Daily Archives: નવેમ્બર 11, 2021

ઝરમરનાં ઝાંઝર યામિની વ્યાસ 

 · 

“મે આઈ કમ ઇન, સર?”
લેપટોપમાં ડૂબી ગયેલા પાર્થને પૂર્વાનો મધુર સ્વર સંભળાયો. તેણે આંખોથી હા પાડી. પૂર્વા અંદર પ્રવેશી અને નમ્રતાથી કહ્યું, “સર, આ રસીદ.”
“શેની?”
“આપે અનાથાશ્રમમાં દાન કર્યું હતું તેની.”
“ઓહ!”
“આપ અનાથાશ્રમ સાથે જોડાયેલા છો?”
“ના સર, મારી દીદી ત્યાં કામ કરે છે. આ તો હું યુનિવર્સિટીમાં કામ હોવાથી જાઉં છું અને તમારી ઓફિસ રસ્તામાં આવે છે એટલે દીદીએ મને આ રસીદ આપવાં કહ્યું હતું.”
“ઓકે ફાઈન. સ્ટડી કરો છો?”
“હા, બાયોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરું છું.”
“વાહ સરસ! ભણવામાં ઘણો રસ લાગે છે નહીં?”
“હા, ગ્રેજ્યુએશન કર્યા પછી બે વર્ષ છૂટી ગયાં હતાં, પણ હવે ફરીથી શરૂ કર્યું છે.”
“વેરી ગુડ! બેસો.”
“ના સર, મારે મોડું થાય છે. હું જાઉં છું.”
પૂર્વા ગઈ પણ પાર્થની આંખોમાંથી હજુ ગઈ ન હતી. તેણે પૂર્વાની છબી યાદ રહી ગઈ હતી. કેવો સૌમ્ય નમણાશભર્યો ચહેરો અને આંખોમાં ભેજ! પાર્થ પૂર્વા વિશે વિચારતો રહ્યો. પૂર્વા તેને પહેલી જ નજરમાં ગમી ગઈ હતી. ખૂબ નાની ઉંમરમાં પાર્થ સફળ બિઝનેસમેન બની ગયો હતો. પાર્થ માટે તો ઘણી છોકરીઓનાં માગા આવતાં હતાં, પરંતુ તે ‘હજુ વાર છે’ કહીને ના પાડી લેતો હતો.
એકાદ મહિનો નીકળી ગયો પરંતુ પાર્થના મનમાંથી પૂર્વાની છબી નીકળતી ન હતી. હવે પૂર્વાને ફરીથી જોવી હોય તો ક્યાં જુએ? યુનિવર્સિટી? ના, એવી રીતે નહીં. તે ફરીથી અનાથાશ્રમ ગયો અને ફરી દાન આપ્યું. અને તેણે ધાર્યું હતું તેવું જ થયું. પૂર્વા જ રસીદ આપવા તેની ઓફિસે આવી. બંનેની ફરી મુલાકાત થઈ પરંતુ તે વધુ પૂછી ન શક્યો. એવી રીતે ત્રણ-ચાર વખત થયું. પૂર્વા પણ પાર્થની સાથે વાત કરવામાં થોડી સહજ બની ગઈ. પછી તો થોડીવાર બેસીને કોફી પણ પી લેતી. થોડી વાતો થતી. પાર્થને પણ લાગ્યું કે પૂર્વાને પણ કદાચ પોતે ગમી રહ્યો છે. તેને બીજી કોઈ રીતે વાત કરવાં કરતાં તે સીધો અનાથાશ્રમ ગયો. અને તેની દીદીને મળ્યો અને કહ્યું કે, પૂર્વા તેને ગમે છે. તેની દીદી ખૂબ ખુશ થઈ અને પૂર્વાને અનાથાશ્રમમાં જ બોલાવી. દીદીએ પૂર્વાને વાત કરી પરંતુ પૂર્વાએ ‘પછી વાત’ એમ કહીને સંમતિ દર્શાવી નહીં.
પાર્થ દાન આપીને જવાબની અપેક્ષાએ ચાલ્યો ગયો હતો. ફરી એ જ રીતે રસીદ આપવા પૂર્વા જ ગઈ અને પૂર્વાએ વાત કરી કે, હા તમે પણ મને ગમો છો, પરંતુ મારે લગ્ન નથી કરવાં.
“તો આ રીતે જીવન પસાર કરશો?”
“ના, હું અનાથાશ્રમમાંથી જ એક બાળક દત્તક લેવા ઇચ્છું છું.”
“એમ? હિરોઈનની માફક? સુસ્મિતા સેને લીધી એવી રીતે??
“ના, હિરોઈન તો શું! આ તો અનાથાશ્રમના એક અનાથ બાળકને ઘર મળે એ હેતુ છે.”
“ઓહો! એટલી જ વાત છે? એ બાબતે હું સહમત થાઉં તો?”
“હા, આપ ખૂબ ઉદાર છો. ખૂબ સારા છો, પરંતુ મને એમ થાય છે કે, જ્યારે લગ્ન થાય અને પોતાનું બાળક થાય તો દત્તક બાળક તરફ ઉપેક્ષા સેવાય તો?”
“ઓહો… આટલો જ સવાલ છે? મારા પર વિશ્વાસ નથી?”
“ના સર, એવી વાત નથી…”
“મને કશો જ વાંધો નથી.”
“સારું, વિચારીને જવાબ આપીશ.”
પૂર્વાએ ઘરે જઈને વાત કરી. તેના મમ્મીપપ્પા ખુશ થયાં. દીદીને પણ બોલાવી અને કહયું. દીદીએ કહ્યું કે પાર્થ ખૂબ સારી વ્યક્તિ છે. ઘણા વખતથી અનાથાશ્રમમાં દાન આપવા આવે છે એટલે હું એમને ઓળખું છું. તેમની સમાજમાં પણ ખૂબ સારી પ્રતિષ્ઠા છે. એ બહુ પૈસાદાર છે છતાં જમીન પર છે. પૂર્વાના માબાપ પણ રાજી હતાં પણ પૂર્વા કંઈક રીતે ગૂંચવાતી હતી. માએ અને દીદીએ તેની સામે બેસાડીને સમજાવી કે, ‘જો બેટા,જીવન ક્યાંય અટકવું ન જોઈએ. સારીમાઠી ઘટનાઓ બનતી રહે છે અને બનતી રહેશે. એ ભૂલી જવાની. પાછળ મૂકીને આગળ વધવાનું હોય છે.’ પરંતુ પૂર્વાએ કહ્યું કે, ‘હું પાર્થ સાથે લગ્ન કરીશ તો હું તેને મારો સાચો ભૂતકાળ કહીશ.’ પરંતુ મા અને દીદીએ ના પાડી કે, ‘ પુરુષ આગળ બધી વાત ન કરવી.’ જે વાત આપણે પણ ભૂલી ગયાં છીએ તેને ભૂલાયેલી જ રાખવી જોઈએ. એ બધું ભૂલીને આપણી ગતિ આગળ વધારવાની. પપ્પાએ પણ સંમતિ દર્શાવી અને તેણે હા પાડી.
ધામધૂમથી પાર્થ અને પૂર્વાનાં લગ્ન થઈ ગયાં. પાર્થનાં માતાપિતા આ જ વ્યવસાયને લઈને બીજા શહેરમાં રહેતાં હતાં. તેઓ પણ આવી સુંદર અને ગુણવાન વહુ મેળવીને ખુશ થયાં. પરંતુ પૂર્વાની આંખોનો ભેજ કદી પણ સૂકાયો ન હતો. ઘણીવાર પાર્થ તેની લાલ આંખો જોતો અને પૂછતો ત્યારે પૂર્વા ડોકું હલાવીને કહેતી, “અરે, હમણાં જ સ્વિમિંગ પૂલમાંથી આવી. ક્લોરિન વધારે નંખાઈ ગયું હશે. તમે તો વહેલાં ઊઠતા નથી પણ મને તો સ્વિમિંગ કરવું ગમે છે. તેને કારણે આંખ લાલ છે. પાર્થ તેને વળગી પડતો. ‘ચાલ, કાલથી હું વહેલો ઊઠીને આવીશ.આપણે સાથે સ્વિમિંગ કરીશું.’ પાર્થ કહેતો પણ ખરો કે, તારી ‘ભેજવાળી આંખ સ્વિમિંગ કર્યા પછી વધુ ભેજવાળી થાય છે એ મને ખૂબ ગમે છે.’ પાર્થ અને પૂર્વા એકબીજાને ખૂબ ચાહતાં.પરંતુ ક્યારેક પૂર્વા અચાનક શાંત થઈ જતી ત્યારે પાર્થ અનુભવતો કે કોઈ વાત એને ખટકી રહી છે, એ પ્રેમથી પૂછતો પણ સ્મિત આપી એ ટાળી દેતી.
પાર્થે લગ્ન પહેલાં જ તેને પૂછ્યું હતું કે, તારી કોઈપણ વાત હોય તો તું મને જણાવજે. મને કંઈ જ વાંધો નથી. પાર્થે પણ પોતાનો ભૂતકાળ કહ્યો હતો કે, એક-બે યુવતીઓ મારા પ્રેમમાં પડી હતી. પછી મને ખ્યાલ આવવા લાગ્યો કે એ તો મારા પૈસા અને પ્રતિષ્ઠાથી આકર્ષાઈને આવી હતી. એથી, મેં સંબંધો કાપી નાંખ્યા. પછી તો મને લગ્ન કરવાની ઈચ્છા જ ન થઈ. તને જોઈ ત્યારથી મને થયું કે તું સાફદિલ અને સંસ્કારી છે. તું કદીય મને નહીં છોડે. પૂર્વા સહેજ ચમકી તો ગઈ પરંતુ તેને વહાલથી વળગી પડી.
લગ્નને દિવસે પણ પાર્થે ફરી પૂર્વાને પૂછ્યું, “તારી કોઈ વાત હોય તો તું મને કહી શકે છે એક મિત્ર તરીકે. મને કંઈ જ વાંધો નથી. આપણું નવું જીવન આજથી જ શરૂ થશે.” પૂર્વાને કશું કહેવું હતું પરંતુ મા અને દીદીનાં વાક્યો યાદ આવ્યાં અને તે ચૂપ રહી.
લગ્નજીવન સરસ ચાલતું હતું. બંને અનાથાશ્રમમાં શક્ય તેટલી મદદ કરતાં હતાં. હવે તો ત્યાં બાળકો પણ પાર્થને ઓળખતાં થઈ ગયાં હતાં. મોકો જોઈને પૂર્વાએ એક બાળક દત્તક લેવાની માંગણી કરી. પાર્થ તૈયાર થયો. એણે કહ્યું કે, હું બીઝનેસ ટૂર પરથી પરત આવું પછી આપણે અનાથાશ્રમ ચોક્કસ જઈશું.
તે ટૂર પરથી પરત આવ્યો ત્યારે તો તેને નવી જ સરપ્રાઈઝ મળી. પૂર્વાએ કહ્યું કે, તે પ્રેગનેન્ટ છે. પાર્થની ખુશીનો પાર ન રહ્યો પણ પૂર્વાની આંખનો ભેજ વધી ગયો. પાર્થે એને પૂછ્યું, “આટલી ખુશીમાં તારી આંખમાં કેમ આંસુ આવે છે?” એ અટકી અને કહ્યું, “ખુશીના માર્યા.” પાર્થે હસીને વહાલ કર્યું. પાર્થને અંદરઅંદર થયાં કરતુ કે કશીક એવી બાબત છે જે પૂર્વાને મન ખોલીને જીવવા દેતી નથી. પણ એ શું હશે? એ એની મૂંઝવણ દૂર કરવા તૈયાર હતો.
થોડા દિવસ પછી ફરી પૂર્વાએ દત્તક લેવાની વાત યાદ અપાવી, ત્યારે પાર્થે કહ્યું, “બસ આ બાળક આવી જાય પછી લઈશું. અત્યારે તારી આવી હાલતમાં કેવી રીતે સાચવી શકે? જે દિવસે આપણું બાળક જન્મે તે દિવસે આપણે બાળક દત્તક લઈશું. ઘરમાં એક સાથે બે બાળકોનો જન્મ થયો છે એમ સમજી લેવાનું. પૂર્વાનાં મમ્મીપપ્પા અને દીદીએ પણ એ જ જણાવ્યું કે, પાર્થની વાત બરાબર છે. પૂર્વા લગભગ રોજ અનાથાશ્રમ જતી અને બાળકોની કાળજી લેતી. દીદી તેને રોજ મળતી. કોઈ બહારથી બાળકોને દત્તક લેવાં આવતું તેમને પણ તે સમજાવતી કે થોડો વખત થોભી જાઓ.
પાર્થ ખૂબ ખુશ રહેતો અને પૂર્વાની ખૂબ કાળજી રાખતો. નવ માસને અંતે જાણે પાર્થના શબ્દો સાચા પડ્યા હોય તેમ જોડિયાં બાળકોનો જન્મ થયો. પાર્થે હસતા હસતા કહ્યું, “મેં નહોતું કહ્યું? બે બાળકો સાથે લાવીશું!” પરંતુ તરત જ કાન પકડીને કહ્યું કે, આજે જ હું અનાથાશ્રમ જઈને એક બાળકને દત્તક લઈ આવીશ.
પૂર્વા ચીસ પાડી ઊઠી, “ના, ના, મારા વગર તમારે એકલા નથી જવાનું. હું ઘરે આવું અને પછી આપણે સાથે જઈશું.”
પૂર્વા ઘરે આવી. હરતીફરતી થઈ પછી તેઓ બાળક દત્તક લેવા માટે ગયાં. ત્યાં પાર્થ પણ નિયમિત જતો હતો તેથી લગભગ બધાં બાળકો તેને પણ ઓળખતાં હતાં. સૌથી પહેલાં જ્યાં બાળક પસંદ કરવાનું હતું. ત્યાં ગયા પછી તેમાંથી એક નાની દીકરીએ પાર્થ તરફ હાથ લંબાવ્યો. પૂર્વાએ કહ્યું, “ના, એ નહીં, મને આ દીકરો ગમે છે. પાર્થે કહ્યું, “આપણને ટ્વિન્સમાં એક દીકરો અને દીકરી છે, તો દીકરો લઈએ કે દીકરી -શું ફરક પડે છે? પરંતુ પૂર્વાએ કહ્યું મને આ છોકરો બહુ ગમે છે. પાર્થ સહમત થયો અને બધી જ વિધી પૂર્ણ કરીને તેઓ ઘરે આવ્યાં. ઘરે બે સાથે સહેજ મોટું ત્રીજુ બાળક આવવાથી ઘર આનંદ કિલ્લોલથી ભરાઈ ગયું હતું.
પાર્થ કંઈક ગૂંચવણમાં હતો. પણ તેઓએ ઘરમાં મોટી પાર્ટી રાખી. ત્રણ દીકરા-દીકરીનો ઉત્સવ મનાવ્યો. સમાજ માટે એક ઉદાહરણ રૂપ બન્યાં કે, આ રીતે દરેક ઘર જો એક બાળક દત્તક લે તો એક અનાથને ઘર મળી જાય.
પૂર્વા ત્રણેય બાળકોને ઉછેરવામાં ખૂબ વ્યસ્ત હતી. પાર્થને ક્યારેક ફરિયાદ પણ રહેતી હતી કે, હવે મારું ધ્યાન ઓછું રખાય છે. ત્યારે નમણી પૂર્વા આંખમાં વધુ ભેજ સાથે કહેતી કે, “ના, હવે તો તમારું પણ ખૂબ ધ્યાન રાખીશ. ખૂબ ખુશ છું.” પૂર્વામાં થયેલો બદલાવ પાર્થની નજરમાં છાનો ન રહ્યો.
એક દિવસ પાર્થ ઘરે આવ્યો ત્યારે થોડો ગુસ્સામાં હતો. પૂર્વાએ તેનું આવું રૂપ ક્યારેય જોયું ન હતું. પાર્થે કહ્યું, “આટલું બધું કહેવા છતાં પણ તે મને ન કહ્યું. શું તને મારા પર વિશ્વાસ ન હતો? અત્યારે હું તારા ઘરેથી આવું છું. મેં તારી દીદીને પણ ત્યાં બોલાવી હતી અને મમ્મીપપ્પા પાસે ખુલાસો માંગ્યો હતો. તને છોડી દેવાની ધમકી આપી અને ડી.એન.એ તપાસ કરાવવા પણ માંગણી કરીશ એવું કહ્યું ત્યારે તેઓએ હાથ જોડીને કહ્યું કે, “હા, પૂર્વા અગાઉ છેતરાઈ ચૂકી હતી અને એક ભૂલને કારણે એક બાળક થયું હતું. આ એ જ બાળક છે.”
પૂર્વાની આંખોમાંથી કદી ન વરસેલો ભેજ વરસી પડયો અને પાર્થ કંઈપણ બોલ્યા વગર તેને વળગી પડ્યો. તેણે કહ્યું, “મને મનમાં હતું તો ખરું જ કે કંઈ તકલીફ છે. તું મનમાં મુંઝાય છે પણ તું મને કહેતી નથી. મને દુઃખ તો એ વાતનું છે કે, તું મને ઓળખી ન શકી. કયા પુરૂષનો તને ખરાબ અનુભવ થયો છે કે તારી શું મજબૂરી હશે એ મારે જાણવું પણ નથી. મને મમ્મીપપ્પાએ કહ્યું કે, અમે લોકોએ જ ભૂતકાળ ભૂલી જવા અને કશું ન કહેવા માટે કહ્યું હતું. એમાં તારો કોઈ વાંક નથી. તું તો મને બધું કહેવા તૈયાર હતી.”
પૂર્વા માંડમાંડ બોલી શકી, “હા, મારી ભૂલ છે. હવે તમારે જે કરવું હોય તે કરો. મને સાથે રાખો કે છોડી દો પરંતુ આ ત્રણેય બાળકોથી મને અળગી ન કરશો.”
પાર્થે કહ્યું, “ આ તો મારી ધારણા હતી અને ધારણા સાચી પડી. હવે તું કદાચ મારી સાથે ખૂલીને જીવી શકશે. જો બહાર વરસાદ પડે છે.”
બંનેની આંખમાં આંસુ હતાં. વરસાદની ઝરમરમાં બંને ઊભાં રહી ગયાં. વરસાદ આભમાંથી અને આંખમાંથી વરસી રહ્યો હતો. તેમાં સંભળાતાં હતાં ઝરમરનાં ઝીણાં ઝાંઝર!

1 ટીકા

Filed under Uncategorized