*ડિસઈન્ફર્મેશન એન્ડ ઈન્ફોડેમિક

**ડિસઈન્ફર્મેશન એન્ડ ઈન્ફોડેમિક:* *અપમાહિતી અને* *માહિતીમહામારી*જોયું ને ઊઠ્યો ને ચોંક્યો ને કૂદ્યો ને નાઠો રે નાઠોમારામાંથી એક મારો જ ભયભીત ફાંટો રે ફાંટો – ‘Epidemic’ રમેશ પારેખ-૧૯૭૫ જી-૭ શું છે? સાત દેશો ફ્રાંસ, કેનેડા, ઈટાલી, જર્મની, જાપાન, યુ. કે. અને યુ. એસ.એ.. ગયા અઠવાડિયે તેઓ મળ્યા. આ બધા દેશો ધનવાન છે. ત્યાં લોકશાહી છે એટલે એમ કે સૌને સાથે લઈને ચાલવામાં માને એવા આ દેશો છે. ભારત એમાં નથી. આપણે ધનવાન નથી. પણ અહીં લોકશાહી છે. કદાચ વધારે પડતી છે. આપણે એને લાયક નથી. આપણે તો કડક શાસક જોઈએ. સોટી વાગે ચમ ચમ ને શિસ્ત આવે છમ છમ. જી-૭ શિખર પરિષદમાં ભારત મહેમાન તરીકે આમંત્રિત દેશ છે. ના, આપણાં વડાપ્રધાને સદેહે નહીં પણ વર્ચુઅલ દેહે પરિષદને સંબોધી. ‘ધ હિન્દુ’ અનુસાર, આપણાં વિદેશ મંત્રાલયનાં અધિકારી પી. હરીશે કહ્યું કે ભારત જી-૭નો સહજ સાથી છે અને આ દેશોનાં મજિયારા સિદ્ધાંતો અને ધોરણોને જાળવવા માટે કટિબદ્ધ છે. એટલે એમ કે ખતરો શેનાથી છે? તો કે ઑથોરિટેરિઅનિઝમ (એકહથ્થુ સત્તાવાદ), ટેરરિઝમ (આતંકવાદ), વાયોલન્ટ ઇક્સ્ટ્રીમિઝમ (હિંસક અતિવાદ), ઈકોનોમિક કોઅર્શન (આર્થિક જુલમ), ડિસઈન્ફર્મેશન અને ઈન્ફોડેમિક્સ. સ્વાભાવિક છે કે આ ઈશારો આપણાં પાડોશી દેશો ચીન અને પાકિસ્તાન તરફ હોય. અમને શબ્દો મળ્યા. ગુજરાતી લેક્સિકોનમાં જે શબ્દોનાં અર્થ આપ્યા છે એ અર્થો અમે અહીં ઇંગ્લિશ શબ્દોની જોડે કૌંસમાં લખ્યા છે. હવે જે શબ્દોનો અર્થ ગુ. લે.માં નથી, એનાં અર્થઘટનનું પિષ્ટપેષણ આપણે આજે કરીશું. ડિસઈન્ફર્મેશન (Disinformation) શબ્દ ઈન્ફર્મેશન શબ્દનો વિરોધાર્થી શબ્દ છે. શબ્દની આગળનો ઉપસર્ગ ‘ડિસ’ એટલે પૃથક–, ભિન્ન–, અલગ–, દૂર–, અ–, અન્–. અને ‘ઈન્ફર્મેશન’ શબ્દ આપણે જાણીએ છીએ. ઈન્ફર્મેશન એટલે જાણકારી, ખબર, માહિતી, કહેવું તે, જણાવવું તે, કહેલી વાત, જ્ઞાન, આરોપ, ફરિયાદ, ગુનાની બાતમી વગેરે. અને હા, દરેકને થાય કે જાણવું તો જોઈએ કે દેશમાં શું થઈ રહ્યું છે? શી નવાજૂની છે? આપણે કોને પૂછીએ? અખબાર, ટીવી કે પછી વોટ્સએપ કે ન્યૂઝએપ સહિત અનેક સ્રોતમાંથી ઓફલાઇન/ઓનલાઈન જાણકારી મેળવીએ. હવે મુશ્કેલી એ છે કે દરેકને કશું કહેવું છે. કોઈ જ્ઞાતિ અને જાતિની વાત કરે. કોઈ દેશની અખંડતા ને એકતાની વાત કરે. કોઈ ગુનાની અને સજાની વાતો કરે. કોઈ ધર્મની વાત કરે અને ધર્મકારણની વાતો આગળ ધરે. આમાંથી એક એક આચમની ભરીને માહિતી લઈએ તો ય ન્યૂઝ તો (વધારે પડતા) પીધાં જાણી જાણી થઈ જાય! દર અસલ જે આદાનપ્રદાન થાય છે, એમાં પોતાનાં અભિપ્રાયોનો મરીમસાલો ભભરાવેલો હોય છે. મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરી અનુસાર ‘ડિસઈન્ફર્મેશન’ એટલે ખોટી માહિતી, જે જાણી જોઈને અથવા ઘણી વાર છાનીછૂપી રીતે ફેલાવવામાં આવી હોય છે. એક અફવા જે જાણી જોઈને રોપી દેવાઈ હોય છે. અને ઘડીભરમાં તો એ કયાંથી ક્યાં પહોંચી જાય! ડિસઈન્ફર્મેશન ફેલાવવાનાં બે હેતુ હોય છે. એક તો લોકમાનસ પર પ્રભાવ પાડવો અને બીજો હેતુ છે સત્ય ઉપર ઢાંકપિછોડો. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જર્મની ઉપર અને તે પછી રશિયાની ગુપ્તચર એજન્સી કેજીબી સામે આવો ડિસઈન્ફર્મેશન ફેલાવાનો આરોપ લાગ્યો હતો. આ શબ્દ ત્યારથી મશહૂર થયો છે. ઘણાં એવું માને છે કે ડિસઈન્ફર્મેશન શબ્દ એ રશિયન શબ્દ ‘ડેઝઇન્ફૉમર્તસિયા’નો ઇંગ્લિશ અનુવાદ છે. એ વાત જુદી છે કે રશિયન શબ્દનો સાચો ઇંગ્લિશ અનુવાદ છે મિસઈન્ફર્મેશન (Misinformation-ખોટી કે ભૂલભરેલી માહિતી). ડિસઈન્ફર્મેશન અને મિસઈન્ફર્મેશન, એ બન્ને શબ્દો ખોટી માહિતી દર્શાવે છે. પણ ડિસઇન્ફર્મેશનનાં કિસ્સામાં એ જાણી જોઈને ફેલાવવામાં આવી હોય છે. ફેલાવનારાને ખબર જ છે કે આ સઘળું સાવ ખોટું જ છે પણ તો ય હું તો ફેલાવીશ જ. ધરાર ફેલાવીશ. જ્યારે મિસઈન્ફર્મેશનનાં કિસ્સામાં ખોટી માહિતી ફેલાવનારો પોતે એવું માને છે કે આ સાચી છે અને એમ પણ માને છે કે અન્ય લોકોને એ જાણવાનો પૂરેપૂરો અધિકાર છે. અને આમ ખોટી માહિતી ઓનલાઇનનાં ભર બજારે વેચાતી રહે છે, વહેંચાતી રહે છે. એક ત્રીજો શબ્દ પણ છે. મેલઈન્ફર્મેશન (Mel-information). અહીં માહિતી તો સાચી છે, પણ એનો ઉપયોગ કોઈ વ્યક્તિ, સંસ્થા કે દેશને નુકસાન પહોંચાડવા માટે થાય છે. ગુ. લે. અનુસાર ‘મેલ’ એટલે કુ–, દુ:–, દુષ્–, અધમનાં અર્થમાં વપરાતો ઉપસર્ગ. સરળ ગુજરાતીમાં કહેવું હોય તો ખોટી માહિતી, જાણી જોઈને આપેલી ખોટી માહિતી અને કુમાહિતી એટલે મિસઇન્ફર્મેશન, ડિસઈન્ફર્મેશન અને મેલઇન્ફર્મેશન. અને ઈન્ફોડેમિક (Infodemic) એટલે? યસ, તમે સાચું સમજ્યા. વર્ષ ૨૦૦૩માં બે શબ્દો જોડીને બન્યો આ શબ્દ. ઈન્ફર્મેશન અને એપિડેમિક. થેંક્સ ટૂ કોવિડ, આ બન્ને શબ્દો આપણે જાણીએ છીએ. એપિડેમિક એટલે વ્યાપક વાવરનો રોગ, વ્યાપક રોગચાળો અથવા મહામારી. પણ બે શબ્દો ભેગા કર્યા તો શું? માહિતીનો વ્યાપક રોગચાળો? કે રોગચાળાની વ્યાપક માહિતી? આ તો અઘરો શબ્દ થયો. મોદી સાહેબ, આપ પણ શશી થરૂરનાં રવાડે કાં ચઢી ગયા?!! ઇન્ફોડેમિક શબ્દ એટલે એવી માહિતી જે ઘડીનાં છઠ્ઠા ભાગમાં ઠેર ઠેર પહોંચી જાય. લોકો માસ્ક પહેરે, સેનેટાઈઝરથી વારંવાર હાથ સાફ કરે કે દો ગજકી દૂરી હૈ જરૂરી-ની સૂચનાનું પાલન કરે પણ તો ય માહિતીનો વાઇરસ ચેપ લગાડીને જ રહે. કોવિડ વેવની માફક જ. આપણાં આંખ કાન ઉપર માસ્ક પહેરો તો ય લાગી જાય! આપણે ગાંધીજીનાં ત્રણ વાંદરા હોઈએ તો પણ આ તો મહામારી છે, છોડે નહીં. જો કે આ શબ્દમાં માત્ર ઈન્ફર્મેશન છે. આગળ ‘મિસ’, ‘ડિસ’ કે ‘મેલ’ લાગ્યું નથી. એટલે આ માહિતી સાચી ય હોઈ શકે. હવે સાચી માહિતી ઝડપથી સરેઆમ ફેલાય તો બોલો, એમાં ખોટું શું છે? યૂ આર રાઇટ. પણ મુશ્કેલી એ છે કે તથ્ય અને અફવાનું મિશ્રણ સાંગોપાંગ હોય છે. આપણે માટે નીરક્ષીરનો વિવેક કરવો અઘરો થઈ પડે છે. વળી એમાં ડરની ખટાશ ભળી જાય તો તો એ ક્ષીર ઉર્ફે દૂધ ફાટી જાય. આમ પણ મહામારી સારી તો નહીં જ પછી ભલેને એ સાચી માહિતીની મહામારી હોય. હેં ને? અને પછી આ માહિતીમહામારી દેશનાં અને દુનિયાનાં અર્થતંત્ર, રાજકારણ અને સુરક્ષાને અજગર ભરડો લઈ લે છે. ઇન્ફોડેમિક એ એવા વતેસરની વાત છે. ઇતિ! શબ્દ શેષ:“આપણે માત્ર એપિડેમિક સામે લડી નથી રહ્યા, આપણે ઇન્ફોડેમિક સામે લડી રહ્યા છીએ, જે વાઇરસ કરતાં ય ઝડપથી અને અતિશય સરળતાથી ફેલાઈ રહ્યો છે.” –ડાયરેક્ટર જનરલ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.