કંકોત્રીનું કમઠાણ
સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે
કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે !
–આસિમ રાંદેરી
લગ્ન નક્કી થાય પછી કંકોત્રી લખાય. કંકોત્રી એટલે લગ્ન જેવા માંગલિક પ્રસંગની નિમંત્રણ પત્રિકા. નોતરાની ચિઠ્ઠી. પહેલી કંકોત્રી ગણપતિને મોકલવામાં આવે. તમારા ઘરનાં ઉંબરે ચોખા મુકવામાં આવે એટલે તમને આમંત્રણ અપાયું, એવું કહેવાય. લગ્નમાં પછી હાજરી આપવી જરૂરી. કંકોત્રીમાં લગ્નસ્થળે પહોંચવાનો નકશો લખ્યો હોય, એ જોઇને પહોંચી જવું. લગ્ન સ્થળે વરકન્યાને આશીર્વાદ આપવા જરૂરી. ચાંલ્લો કે ભેટસોગાદ આપવા જરૂરી. ભોજન પણ હોય. પહેલા પંગત પીરસાતી, હવે સ્વરૂચિ ભોજનની પરંપરા છે. બુફે એટલે ટેબલ ઉપર મુકેલી વાનગીઓ લઈને ઊભા ઊભા ખાવું તે. (એ વાત અલગ છે કે બુફેનો એક અર્થ એવો પણ થાય કે તમાચા મારવા, ઠોંસા મારવા, -મારીને આમથી તેમ ધકેલવું. લો બોલો!) આ બધું કંકોત્રીમાં લખવું પડે જેથી મહેમાનો તમારા પ્રસંગે પધારી શકે; તમારી શોભામાં અભિવૃદ્ધિ કરી શકે.
આજકાલ સોશિયલ મીડિયા ઉપર એક ઓનેસ્ટ વેડિંગ કાર્ડ વાઈરલ થયો છે. કોમેડિયન અક્ષર પાઠક એક પ્રામાણિક કંકોત્રી લઈને આવ્યા છે. શર્માજી કા લડકા અને વર્માજી કા લડકી. ઘણાં લગ્ન બે કુંટુંબનાં લગ્ન હોય છે. વર કન્યા ગૌણ હોય છે. કંકોત્રીમાં હેસટેગ-શાવર્મા લખ્યું છે. શરૂઆતમાં જ લખે છે કે હમને કિતના ખર્ચા કિયા. અમારા વેડિંગ કાર્ડ તરફ નજર તો નાંખો, અંબાણીથી અમે કમ તો નથી! લગ્નની તારીખ ૬ ડીસેમ્બર, ૨૦૧૯ છે અને એવું પણ લખ્યું છે કે તે દિવસે બીજા ૨૨૦૦૦ લગ્ન છે એટલે તમે ટ્રાફિકમાં ફસાશો જરૂર! અને લગ્ન સ્થળે અન્ય ચારપાંચ અન્ય લગ્ન પણ હશે એટલે તમે સુપરકન્ફયુઝ થઇ જશો. છેલ્લે લખ્યું કે કોઈ ભેટ દેતા નહીં, ફક્ત કેશ જ દેજો. હમ 18 જ્યુસર, મિક્ચર, ગ્રાઈન્ડરકા ક્યા કરેંગે? પછી રીસેપ્શનની પણ વાત લખી છે. રણવીર-દીપિકા છ અને પ્રિયંકા-નિક આઠ રીસેપ્શન કરી શકતા હોય તો હમ ભી દો તીન રીસેપ્શન કરેંગે કમ સે કમ. પછી લખ્યું કે રીસેપ્શનનો સમય સાત વાગ્યાનો પણ અમે ખુદ સાડા આઠ વાગ્યે આવીશું!
કંકોત્રી ગમે એવડી મોંઘી હોય પણ લગ્ન સમારંભ પતે એટલે કંકોત્રી કચરાટોપલીનાં હવાલે કરી દેવાય છે. દક્ષિણનાં રાજ્યોમાંથી ઇકો-ફ્રેન્ડલી કંકોત્રીને લગતા મજેદાર સમાચાર છે. નગરકૂર્નુલનાં સિંચાઈ ખાતામાં કામ કરતા એક ઈજનેરે એમની દીકરીનાં લગ્ન માટે તુલસીનાં બી યુક્ત કંકોત્રી છપાવી છે. કંકોત્રીનું કાગળ કાપીને એનાં ટુકડા માટીમાં નાંખો એટલે તુલસીનાં છોડ ઊગી નીકળે. તો સમાચાર એ પણ છે કે કાંચીપુરમનાં ડેપ્યુટી કલેકટરે પોતાની દીકરીની કંકોત્રી કપડાં પર છપાવી છે. બે ત્રણ વાર ધોઈએ એટલે એ કંકોત્રી પછી હાથરૂમાલ તરીકે ઉપયોગ કરી શકાય. કેવું સરસ!
યસ, કંકોત્રી કચરાપેટીમાં ન ફેંકાય તો સારું. પણ ફેંકાતી હોય છે. કંકોત્રી વિશે કેટલીક ટિપ્સ જો કે મદદરૂપ થઈ શકે. જેમ કે ઘરનાં બાળકો સહીતનાં નામ એમાં લખ્યા હોય તો એ ઓતપ્રોત કૌટુંબિક કંકોત્રી કહેવાય. કન્યાનું નામ પહેલું હોય તો સ્ત્રીદાક્ષિણ્ય કહેવાય. તમે આમંત્રણ પત્રિકા મોકલો તો કદાચ તમે -સહકુંટુંબ મિત્ર મંડળ સહીત- એવું લખો. એમાં ખબર ન પડે કે કેટલાં લોકોએ જવાનું છે. સ્પષ્ટ લખો કે તમે બે અથવા તમે બે અને તમારા બે. તમને પણ તો અંદાજ આવે કે કેટલાં આવશે. કંકોત્રી થોડી એક્સ્ટ્રા છપાવી રાખવી. શી ખબર, વધારે જરૂર પડે. આર.એસ.વી.પી.(રીસ્પોન્સેડેટ સિલ વોઝ પ્લેઈત) પણ લખી શકાય. આ તો ફ્રેંચ સંક્ષેપાક્ષર છે. એટલે એમ કે મહેમાનો જણાવે કે તેઓ આવશે કે નહીં. એટલે એમ કે અમને વ્યવસ્થા કરવાની સમજ પડે. યૂ સી! અને હા, આમંત્રણ પત્રિકામાં જોડણીની ભૂલ ન થવી જોઈએ. મુદ્રણદોષ પણ નિવારવો જરૂરી છે. કાર્ડની ડીઝાઈન કરતા એમાં લખેલી માહિતી વધારે અગત્યની છે પણ વધારે પડતી માહિતી પણ કન્ફયુઝ કરી નાંખે. આજકાલ કોઈ લાંબુ વાંચતું નથી. અને છેલ્લે, છેલ્લી ઘડી સુધી કંકોત્રી મોકલવાનું બાકી ન રાખો. સમયસર મોકલી દો.
લેખક ફિલસૂફ દાંતે અલીઘીઅરી કહી ગયા હતા કે આજની રાત યાદ રહે. કારણ કે આજે ઓલવેઈઝ(હંમેશા)ની શરૂઆત છે. શુભ મંગલ સાવધાન!