એડવાઇસ

એડવાઇસ: લેખકની શિખામણની છાપા સુધી!આંખમાં સ્વપ્ન, હૈયે મનસૂબાતેં ભર્યાં છે તો તું ચરુ સાચવસંભવામીનું વેણ રાખી લેએકદા અમને રૂબરૂ સાચવ– પ્રણવ પંડ્યાઆ કવિતા ભગવાનને કરેલી વિનંતી છે? કે પછી કવિ ભગવાનને સલાહ આપે છે? કે પછી કવિ પોતાનો અંગત અભિપ્રાય વ્યક્ત કરે છે? વાત એક જ લાગે પણ જો કવિ ભક્ત હોય તો વિનંતી કરે, જો કવિ નિષ્ણાંત હોય તો સલાહ આપે અને જો એ ટીકાકાર હોય તો પોતાનો અભિપ્રાય આપે. અને હા, કવિ કે કવયિત્રી, ઇન જનરલ, આ ત્રણ પૈકી કોઈ પણ હોઈ શકે! એડવાઇસ (Advice ) અને ઓપિનિયન (Opinion) એવા બે શબ્દો આમ તો સરખા જ લાગે. ગુજરાતી લેક્સિકોન અનુસાર એડવાઇસ એટલે સલાહ અને સલાહ એટલે શિખામણ, બોધ, ઉપદેશ, ઈરાદો, મત, અભિપ્રાય. અને ઓપિનિયન એટલે? ઓપિનિયન એટલે મંતવ્ય, અભિપ્રાય, દૃષ્ટિકોણ અને… સલાહ. અને સલાહ એટલે એડવાઇસ ! આમ તો બંને શબ્દો એકનાં એક. પ્રતિષ્ઠિત મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરી અનુસાર ‘એડવાઇસ’ શબ્દ મૂળ ફ્રેંચ શબ્દ ‘અવેસર’ અથવા ‘અવિસ’ પરથી ચૌદમી સદીમાં ઇંગ્લિશ ભાષામાં દાખલ થયો છે. એનો મૂળ અર્થ થાય: ઓપિનિયન (અભિપ્રાય). એટલે આમ પણ બંને શબ્દો સમાનાર્થી ગોત્રમાં જન્મ્યા છે. પણ.. દાખલા તરીકે તમે કશું નવું કરવા જઈ રહ્યા છો. કોઈને પૂછવું જોઈએ કે આમ કરીએ તો કેવું? ત્યારે શું કહેવું? એમ પૂછવું કે કે તમારી ‘એડવાઇસ’ આપો? કે પછી એમ પૂછવું કે તમારો ‘ઓપિનિયન’ આપો? સીએનબીસી સાથે એક તાજા ઇન્ટરવ્યૂમાં છેલ્લા ૩૫ વર્ષોથી કાર્યરત સાયકોલોજીનાં પ્રોફેસર રોબર્ટ સીઆલડિનીએ સરસ વાત કરી. એમણે કહ્યું કે તમારો જે વિચાર છે, તમારું જે આયોજન છે એ તમારા સહકર્મચારી કે પછી તમારા ઉપરી અધિકારીને સ્વીકાર્ય બને, તેઓ તમને કહે કે વાહ, આ તો સરસ છે, હવે કરો કંકુના, તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથે હૈ.. એવું કરવું હોય તો શું કરવું? આમ અલબત્ત એકલા એકલા કશું ય ઠઠારવું નહીં. પૂછવું તો ખરું જ. બસ એક જ કાળજી લેવી. એક જ શબ્દફેર. ‘ઓપિનિયન’ની જગ્યાએ ‘એડવાઇસ’ માંગવી. ભૂલેચૂકે જો તમે ઓપિનિયન માંગી બેઠા તો સામેવાળો માનસિક રીતે એક પગલું પાછળ હઠી જશે અને એ તમારો ક્રિટિક બની જશે. ક્રિટિક એટલે ટીકાકાર, નિંદક, પરીક્ષક, સમલોચક, વિવેચક, બબૂચક. અલબત્ત બબૂચક શબ્દ અહીં ખોટો લખાયો છે. આમ પ્રાસ મળે એટલે કોઈ પણ શબ્દ લખી દેવાનો?!! બબૂચક એટલે કમઅક્કલ, મૂર્ખ, ભોટ, બોથડ, જડ, મંદ, બેવકૂફ, બોતડું, ગમાર. કોઈ વિવેચકને બબૂચક થોડું કહેવાય? એવું હોય તો ય ન કહેવાય! પણ હશે, મૂળ વાત પર આવીએ. નવા વિચારને આગળ વધારવામાં ટીકાકાર તમને મદદરૂપ નહીં થાય કારણ કે એ તો વાંધા જ કાઢે. પણ એની જગ્યાએ તમે એડવાઇસ માંગો તો? તો સામી વ્યક્તિ માનસિક રીતે તમારી એક ડગલું નજીક આવી જશે. એને લાગશે કે તમારો વિચાર કે તમારા આયોજનમાં એ ય તમારો જોડીદાર છે. એક સાથી તરીકે એ તમને બધી મદદ કરશે, તમારા એ વિચારને મૂર્તિમંત કરવામાં. નવલકથા લેખક સાઉલ બેલો કહેતા કે જ્યારે તમે કોઇની સલાહ માંગો ત્યારે તમે તમારો કોઈ સાગરીત કે તમારા કોઈ મળતિયાને તમે શોધતા હો છો. માટે એ જ વિચાર કે આયોજન પણ માત્ર એક શબ્દ ફેર કરો અને ધાર્યું પરિણામ મેળવો. એડવાઇસ જ્ઞાન આધારિત હોય છે, કોઈને અનુભવ છે, કોઈ આ બાબતમાં નિષ્ણાંત છે એટલે આપણે સલાહ માંગીએ છીએ. જ્યારે ઓપિનિયન એ બાબત પર નિર્ભર હોય છે કે એ આપનારો પોતે અંગત રીતે શું વિચારે છે. આપણને કોઇની અંગત માન્યતા સાથે કોઈ નિસ્બત નથી. શું કામ હોવી જોઈએ? માટે હંમેશા એડવાઇસ લેવી, ઓપિનિયન નહીં. પણ એ ય નક્કી કરી લેવું કે જેની પાસે માંગો છો એ સલાહ આપવા માટે લાયક છે કે કેમ? અને સલાહ કર્મની વાત તો નિરાળી છે. સલાહ આપવી અલબત્ત આમ તો સાવ સહેલી વાત છે. આ દુનિયામાં એવા અગણિત લોકો છે, જે વણમાંગી સલાહ આપતા ફરે છે. વણમાંગી સલાહ, એ ખરેખર તો દેનારની જરૂરિયાત હોય છે, લેનારની નહીં! કહે છે કે વણમાંગી સલાહ એ જિંદગીનું જન્ક મેઈલ છે. જન્ક મેઈલ તો આપણે જાણીએ. આપણાં ઈમેલ એકાઉન્ટમાં કેટલાંય આલતુફાલતુ ઈમેલ આવતા જ રહે છે. એને ડીલિટ કરતાં નાકે લીંટ આવી જાય! જન્ક મેઇલ એટલે પત્ર ભંગાર. માટે અમારી સલાહ છે કે વણમાંગી સલાહ આપવી સારી નહીં. અમેરિકાની સૌથી શ્રેષ્ઠ પ્રથમ સો સાહિત્ય પુસ્તકોમાં જેની ગણના થાય છે એ ‘ડેવિલ્સ ડિક્સનરી’ અનુસાર એડવાઇસ સૌથી ન્યૂનતમ ચલણી સિક્કો છે. એટલે એમ કે એમાં કોઈ પૈસા પડતા નથી. બસ,એટલે શું દીધે રાખવી? હાલી શું નીકળ્યા? સલાહ આપવા વિષે એક સલાહ છે. માંગે તો જ આપવી. કોઈ વાર્તા કે કોઈ દૃષ્ટાંત કથા રૂપે કહો તો મનમાં બેસી જાય અને યાદ રહી જાય. અને હા, એ લાંબી લાંબી વાત પણ ન હોઈ જોઈએ. જલદીથી પોઈન્ટ પર આવી જવું. તમે ટૂંકમાં કહો તો સમજાય અને તો જ પહોંચે. અને જેને સલાહ આપો એનું માન તો જાળવવું. એને નીચો દેખાડવાની કોશિશ ઠીક નથી. જુઓ ને, અમે એક કહીને અનેક સલાહ આપી દીધી! અને છેલ્લે, તમારી સલાહની કોઈ ગેરંટી આપવી નહીં. હા, વૉરંટી આપી શકાય. લાંબા સમયનો સપોર્ટ આપી શકાય. પણ જે કહો એ દિલથી કહો. પ્રામાણિકતાથી કહો. અને અભિપ્રાય? એ તો કોઈ માંગે તો ય એને આપવાનું ટાળવું. ફ્રેંચ લેખક ફિલસૂફ વૉલ્તેર કહેતા કે પ્લેગ કે ધરતીકંપ કરતાં પણ આ અભિપ્રાય આપનારાઓએ આ નાનકડી પૃથ્વી ઉપર વધારે ઉત્પાત મચાવ્યો છે. અમે કહીએ છીએ કે પ્લેગ કે ધરતીકંપ કરતાં પણ કોવિડ મહામારી વિષેનાં ક્લિષ્ટ, વિશિષ્ટ અને અશિષ્ટ અભિપ્રાયોએ દાટ વાળ્યો છે. માટે એક ફાઇનલ એડવાઇસ: મહામારી વિષે તમારો મહામૂલો ઓપિનિયન આપશો નહીં. અને જો તમે એક્સપર્ટ ન હો (એટલે કે તમે ભાજીમૂળાં હો) તો તો એ વિષે એડવાઇસ પણ કોઈને આપશો નહીં. ઇતિ

શબ્દ શેષ: “એડવાઇસ કોઈને હું એ આપું કે કોઇની એડવાઇસ લેવી નહીં.” – અમેરિકન એક્ટર, કોમેડિયન, સિંગર એડી મરફી

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.