Daily Archives: ઓક્ટોબર 13, 2021

વી, ધ શીપલ ઓફ ઇંડિયા.

વી, ધ શીપલ ઓફ ઇંડિયા... બ્હાર જોયું તોય ક્યાં છે ફેર કંઈ ?એ જ ગાડરિયા પુરાણા સિલસિલા હતા.– ઉશનસભારતીય સંવિધાનનાં પ્રથમ શબ્દો છે: ‘વી ધ પીપલ ઓફ ઇંડિયા… હમ, ભારત કે લોગ, ભારતકો એક સંપૂર્ણ પ્રભુત્ત્વ-સંપન્ન, સમાજવાદી, પંથનિરપેક્ષ, લોકતંત્રાત્મક ગણરાજ્ય બનાનેકે લિયે…’ પણ આટલા વર્ષોની આઝાદી પછી પણ આ દેશમાં પ્રભુત્ત્વ હોય તો એ છે ધર્મનાં નામે ચરી ખાતા પાંખડી બાબાઓનું, જેની પાછળ એમના ભક્તગણની ઘેલછાં સામાન્ય સમજથી પરે છે. આપણે સાચે જ પંથનિરપેક્ષ છીએ. નિરપેક્ષ એટલે તટસ્થ, સ્વતંત્ર, નિસ્પૃહ. આજે ડેરા સચ્ચા સૌદા જેવા અનેક પંથ તદ્દન સ્વતંત્ર છે. એમનું પોતાનું જ શાસન હોય છે. પોતાની મિલિટરી અને પોતાની જ કરન્સી. આવા ધાર્મિક બાબાઓ શક્ય એટલા કરતૂતો કરતા રહે પણ આપણે ચૂપ છીએ, તટસ્થ છીએ. પછી ભલે એ સચ્ચા નહીં પણ જૂઠા સૌદા હોય. ભલે એ સ્ત્રીઓ પર બળાત્કાર કરતો રહે કે પછી એની કરતૂતો સામે જે આંગળી ઊઠાવે એમની હત્યા કરતો રહે. આપણે કશું કહેતા નથી. પણ જ્યારે અદાલત એમને સજા ફટકારે છે ત્યારે આપણને સમજાય છે. હા, એ તો હજી પણ સમજાતુ નથી કે કંઇ પણ વિચાર્યા વિના અનેક લોકો આવા બાબાની પાછળ ગાડરિયા પ્રવાહમાં કેમ તણાતા જાય છે? આજે આવા બાબાઓની પાછળ નીચી મૂંડી કરીને બ્લા બ્લા કરીને ચાલી નીકળેલા બ્લેક શીપ ઉર્ફે ઘેટાંઓનાં ટોળાની માનસિકતાની વાત કરવી છે. આવા લોકો માટે ઇંગ્લિશમાં એક સરસ શબ્દ છે શીપલ (Sheeple) .શીપલ એ શીપ (Sheep) અને પીપલ (People) એમ બે શબ્દો જોડીને બનેલો શબ્દ છે. ‘શીપ’ એટલે ઘેટું, મેંઢું કે ગાડર. ગુજરાતી લેક્સિકોન અનુસાર ઘેટાં જેવા બીકણ માણસ કે શરમાળ, ગરીબ, સાલસ, સ્વતંત્ર વિચારશકિત વિનાના માણસને પણ શીપ કહેવાય. અને ‘પીપલ’ તો આપ જાણો જ છો. પીપલ એટલે લોકો, આમજનતા, પ્રજાજનો. ઓક્સફોર્ડ ડિક્સનરી અનુસાર શીપલ એટલે એવા લોકો જે કહ્યાગરા હોય, ભોળા કે મૂર્ખ હોય, આસાનીથી દોરાવાઇ જાય એવા હોય. એવા લોકો જેમનો પોતાનો કોઇ મત કે અભિપ્રાય ન હોય. બીજા કહે કે બીજા કરે તેમ તેઓ કર્યા કરે. એવામાં કો’ક સફેદ વસ્ત્રધારી ખંધા રાજકારણી કે ભગવા વસ્ત્રધારી ગુરુઘંટાલો એમના જીવનમાં આવે અને એવી તો ભૂરકી નાંખે કે તેઓ એમની પાછળ ચાલી નીકળે. અને આમ અવળે રસ્તે ચઢી ગયેલી વફાદારી પછી કેવળ જીહજૂરી કરતી રહે. કોઇ સવાલ નહીં. કોઇ તપાસ નહીં. કોઇ પૂછપરછ નહીં. બસ, સંપૂર્ણ શરણાગતિ. અબ સૌંપ દિયા ઇસ જીવનકા સબ ભાર તુમ્હારે હાથોમેં, હૈ જીત તુમ્હારે હાથોમેં ઔર હાર તુમ્હારે હાથોમેં… લો બોલો! અમે તો ઘેટાં છીએ, ચાહે ચામડી પરનું ઊન ઉતરડો કે ચાહે અમને બલિ ચઢાવો. અમે તો તમે કહો એમ જ કરીએ. શીપલ એવા લોકો છે જેને કોઇ સેન્સ નથી. આરામદાયક મૂર્છાવસ્થા તેમની પહેલી અને કાયમી પસંદગીની સ્થિતિ છે. જે દેખીતું છે એનાથી તેઓ અજાણ છે. અને પોતે અજાણ છે એવું ય તેઓ જાણતા નથી. ફ્રેંચ લેખક, ફિલસૂફ વૉલ્તેર કહેતા કે જેમને પોતાની સાંકળ પ્રત્યે પૂજ્યભાવ હોય, જેઓ પોતાની સાંકળને પવિત્ર ગણતા હોય તેવા મૂર્ખ માણસોને કેદમાંથી છોડાવવા અઘરાં છે. બાબાઓ પોતાનાં અનુયાયીઓને શી રીતે વશ કરે છે? એક જ હથિયાર છે. અને એ છે ડર. દુનિયા ખરાબ છે. તમે સારા છો પણ સતત ખરાબ વાતાવરણમાં રહો તો તમે અને તમારી સંતતિ બગડી જશે એટલે….. આવો મારી સાથે અને દિવ્ય ચેતનાનો અનુભવ કરો. હું જ તમને ભાવ ભવનાં ફેરાંમાંથી મુક્તિ અપાવીશ. હું જ ભગવાનનો સંદેશાવાહક છું. મેસેન્જર ઓફ ગોડ… રાજકારણીઓ પણ એમ જ કરે છે. ડર બતાવે છે. આતંકવાદનો ડર, હિંસાનો ડર, રમખાણોનો ડર, ગુંડાઓનો ડર, ધર્મપરિવર્તનનો ડર, ગરીબીનો ડર. તમે અમારી શરણમાં આવો અને નિશ્ચિંત થઇ જાવ. જો તમે એમ નહીં કરો તો અમે જવાબદાર નથી. આપણે ત્યાં ગુપ્ત મતદાનની પ્રથા હતી. મતપેટીઓ હતી અને ચૂંટણી પછી મતગણત્રી વખતે બધા મત ભેગા કરી દેવાતા હતા. એક મતવિસ્તારમાં કયા લત્તા, મહોલ્લાં કે સોસાયટીના લોકોએ કયી પાર્ટીનાં ઉમેદવારને મત આપ્યા, એ ખબર નહોતી પડતી. આ ઈવીએમ મશીન આવ્યા પછી મતદાન સાચા અર્થમાં હવે પૂર્ણ રીતે ગુપ્ત રહ્યું નથી. એક ઈવીએમ મશીનમાં મહત્તમ ૩૮૪૦ મતદાતાઓનો સમાવેશ થઇ શકે છે. એટલે એકલદોકલ મત તો ગુપ્ત રહે પણ આખા મશીનમાં જે તે બૂથના મતો કોને મળ્યા એ છૂપું રહેતું નથી. દરેક ચૂંટણીમાં રાજનેતાઓ અને ધર્મનેતાઓએ પોતાનાં બૂથ વિસ્તારનાં પોતપોતાનાં શીપલનું ધ્યાન રાખે. એમની વાડાબંધ વફાદારી અકબંધ રહે એટલે ભયોભયો. પણ કશું ય મફત તો નથી. અપાવેલી જીતનાં બદલામાં બાબાઓને વધુ પાંચ વર્ષ ગોરખધંધા કરવાનો પીળો પરવાનો મળી જાય. અત્યારે તો બાબાને સજા થઇ છે. હવે વી ધ શીપલ સમજીએ તો સારું. ફરી કોઈ શહેરમાં ફરી કોઈ બાબો આવશે અને એની પાછળ ઘેટાં જેવા લોક ઘેલાં થશે. ચૂંટણી ટાણે રાજકારણીઓ બાબાનો બરડો ખંજવાળશે. પછી પાંચ વર્ષ એ બાબા રાજકારણીઓનો બરડો ખંજવાળશે. શીપલ ઉર્ફે ઘેટાં શું કરશે? તેઓ પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેશે. તન, મન અને ધનથી પૂર્ણ શરણાગતિ. બાબાઓ બેરોકટોક એમનાં શીપલનું શોષણ કરશે. અને શીપલને લાગશે કે અમારી નખશિખ મુક્તિ આમાં જ રહેલી છે. જાગો લોકો જાગો. આ જાગવાનું ટાણું છે. અનુકરણ મરણ છે. આંધળું અનુકરણ રીબાઇ રીબાઇને થતું મરણ છે. વિચારીને વર્તીએ તો ઠીક, બાકી હરિ હરિ…. શબ્દ શેષ: “ઘેટાંઓનાં દેશને થોડા જ વખતમાં વરુઓની સરકાર મળતી હોય છે.” –અમેરિકન રેડિયા-ટીવી પત્રકારિત્વનાં પ્રથમ હરોળનાં પત્રકાર એડવર્ડ આર. મુરો (૧૯૦૮-૧૯૬૫)

Leave a comment

Filed under Uncategorized