Daily Archives: ઓક્ટોબર 9, 2021

આઇઝ વાઈડ શટ:

આઇઝ વાઈડ શટ: બંધ આંખોનું અજ્ઞાન બંધ આંખે જે હકીકત હોય છે,ખુલ્લી આંખે એ ભરમ કહેવાય છે.-કિરણસિંહ ચૌહાણ પશ્ચિમ બંગાળનાં કોંગ્રેસનાં નેતા અને પૂર્વ સાંસદ સુસ્મિતા દેવ હાથનો સાથ છોડી તરણાંનું મૂળ પકડે, એ કોઈ ખાસ સમાચાર ન કહેવાય. ગુજરાતીમાં તો કહેવત જ છે કે ડૂબતો માણસ તરણાને વળગે! જ્યાં સત્તા હોય ત્યાં અમે- એવો રાજકારણનો વણલખ્યો સિદ્ધાંત છે. આમ પણ તૃણામૂળ કોંગ્રેસ મૂળ તો કોંગ્રેસ જ છે. પણ ન-રાજ કોંગ્રેસનાં નારાજ નેતા કપિલ સિબ્બલ ટ્વીટ કરે છે કે યુવા નેતા પાર્ટી છોડી રહ્યા છે, જ્યારે અમે જૂના જોગીઓ ઉપર પાર્ટીને મજબૂત (!) કરવાનો આરોપ છે અને પાર્ટી તો ચાલે છે એની આંખો બંધ રાખીને. વિથ આઇઝ વાઈડ શટ. (Eyes Wide Shut). દોઢ મહિના પહેલાં જ્યારે નવજોતસિંઘ સિધ્ધુને પંજાબ કોંગ્રેસનાં પ્રમુખ બનાવાયા ત્યારે સીએનબીસીટીવી૧૮-એ પબ્લિશ કરેલાં પોલિટિકલ એનાલેસિસ લેખનું શીર્ષક હતું: ‘ડીયર રાહુલ ગાંધી, ધ કોંગ્રેસ હેઝ ઇટ્સ આઇઝ વાઈડ શટ’. પણ આ સિવાય આ મુહાવરાનો દેશ વિદેશમાં અન્ય કોઈ જગ્યાએ ઉલ્લેખ થયો નથી. કારણ કે આવો તો કોઈ શબ્દ કે મુહાવરો ઇંગ્લિશ ભાષામાં અધિકૃત રીતે છે જ નહીં. ‘આઇઝ વાઈડ ઓપન’ એવો શબ્દસમૂહ છે. એટલે આંખો પહોળી અને ખુલ્લી હોવી તે. પણ આંખો પહોળી ય હોય અને બંધ પણ હોય, એનો કોઈ અર્થ નથી. આંખો બંધ હોય તો અમથું ય બધે અંધારું જ હોય છે. આંખો ભલેને પહોળી હોય કે સાંકડી હોય. હેં ને? છતાં ‘આઇઝ આઇડ શટ’ શબ્દસમૂહ અલબત્ત એક અલગ અર્થમાં ચલણમાં આવ્યો હતો. સને ૧૯૯૯ માં ‘આઇઝ વાઈડ શટ’ નામની એક સેક્સુઅલ ફૅન્ટસી ફિલ્મ જરૂર આવી હતી. ફિલ્મમાં હીરો ટોમ ક્રૂઝ અને હીરોઇન નિકોલ કિડમેન હતી. પણ એમાં તો હીરો પોતાની સેક્સુઅલ ફૅન્ટસીનો અનુભવ કરવા મુખવટો પહેરીને નિર્બંધ રતિક્રીડા માણે છે. ‘ફૅન્ટસી’ એટલે પોતાના મનની ઇચ્છાઓને કલ્પના દ્વારા સંતોષવાની વૃત્તિ. આમ કપિલ સિબ્બલે જે સંદર્ભમાં આ મુહાવરાનો ઉપયોગ કર્યો, એની અત્રે ચોખવટ કરવી જરૂરી છે. અહીં મૂળ મુહાવરો છે: આઇઝ વાઈડ ઓપન. કશું અગત્યનું હોય તો આંખો ખુલ્લી રાખવી, પહોળી રાખવી, કશું ય રહી ન જવું જોઈએ. બરાબર વાંચી લેવું. રાજકારણીઓ તો માહેર હોય છે. એને તો પાછળ પણ આંખો હોય છે. કશીક અતિ અગત્યની વાત અને તમે એનાથી સદા અને સુપેરે માહિતગાર હો, શું અપેક્ષિત છે?- એ પણ ખબર હોય તો એ ‘આઇઝ વાઈડ ઓપન’ સ્થિતિ છે. જ્યારે કપિલ સિબ્બલ આ મુહાવરામાં ફેરબદલ કરીને એનો ઉપયોગ કરે છે ત્યારે તેઓ ટોમ ક્રૂઝની સેક્સુઅલ ફૅન્ટસીની વાત કરતા નથી, તેઓ ‘ઓપન’ અને ‘શટ’ એમ બે શબ્દોની માત્ર શબ્દ રમત (Word Play) કરે છે. એટલે એમ કે કોંગ્રેસ આંખો બંધ રાખીને બેઠી છે. એને કોઈ પડી નથી. કદાચ આ ગાંધારીપણું એટલું બધું વધી ગયું છે કે આંખો હવે પહોળી સ્થિતિમાં પણ બંધ છે. આમ તો કપિલ સિબ્બલ માત્ર એટલું બોલ્યા હોત કે આ શાહમૃગવૃત્તિ (Ostrich Policy) છે તો ય પૂરતું થઈ જાત. સમજાય ય જાત. એવું મનાય છે જ્યારે રણમાં રેતીનું તોફાન આવવાનું હોય ત્યારે એનાથી બચવાની વ્યવસ્થા કરવાની જગ્યાએ શાહમૃગ પોતાનું મોઢું રેતીમાં ખોસી દે છે. એને એમ કે તોફાન પસાર થઈ જશે અને એને કશું ય નહીં થાય. આ પણ જો કે એક માન્યતા છે. શાહમૃગ ખરેખર આવું કરતાં નથી. તેઓ રેતીમાં ઈંડા મૂકે છે અને સમયાંતરે મોંઢાથી એને ફેરવતા રહે છે એટલે આ વાત આવી છે. ઘણીવાર લોકવાયકા મુહાવરો બની જતી હોય છે. હવે ‘આઈઝ વાઈડ શટ’ એવો મુહાવરો ભાષામાં છે જ નહીં પણ મીડિયામાં બોલાય, સંભળાય, વંચાય કે ટ્વીટાય છે તો એનું સરળ અર્થઘટન કરવું જરૂરી છે. આઇઝ વાઈડ ઓપન એટલે તમને સંપૂર્ણ ખબર છે કે શું રંધાઈ રહ્યું છે, શું ગંધાઈ રહ્યું છે. કોઈ ભ્રમ નથી. કોઈ હકીકત કે તથ્યની વિકૃતિ નથી. કોઈ ઇનકાર, અસ્વીકાર કે રદિયો નથી. હવે આઇઝ વાઈડ શટ. એટલે એનાથી સાવ ઊંધું. કશું ખબર જ નથી કે લશ્કર ક્યાં લડે છે. કોઈ સમજણ નથી કે શું થઈ રહ્યું છે. જ્યારે માણસ ડરી જાય એટલે આંખ પહોળી થાય અને પછી બંધ થઈ જાય, એ આઇઝ વાઈડ શટ છે. શક્ય છે કે આઇઝ વાઈડ શટ એ સ્વપ્નની સ્થિતિ છે. કદાચ એને જ સ્વપ્નજાગ્રત અવસ્થા કહેતા હશે. ભગવદ્ગોમંડલ અનુસાર ‘સ્વપ્નજાગ્રત’ એટલે (વેદાંત ) અજ્ઞાનમય સ્થિતિની સાત માંહેની એક ભૂમિકા. તે ભૂમિકામાં વર્ષોનાં વર્ષો સુધી ચાલુ રહેલ સ્વપ્નનો સમાવેશ થાય છે. આ સ્વપ્ન શરીરપાત થયા છતાં પણ ચાલુ રહે છે તેથી તે સ્વપ્નજાગ્રત કહેવાય છે. અજ્ઞાન સારી વાત નથી. પણ અહીં તો જાણી જોઈને અમે જાણતા નથી-ની વાત છે. અમે આંખો જડબેસલાક બંધ રાખીએ છીએ. જાણ્યાંનું ઝેર જાનલેવાં હોય છે. સમય નબળો હોય ત્યારે પોતાનાં પારકાં થઈ જાય છે. સાથી હાથ બઢાના સાથી રે.. પણ અહીં તો સાથી હાથ છૂડાના-નાં ગીતડાં ગવાઇ રહ્યા છે. નબળો વિરોધ પક્ષ દેશ માટે સારો નથી. બંધ આંખોની આ નિર્ભ્રાંત હકીકત છે.શબ્દ શેષ: “અજ્ઞાનમાં સુધારો કરી શકાય. જાણીબૂઝીને ધારણ કરેલું અજ્ઞાન અને નિષ્ક્રિયતા અક્ષમ્ય છે.” –અમેરિકન પોલિટિકલ એનાલિસ્ટ ડેવિડ બ્રોક

Leave a comment

Filed under Uncategorized