Daily Archives: સપ્ટેમ્બર 23, 2021

ન્યુ ઈયર પાર્ટી

ન્યુ ઈયર પાર્ટી ‘હાય દીવા કેવી છે તૈયારી?’કોલેજ કેમ્પસના એન્યુઅલ પરીક્ષાના માહોલમાં દાખલ થતાં તેજસે પૂછ્યું. ‘ઓહ હું ક્યારની તને શોધતી હતી,આ પ્રશ્નનો જવાબ નથી મળતો, પ્લીઝ જલદી સમજાવી દે ને.’ પેપર શરૂ થવાની દસેક મિનિટસ પહેલા દીવાએ કહ્યું. ‘અરે! એક નહીં આવડે તો છોડી દેવાનો, એમાં પણ ઉદારતા હોવી જોઈએ મારી જેમ.’ તિમિર પાછળથી બોલ્યો. તિમિરને જવાબ આપ્યા વિના ઉતાવળથી તેજસ દીવાનો પ્રશ્ન સોલ્વ કરવા લાગ્યો. ‘ઓહોહો સાવ બોચિયા છો બંને, મને તો આવડે નહીં, એવા ગુંચવણભર્યા પ્રશ્નોનું પત્તું જ કાપી નાખું.’ ફરી તિમિર રોફથી બોલ્યો.’જો તિમિર, જે ગાંઠ ઉકેલી શકાતી હોય એ કદી કાપવી નહીં’ તેજસ તિમિરના ખભા પર હાથ મુકતા બોલ્યો.’ચાલ દિવા, વીસ યુ ઓલ ધ બેસ્ટ.’ ‘થેન્ક્સ, સેઈમ ટુ યુ કહી દીવા ગઈ. ‘હાય હાય હાય, મસ્ત છોકરી જોડે મસ્તી કરવાને બદલે એના મગજ જોડે મગજમારી કરે છે!’ ‘એવું ના બોલ દીવાનું સપનું છે, ખૂબ ભણવાનું, ઊંચી ઉડાન ભરવાનું,પાયલોટ બનવાનું. મને ખાતરી છે એ બનશે જ,ખૂબ મહેનતુ છે, આપણે થોડી મદદ કરીએ તો શું…’ ‘દીવાનું દીવાસ્વપ્ન પુરું કરવાને બદલે દીવાનું સ્વપ્ન જોવું શું ખોટું?’ તેજસની વાત કાપતા આંખ મીંચકારી તિમિર બોલ્યો. ‘તોબા તારી આ વાતોથી, ચાલ બેલ પડી ગયો,ઓલ ધ બેસ્ટ.’ ‘ઓ તને જ યાર! મને તો પેપર સિવાયનું જ બધું બેસ્ટ લાગે છે.’ બંને પોતપોતાના એક્ઝામ રૂમમાં ગયા. તેજસ થડ ઈયરનો સ્ટુડન્ટ અને દીવા ફર્સ્ટ ઈયરની,બંને સ્કોલર, બાળપણમાં બંને પાડોશી હતા ત્યારથી મિત્રતા. તિમિર આમ તો હતો તેજસના ક્લાસમાં પણ નાપાસ થતાં થતાં, હવે દીવાના ક્લાસમાં. ધનવાન બાપનો બેટો શોખ ખાતર કોલેજ આંટો મારે ને કોલેજની પરીઓને જોવા જ પરીક્ષા પણ આપવા આવે. આમ પરીક્ષાના પેપરો લખાતાં ગયાં. આખરી પેપર લગભગ લખાઈ ચૂક્યું હતું ત્યારે જ કોલેજ પર તેજસના ઘરેથી નાનાભાઈનો ફોન આવ્યો,’પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે, અમે હોસ્પિટલ જઈએ છીએ, તું જલદી આવી જજે.’ તેજસના પગ આંખ મીચીને તીવ્ર ગતિએ દોડવા માંડ્યા. કોઈ કંઈ કહે,પૂછે, રોકે,ત્યાં તો સામે પૂરપાટ ઝડપે આવતી કારમાંથી ચરરર… બ્રેક નો અવાજ આવ્યો એ જ ઘડીએ તેજસ બંનેને ગુમાવી ચૂક્યો હતો. પોતાના પગ અને પપ્પાને… પરીક્ષાનું રિઝલ્ટ ખૂબ જ સારું આવવા છતાં પણ તેજસને કોઈ ઉત્સાહ નહોતો.તેજસના ચહેરા પર ખુશી લાવવાના પ્રયાસમાં દીવા તેજસની વધુ ને વધુ નજીક થતી ગઈ. દુઃખની અંધારી ઘટા વચ્ચે જીવતા તેજસને દીવાનો ઉજાસ ગમતો. એ ઉજાસ પણ ધીરે ધીરે વધુ ઝળહળ થતો ગયો.જેમ જેમ એ દીવાને ચાહવા લાગ્યો તેમ તેમ એ એનાથી દૂર થવા ઇચ્છતો. ‘દીવા, તું મારી સાથે તારો કેટલો સમય બરબાદ કરે છે! હવામાં ઉડવાનું તારું સ્વપ્ન…’ એક દિવસ તેજસે પૂછી જ લીધું. બધાનાં સ્વપ્નો ક્યાં સાચાં પડતાં હોય છે? જો ને તારા પગ! જમીન પર પણ નથી મૂકી શકાતા, ને હું હવામાં ઉડું? ચાલ, આપણે મળીને ટ્યુશન ક્લાસ શરૂ કરીએ. તેજસનો હાથ પકડી દીવા બોલી. તેજસે કંઈ જવાબ નહીં આપ્યો. દીવા મૂક સંમતિ સમજી ખુશ થતી ઘરે ગઈ. તે દિવસે સાંજે તિમિર મળવા આવ્યો.વ્હીલચેર ઘુમાવતા તેજસેકહ્યું, ‘દોસ્ત,તું કંઈક રસ્તો બતાવ, જેથી દીવાને મારા તરફ નફરત થાય. મારા જેવા અપંગ સાથે એ એની આખી જીંદગી ગુજારે એ વાત હું સહી શકતો નથી.’ ‘અરે પણ એને વાંધો નહીં હોય તો, તારે શું? જલસા કર જલસા!’ ‘ના, ના, તિમિર, મજાક નહીં કર, કોઈની જિંદગી બગાડવાનો મને હક નથી. એની પાસે તો આપણે એનો ધ્યેય,એનું સપનું પૂરું કરાવવાનું છે.’ ‘સારું, મને ખબર છે, એ માનવાની નથી, છતાં એને સમજાવાની ટ્રાય કરીશ. પણ તારે સપોર્ટ કરવો પડશે, એ મળવા આવે તો તું પણ બિલકુલ રિસ્પોન્સ આપીશ નહીં, અઘરું છે, છતાં કરવું પડશે.’ ચારેક દિવસ તો દીવા આવી નહીં. ને પછી આવી ત્યારે પણ સવાલો, સવાલોનાં ટોળા લઈને આવી તેજસે મન મક્કમ રાખી ખાસ જવાબો નહીં આપ્યા. અપમાનિત થઈને પાછી ફરી. ‘તેજસને એની ફિઝિયોથેરાપીસ્ટ સાથે ચક્કર છે,’ એવી તિમિરની વાત એને સાચી લાગવા માંડી. પછીના બે-ત્રણ અનુભવો પરથી માન્યતા દ્રઢ બની. દીવા આવતી બંધ થઈ ગઈ. તેજસ અંદરથી કોરાઈ જતો અને ઈચ્છતો કે એ આવે. પણ શું થાય?એકાદ મહિનો પછી સાંજના ટાઇમે ડૉરબેલ વાગ્યો. તેજસને થયું, નક્કી તિમિર જ. નાનાભાઈ એ બારણું ખોલ્યું દીવા આવી હતી. મોરપિચ્છ સાડીમાં બેહદ ખૂબસુરત લાગતી હતી. પરંતુ ચહેરો ઊતરેલો હતો. પાછળ એના મમ્મીપપ્પા પણ હતા. દીવાના મમ્મી બોલ્યાં, ‘આવતા સોમવારે પહેલી જાન્યુઆરીએ તિમિર સાથે દીવાના એંગેજમેન્ટ છે, આપ બધાં જરૂરથી આવજો.’ હજુ તો તેજસ કંઈ બોલે એ પહેલા તો તેઓ પગથિયાં ઉતરી ગયાં. તેજસ દીવાની સાડી પહેરેલી પીઠને તાકી રહ્યો, વિચારવા લાગ્યો,’તિમિરે ન જાણે દીવાને શું સમજાવ્યું?.. ને દીવા, તારે તો ફક્ત મારાથી દૂર જવાનું હતું,તારા ધ્યેયને આંબવા!’પણ હવે શું થાય? દીવા તિમિરનીની સાથે ફરવાં લાગી. બાગમાં, થિયેટરમાં, પાર્ટીઓમાં, મિત્રો સાથે.મોંઘાદાટ કપડા,દાગીના, પર્સ,પરફ્યુમ્સ વિગેરેની ગિફ્ટસ આપીને તિમિરે પ્રેમનો અહેસાસ કરાવતો. પળભર દીવાને પણ થયું, ‘તેજસ સાથે કદાચ આટલી ખુશ ન પણ હોત!’ વળી તિમિરે દીવા સાથે મંદિર,કથા, પૂજા, આરતીમાં પણ હાજરી નોંધાવી સંસ્કારિતાનું પ્રદર્શન કર્યું. દીવાના મમ્મીપપ્પા પણ ખુશ થતા,’ભલે ધનિક બાપનો બેટો, પણ કેવા સંસ્કાર! વળી ન તો અભિમાનનો એકે છાંટો!’ એઓ તિમિર સાથે વધુ ફરવાની છૂટ આપતા. આજે તો ૩૧મી ડિસેમ્બર, ન્યુ ઇયર પાર્ટી તો કેમ ચૂકાય! ખૂબ જ કિંમતી ઇવનિંગ ગાઉન પહેરીને એ ડાન્સ પાર્ટીમાં ગઈ. ડ્રિંક્સ,ડીનર બાદ દીવા પણ નશામાં ઝૂમવા લાગી અને વિવિધ ખભાઓ પર ઝૂકવા લાગી. ડાન્સમાં તિમિરના મિત્રો પણ જોડાતા ગયા. એક.. બે.. ત્રણ..અને પછી નશામાં દીવાને ઉંચકીને હોટેલના રૂમમાં લઈ ગયા અને પછી ન થવાનું થયું. સવાર પડતાં જ અધમૂઈ હાલતમાં દીવાને ઘરે મૂકી ગયા. દીવાને પૂરેપૂરું ભાન આવે અને એ કંઈ સમજે જાણે એ પહેલા તો ઘરવાળા, મહોલ્લાવાળા, સગાવહાલા જાણી ચૂક્યા હતા. સમજી ગયા હતા અને પછી તો સલાહ,સૂચન,શિખામણ, અફસોસ વ્યક્ત કરતા લોકોના દેખાડા. પછી તો પત્રકારો, મહિલા સંમેલન, સામાજિક મંડળો, પોલીસ, જુબાની, કોર્ટ,કચેરી,સામે છેડે પૈસા, લાગવગ, ઓળખાણ, પહોંચનો દુરુપયોગ,આરોપ… દીવા થાકી ગઈ હતી,એક દિવસના બળાત્કાર પછી પણ જાણે દિવસો સુધી અન્ય બળાત્કારો થતા રહ્યા માનસિક રીતે. કહેવાય નહીં ને સહેવાય નહીં જેવી હાલતમાં મમ્મી-પપ્પા પણ એને કોસતા. હવે રડવું પણ આવતું નહોતું. રાત રાતભર પીડાતી રહી વિચારતી રહી, ‘હવે આનો કોઈ ઉપાય નથી!!’ અને એક દિવસ સૂરજ ઊગે એ પહેલા,તિમિરની આપેલી સઘળી ચીજવસ્તુઓ સમેટી ઘરેથી ભાગી ગઈ. ખૂબ તપાસ કર્યા બાદ પણ દીવાનો પત્તો ન મળ્યો તે ન જ મળ્યો. સૌએ આશા છોડી દીધી પણ કોણ જાણે કેમ તેજસે આશાનો તંતુ પકડી રાખ્યો હતો. ‘કદાચ દીવા આમ, કદાચ તેમ, કદાચ અહીં, કદાચ ત્યાં..’ ના પણ દીવા ક્યાંય નહોતી. તિમિર ખરેખર દીવાનું અંધારું કરી ગયો હતો. તિમિરને કામ સોંપવા બદલ એને પારાવાર રંજ થયો એ પોતાને દોષી માનતો. એણે તિમિર સાથે દોસ્તી તોડી, અલબત્ત આ ઘટનાના દિવસથી જ તૂટી ચૂકી હતી. તેજસે લગ્ન ન કર્યા. ‘દીવાનું તેજ’ નામના ટ્યુશન ક્લાસ ચાલુ કર્યા.સવારે પાંચથી રાત્રે અગિયાર સુધી એમાં રચ્યોપચ્યો રહેતો.એ સિવાય ફક્ત એક જ પ્રવૃત્તિ બધા ન્યુઝ પેપર નો ખૂણેખૂણો વાંચી કાઢતો, કદાચ કોઈ દિવસ દીવાની ભાળ મળે. આ બાજુ દીવા તો ઘરેથી કફન બાંધીને જ નીકળી હતી. મનોમન મક્કમ નિર્ધાર સાથે નીકળી હતી મરવું જ છે,હા, એક દિવસ જરૂરથી મરવાનું છે, પણ એ દિવસની રાહ જોઇશ, એ પહેલાં કંઈક કરી જઈશ. મારું મન કે શરીર ભલે કલંકિત થયું પણ એ જરૂર કોઈ ને કામ લાગશે. શું કામ એમનેમ મરું? મારા લોહી,આંખ, કિડની, હાડકાં, હૃદય શરીરનાં એક એક કોષનો ઉપયોગ કરીશ બીજાને માટે. મમ્મી કહેતી હતી, ‘બેટા, આપણું માથું શરમથી ઝૂકી ગયું છે,કોઈને મોઢું બતાવાય એમ પણ નથી.’ ‘ના, હું બતાવીશ, અરે ગર્વથી બતાવીશ. તેજસ કે તિમિર! હમણાં કોઈ ના જ વિચાર નથી કરવા.’ સાથે લાવેલા ડાયમંડનાં ઘરેણાં, સરસ કપડાં પહેરી લાંબી લાંબી મુસાફરી કરવા માંડી. બસ, રીક્ષા, કાર કે ઇવન ટ્રકમાં લિફ્ટ, ટ્રેઇન..જાણે રાહ જોતી હોય કે ક્યારેય કોઈ એની છેડતી કરે,ને એ જવાબ આપે.હવે એને કોઈ ડર, શરમ કે ગીલ્ટ નહોતાં. લોકો એની તરફ જોતા રહેતા પણ હજુ કોઈએ એને છેડવાની હિંમત કરી નહોતી. ટ્રેનમાં એની નજર એક યુવતી તરફ ગઈ બે-ત્રણ છેલબટાઉ યુવકો એની છેડતી કરી રહ્યા હતા. એણે યુવતીને બોલાવી પાસે બેસાડી,જાણ્યું કે ઘરેથી થયેલા માબાપ સાથેના ઝઘડામાં એ ઘર છોડીને ભાગી હતી. રસ્તામાં આ છોકરાઓ એનો પીછો કરી હેરાન કરતા હતા. દિવાએ છોકરાઓને ધમકાવ્યા અને યુવતીને તે પોતાની સાથે લઈ ગઈ, હોટેલમાં રાખી કેટલીય વાતો કરી, વહાલથી જમાડી. અને માણસને મળેલી અણમોલ જિંદગી વિશે અને મા-બાપ સાથે ક્યારેય ન ઝગડવા વિશે મોટીબહેનની માફક સલાહ સૂચન આપ્યા અને બીજે દિવસે પોતે જ એના ઘરે મૂકવા આવશે એવું જણાવી હાથ ફેરવીને સુવડાવી. સવારે વહેલી ઉઠી, જોયું તો યુવતી હતી નહીં. બાથરૂમમાં જોયું, દરવાજો ખોલી બહાર જોવા ગઈ ત્યાં પગમાં કશુંક લાગ્યું ચિઠ્ઠી પડી હતી, ખોલીને વાંચવા માંડી, ‘દીદી, સોરી. તમે મને નાની બહેનની જેમ ખૂબ વહાલથી રાખી પણ હું એને લાયક નથી. હું પેલા યુવકોના ગેંગની જ છું. તમારી પાસેથી ઘરેણા, પૈસા ચોરવા આવી હતી. એક વખત થઈ ગયું કે, નહીં લઈ જાઉં પણ એમનેમ જાઉં તો મારા સાથીદારો મને મારી નાખશે. એટલે તમારા ઘરેણા,પર્સ ચોરી જાઉં છું.માફ કરજો’ દીવા ચોંકી ગઇ,રૂમની બહાર નીકળી, થયું કે દોડીને વોચમેનને પૂછી આવું, પણ આ શું છે? ડૂચો વાળેલું ટીસ્યુ પેપર ઊંચક્યું. ઉતાવળે એના પર કંઈક લખાયું હોય એમ લાગ્યું,’ દીદી મારું મન નહીં જ માન્યું. બહાર ગઈ પણ તમારો જ ચહેરો દેખાતો હતો. તમારું વહાલ વરસતું હતું.ના, નહીં જ લઈ જઈ શકું આ તમારી અમાનત. બહાર ગાર્ડનમાં બોગનવેલની પાછળ મૂકું છું,આશા છે કે તમને મળી જાય. શક્ય હોય તો તમારી નાની બહેનને માફ કરી દેજો. મારું જે થવાનું હશે તે થશે.’ દીવા દોડી…ઘરેણાંને નહીં,યુવતીને પકડવા, બહાર જોયું તો સૂરજ ઊગે એ પહેલા એક સૂરજ ઊગી ગયો હતો. હવે એ નીકળી પડી આંખ સામે એક ધ્યેય સાથે. પેલી યુવતીને બચાવવી,પેલા યુવકો પાસેથી છોડાવવી. આમને આમ સાત વર્ષ વીતી ગયા. દીવાના મમ્મીપપ્પાએ ડુસકામાં ને તેજસે પ્રતીક્ષામાં વિતાવ્યા. તિમિરે સાત વર્ષ શું કર્યું એ ખબર નથી પણ તેજસ હજુ પણ રોજ સવારે ન્યૂઝપેપરના ખૂણેખૂણાની કિનાર પકડી રાખતો. આજનું ન્યૂઝપેપર પણ એણે વાંચ્યું નિરાશ થયો નિરાશ જ થાયને એણે ખૂણેખૂણો જ વાંચ્યો હતો. પરંતુ ઘડી કરીને મુકવા ગયો ત્યાં નજર પડી ન્યુ ઇયરના પહેલી જાન્યુઆરીના ન્યૂઝ પેપરની હેડલાઈનમાં જ દીવાનું નામ હતું. પહેલા તો માની જ ન શક્યો,પરંતુ સાથે ફોટો હતો, ‘દીવા ચતુર્વેદી’ લેડી આઇ.પી.એસ. ઓફિસરની શહેરમાં ટ્રાન્સફર.જેમણે જુદા જુદા શહેરોમાં અનિચ્છાએ મોકલાયેલી 226 જેટલી યુવતીઓ ને એકલે હાથે બચાવીને, બધી જ યુવતીઓને પોતે સ્થાપેલી સંસ્થા ‘નારી શક્તિ’માં આશરો આપ્યો છે.આ જ નારીશક્તિની કેટલીય યુવતીઓ જુદા જુદા શહેરોમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે. તેજસે દીવાના ઘરે ફોન ડાયલ કર્યો પણ એંગેજ આવતો હતો. એણે મનોમન દીવાને અભિનંદન આપ્યા. દૂરથી પણ તેજસ દીવાનું તેજ અનુભવતો હતો.યામિની વ્યાસ

68You, Gaurang Vyas, Gargi Desai and 65 others67 CommentsLikeCommentShare

Leave a comment

Filed under Uncategorized