Daily Archives: ઓક્ટોબર 6, 2021

લવનો રંગ લવેન્ડર

લવનો રંગ લવેન્ડર कोई समझे तो एक बात कहूँ इश्क़ तौफ़ीक़ है गुनाह नहीं -फ़िराक़ गोरखपुरीપ્રેમ એ ગુનો નથી, એ તો વરદાન છે. જાણીતા લેખક સંપાદક વિનોદ મહેતા પોતાની આત્મકથા ‘લખનૌ બોય’માં લખે છે કે ઉર્દૂનાં જાણીતા શાયર ફિરાખ ગોરખપુરી સજાતીય સંબંધ માટે સદા આતુર રહેતા. અમારા જેવા છોકરાઓને પોતાનાં તરફ આકર્ષિત કરવાના તમામ પ્રયત્નો તેઓ કરતાં. અડધી બોટલ રમ પીતા પીતા અને સાથે સાથે તેઓ ઇંગ્લિશ ભાષાનાં દિગ્ગજ કવિઓ વર્ડ્સવર્થ, શેલી કે કીટ્સની કવિતાઓની વાતો કરતાં પણ એમની નજર અમે છોકરાઓની કમર નીચે જ રહેતી. એમને એમાં મઝા આવતી. પછી એમની આંખો લાલ થતી અને પછી કહેતા કે પુરુષ પુરુષ વચ્ચેનો પ્રેમ પણ કુદરતી જ હોય છે. પછી તેઓ અમારા પૈકી એકને એમની બાજુમાં બેસવા કહેતા અને એ સિગ્નલ હતું હવે ત્યાંથી ભાગી છૂટવાનું…! જુન મહિનો એટલે સમલિંગી વ્યક્તિઓનો સ્વાભિમાન મહિનો. તેઓ પુરુષ હોય કે સ્ત્રી છે પણ સાથી તરીકે તેઓ સમલિંગી વ્યક્તિને પ્રેમ કરવાનું પસંદ કરે છે. આમ તો હવે ‘લેસ્બિયન’ (સમલિંગકામી સ્ત્રી) કે ‘ગે’ (સમલિંગકામી પુરુષ) ઉપરાંત ‘બાઈસેક્સ્યુઅલ’ (ઊભયલિંગીકામી સ્ત્રી કે પુરુષ) અને ‘ટ્રાન્સજેન્ડર’ (જન્મજાતિ વિપરીત વ્યક્તિ). હવે એમાં ‘ક્વેશ્ચનિંગ’ કે ‘ક્વીઅર’(આમ સમલિંગી પણ હજી પસંદગી પર પ્રશ્નાર્થ હોય તેવી વ્યક્તિ). બધા સંક્ષેપાક્ષર મળીને શબ્દ બન્યો એલજીબીટીક્યૂ. આજથી ૫૨ વર્ષો પહેલાં ૨૮ જૂનની વહેલી સવારે ન્યૂયોર્કનાં ગ્રીનીચ વિલેજમાં સમલિંગી વ્યક્તિઓનું લોકપ્રિય મિલન સ્થાન સ્ટોનવોલ ઈન પર પોલિસે છાપો માર્યો. અત્યાર સુધી આવા છાપા પડતા હતા અને છાપાંમાં આ વાતો છપાતી. પણ ક્યાંય કોઈ વિરોધ નહોતો. આ પહેલી વાર બન્યું કે હોટલની આસપાસ એકઠાં થયેલાં ટોળાએ પોલિસનો હુરિયો બોલાવ્યો, પથ્થરમારો કર્યો, પરચૂરણ સિક્કાઓ ફેંક્યા. તે સમયે સ્થળે રહેલાં પોલિસે આખરે વધારાની કુમક બોલાવવી પડી. પછી આ વિરોધ પાંચ દિવસ ચાલ્યો પણ સમલિંગી સમાન અધિકાર આંદોલનનાં બીજ પહેલી વાર રોપાયા. ગયા અઠવાડિયે ગૂગલ સર્ચ એન્જિન દ્વારા આ આંદોલનનાં પ્રણેતા ફેંક કમેની (૧૯૨૫-૨૦૧૧)ને શ્રદ્ધાંજલિ આપતું ડૂડલ રજૂ કરવામાં આવ્યું. ફ્રેન્ક કમેનીએ બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકન સૈન્યનાં સેનાની તરીકે યુરોપમાં ફરજ બજાવી હતી. પછી પ્રતિષ્ઠિત હાર્વડ યુનિવર્સિટીમાંથી અવકાશવિજ્ઞાન વિષયમાં ડૉક્ટરેટ કર્યું અને સરકારી વિભાગમાં અવકાશયાત્રી વિભાગમાં વરિષ્ઠ અધિકારી તરીકે જોડાયા પણ જેવી સરકારને ખબર પડી કે તેઓ સમલિંગી છે તેઓને નોકરીમાં તગેડી મૂક્યા. તેઓએ આંદોલન કર્યું. સમલિંગી કામી પસંદગી એ માનસિક રોગ છે, એવા અમેરિકન સાયકિયાટ્રીક એસોસિએશનનાં દાવાને એમણે પડકાર્યો. આખરે ૨૦૦૯ માં સરકારે તેઓની વિધિવત માફી માંગી અને પાટનગર વોશિંગ્ટન ડીસીમાં એક રસ્તાને એમનું નામ આપ્યું. પણ ગઈ સદીનાં મધ્ય ભાગમાં અમેરિકન શાસનકર્તાઓ માનતા કે આ મનોરોગ છે. આવા લોકો કોઈ કામને લાયક નથી. એવું મનાતું કે સમલિંગી વ્યક્તિઓ સામ્યવાદ તરફી છે અને દેશની સુરક્ષા માટે જોખમ છે. સરકારી નોકરીમાંથી એમની સામૂહિક બરખાસ્તગી કરવામાં આવી. આ ડર, ધાસ્તી કે ધ્રાસકો ‘લવેન્ડર સ્કેઅર’ (Lavender Scare) તરીકે ઓળખાયો. ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘લવેન્ડર’ એટલે એક ખુશબોદાર ફૂલોવાળો છોડ, તેના ફૂલનો ફીકો જાંબુડિયો રંગ. અને ‘સ્કેઅર’ એટલે અગાઉ કહ્યું તેમ ડર, ધાસ્તી કે ધ્રાસ્કો. અમેરિકી સરકાર સમલિંગી લોકોને સરકારી નોકરી માટે અનફિટ જાહેર કરી ચૂકી હતી. તેઓ ગુનાઈત ગાંડાં કે નૈતિક પતિત કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યા હતા. અમેરિકા તો મૂડીવાદી દેશ છે. હંમેશા ડર તો રહે કે ક્યાંક સામ્યવાદ ઘૂસી ન જાય. તે સમયે લોકોની માન્યતા પણ એવી જ હતી કે સામ્યવાદીઓ નીતિભ્રષ્ટ હોય છે અને માનસિક રીતે અસ્થિર હોય છે. સમલિંગી વિષે પણ એવું જ મનાતું. અને આમ સામ્યવાદી અને સમલિંગી વચ્ચે કોઈ સીધું કનેક્શન ન હોવા છતાં બંને માટે સરકાર કક્ષાએ ડરનો માહોલ ઘેરો થતો ગયો. પણ આ ડરને લવેન્ડર ઉર્ફે ફીકો જાંબુડિયો રંગ શા માટે દીધો? સામ્યવાદીઓથી જે ડર હતો એ ‘રેડ સ્કેઅર’ તરીકે જાણીતો બન્યો હતો. એનાં પ્રણેતા સેનેટર મેકકાર્થી રેડ સ્કેઅરને જીવંત રાખવા એને લવેન્ડર સ્કેઅર સાથે જોડી દેતા, જેથી મામલો ચર્ચાતો રહે. એ તો પત્રકારોને કહેતા કે ‘જો તમે મારા વિરોધી હો તો કાં તો તમે સામ્યવાદી છો કાં તો મુખમૈથુનમાં રાચનારા..’દર અસલ અમેરિકા દેશ પુરુષને અને સ્ત્રીને બે અલગ રંગમાં જુએ છે. છોકરો હોય તો એ હંમેશા આસમાની કે ભૂરાં વસ્ત્રમાં હોય અને છોકરી એટલે ગુલાબી વસ્ત્રથી સજ્જ. નાનું છોકરું જોઈને જ ખબર પડી જાય કે બોય છે કે ગર્લ. આમે ય કોઈ છોકરો ગુલાબી રંગનાં કપડાં પહેરે તો કેવો લાગે? પણ એવા છોકરા કે છોકરી જે લિંગ કે જાતિની દૃષ્ટિએ મૂળ શરીરથી અલગ પ્રકૃતિ ધરાવે છે એને કયો રંગ દેવો? આસમાની અને ગુલાબીને ભેગો કરો તો કયો રંગ બને? ફીકો જાંબુડી ઉર્ફે રંગ લવેન્ડર. વર્ષ ૧૯૨૩ માં કવિ હેરોલ્ડ હર્સીએ ‘લવેન્ડર કાઉબોય’ નામની વ્યંગ કવિતા લખી. સામાન્ય રીતે અમેરિકન કાઉબોય એટલે પુરુષાતનથી ખબબદ થતો હોય એવો અમેરિકી ગોવાળિયો. પણ અહીં એવા કાઉબોયની વાત હતી જે સ્વભાવે બીકણ હતો અને એની છાતી પર માત્ર બે વાળ હતા. વર્ષ ૧૯૩૫ માં પ્રકાશિત થયેલી બોલચાલનાં શબ્દોની ડિક્સનરીમા એક શબ્દ આવ્યો: સ્ટ્રીક ઓફ લવેન્ડર(લવેન્ડરની લીટી). એનો અર્થ થતો હતો: બાયલો, સ્ત્રી સરખો, સ્ત્રૈણ, નામર્દ, પોચા દિલનો છોકરો. આ એ જ શબ્દ હતો જે અમેરિકાનાં પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકનની જીવનકથા લખનાર લેખક કાર્લ સેન્ડબર્ગે અબ્રાહમ લિંકનનાં પુરુષ મિત્રો માટે વાપર્યો હતો. એવું કહેવાય છે કે તેઓ એલજીબીટીક્યૂનાં ‘જી’ હતા અથવા ‘બી’ હતા. જો કે લેખક કાર્લ સેન્ડબર્ગે આ બાબતને ફોડ પાડીને સમજાવી નહોતી. પણ એટલું નક્કી કે રંગ લવેન્ડર સામાન્ય નહોતો. સામાન્ય સંબંધો માટે નહોતો. વીસમી સદીમાં એનો અર્થ સજાતીય સેકસ સંબંધો સાથે જોડાતો ગયો. જો કોઈ લગ્નમાં એક અથવા બંને સમલિંગી હોય તો એને લવેન્ડર મેરેજ કહેવાય. આવા લગ્નમાં જે આવે એનું સ્વાગત લવેન્ડર રંગનાં ગુલાબથી થાય. વેલલેન્ટાઇન ડેની ઉજવણી તો આપણે જાણીએ. એમાં એક રોઝ ડે હોય. જો સમલિંગી પ્રેમ હોય તો લવેન્ડર ગુલાબની લેવડદેવડ થાય. વીસમી સદી પહેલાં લવેન્ડર રંગ સમલિંગી પ્રેમનું પ્રતીક નહોતું. એનાથી ઊલટું પૈસાદાર લોકો લવેન્ડર રંગનાં વસ્ત્રો પહેરતા અને વિજાતીય પ્રેમ કરતા. લવેન્ડર રંગ કુદરતી ફૂલોમાંથી બનતો જે ખૂબ મોંઘો હતો. પણ પછી ઓગણીસમી સદીમાં એવા રંગની કેમિકલ ડાઈની આકસ્મિક શોધ થઈ. હવે એવા રંગનાં વસ્ત્રો બનવા માંડ્યા જે સૌને પોષાય. ધીરે ધીરે આ રંગ હોમોસેક્સ્યાલીટી સાથે જોડાતો ગયો. એ વાત અલગ છે કે લવેન્ડર મનની શાંતિ લાવે છે. નસીબ પણ લાવે છે. જે છે તે છે. એનો સ્વીકાર કરીને ચાલીએ એટલે ચાલે. શબ્દ શેષ: “સમલિંગી હોવું એ ડાબેરી હોવા બરાબર છે. મોટે ભાગે લોકો જમણેરી હોય છે. થોડા લોકો ડાબેરી હોય છે. કેમ કોઈ ડાબેરી કે જમણેરી હોય છે?- ખબર નથી. કશું ય સાચું કે ખોટું નથી. બસ એ તો એવું છે તો છે!” –અજ્ઞાત

Leave a comment

Filed under Uncategorized