પેલ્ટ્ઝમેન ઇફેક્ટ: સુરક્ષા વધી તો દુર્ઘટના ઘટી.. My Shabdsanhita article as published in Gujarat Samachar todayલેખનું શીર્ષક ફરી વાંચો. ‘ઘટવું’ શબ્દનાં બે અર્થ થાય છે. એક ‘ઘટવું’ એટલે થવું, બનવું. અને બીજું ‘ઘટવું’ એટલે ઓછું થવું. અહીં દુર્ઘટના ઓછી થઈ, એવો ભાવ નથી. અહીં દુર્ઘટના ઘટવી એટલે દુર્ઘટના થવી. સુરક્ષાનાં સાધનો આવી જાય તો દુર્ઘટના ઓછી થવી જોઈએ. પણ એવું થતું નથી. વેક્સિન આવી ગયા પછી પણ કોવિડ કેસ વધ્યા. આજનો શબ્દ પેલ્ટ્ઝમેન ઇફેક્ટ (Peltzman Effect) એ સમજાવે છે કે આજકાલ પરિસ્થિતિ કેમ વણસી રહી છે? ‘ઇફેક્ટ’ એટલે અસર, એ આપણે જાણીએ છીએ. અને સામ પેલ્ટ્ઝમેન એટલે બૂથ બિઝનેસ સ્કૂલ, યુનિવર્સિટી ઓફ શિકાગોમાં ઇકોનોમિક્સનાં (હવે રીટાયર્ડ) પ્રોફેસર. તેઓએ ૧૯૭૫માં ‘ઓટોમોબાઇલ સેફ્ટી રેગ્યુલેશન્સની અસર’ વિષે પેપર પબ્લિશ કર્યું, જે હવે પેલ્ટ્ઝમેન ઇફેક્ટ તરીકે ઓળખાય છે. આજે આ શબ્દ સમાચારમાં છે. કોવિડ-૧૯ની પહેલી લહેર ૨૦૨૦માં આવી. આપણે ડરી ગયા. એટલે બચી ગયા. બીજી લહેર ૨૦૨૧માં આવી અને આપણે બિન્દાસ્ત છીએ અને એટલે કેસ બેફામ વધતા જાય છે. હવે તો સ્થિતિને મેનેજ કરવા મેન નહીં પણ સુપરમેનની જરૂર પડે તેમ છે. આવું કેમ થયું? આપણું થિંકિંગ જુઓ. વેક્સિન આવી ગઈ. હવે કશું ય ન થાય. કારણ કે થવાનું હતું તે બધું થઈ ગયું. પછી તો ચૂંટણીઓ યોજાઈ, ક્રિકેટ મેચ રમાડાઈ અને લગ્ન મેળાવડાંમાં ઢોલ પણ ઢબૂકયાં. હજી એ ભૂલ મુસલસલ છે. લોકો મસ્તીખોરી માટે મુસાફરી કરવા લાગ્યાં. ઘરમાં ગોંધાઈને કંટાળ્યાં, હવે જે થવાનું હોય તે થાય. અને પાછો આવ્યો કોવિડ. જોખમ નહોતું, એવું નહોતું. પણ જોખમ પારખવામાં આપણે થાપ ખાઈ ગયા. હવે કોવિડ વાઇરસ આપણો થપ્પો થપ્પો રમી રહ્યો છે. પેલ્ટ્ઝમેન ઇફેક્ટ એટલે એમ કે આપણાં ભલા માટે કોઈ નિયમ બને. લોકો એને પાળે ય ખરાં. પણ પછી લોકોને એમ લાગે કે ઓહો! હવે તો સુરક્ષાનાં સાધનો આવી ગયા. હવે જોખમ છે જ ક્યાં? અને એટલે પછી લોકો બેફામ બને. અને પરિણામ એ આવે કે જોખમ નિવારવા જે પગલાં લીધા હોય એની સરવાળે કોઈ અસર દેખાય નહીં. દાખલા તરીકે સીટ બેલ્ટ પહેરવાનો કાયદો. કાર ચલાવીએ ત્યારે સીટ બેલ્ટ પહેરીએ. પછી એમ કે હવે હું સુરક્ષિત છું. એટલે હું મારી ગાડી મારફાડ હાંકું. જોખમની સમજણ મને હવે નથી. અથવા એમ કહીએ કે મારું જોખમ હવે સરભર થઈ ગયું છે. મને લાગે છે કે હું સુરક્ષિત છું. પણ જોખમ તો છે જ. કદાચ વધારે છે. પણ સમજણ નથી. ઇંગ્લિશમાં આને થીયરી ઓફ રિસ્ક કૉમ્પેન્સેશન કહે છે. ગુજરાતીમાં એને વિસ્મય શાહ બીએમડબલ્યૂ હિટ એન્ડ રન કહે છે. આવું જ સ્કાય ડાઈવિંગનું છે. આકાશી છલાંગને સ્પોર્ટ્સ તરીકે વિકસાવવામાં પાયા રૂપ બિલ બૂથ કહેતા કે જેમ જેમ સ્કાય ડાઈવિંગને સુરક્ષિત બનાવતા સાધનો આવતા ગયા એમ એમ ડાઈવિંગ કરનારા વધારે ને વધારે જોખમ લેતા ગયા. ચાલો, હવે ચાન્સ લઈએ. આખરે આકાશી છલાંગનો મૃત્યુ આંક એટલો ને એટલો જ રહ્યો. સલામતીનાં સાધનો વધ્યાં તે છતાં. અને એવું જ બન્યું એચઆઈવીની દવાઓમાં. પહેલાં અસુરક્ષિત સંભોગથી એચઆઈવી થતો અને લોકો મરતાં. હવે દવાઓ આવી. પ્રી-એક્સ્પોઝર પ્રોફિલેક્સિસ અને એન્ટિ-એચઆઈવી ડ્રગ્સ. લોકોને થયું કે હવે ખાસ જોખમ નથી. હવે અસુરક્ષિત ગણાતા ગુદા સંભોગમાં પણ કોન્ડોમ વાપરવાની જરૂર નથી. પરિણામે અન્ય સેક્સ્યુલી ટ્રાન્સમિટેડ રોગનું ચલણ વધ્યું અને સરવાળે માનવ સ્વાસ્થ્યને થતું નુકસાન યથાવત રહ્યું. ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઈન્ડિયા વગેરે પોતાનાં વાહન રસ્તાની ડાબી બાજુ હંકારે છે. અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાંસ વગેરે પોતાનાં વાહન રસ્તાની જમણી બાજુ હંકારે છે. સ્વીડનમાં પણ પહેલાં વાહનો રસ્તાની ડાબી બાજુ હંકારાતા પણ પછી સને ૧૯૬૭માં નક્કી કર્યું કે હવેથી વાહનો રસ્તાની જમણી બાજુ હંકારવા. અને ત્યારે લોકોને લાગ્યું કે આ બદલાવ જોખમી બની શકે. એટલે તેઓ પોતાનાં વાહનો સંભાળીને ચલાવવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે અકસ્માતની સંખ્યા ઘટી ગઈ. અકસ્માત વીમાનાં ક્લેઇમ ૪૦% ઘટી ગયા. પણ આ બધું ૬ અઠવાડિયાં સુધી સમુંસૂતરું ચાલ્યું. પછી લોકોને લાગ્યું કે ઓહો! હવે તો કોઈ જોખમ નથી. અને પછી એટલાં જ અકસ્માત થવાં લાગ્યાં જેટલાં આ પહેલાં થતાં હતા. ટૂંકમાં આ સઘળું આપણાં હાથમાં છે. આપણે જોખમને કેવી રીતે જોઈએ છીએ?- એની ઉપર સઘળો દારોમદાર છે. સરકાર આ વાત સમજે છે. એ વારંવાર કહે છે કે વેક્સિન આવી ગઈ છે. પણ જોખમ હજી છે જ. બે ડોઝ વેક્સિનનાં લીધાં એટલે હવે મારે બુકાની બાંધવાની જરૂર નથી. અને હાથ શું કામ ધો ધો કરવાં? અને સામાજિક દૂરી તે વળી કઈ બલા છે. અરે ભાઈ, તમને ન થાય પણ તમે વાઈરસ ડીસ્ટ્રીબ્યુશન સેન્ટર બની જાઓ છો. ફેલાવો કરો છો વાઇરસનો. અને પછી પરિસ્થિતિ વણસે છે. જરા તો સમજો. સુરક્ષા અને જોખમની સમજણ જરૂરી છે. માણસો અને માણસો સિવાય રાજકારણીઓમાં, ક્રિકેટર્સમાં અને ધર્મધુરંધરોમાં પણ આવી સમજણ જરૂરી છે. ‘ચાલે હવે’, ‘એમાં શું?’, ‘શું ફેર પડે?’ – શબ્દો આપણે બોલીએ છીએ કારણ કે હવે વાઇરસની ઐસી તૈસી કરી નાંખતી રસી આવી ગઈ છે. હવે તો વાઇરસ ગયો…. પણ એમ એ જવાનો નથી. પેલ્ટ્ઝમેન ઇફેક્ટની ઇફેક્ટ ઇન-ફેક્ટ ઘણી ઘાતક નીવડી શકે તેમ છે. અતિ જરૂરી કામ ન હોય તો ઘરમાં જ રહો, સુરક્ષિત રહો. હવે તો માનો મારા વ્હાલાં, કરું તને કાલાવાલા…. શબ્દ શેષ: “સત્ય એ સત્ય જ રહેશે, કોઈ માને કે ન માને. અસત્ય એ અસત્ય જ રહેશે, કોઈ માને કે ન માને.” –અજ્ઞાત