વાત પેલા વિધિમાં ખર્ચાયેલા પૈસાની આવી. મામાને પણ ચૂકવવાના હતા. અનુરાધાએ અમુલખરાયની ડાયરી કઢાવી. તેમાં તેમણે દીકરાઓને વારાફરથી કેટલા રૂપિયા આપ્યા હતા તે લખ્યું હતું. બધાની જ રકમ મોટી હતી. જેની તો એકબીજાને પણ ખબર ન હતી. આખરે બધાએ મળી એ બિલ ચૂકવ્યા પરંતુ અનુરાધા અને ઉમાને સાથે લઈ જવાની કે અહીં આવીને રહેવાની વાત કોઈએ સ્વીકારી નહીં. બધા બહાના કાઢીને થોડા વખતમાં પાછા આવીશું એમ કહીને જતા રહ્યા. હવે ત્રણેય દીકરાઓની અંદર અંદર ફોન પર વાતો થતી હતી. કોન્ફરન્સ કોલ થતા હતા. દરેકની નજર હવેલી પર હતી કે હવે એનું શું કરવું? મોટાએ કહ્યું પણ ખરું કે આપણે હવે હવેલીને વેચી દઈએ, કાઢી નાખીએ. પણ મા અને ઉમાને કોણ રાખે? એ વાતનો ઉકેલ ન આવ્યો. એમને એમ વાત લંબાતી ચાલી. અનુરાધા, ઉમા અને હવેલી ત્યાંને ત્યાં જ રહ્યાં. બધી વહુઓનો જવાબ હતો કે, ‘મા આજે છે તો કાલે નથી તો ઉમાની જિંદગીભરની જવાબદારી કોણ લેશે?’ આમ ને આમ વાતમાં વરસ વીતી ગયું છતાં પણ કોઈ હવેલી પર આવ્યું નહીં. બધાને એ જ ગભરાટ હતો કે જઈશું તો મા અને બહેનને લઈ આવવી પડશે. આખરે વેકેશનમાં નક્કી કરી ત્રણે દીકરાઓ તેમની પત્નીઓ સાથે હવેલી પર પહોંચ્યા. ત્યાં તાળું હતું. હવેલી પર કદી તાળું રહેતું જ નહીં. આજુબાજુ પૂછ્યું કે મા અને બેન ક્યાં છે? પાડોશીએ એક સરનામું આપ્યું કે ત્યાં ગયા છે. ત્યાં જઈને બેલ વગાડ્યો. સરસ ટુ બીએચકે ફ્લેટ હતો. અનુરાધાએ લાલ બોર્ડરવાળી સાડી પહેરી હતી, ગજરો નાખ્યો હતો, પૂજાની થાળી પડી હતી, હમણાં જ મંદિરેથી આવી હતી. ઉમા પણ ટીવી જોતી તાળીઓ પડતી હતી. સૌને નવાઈ લાગી. દીકરાઓને આઈડિયા આવી ગયો કે આટલી મોટી હવેલી સંભાળી શકાતી નહીં હોય એટલે અહીં મા, ઉમા ભાડે રહેતાં હશે. એઓએ કહ્યું, “મા આ સારું કર્યું. આટલી મોટી હવેલીમાં તમે બંને એકલા સેઇફ ન રહી શકો. ચાલો આપણે હવેલી જઈને સાફસફાઈ કરાવીએ.” મા અને ઉમા એકબીજાની સામે જોતાં રહ્યાં. ઉમાને કાંઈ સમજાયું નહીં બાપુજીનો ફોટો બતાવી બોલી પડી, “આ ઘર બાપુજીએ મને ગિફ્ટ આપેલું.” અધિરાઈથી મોટાએ પૂછ્યું, “મા, હવેલીનું શું કર્યું?” અનુરાધાએ કહ્યું, “બાપુજી વસિયત કરી જ ગયા છે. અમે જીવીએ ત્યાં સુધી અમારાં નામ પર જ રહેશે” આગળ કંઈ બોલે એ પહેલાં તો એકદમ શાંતિ પથરાઈ ગઈ. ત્યારે ફ્લેટની બારીએ લટકાવેલું વિન્ડ ચાઇમ ઝૂલી રહ્યું હતું, મીઠા રણકાર સાથે… == યામિની વ્યાસ”

Leave a comment

Filed under Uncategorized