ઇટિંગ ક્રો: શર્મિંદગીથી હારનો સ્વીકાર કરવા મજબૂર
સદાય મૃતદેહ ચૂંથી કોને એમાં શોધતો?
લઈ બધા રહસ્યભાવ કાગડો મરી ગયો
લ્યો, કાગડો હોવાનો એનો કાર્યક્રમ પૂરો થયો
હવે આ રાષ્ટ્રગીત ગાવ: ‘કાગડો મરી ગયો’…
– રમેશ પારેખ
સીએએ એટલે નાગરિકતા સંશોધન કાયદો. પણ એટલે શું? એટલે એમ કે પાડોશી દેશોમાં જે અલ્પસંખ્યક છે એવા લોકો, ભારતનાં નાગરિક બનવા માંગે તો એમને નાગરિકતા આપવી. તો પછી વિરોધ શાનો? તો કે એમ કે એમાં મુસલમાનો શામેલ નથી. ભારત ધર્મનિરપેક્ષ દેશ છે. અહીં ભેદભાવ શા માટે? હવે કાયદો બન્યો સંસદમાં અને એનો વિરોધ રસ્તા ઉપર થઇ રહ્યો છે. વિરોધ કરવાનો અબાધિત હક દરેક નાગરિકને છે જ. પણ એ પણ છે કે વિરોધ કરે એ દેશદ્રોહી અને સમર્થન કરે એ દેશપ્રેમી, એવો સૂર ઊઠી રહ્યો છે. કોઇ નમતું જોખવા તૈયાર નથી. ‘આઉટલૂક’ મેગેઝિનમાં છપાયેલ આ મતલબનાં એક લેખનું શીર્ષક હતું: હૂ વિલ ઇટ ક્રો? (Who will Eat Crow?’) શાબ્દિક અર્થ થાય: કાગડો કોણ ખાશે? એ તો સ્વાભાવિક છે કે આ રૂઢિપ્રયોગ છે. આમ કોઇ કાગડો થોડો ખાય? માંસાહારી માણસો મરઘાંબતકાં કે તીતરબટેર ખાય પણ કાગડો?…. કાગડો આમ પણ મરેલાંઓને ચૂંથતો હોય છે. મૃતદેહ, પછી એ માનવીનો હોય કે જાનવરનો, કાગડો એને ખાતો હોય છે. એટલે એવાં શબ ચૂંથનારા પક્ષીને મારીને ખાવું ખરાબ ગણાય છે. કાગડો યુદ્ધ સાથે સંક્ળાયેલો છે. યુદ્ધમાં મરનાર સૈનિકોનાં શબની ઉજાણી કાગડાંઓ કરતા હોય છે. આ દૃશ્ય જુગુપ્સાપ્રેરક હોય છે. પશ્ચિમી સંસ્કૃતિમાં તો આવું દૃશ્ય જોવું પણ ગેરકાયદેસર ગણાય છે. એ સંજોગોમાં, કોઇને કાગડો ખાવા મજબૂર કરવું એટલે એનો અર્થ એ કે એને હલકું પાડવું કે ઉતારી મુકવું.
ઓગણીસમી સદીમાં ન્યૂયોર્ક રાજ્યનાં સુધરેલાં ખેડૂતોએ એમનાં એક પાડોશી ગામડિયાં ભોળા ખેડૂતને ફરિયાદ કરી કે અહીં ખાવાનું બરાબર નથી. ગામડિયાંએ કહ્યું કે હું તો કાંઇ પણ ખાઇ શકું. સુધરેલાં ખેડૂતોએ મજાક મજાકમાં પૂછ્યું કે ‘તું કાગડો ખાઇ શકે?’
પેલાંએ કહ્યું, ‘હા’. સુધરેલાં ખેડૂતોએ એક કાગડો મારીને, એમાં તમાકુની છીંકણી (બજર) છાંટીને એને આપ્યો. ભોળો ખેડૂત ખાઇ ગયો પણ એણે કહ્યું કે ‘હવે તો મને એનું વ્યસન થઇ ગયું છે!’ આ જોક ઉપર આજે હસવું કદાચ ન આવે પણ તે જમાનમાં આ જોક ભારે લોકપ્રિય બની ચૂક્યો હતો. ઇટિંગ ક્રો (કાગડો ખાવો) એટલે એમ કે કોઇ માણસ બહુ ફાંકા મારે, કહે કે આમ થશે પણ થાય સાવ ઊલટું અને એને નીચાજોણું થાય, શર્મિંદગી થાય અથવા તો માનહાનિ થાય તો એ સ્થિતિ કાગડો ખાવા બરાબર ગણાય. આપણે કહીએ છે એમ, થૂંકેલું ચાટવા જેવી સ્થિતિ અથવા તો નાક કપાઇ જવું.
વર્ષ 1948માં અમેરિકન પ્રેસિડન્ટની ચૂંટણીમાં તત્કાલીન ડેમોક્રેટિક પ્રેસિડન્ટ હેરી ટ્રુમેન અને રીપબ્લિકન ઉમેદવાર થોમસ ડ્યુવી વચ્ચે સ્પર્ધા હતી. તમામ મીડિયા એ બાબતે એકમત હતા કે થોમસ ડ્યુવી જ જીતી જશે. પણ પરિણામ આવ્યું સાવ ઊલટું. ટ્રુમેન ફરી ચૂંટાઇ ગયા. પ્રતિષ્ઠિત અખબાર વોશિંગ્ટન પોસ્ટે વિજેતાને અભિનંદન આપતો ટેલિગ્રામ કર્યો અને એમાં લખ્યું કે: ‘ ક્રો બૅંક્વિટ (કાગડાં પ્રીતિભોજન)માં હાજરી આપવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. અમે તમામ અખબારનાં તંત્રીઓ, આ અખબાર સહિત અન્ય તમામ અખબારનાં રાજકીય પત્રકારો, ચૂંટણી સમીક્ષકો, રેડિયો સમાલોચકો અને કટારલેખકોને અમે આ કાગડાં પ્રીતિભોજનમાં પધારવા આમંત્રણ પાઠવ્યું છે. આપને અલબત્ત ટર્કી મરઘું પીરસવામાં આવશે!’ ટૂંકમાં અખબારે ખેલદિલપૂર્વક સ્વીકાર્યું કે આખું મીડિયા ખોટું ઠર્યું છે અને એટલે અમે બધાં કાગડો ખાઇશું. તમે ટર્કી મરઘો ખાજો. ટ્રુમેને જવાબ પાઠવ્યો કે તમે કાગડો ખાઓ, એ જોવાની મારી લગીર ઇચ્છા નથી. આપણે સાથે મળીને એવા અમેરિકાનું નિર્માણ કરીએ કે જ્યાં લોકો ચાહે ત્યારે ટર્કી ખાઇ શકે.
‘ઇટિંગ ક્રો’ રૂઢિપ્રયોગને સાકાર કરતી વાર્તા લેખક રુડયાર્ડ કિપલિંગ (1865-1936)ની એક મજેદાર ટૂંકી વાર્તા છે: ધ સ્ટ્રેન્જ રાઇડ ઓફ મોરાબી જ્યુક્સ. ભારતનાં બ્રિટિશ શાસનકાળની પૃષ્ઠભૂમિ છે. મોરાબી બ્રિટિશ ગોરો નાગરિક છે. એક વખત જંગલમાં આકસ્મિક રીતે એક ઊંડા ખાડામાં પડી જાય છે. કોઇ બાહરી મદદ વગર ત્યાંથી નીકળવું શક્ય નથી. તે જુએ છે કે એક આદિવાસી પણ એની જેમ જ ત્યાં પડી ગયો હોય છે. ગોરાને ભૂખ લાગે છે. ખાવાનું તો કાંઇ નથી. પેલો આદિવાસી તો ઊડતા કાગડા મારી પકડીને ખાઇ જાય છે પણ ગોરો કહે છે એ કાગડો તો ખાશે નહીં જ. ક્યારેય નહીં. કોઇ પણ સંજોગોમાં નહીં. પણ…એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ.. કેટલાં દિવસ ભૂખ્યો રહી શકે? આખરે એ સાચે જ કાગડો ખાય છે. ભલે એણે ઘણાં ફાંકા (તોર,અભિમાન) માર્યા હતા કે ભૂખ્યો મરી જઇશ પણ કાગડો તો નહીં જ ખાઇશ, પણ આખરે કાગ-માંસનો ફાકો (એક વખત ફાકી શકાય તેટલું મોંમાં લેવું તે) મારવા એને મજબૂર થવું પડ્યું.
ફરીથી ‘આઉટલૂક’નો એ આર્ટિકલ, જેનું શીર્ષક હતું: ‘કાગડો કોણ ખાશે?’- ની વાત કરીએ. નાગરિકતા સંશોધન કાયદા બાબતે સરકાર તરફી અને સરકારવિરોધી, એમ બન્ને પક્ષો સ્ટ્રોંગ સ્ટેન્ડ લઇ ચૂક્યા છે. કોઇ નમતું જોખવા તૈયાર નથી. અમે હાર્યા, એવું કહેવા કોઇ તૈયાર નથી. શાહીનબાગ અને ચાણક્યપુરી વચ્ચે મનમેળ કે મતમેળ નથી. પણ હું આ લેખનું સમાપન પ્રિય કવિ રમેશ પારેખનાં ઉપર ટાંકેલી ગઝલનાં આખરી શેરથી કરું: ‘ રમેશ, આમ કાગડાની જેમ તું કરાંજ મા, You.. stop… stop… now કાગડો મરી ગયો.’ હવે એ મરેલાં કાગડાને કોણ ખાશે?

– એ તો સમય જ બતાવશે.
શબ્દ શેષ:
“જ્યારે તમને સમજાઇ જાય કે તમે ભૂલ કરી છે તો એ સ્વીકારી લેવામાં ઝડપ રાખજો. કાગડો ગરમાગરમ હોય ત્યારે એને ખાવામાં આસાની રહેતી હોય છે.” –ડાન હૈસ્ટ