Daily Archives: ઓક્ટોબર 17, 2021

मानसोपचार कविता

 ન્યૂ યોર્કના એક મનોવિજ્ઞાની ડો. ડેવિડ ફોરસ્ટર તો કેટલાક દર્દીઓના માનસોપચાર કવિતા સંભળાવીને કરે છે. ડોક્ટર કહે છે કે, ‘ઘણા દર્દી માટે હું ‘કાવ્ય થેરાપી’નો પ્રયોગ કરું છું. કવિતા સંભળાવીને કે દર્દીને પોતાને કવિતા રચવાનું કહીને તેના દર્દનો ઉપચાર કરું છું! ‘કાવ્ય થેરાપી’નો પ્રયાગ કરતા પહેલાં તે ઘણા કવિઓના કાવ્યસંગ્રહ વાંચી ગયેલા. તેમને જણાયું કે ઘણા દર્દીઓને પરસ્પરના સંબંધોમાં લાગેલા આઘાતોને કારણે તે દર્દી બની ગયા છે. અરે! ઘણાનાં હૃદયને ધક્કો લાગતા હાર્ટએટેક આવેલા. આ હૃદયરોગનો હુમલો કાવ્ય સંભળાવવાથી હલકો થયેલો.
માનવીને અને ખાસ કરીને સ્ત્રીઓને પ્રેમસંબંધોમાં ગૂંચ પડે છે ત્યારે તે અસ્થિર બની જાય છે. આવા દર્દી માટે પછી કાવ્ય થેરાપીમાં શ્રદ્ધા રાખનારા ડો. ઇ. ઇ. ક્યુમિગ્ઝે તેના દવાખાનામાં ઘણા કાવ્યસંગ્રહો રાખ્યા છે. ડોક્ટર કહે છે કે જે લોકો પ્રેમમાં ગાઢ રીતે સંબંધ બાંધવાની ટેવવાળા હોય છે, તે લોકો પ્રેમમાં આઘાત લાગતાં ઘેલું ઘેલું વર્તન કરે છે. આ દર્દીને ડોક્ટર તેના દર્દ પ્રમાણે કવિતા સંભળાવે છે. ઘણા દર્દી કાવ્ય સાંભળીને રડવા માંડે છે. આંખમાં આંસુ આવી જાય છે. કવિ જ્યારે તેનું હૃદય રેડીને કવિતા રચે છે અને લાગણીઓને કવિતા દ્વારા વ્યક્ત કરે, ત્યારે તેના સમગ્ર ચિત્તતંત્રનું મંથન થાય છે, એ મંથન જ કાવ્ય બની જાય છે. આજકાલ કવિતાનું વાંચન ઓછું થતું જાય છે. છતાં કવિતા રચાય છે ખરી. કોઈ નવો કવિ કવિતા લખે ત્યારે તેનો વડીલ તેને ટોકે છે. શિખામણ આપે છે કે કવિતાના ‘ટાયલા! કરવાને બદલે કંઈક ઉદ્યમ શીખ!’
કવિતા કરવી એટલે જાણે ટાયલા કરવા એવી ભાષા વપરાય છે. કાવ્યસંગ્રહોનું વેચાણ ઘટી રહ્યું છે, પણ કાવ્યરચના ચાલુ છે. ‘વર્જિનિયા ક્વાર્ટરલી’ નામના કવિતાના મેગેઝિનમાં લખ્યું છે કે કવિતા ઓછી વંચાય છે અને વેચાય છે, કારણ કે કવિઓ આમ જનતાની ભાષામાં લખતા નથી. એક કવિ બીજા કવિને ઇમ્પ્રેસ કરવા જાણે લખે છે. કવિએ પોતાના કાવ્યને આજુબાજુના જીવનને નીરખીને તેનું વર્ણન સાદી ભાષામાં લખવું જોઈએ. બીજા કવિને ચકિત કરવા માટે નહીં સાદા વાચકને જલદીથી સમજી શકાય તેવી ભાષામા કાવ્ય લખવું જોઈએ. આવી કવિતા સાંભળવાથી ઘણાનાં દર્દ મટી જાય છે કે હળવા થઈ જાય છે.
19મી સદીમાં કવિતાઓ લખાતી ત્યારે તેમાં પ્રેમ, યુદ્ધ, ધર્મ અને કુદરતને લગતી વાતો કે અનુભવોને લખાતા. એ પછી અંગ્રેજ કવિ વર્ડ્ઝવર્થે તેમાં પાંચમો અનુભવ લખેલો. કવિ વર્ડ્ઝવર્થે બચપણનાં સ્મરણોને કવિતામાં વર્ણવવા માંડ્યાં. ગુજરાતીમાં પણ પછી તેવાં કાવ્યો લખાતાં. દા.ત. ‘ઈલા સ્મરે છે અહીં એક વેળા’ એ કાવ્ય લાંબા ગાળા સુધી ગવાયું. ગામડામાં તો બાળકને સુવડાવતી વેળા ગીત ગવાતું:-
‘હા હા હત ગલુ, મારો બચુ ડાહ્યો કે
પાટલે બેસીને નાહ્યો,
પાટલો ગયો ખસી કે બચુ પડ્યો હસી.’
વીર શિવાજીનાં માતા જીજીબાઈનાં મોઢામાં એક પ્રચલિત કાવ્ય ગવાય છે. ‘શિવાજીને નીંદરું ના’વે, માતા જીજાબાઈ ઝુલાવે, પોઢી લેજો મારા બાળ આજે પોઢી લેજો પેટ ભરીને, કાલે ઝાઝાં યુદ્ધ ખેલાશે.’ ન્યૂ યોર્કમાં એક નર્સિંગહોમમાં કવિ કેનેથ કોચે કવિતાનો પ્રયોગ વૃદ્ધાશ્રમના વૃદ્ધોનાં જીવનને નવપલ્લવિત કરવા માટે કર્યો હતો. સાહિત્યકાર ડોક્ટરે જોયું કે ઘણા દર્દી હાથે કરીને દર્દને પકડી રાખતા હતા. આવા લોકો માટે ડોક્ટરે ‘કાવ્યવર્ગ’ શરૂ કર્યો. તે વર્ગમાં તે દર્દીઓને અમુક કવિતાસંગ્રહ વાંચી સંભળાવતા અને ઘણા દર્દીને પોતાને કાવ્ય રચવાનું કહેતા. અરે! ડોક્ટર કહે તે પહેલાં ઘણાં દર્દી પોતાની કવિતા લખવા માંડેલા!
પોએટ્રી શું છે? આવો પ્રશ્ન એક વૃદ્ધ દર્દીને પુછાયો તો એક વૃદ્ધે લખ્યું, ‘પોએટ્રી ઇઝ લાઇક બીઇંગ ઇન ઇનરસ્પેસ!’ વાહ! કવિતા જાણે માનવીના આત્માને ઢંઢોળવાનો ઈશ્વરી અવાજ છે! કવિ કિટસની કવિતાની પંક્તિ એક વૃદ્ધાશ્રમમાં લખવામાં આવી. પંક્તિ હતી- આઇ ધ ઓશન (I THE OCEAN). આ કવિતા એક વૃદ્ધે વાંચી તો તે એકાએક બોલી ઊઠ્યો.
‘તું દરિયો તો હું પણ દરિયો!’ એમ કહીને તે નાચવા લાગ્યો. મનમાં જે સ્ફૂરી આવે તે એક પંક્તિમાં લખી નાખવું- તે કવિતા બની જાય છે. કવિતા અને કાવ્યપ્રેમ ઘણી વખત જાદુ કરે છે. ઇંગ્લેન્ડના એક વૃદ્ધાશ્રમમાં કવિતા થેરાપીનો ઉપયોગ થયો. કવિતા દ્વારા વૃદ્ધોને કુદરતમાં રસ લેતા કરાયા હતા! સૂર્યોદય, સૂર્યાસ્ત, પક્ષીઓ, વૃક્ષો અને તારાઓને નવી રીતે લોકો જોવા લાગ્યા. કુદરતમાં રસ લેતા કર્યા. ઘણા વૃદ્ધો જ વ્હીલચેર વગર હરીફરી શકતા નહીં. તેણે વ્હીલચેરને ફગાવી દીધી. બગીચામાં પગે ચાલીને ગયા અને પક્ષીઓના ટહુકા સાંભળવા લાગ્યા!
હવે પશ્ચિમમાં ‘પોએટ્રી થેરાપી’નો ઉપયોગ ડિપ્રેશનના ‘રોગ’ને મટાડવામાં પણ થાય છે. ડિપ્રેશન એ કોઈ રોગ નથી! નબળા મનની કે પ્રેમાળ માનવના મનની એક આકરી નબળી સ્થિતિ છે તે સ્થિતિને પોએટ્રી થેરાપી સારી કરે છે. ઘવાયેલા માનવી કે પ્રેમમાં નિષ્ફળ ગયેલા માનવી કે પ્રેમભંગ થયેલી વ્યક્તિને કવિતા થેરાપી નવો આત્મવિશ્વાસ આપે છે, જીવનમાં નવી રીતે રસ લેતા કરાય છે. કવિતા થેરાપી થકી માનવમાં માફ કરવાની (Forgive) શક્તિ વધે છે.
તમે સાંભળ્યુ હશે. ‘ફાધર ઓફ અમેરિકન સાયકીએટ્રી’ તરીકે ગણાતા ડો. બેન્જામિનરશ તેના ડિપ્રેશનના દર્દી કે માનસિક રોગના દર્દીઓને પોતાને કવિતા રચવાનું કહેતા. ત્યારે જણાયું કે બીમાર ગણાતા ઘણા દર્દીઓમાં ક્રિએટિવિટી- સર્જકતાની અદ્્ભુત શક્તિ હતી! સૌથી વધુ ‘કાવ્ય થેરાપી’ જે વ્યક્તિના ઘરમાં મરણ થયું હોય- પિતા, માતા, સંતાન કે વહાલા-પાળેલા પ્રાણીના મરણને ભૂલતા ન હોય તેને કાવ્ય થેરાપી તેનું દુ:ખ ભુલાવી દે છે અને નવા પ્રેમસંબંધ કેળવવા પ્રેરે છે, અગર કાવ્ય વાંચન કે કાવ્ય રચના સહિષ્ણુતા વધારે છે.

Leave a comment

Filed under Uncategorized