માસ્ટરલી ઈનએક્ટિવિટી:

માસ્ટરલી ઈનએક્ટિવિટી: કુછ ના કરો, કુછ ભી ના કરો અઢારમી સદીનાં કવિ વિલિયમ કાઉપર એવું કહી ગયા કે ડૂઇંગ નથિંગ વિથ અ ડીલ ઓફ સ્કિલ. એટલે એમ કે જથ્થાબંધ કૌશલ્ય સાથે કશું ય ન કરવું! ઇકોનોમિસ્ટ પૉડકાસ્ટર ટિમ હાર્ટફોર્ડે તાજેતરમાં આ બાબતે ચર્ચા કરી અને અમને શબ્દ મળ્યો. માસ્ટરલી ઈનએક્ટિવિટી (Masterly Inactivity). ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘માસ્ટરલી’ એટલે ઉસ્તાદને શોભે એવું, ખૂબ નિષ્ણાત, કુશળ, પ્રવીણ. અને ‘ઈનએક્ટિવિટી’ એટલે નિષ્ક્રિયતા, આળસ, સુસ્તી, ક્રિયાશૂન્યતા. અહીં ચોથો અર્થ જ પ્રસ્તુત છે અને એ છે ક્રિયાશૂન્યતા. મને આવડત છે, હું ઘણું કરી શકું પણ આ સમયે મારી કાંઇ નહીં કરવાની જરૂર છે. મારા આળસને મારે ખંખેરવાની નહીં પણ સંકોરવાની જરૂર છે. મને એમ થાય છે કે હું કરું, હું કરું પણ નહીં કરવું- એની જરૂર છે. રોજ રોજ સમાચાર આવે છે. સોશિયલ મીડિયા પર ટીકાટિપ્પણ થાય છે. તંત્રનાં છાજિયાં લેવાય છે. જન જન ઓક્સિજન માટે ટટળે છે અને કોવિડ મુક્ત થાય તો કાળી ફૂગ હેરાન કરી નાંખે છે. અને હજી ત્રીજી લહેર આવવાની છે, એવી વાતો છે. હું સરકારને દોષી જાહેર કરું છું. પણ હું કયાં સમજુ છું? હું તો બસ ફરું છું, રખડું છું, એ ય માસ્ક વિના. લગ્નમાં હજીય ૫૦ માણસોની છૂટ છે. શા માટે? છોકરા છોકરી રાજી તો કયા કરે બારાતી? પણ આપણી ધાર્મિક ભાવના જડ છે. અમે તો બેડાં લઈને નીકળીશું. અમે તો રાજકીય રેલી કરીશું. અમે તો ક્રિકેટ રમાડીશું. આ બધાને તો કોવિડ હોસ્પટલ્સમાં ફરજિયાત સેવા કરો- એવી સજા થવી જોઈએ. ભલે ઘરમાં બંધ રહીને કંટાળી ગયા છે સૌ કોઈ. પણ લખી રાખો કે એનો એક માત્ર ઉકેલ છે માસ્ટરલી ઈનએક્ટિવિટી. આ બ્રિટિશ રાજનો શબ્દ છે. સને ૧૮૬૦-૭૬ દરમ્યાન લોર્ડ જ્હોન લોરેન્સ ભારતનાં ગવર્નર જનરલ અને વાઈસરૉય હતા. અફઘાનિસ્તાન પણ ભારતનો જ હિસ્સો હતો. સને ૧૯૬૨ માં જ્યારે એનાં આમીર દોસ્ત મોહમ્મદ ખાન મૃત્યુ પામ્યા તે પહેલાં વારસદાર તરીકે તેઓએ તેમનાં ત્રીજો દીકરા શેર અલીને ગાદી સોંપવાનો આદેશ કર્યો હતો. લોર્ડ લોરેન્સે શેર અલીને માન્યતા આપી. પણ શેર અલીનાં બે મોટા ભાઈઓ અફઝલ અને અઝુમે બળવો કર્યો અને અફઘાનિસ્તાનનો ઘણો હિસ્સો કબજે કર્યો. લોર્ડ લોરેન્સે એમને પણ માન્યતા આપી પણ શેર અલીની માન્યતા ચાલુ રાખી. એમણે કહ્યું કે અમે વચ્ચે ન પડીએ, તમે અંદર અંદર લડી લ્યો અને જે જીતે વોહી આમીર ખાન! પછી એવું થયું કે શેર અલીએ બધાને હરાવીને આખા અફઘાનિસ્તાન પર ફરી કબજો મેળવ્યો તો એને પણ માન્યતા આપી. આ હતી માસ્ટરલી ઈનએક્ટિવિટી નીતિ. હા, તેઓ સદા જાગરૂક હતા, સદા સાવધાન હતા. પણ વચ્ચે પડવું નહીં. અમથું નુકસાન શાને વેઠવું? પણ પછી રશિયાની ઘૂસણખોરી વધી તો બ્રિટિશ શાસને લોર્ડ જ્હોન લોરેન્સ અને એમની સાથે એમની હવે જાણીતી થઈ ગયેલી માસ્ટરલી ઈનએક્ટિવિટી નીતિને પણ- રવાના કર્યા. પછી બ્રિટન અફઘાનિસ્તાનમાં યુદ્ધે ચઢ્યું અને પછી માસ્ટરલી એક્ટિવિટી કરીને રશિયાને દૂર રાખ્યું. પછી આ શબ્દ તબીબી વિજ્ઞાનમાં આવી ગયો. શરીર છે. રોગ થાય. થોડી રાહ તો જુઓ. તબીબી જીપી (જનરલ પ્રેક્ટીશનર) પાસે જશો એટલે ફટ દઈને ઇન્જેકશન અને સટ દઈને એન્ટીબાયોટિક્સ. બધાને ફટાફટ અને સટાસટ સાજા થવું છે. જો કોઈ સાદા ડોક્ટર વાર લગાડે તો એ નકામો છે એમ કહીને લોકો બીજે જાય છે. બાટલો ચઢાવે તે ડોકટર સારો. અરે સાહેબ, શરીરે પોતે રીપેરકામ કરે જ છે પણ આપણે ધીરજ ધરતા નથી. માસ્ટરલી ઈનએક્ટિવિટી અહીં મદદ કરશે. ફરીથી કહું કે સાવ નચિંત થવાની જરૂર નથી. થર્મોમીટર, ઓક્સિમીટરનો ઉપયોગ કરી શકાય. આરટીપીસીઆર પણ કરાવી શકાય. લોહીની તપાસ જરૂરી ન હોય તોય કરાવ્યે રાખવી યોગ્ય નથી. જરા તાવ આવે એટલે દોડી ગયા છાતીનાં ફોટા પડાવવા. માસ્ટરલી ઈનએક્ટિવિટી જરૂરી છે. ફરીથી કહું છું સાવધાની અને જાગરૂકતા પણ જરૂરી છે. એમ સાવ નચિંત થઈ જવું એ ઈનએક્ટિવિટી છે પણ એ માસ્ટરલી નથી. માસ્ટરલી ઈનએક્ટિવિટી શબ્દ બાળઉછેર માટે પણ વપરાય છે. આપણે બાળકનું બહુ ધ્યાન રાખીએ છીએ. એનાં મિત્રો કોણ બને એ પણ આપણે નક્કી કરીએ. શિક્ષક બરાબર ભણાવે છે કે નહીં? માર્ક ઓછા મળે તો શિક્ષકનો વાંક. બાળક માટે માબાપ જાણે કાયમ હાજરાહજૂર. આવા માબાપને હેલિકોપ્ટર પેરન્ટ્સ કહેવાય છે જે સદાકાળ હેલિકોપ્ટરની જેમ હોવર કરતાં રહે છે. માસ્ટરલી ઈનએક્ટિવિટી એનાથી બરાબર ઊલટો શબ્દ છે. બાળકોને જાતે વિચારવા દો . એમની કિટ્ટા બૂચ્ચા એ એમનો વિષય છે. માબાપને માલૂમ થાય કે એમને ઠરીને જીવવા દો. એમની રીતે જીવવા દો. કયાં સુધી ચમચીથી ખવાડશો? ફરીથી કહું છું સાવધાની અને જાગરૂકતા તો જરૂરી છે જ. આ શબ્દ સ્પોર્ટ્સમાં પણ આવી ગયો. ફૂટબોલમાં ગોલ કિક આવે છે. પ્લેયરની ફરજ છે કે એક લાત મારીને ફૂટબોલનો ગોલ કરવો. ગોલકીપરની ફરજ છે કે ફૂટબોલને કોઈ પણ રીતે અટકાવવો. ગોલકીપર કાં જમણી બાજુ ડાઈવ મારે અથવા ડાબી બાજુ ડાઈવ મારે. પણ ફૂટબોલ એની બીજી બાજુ આવે અને ગોલ થઈ જાય. ગોલકીપર ત્યાંનો ત્યાં જ ઊભો રહે તો? આ માસ્ટરલી ઈનએક્ટિવિટી છે અને એનાથી ગોલ થતો અટકાવી શકાય છે. પણ જો ગોલ થઈ જાય તો ટીકા ય થાય કે એ આળસુની જેમ ઊભો રહ્યો. જો કે સાવધ તો રહેવું જ જોઈએ. હેં ને? કામ કામ ને કામ. કદી બાળકો પાસે બેસી જુઓ. વહેલી સવારે કે મોડી સાંજે સૂર્યની એક્ટિવિટીને જોઈ જુઓ. ઘરકૂંડામાં ફૂલ ઊગ્યાનો ઉત્સવ મનાવી જુઓ. એકાદ બળવાખોર કવિતા લખી જુઓ. પતિ અને પત્ની એક ચોખાનો દાણો લાવે અને એક દાળનો દાણો લાવે અને પછી બનાવે બસ ખીચડી અને બચેલો સમય કોઈની નિંદા કરીને સુખ મેળવી લિયે. અકારણ હસવું, બેતહાશા હસવું- જેવી બીજી કોઈ પણ માસ્ટરલી ઈનએક્ટિવિટી નથી.

શબ્દશેષ:“સતત કર્મશીલ વ્યક્તિ, મેં જોયું છે કે ભાગ્યે જ નમ્ર હોય છે, એવી સ્થિતિઓમાં પણ, જ્યારે કશું ય કરવું બહુ મોટી ભૂલ હોય… અને ત્યારે એણે માસ્ટરલી ઈનએક્ટિવિટી અપનાવવી જોઈએ.’ –કેનેડિયન લેખક રોબર્ટસન ડેવિસ Paresh Vyas

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.