Daily Archives: ઓક્ટોબર 5, 2021

ચાલો રીવર્સમાં જઇએ પાર્ટ-2

ચાલો રીવર્સમાં જઇએ પાર્ટ-2: (ગયા અંકમાં આપે વાંચ્યું કે પ્રાચીન ગ્રીસમાં પરાક્રમ કરીને પાછા ફરેલા થેસિયસનું જહાજ એથેન્સવાસીઓ કાયમી યાદગીરી માટે સાચવી રાખે છે. કાળક્રમે જહાજનો જે હિસ્સો સડી જાય તે ટૂકડો નવો નંખાય. સદીઓ વીતી. ધીરે ધીરે કરતા જહાજનાં બધા જ ટૂકડાં બદલાયા. ચર્ચાઓ શરૂ થઇ કે હવે આ જહાજ શિપ ઓફ થેસિયસ કહેવાય કે નહીં? કોઇ કહે કહેવાય, કોઇ કહે ના રે ના. આ વિરોધાભાસી વાતને લઇને એક અદભૂત ફિલ્મ બની છે. રાજકોટ મહા(!)નગરમાં ‘શિપ ઓફ થેસિયસ’ ફિલ્મનો પડતર રનીંગ ખર્ચ પણ સરભર થાય એટલાં લેવાલ(દર્શક વાંચવું) નહોતા એટલે ફિલ્મનાં શૉ થઇ ન શક્યા. રાજકોટ શહેરનાં તબીબો, વકીલો, અધિકારીઓ, સાહિત્યકારો, શિક્ષણવિદો, અખબારનવેશો સહિતનાં તમામ બુદ્ધિજીવીઓને સમય નહોતો. સરસ વાત પણ ખોટા સમયે, ખોટા વાતાવરણ(આઇ મીન વરસાદી વાતાવરણ)માં દર્શાવાતી હોય તો નિષ્ફળ જાય. રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું પાટનગર સાચું પણ એનો પરિવેશ હજી ગ્રામ્ય છે. અમને ફિલ્મ ન જોયાનો અફસોસ ત્યારે થયો જ્યારે ફિલ્મનાં યુવા ગુજરાતી નિર્દેશક આનંદ ગાંધીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે એમની સર્જનશીલતામાં ગુજરાતી સાહિત્ય, ખાસ કરીને કવિ શ્રી રમેશ પારેખની ગહેરી અસર છે. જો ક ઈ જાણીને અમને મઝા તો પડી. બંધ હોંઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે એ સોનલ જ્યારે ઘરડી થાય અને બાંકડે બેસે ત્યારે શું એ એ જ સોનલ કહેવાય? શું શિપ ઓફ થેસિયસ ફિલ્મની પ્રેરણા ખરેખર તો સોનલ પેરાડોક્સ જ છે? હવે આગળ) આમ તો વધુ આવતા અંકે એવું લખતા લખી દીધું. કારણ અમારી ઇચ્છા આંતરરાષ્ટ્રિય સ્તરની ફિલ્મનાં આપણા ગુજરાતી ડાયરેક્ટર આનંદ ગાંધીનો ઇન્ટરવ્યૂ લેવાની હતી. અમે અતિસૌજન્યશીલ એવા અમારા તંત્રી શ્રી કૌશિકભાઇને વિનંતી કરી કે અમને ફિલ્મનાં ડાયરેક્ટર આનંદ ગાંધીનો મોબાઇલ નંબર ગોતી દ્યો. પણ તંત્રીઓને તંત્રીલેખ લખવા સિવાય વાર્ષિક લવાજમનાં ડ્રો કરવા સુધીનાં અનેક કામો હોય છે એટલે તેઓ આનંદભાઇનો સંપર્ક થાય એવી કોઇ વ્યવસ્થા ગોઠવી ન શક્યા. હવે હું ચિંતામાં હતો. કોલમની ડેડ લાઇન નજીક આવતી જતી હતી અને શિપ ઓફ થેસિયસ વિષે વધુ શું લખવું એનો કોઇ વિચાર મારા મનમાં આવતો નહોતો. ફિલ્મ મેં જોઇ નહોતી પણ એમાં ત્રણ વાર્તાઓ હતી. એક સોનલવર્ણી અંધ છોકરી માત્ર અવાજ અને ગંધનાં આધારે અદભૂત ફોટોગ્રાફી કરતી હતી. કોર્નિયા સર્જરીથી એને દ્રષ્ટિ પાછી મળી પછી ત્યાર પછી એની ફોટોગ્રાફીમાં એ દમ નહોતો. શું શરીરનું અંગ બદલાય ત્યારે એ વ્યક્તિ એ જ રહે કે બદલાય જાય? આવી જ બીજી બે વાર્તા હતી. પણ આ વાત તો અનેક કટારલેખકો અને ફિલ્મ વિવેચકો લખી ગયા છે. કોકિલા મારી ચિંતા વાંચી શકે છે. એની પાસે છઠ્ઠી જ્ઞાનેદ્રિય છે. મને કહે એક કામ કરો. આનંદ ગાંધીનો કાલ્પનિક ઇન્ટરવ્યૂ કરો. અને આમ મારી કોકિલાએ લીધેલો આનંદ ગાંધીનો કાલ્પનિક સાક્ષાત્કાર લખી રહ્યો છું. કોકિલા: નમસ્તે આનંદભૈ.. આનંદ: હાય..હાવ યુ ડૂઇંગ.. કોકિલા: સારું સારું. આપની ફિલ્મ વિષે થોડું પૂછવું છે? આનંદ: યસ, ગો ઑન.. કોકિલા: આપે કહ્યું કે આપની આંતરરાષ્ટ્રિય સ્તરની ફિલ્મ પાછળ ગુજરાતી સાહિત્યની ઊંડી અસર છે. આનંદ: સ્યોર.. હું નખશીખ ગુજરાતી છું. રમેશ પારેખ મારો ફેવરીટ કવિ. આ ઉપરાંત મરીઝ અને શેખાદમ આબુવાલા મારા ગમતા કવિ. ઇન ફેક્ટ, મારું પહેલું પરફોર્મીંગ આર્ટ ગુજરાતી નાટક હતું. ‘ચાલો રીવર્સમાં જઇએ’-નાં શૉ મેં અમદાવાદમાં કર્યા હતા. કોકિલા: ‘શિપ ઓફ થેસિયસ’નો વિરોધાભાસ અને ગુજરાતી સાહિત્ય… આનંદ: ર.પા. મારી પ્રેરણા છે. ર. પા.ની કવિતા મસ્ત છે. ર. પા.ની કવિતા સમસ્ત છે. આ જેને દુનિયા ગ્રીક પેરાડોક્સ કહે છે એ ખરેખર તો ગુજ્જુ પેરાડોક્સ છે. તમે પેલી કવિતા વાંચી હશે. ખુલ્લી તલવાર જેવી છોકરી સવારનાં ખુલ્લા અજવાળામાં… કોકિલા: ..ખલ્લાસ.. હવે કોણ કહે ખમ્મા એ જીવને-..જે મને મૂકીને લપસ્યો છે લાગલો કૂંડાળામાં….. વાહ…ર. પા. વાહ.! આનંદ: હવે વિચારો કે ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમે જેને ફૂલ દીધા હોય એ સોનલ ડોશી થાય ત્યારે શું કરે? ર.પા.નું ડોશી કાવ્ય યાદ છે? ડોશી હાડકામાં ભળભાંખળાનું કાચું અંધારું મમળાવે પ્રભાતિયાંમાં ઘરડી જીભ ઝબોળે નાવણનાં પાણીમાં ગંગા-જમનાનાં પુણ્ય ફંફોસે પૂજામાં લાલાને કરચલિયાળ ચામડીનો ઉપરણો ધરે. માગણના ખલતામાં વાડકો એક ધ્રૂજારી ઠાલવે. ગાયકૂતરાંને બીક ચોપડેલી ચાનકી નીરે. ઊગતા સૂરજને ઝાંખાં ઝળઝળિયાંથી વાંદે ઘરને છીંકણીના સડાકામાં મૂંગીમૂંગી ભોગવે ગળા નીચે ઊતરી ગયેલી વાચાનો વાછૂટમાં મોક્ષ કરે આખ્ખું જીવતર બીજાઓના ભોગવટામાં ભાળે જગતભરની એકલતા ઉપાડી- વાંકી વળી ગયેલી પોતાની પીઠ અઢેલવાને ફળિયાની ધૂળમાં શોધે ખોવાયેલા ડોસાને. કોકિલા: એ જ સવાલ છે? શું આ સોનલ એ આ જ છે કે પેલી છે? આનંદ: કાળક્રમે કશું બદલાતું નથી. આપણે સ્થિર છીએ. સમય વહેતો જાય છે. ડોસીનાં હોઠ હવે કરચલિયાળ થયા છે, બસ એટલું જ. અને ડોસો નથી એની પૂર્તતા એ લાલાની દેવસેવામાં ગોતે છે. કોકિલા: કેટલાંક લોકો બદલાતા હોય તેવું લાગે. સારો માણસ ખરાબ થાય ત્યારે એ એ જ માણસ કહેવાય કે.. આનંદ: માણસ એ જ રહે. માણસ સારા જ હોય છે. કોઇ માણસ એક વેળા ખૂબ સારો હતો, હવે એવો નથી- એવું થાય ત્યારે તેને અત્યારનાં માપદંડથી મૂલવવો યોગ્ય નથી. ભૂલેચૂકે પણ કોઇએ સારું કાર્ય કર્યું હોય, અપવાદ રૂપે પણ કોઇ તમને ગમ્યા હોય તો એ જ મૂલ્યાંકન સાચું. હરહંમેશ સાચું. કાયમ માટે સાચું. કારણ કે એ જ ઓરિજીનલ છે. સોનલ કોઇ પણ કાળે, કોઇ પણ ક્રમમાં એ જ રહે છે. હું તો ફિલ્મને શિપ ઓફ સોનલ એવું નામ દેવાનો હતો, પણ ગુજરાતી સાહિત્યની વિશ્વ કક્ષાએ કોઇ ઉપજ નથી એટલે શિપ ઓફ થેસિયસ એવું નામ રાખ્યું. કોકિલા: રાજકોટમાં આપની ફિલ્મ ન ચાલી તેનો અફસોસ? આનંદ: જરા પણ નહીં. ઘણાં વર્ષો પહેલાં આવ્યો હતો ત્યારે સદર શેરબજારની સામે જીવતો આખલો આરામ ફરમાવી રહ્યો હતો. આજે બીઆરટી રોડ પર પિઝાહટ સામે ગાય બેઠેલી જોઇ શકાય છે. એક ફેંટાસ્ટિક ફ્યુઝન છે રાજકોટની આવોહવામાં. ગાયનું દૂધ પિઝાહટનું ચીઝ બની જાય તો ય ગાયનું અસ્તિત્વ તો રહે જ ને? થેસિયસ પેરાડોક્સ રાજકોટવાસીઓને સુપરે રાસ આવી ગયું છે. કોકિલા: સૌરાષ્ટ્રવાસીઓને કોઇ સંદેશ? આનંદ: બસ, ચંદ્રકાંત બક્ષી અહીંથી શીખેલા એ કે ગાંઠિયા સ્થિતપ્રજ્ઞ છે. તીખાં મરચાં હોય કે મીઠી જલેબી, સૌનો સાથ, સૌનો વિકાસ.. સૌરાષ્ટ્રવાસીનો એ જ કહેવાનું કે ઇ કરીને છો તેવા જ ઓરિજિનલ રહેજો… રામ..રામ.. કોકિલા: રામ..રામ.. આમ કોકિલાએ આનંદ ગાંધીનો કાલ્પનિક ઇન્ટરવ્યૂ પૂર્ણ કર્યો. મને થયું કે ઇન્ટરવ્યૂની શરૂઆતમાં ‘હાય’ કહેતા આનંદ ગાંધી અંતે રામ રામ કહીને છૂટા પડ્યા. એને એ જ આનંદ ગાંધી કહેવાય? કોકિલા ક્યારેક જબરા તારામૈત્રક રચતી હોય છે. (અસ્તુ)

Leave a comment

Filed under Uncategorized