પિલર ટૂ પોસ્ટ: અલક ચલાણું, ઓલે ઘેર ભાણું ક્યારનો ચિંતા કરે છે કાલની !ઠાર પહેલાં આગ અબ્બીહાલની.રોજ ધક્કા ખાય છે એ કૉર્ટના,વાત બહુ કરતો હતો જે વહાલની.– ભાવેશ ભટ્ટસમાચાર છે કે લોકો જીવ બચાવવા ધક્કા ખાઈ રહ્યા છે. સમાચાર છે કે પૈસા ય કોઈ કામ આવતા નથી. સિવાય કે તમે સેલેબ્રિટી હો કે પોલિટિશ્યન હો. મહારાષ્ટ્રનાં મંત્રી અસ્લમ શેખે કહ્યું કે સેલેબ્રિટી અને ક્રિકેટર્સ જરૂરી ન હોય ત્યારે પણ હોસ્પિટલનાં બેડ લાંબા સમય સુધી રોકી રાખે છે. એટલે એમ કે સ્થિતિ ગંભીર હોય એવાં દર્દીઓને બેડ મળતા નથી. તેઓએ જો કે અક્ષય કુમાર કે સચીન તેંડુલકરનું નામ નહોતું લીધું. અલબત્ત કોઈ પોલિટિશ્યનનું નામ તો તેઓએ લીધું જ નહોતું. હળવાં કે નહીંવત લક્ષણો હોય તો પણ હોસ્પિટલમાં? પણ તેઓ સેલેબ્રિટી છે. મેંગો પીપલ અલબત્ત ગોટે ચઢે છે. માંદા પડવું અને મરી જવું સમાનાર્થી શબ્દો બની જાય, એવું ય થાય. પણ એ બે ક્રિયાઓ વચ્ચે જે ધક્કા ખાવા પડે છે, એ સમાચાર હૈયું હચમચાવી નાંખે છે. ધક્કા ખાવા એ વિષે પિલર ટૂ પોસ્ટ (Pillar to Post) મુહાવરો આજકાલ સમાચારમાં છવાયેલો છે. પૂણે: રેમડેસીવિર અને પ્લાસમા માટે નાગરિકો પિલર ટૂ પોસ્ટ દોડી રહ્યા છે. ઈન્દોર: મબલક અછત છે, બેડ્સ, ઓક્સિજન, રેમડેસીવિર, ટી. ઓસિલિઝૂમ્બ- દર્દીનાં કુટુંબીજનો પિલર ટૂ પોસ્ટ દોડી રહ્યા છે. બારામુલ્લા: દવાની અછત છે, દર્દીઓ પિલર ટૂ પોસ્ટ દોડી રહ્યા છે. સુરત: લોકો રેમડેસીવિર માટે પિલર ટૂ પોસ્ટ દોડી રહ્યા છે ત્યારે બીજેપી પાર્ટી ચીફ દ્વારા ૫૦૦૦ ઇન્જેક્શન્સ ફ્રી ઓફ કોસ્ટ આપવા હસ્તગત કરાયા છે. ગયા અઠવાડિયે આ મુહાવરો માત્ર કોવિડનાં સમાચારમાં જ નથી આવ્યો. રાજસ્થાનનાં સમાચાર છે કે વિમાનમાં બાળકનો જન્મ થયો, ત્રણ અઠવાડિયા થયા, એનું બર્થ સર્ટિફિકેટ લેવા એનાં માબાપ પિલર ટૂ પોસ્ટ દોડી રહ્યા છે. કર્ણાટકમાં ઘરનાં ખરીદદારો બિલ્ડર્સ પાસે વળતર લેવા પિલર ટૂ પોસ્ટ દોડી રહ્યા છે. બંગાળમાં એક મતદાર હાથમાં વૉટર્સ આઈ કાર્ડ લઈને પિલર ટૂ પોસ્ટ ફરી રહ્યો છે, એ જાણવા કે એનું નામ કઈ મતદાર યાદીમાં છે? બરેલી, યુ.પી.માં ૪૫ વર્ષનો એક બાપ એની ગુમ થયેલી ૨૩ વર્ષની દીકરીની ભાળ મેળવવા પિલર ટૂ પોસ્ટ ફરતો રહ્યો, આખરે થાકીને એણે આપઘાત કર્યો. પિલર ટૂ પોસ્ટ મુહાવરો તો આપણે જાણીએ છીએ. શુદ્ધ ગુજરાતીમાં કહી તો ‘ધક્કા ખાવા’. અમને જો કે આવા તાજાં સમાચારો સાથે નિસ્બત નથી. અમે તો શબ્દની વાતો કરીએ છીએ. પિલર એટલે થાંભલો કે સ્તંભ. અને પોસ્ટ એટલે? પોસ્ટ એટલે પણ એમ જ. ગુજરાતી લેક્સિકોન અનુસાર પોસ્ટ એટલે થાંભલો, ટેકણ, ખાંભો, સ્તંભ, જાહેરાતનું પાટિયું લટકાવવા માટે અથવા સરહદ બતાવવા રોપેલો મજબૂત વાંસ ઇ., શરતમાં અમુક ઠેકાણે રોપાતો થાંભલો. એટલે ગુજરાતીમાં અર્થ કરીએ તો એક થાંભલેથી બીજે થાંભલે. અહીંથી તહીં અને તહીંથી અહીં. તમે કહેશો કે એક થાંભલે વળગીને બેસી થોડું રહેવાનું હોય? અન્યત્ર જવું તો પડે જ. વાત તો બરાબર પણ અહીં વારંવાર જવું પડે છે, મજબૂરીમાં જવું પડે છે અને છતાં… ધાર્યું પરિણામ મળતું નથી. પરિણામ સમયસર મળતું નથી. ધક્કો ખાવો, હડસેલો વેઠવો, ફોગટ ફેરો, નકામો ફેરો, ખોટી આશા, ફોગટ આંટો, પરિણામ નદારદ, હેતુ બર ન આવે, પરિણામ વખતોવખત મુલતવી રહે. લો બોલો! પિલર ટૂ પોસ્ટ એટલે અસ્તવ્યસ્ત કે છિન્નભિન્ન, કશીય યોજના વિના, આમથી તેમ અને તેમથી આમ ભટકવું તે. પરિણામ ન મળે. મળે તો માત્ર નિરાશા અને ગુસ્સો અને દુ:ખ અને પીડા. પિલર ટૂ પોસ્ટ આમ તો ઘણો જૂનો મુહાવરો છે. પંદરમી સદીમાં એક સ્વપ્ન કવિતા ‘એસેમ્બલી ઓફ ગોડ્સ’ (ભગવાનની સભા)માં પહેલી વાર ઉપયોગમાં લેવાયો હોવાનું મનાય છે. દેવોની સભામાં નિયતિ કે વિધાતાનાં દેવ એટ્રોપોસ (યમરાજ) ફરિયાદ કરે છે કે મારી પાસે કોઈનો જીવ લઈ લેવાની સત્તા છે પણ એક છે જે કાયમ મારી આડે આવે છે. અને એ છે વર્ચ્યુ (સત્કર્મ). મારે પછી પિલર ટૂ પોસ્ટ રખડવું પડે છે. બધાં દેવ કહે છે કે આ ન જ ચાલે. એટલે પછી તેઓ સત્કર્મની અસરને નાબૂદ કરવા અંડરવર્લ્ડનાં દેવાધિદેવ પ્લુટોનાં અનૌરસ સંતાન વાઇસ(વ્યસન કે દુર્ગુણ)ને આ કામ સોંપે છે, જેથી સત્કર્મની અસર ન્યૂટ્રલ કરી શકાય. પછી… પછી તો કવિતા ઘણી લાંબી છે, જેની વાત ફરી કોઈ વાર. આ મુહાવરો જો કે એથીય પૌરાણિક છે. પહેલાનાં જમાનામાં ગુનેગારને કોરડાં વીંઝવાની સજા કરાતી અને તે સમયે એમને પોસ્ટ (સ્તંભ) સાથે બાંધી રખાતા હતા. પછી એમને ઢસડીને પિલરી (Pillory) પર લઈ જવાતા. પિલરી એટલે હાથ અને માથા માટે કાણાંવાળું ગુનેગારને સજા તરીકે પૂરવાનું પાટિયું જડેલો થાંભલો, ફજેતીનું લાકડું, ફજેતીના લાકડામાં પૂરી દેવું, ફજેતી કરવી, જાહેરમાં બેઇજ્જતી કરવી. ગુનેગારને આમ ‘પોસ્ટ ટૂ પિલર’ લઈ જવાતો. પણ પછી કાળક્રમે આ મુહાવરો ઊલટો થઈ ગયો. આમ પણ શું ફેર પડે છે? અહીંથી તહીં કહો કે તહીંથી અહીં. આ મુહાવરાની વ્યુત્પત્તિ વિષે એક અલગ થીયરી પણ છે. એવું મનાય છે કે આધુનિક ટેનિસની રમત જેની ઉપર આવી એ ‘રીઅલ ટેનિસ’ નામે ઓળખાતી ઇન્ડોર ટેનિસમાં પિલર અને પોસ્ટ હતા અને દડો આમથી તેમ ઠોકવામાં આવતો, તે પરથી પિલર ટૂ પોસ્ટ મુહાવરો આવ્યો છે. સાચું હોઇ શકે. જે પિલર ટૂ પોસ્ટ ફરતા રહે છે, એની હાલત પણ ટેનિસનાં દડા જેવી જ તો હોય છે. આપણી દેશી રમત બાઈ બાઈ ચાલણી કે ચલક ચલાણું પણ તો આવી જ વાત કહે છે. ગમે તેવું આયોજન કર્યું હોય પણ સંજોગો એવા આવે કે આમતેમ ધક્કા ખાવા પડે. સત્કર્મ કામ આવે એવી થીયરી પણ પછી ઝટ સમજાતી નથી. અમે એવા તે શા પાપ કર્યાં? પછી આપણે એવું કહીએ કે આ તો ગત જન્મનાં પાપ છે. ચાલો અત્યારે ભોગવી લીધાં. આવતા જન્મમાં હવે શાંતિ. પણ આ જન્મજન્માંતરનાં ફેરા ય ચોર્યાસી લાખ છે. આપણે પિલર ટૂ પોસ્ટ અને પોસ્ટ ટૂ પિલર. હેં ને?શબ્દ શેષ: “જો તમે નર્કાગારમાંથી પસાર થઈ રહ્યા હો તો (અટક્યા વિના) ચાલતા જ રહેજો.” – ગ્રેટ બ્રિટનનાં પૂર્વ પ્રધાનમંત્રી વિન્સ્ટન ચર્ચિલS