બ્રોકલી? યસ.પરેશ વ્યાસ

બ્રોકલી? યસ. સમોસા? ઓ.કે…બ્રોકલી સમોસા? ઓહ નો!

નમસ્તે ટ્રમ્પ. તેઓ આવ્યા. તેઓ ગયા. ચરખો કાંત્યો. લોક અભિવાદન ઝીલ્યું. ક્રિકેટથી બોલિવૂડ સુધીનો ઉલ્લેખ કર્યો. યજમાન અને મહેમાન. બંનેએ એકબીજાનાં વખાણ કર્યા. તારીફ પે તારીફ, તારીફ પે તારીફ! હિંદીમાં એક મુહાવરો છે: તારીફ કે પૂલ બાંધના. અમે તો તારીફ કે સ્ટેડિયમ બાંધ દિયે. અમને આ બધું ગમે છે, હોં. આમ જાહેરમાં ગળે મળવું, આમ મુસ્કુરાવું અને આમ યે-દોસ્તી-હમ-નહીં-છોડેંગેવાળું ગાણું ગાવું.
અમે ગયે અઠવાડિયે ટ્રમ્પ સાહેબને પ્રિય હોય એવી ખાણીપીણીની વાત કરી હતી. એમને શું ભાવે? પણ આપણે એમને એમને ભાવતા ભોજનિયાં તો પીરસ્યા જ નહીં. આયોજકોએ મેનુ નક્કી કરતા પહેલાં અમારો લેખ વાંચ્યો હોત તો? પણ એ જવા દો. આપણે એમને ખમણ પીરસ્યા અને પીરસ્યા કાજુકતલી અને સમોસા. અને ચાય પણ જાતજાતની પીરસાઈ. હાઈ-ટીનું આ મેનુ હતું, જે છાપે ચઢ્યું. ન્યૂઝ-૧૮નાં રીપોર્ટ અનુસાર એમણે જો કે ન ખાધું, ન પીધું પણ, અમે માનીએ છીએ કે, લોકોનાં દિલ પર રાજ જરૂર કીધું. આ બધાની આફ્ટરઈફેક્ટ જો કે એ થઇ કે ટ્વીટરિયાંઓ હવે ‘સમોસા’ને લઈને જામી પડ્યા છે. અને એનું કારણ એ કે એમાં બટાકાની જગ્યાએ કોર્ન બ્રોકલીનો માવો હતો. બ્રોકલી? કોઈકે ટ્વીટયું કે બટાકાં વિના સમોસાની હસ્તી જ કેવી રીતે હોઈ જ શકે? ફિલ્મકાર હંસલ મહેતાએ તો આવા સમોસાને અન-કોન્સ્ટિટ્યુશનલ (ગેરબંધારણીય) ઘોષિત કરી દીધા. પણ સાહેબ, બ્રોકલીનો એ ફાયદો છે કે એ અન-કોન્ટિપેશનલ (ગેરકબજિયાતી અથવા રેચક) જરૂર છે. કેટલાં બધા ફાઈબર ઉર્ફે રેસા છે એમાં. પાચનક્રિયામાં સહાય કરે છે. અને એના ગુણની તો વાત જ શું કહું? એમાં લોહતત્ત્વ છે, વિટામીન સી અને વિટામીન કે છે. રીસર્ચ કહે છે કે રોજ 3.૮ ગ્રામ બ્રોકલી ખાવાથી હૃદયરોગ, મધુમેહ અને રૂધિરાભિસરણનાં રોગ થતા નથી. ચામડી ચમકે છે અને વાળ વધે છે. પણ અમે સહમત છીએ કે સમોસામાં બ્રોકલી?- યે કોમ્બિનેશન કુછ જમા નહીં.
વાંધો શું છે? સમોસા તળેલી વસ્તુ છે. નુકસાન કરે. પણ તમને એમ પણ થાય કે એમાં બ્રોકલી છે તો એ તો ફાયદો કરે. આ તો જાની દોસ્ત પીઠ પાછળ ખંજર હૂલાવતો હોય એવું થયું. બ્રોકલી સમોસા ત્યાજ્ય છે કારણ કે એ તળેલાં છે. તળેલું ખાવાનો ગુનો કરવો હોય તો સામી છાતીએ જ કરવો. આમ બ્રોકલીની આડમાં શું કામ? બીજો વાંધો એ છે કે બટાકાં વગર સમોસાને સમોસા કહી જ ન શકાય. એક ટ્વીટરિયાંએ એને ‘તળેલું સલાડ’ કહ્યું. અમે એની સાથે ૧૦૦% સહમત છીએ. પેલું ‘મિ. એન્ડ મિસિસ ખિલાડી’ ફિલ્મ (૧૯૯૭)નું ગીત યાદ છે? રાજા (અક્ષય કુમાર) અને શાલૂ (જુહી ચાવલા) સુહાગ રાતે શયનકક્ષમાં નૃત્ય કરતા કરતા આ ગીત ગાતા હતા કે… જબ તક રહેગા સમોસેમેં આલૂ, તેરા રહુંગા ઓ મેરી શાલૂ. હવે વર્ષો વીતી ગયા. હવે એ સુહાગ રાત નથી. એ પ્રેમવાળી કોઈ વાત નથી. હવે સમોસામાં બ્રોકલી છે, આલૂની કોઈ જાત નથી. એ જનમ જનમનું બંધન પણ હવે નથી. બહુત નાઈન્સાફી હૈ યે! ત્રીજો વાંધો પ્રિય ભક્તજનો માટે એક્સક્લુઝિવ છે. બ્રોકલીનું ઇટાલિયન કનેક્શન છે. બ્રોકલી એ ‘બ્રોકોલો’ નામક ઇટાલિયન શબ્દનું બહુવચન છે. માથું ફૂટ્યું હોય એવી જંગલી કોબીજને સત્તરમી સદીનાં ઇટાલીમાં બ્રોકોલો કહેવાનું શરૂ થયું. એ મૂળ ત્યાંની જ વનસ્પતિ છે. રોમન સમયથી પૂર્વીય ભૂમધ્ય સમુદ્ર પાસેનાં દેશોમાં ઉગાડવામાં આવતી હતી. હવે કોઈ પણ ઇટાલિયન વ્યક્તિઓ કે વસ્તુઓ સામે સમજ્યા મુક્યા વગર ભક્તજનોનો વિરોધ તો હોય જ. આ ફેક્ટ જાણ્યાં પછી જે સત્તાધીશોએ આ ઇટાલિયન મેનુ ઇન-ફેક્ટ નક્કી કર્યું હશે, એની માઠી હાલત થશે, એવું અમારું માનવું છે. અને હા, ત્યાં જાતજાતની ચા પણ તો પીરસાઈ હતી. પણ ચાય અને ચાયવાલાની વાત કેમ ચર્ચાઈ નહીં? ચોથો વાંધો એ છે કે આપણું ફૂલગોબી ઉર્ફે ફૂલાવર તો છે જ. સમોસા જ પીરસવા’તા તો બ્રોકલીની જગ્યાએ ફૂલાવર કેમ નહીં? જે પીરસો એ સ્વદેશી તો હોવું જોઈએ ને?! હેં ને? હેં ને?
પણ સાહેબ, બ્રોકલી સલાડ રૂપે તો ચોક્કસ સારી. કહે છે કે એ ભલે દાંતમાં સલવાઈ જાય પણ ફ્રેંચ ફ્રાઈ તો પિછવાડે સલવાઈ જાય. માટે… બ્રોકલી યસ, સમોસા ઓકે પણ બ્રોકલી સમોસા..ઓહ નો! ઇતિ સિદ્ધમ્.

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.