વિંક, બ્લિંક એન્ડ નૉડ:

વિંક, બ્લિંક એન્ડ નૉડ: આંખ મારવી, આંખ પટપટાવવી અને ડોકી ધુણાવવીતમે પાંપણને પલકારે વાત કહી કઈ મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઈ -હરીન્દ્ર દવેપાંપણનો પલકારો પુચકારીને પ્રિયા પ્રકાશ રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન થઇ ગઈ. હવે દિવસોનાં દિવસો સુધી એનો મરમ (કે ભરમ!) ઉકેલવાની કોશિશો થઇ રહી છે. વાઈરલ વિડીયોમાં ફક્ત ઈશારાઓ છે, ભ્રમરોનાં ઊલાળાઓ છે અને ગાલો પર પડતાં બેશરમ શેરડાઓ છે. કશું ય બોલાતું નથી. કશું ય સંભળાતું નથી. છતાં પ્રેમનું ઇજન થાય છે. પ્રેમનો સ્વીકાર થાય છે. આંખનું મારવું પ્રેમની પામ્યાની રસીદ છે. પ્રેમનું પાર્સલ રજિસ્ટર્ડ એ.ડી.થી મોકલાતું હોય ત્યારે એકનોલેજમેન્ટ ડ્યૂ (પહોંચ અપેક્ષિત) તો હોય જ ને? આ આંખ એક અજાયબ અવયવ છે. પૃથ્વી પર અવતરીએ છીએ ત્યારે આંખ ખોલીએ છીએ. આંખ પટપટાવીને પ્રેમમાં પડીએ છીએ. આંખ મીંચીને ઊંઘીએ છીએ. મરીએ ત્યારે કાયમ માટે મીંચાઈ જાય છે આ આંખો. આ આંખ અજબ અવયવ છે. આંખ મારવી, આંખ પટપટાવવી અને ડોકી ધુણાવવી ઘણું બધું કહી જાય છે. આ મૌનની ભાષા છે પણ અમારે માથે એનાં શાબ્દિક ઉકેલની અઘરી જવાબદારી છે જે અમારે સુપેરે નિભાવવાની છે. આ માટે શબ્દો છે વિંક, બ્લિંક એન્ડ નૉડ ( Wink, Blink and Nod)અમેરિકન કવિ યુજીન ફિલ્ડ બાળકવિતા લખે છે. ત્રણ બાળકો, નામે વિંક, બ્લિંક અને નૉડ, લાકડાંનાં જોડાની હોડીમાં બેસીને, સ્ફટિક પ્રકાશની નદીમાં થઇ, ઝાંકળનાં સાગરમાં પહોંચે છે. ઘરડો ચાંદો એમને પૂછે છે કે ‘તમે કોણ છો? ક્યાં જાઓ છો?’ ત્રણે જવાબ આપે છે કે ‘અમે આ સુંદર દરિયાની માછલી પકડવા જઈએ છીએ. અમારી કને સોના અને ચાંદીની જાળ છે.’ ચાંદો હસી પડે છે. પછી એ ગીત ગાય છે. ‘આ આકાશનાં તારાઓ તારાઓ નથી પણ તમારી માછલીઓ છે. તમારી સોના ચાંદીની જાળ ફેંકો અને એમને લપેટો.’ પછી તો આખી રાત એ ત્રણે છોકરાઓ જાળ ફેંકતા રહે છે અને એમાં સફેદ ફીણમાં ઝબૂકતાં તારાઓ પકડાતાં રહે છે. તારાઓ એટલે જ તો ટમટમે છે! પછી તેઓ જોડાની હોડીમાં બેસીને પરત આવે છે. એમને લાગ્યું કે તેઓ કોઈ સપનું જોઈ રહ્યા હતા. પણ એ ખરેખર તો મઝાની દરિયાઈ સફર હતી. આ વિંક અને બ્લિંક હતી બે આંખો અને નૉડ, એ તો ડોક હતી. અને લાકડાનાં જોડાની હોડી તો હતી આ પથારી. મા હાલરડું ગાય ત્યારે આંખો મીંચીને સુંદર દ્રશ્યો જોયા કરો. એવી જગ્યાઓનાં દ્રશ્યો જ્યાં પેલા ત્રણ બાળ માછીમારો ગયા હતા. કેવી મઝાની બાળકવિતા…! પણ પછી યુવાની ફૂટે એટલે એનાં બધાનાં અર્થ બદલાય. ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘વિંક’ એટલે આંખ મટકાવવી, પલકારો મારવો, એક આંખ ક્ષણવાર મીંચવી, આંખના પોપચાંની જેમ ધ્રૂજવું, ઝબૂક ઝબૂક કરવું, આંખનો ઇશારો કરવો, આંખનો ઇશારો કરી સૂચના આપવી, આંખ મારવી, આંખનો પલકારો, આંખનો ઇશારો, મટકું (ઊંઘ), જરાક ઊંઘ. ‘બ્લિંક’ એટલે આંખ વતી પલકારા મારવા, વારે વારે આંખ ઉઘાડતાં ને મીંચતાં જોવું, ક્ષણવાર આંખ બંધ કરવી, એકદમ અથવા ક્ષણ માટે પ્રકાશ ફેંકવો, આંખમીંચામણાં કરવા, આંખનો પલકારો, ક્ષણિક ચમકારો. બંને શબ્દોનો અર્થ આમ તો સરખો પણ થોડો ફેર પણ છે. વિંક સામાન્ય રીતે એક આંખ અને બ્લિંક એ બે આંખોનો પલકારો દર્શાવે છે. વિંક જાણી જોઇને કરવાની ક્રિયા છે. આંખ મારવી એની પાછળ કાંઈ કારણ હોય, ભેદ હોય, સંજોગ હોય, વ્યવસ્થા હોય. પણ બ્લિંક તો બંને આંખ આપમેળે થયા જ કરે છે. આંખની સપાટી ભીની રહેવી જોઈએ એટલે પલકારા થયે રાખે. કહે છે ને કે આખી જિંદગી એક પલકારામાં ખતમ થઇ જાય છે એટલે એને માણી લ્યો. ‘નૉડ’નો અર્થ થાય માથું ડોલાવવું, માથું ધુણાવવું, ડોલવું, માથું ઝુકાવવું, ઝૂકવું, ઝોખાં ખાવાં, ડોક ધુણાવવી કે હલાવવી, ભૂલ કે ગફલત કરવી, નાચવું, નચાવવાં, ડોક અથવા માથું હલાવવું તે (સંમતિ સૂચવવા). વિંક એન્ડ નોડ એટલે આંખ મારીને ડોકી ધુણાવવી. કશું ય બોલ્યાં વિના સામાવાળો કે સમાવાળી સમજી જાય. પ્રેમની આ ભાષા છે ખુદ પ્રેમનો એની ઉપર કોઈ કોપી રાઈટ નથી. પ્રેમેતર માહિતી કે સમજણ પણ આંખ મારી, ડોકી ધુણાવીને વ્યક્ત કરી શકાય. જ્યારે કોઈ વક્તા વિંક અને નૉડ કરે ત્યારે શ્રોતાઓએ સમજી જવું કે એ પોતાની વાત સીધેસીધી નથી કહેતો. એનો અંદરનો અર્થ કાંઈ જુદો છે. આખરે તો આ સંદેશા વ્યવહાર છે. આંખ મારીને ડોક ધુણાવીને આમ કહેવા જેવું સઘળું કહી દેવાય અને આમ પાછા મોઘમ પણ રહી શકાય. બોલવાથી બધું બગડે. રાજકારણ કે પ્રેમકારણ બોલવાથી ભાંગરો વટાઈ જાય અને પછી મારા નિવેદનના અવળાં અર્થ લીધા-ની દૂહાઈ દેતા ફરવું પડે છે. ચૂપ રહીએ તો સારું. અમેરિકી રાજકારણી અર્લ લોંગ એવું કહેતા કે જે વાત તમે ફોન પર કહી શકો, એને લખીને મોકલવી નહીં. જે વાત તમે રૂબરૂ કહી શકો તે વાત ફોન પર કરવી નહીં. અને જે વાત તમે કાનમાં કહી શકો તે બોલીને રૂબરૂમાં ચપડચપડ કહેવાની કોઈ જરૂર નથી. અને ફક્ત સ્મિતથી પતી જતું હોય તો કાનાફૂસી કે ગુસપુસ પણ શા માટે કરવી જોઈએ? જો માત્ર ડોકી ધુણાવે સામાવાળો સમજી જાય તો હસવાનું ય માંડી વાળવું. એથી આગળ જઈએ તો આંખ મારવાથી કહેવાનું બધું કહેવાઈ જતું હોય તો ડોકી ધુણાવવાનું કર્મ પણ અધ્યાહાર રાખવું જોઈએ. પ્રિયા પ્રકાશ સમજી ગઈ છે એટલે એણે આંખથી કામ લીધું. સૈફ પાલનપુરી સાહેબનાં શબ્દોમાં કહીએ તો આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી, રૂપાળું એક નામ હવે બોલવું નથી. જો કે સામી વ્યક્તિની સમજણ જરૂરી છે. સામેવાળો આંખની ભાષાનો અભણ હોય તો આ કીમિયો કારગર નીવડતો નથી હેં ને? શબ્દ શેષ: “આંખનો ઈશારો કરવો કે ડોક ધુણાવવી, શું ફેર પડે છે?- આંધળા ઘોડા સામે બધું સરખું.” -આઈરિશ કહેવતThe difference between wink and blink explained and so is the nod..i

May be an image of 12 people and people smiling

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.