Daily Archives: નવેમ્બર 19, 2021

આયાની માયા

આયાની માયા
પ્રિયાએ ગાડીનો કાચ ખોલીને પચાસ રૂપિયાની નોટ ભિખારીના હાથમાં મૂકી. એ એની સહકર્મચારી રીમા સાથે પોતાની હેડ ઓફિસ મીટિંગ માટે જઈ રહી હતી. રીમાએ હસતાં કહ્યું“અરે પ્રિયા! તું તો દાન, ધ્યાન,જપ,તપમાં બહુ માને છેને કંઇ!”
“અરે ના રે યાર, આતો કોઈ નાના બાળકને જોઉં તો મારું દિલ પીગળી જાય છે. કેવું નાનકડું છોકરું હતું,માંડ લપેટીને ઊંચક્યું હતું! બિચારા પાસે પૈસા નથી, રહેવા માટે સરખું ઘર પણ નહીં હોય અને વરસાદ પણ અંધાર્યો છે, જોને! આપણે તો આપણા બાળકની કેટલી કાળજી કરીએ! ને એના સારા ભવિષ્ય માટે નોકરી કરીએ એ તપ! બાકી તો ક્યાં કામમાંથી આપણે નવરા થઈએ છીએ?”
પ્રિયાએ લગભગ પંદરેક દિવસ પહેલાં જ આ નવી નોકરી શરૂ કરી હતી. રીમા અને પ્રિયા હમણાં હમણાંથી જ પરિચયમાં આવ્યાં હતાં અને એકબીજા સાથે ફાવી ગયું હતું. બંને એકબીજાને પોતાના પરિવાર વિશે વાતો કરવા લાગી. પ્રિયાએ વાતો માંડી.
પ્રિયા અને પર્વ કોલેજમાં સાથે હતાં. બંને સાથે જ એન્જિનિયરિંગ પાસ કર્યું અને નોકરીમાં પણ સાથે જ જોડાયાં. પ્રેમમાં પડ્યા અને લગ્ન કરવાનું નક્કી કર્યું. બંનેના પરિવારની પણ સહમતી હતી જ.બંનેની જોડી પણ સરસ લાગતી હતી. પરણીને નોકરી માટે ગામ છોડીને શહેરમાં આવવું પડ્યું, પરંતુ બંનેએ નક્કી કર્યું હતું કે, બંને જાતે જ કમાઈને પોતાનું સપનાનું ઘર બનાવશે. પછી તો સરસ ફ્લેટ લીધો અને ગાડી પણ લીધી. તેના હપ્તા શરૂ થયા. જિંદગી ખૂબ સરસ ચાલતી હતી. ઉપરાંત ગામ પણ પૈસા મોકલતાં હતાં.
પર્વના મમ્મી ન હતાં. પપ્પા રિટાયર્ડ હતા. પ્રિયાની મમ્મી શિક્ષિકા અને પપ્પા હેડમાસ્તર હતા. દાદા અને નાના-નાની બનવા ઈચ્છતાં વડીલોની ઈચ્છા હતી કે તેમની પાસે રમાડવા માટે કોઈ નાનકડું હોય. પણ પ્રિયા અને પર્વે નોકરી કરતાં કરતાં વિચાર્યું કે, આપણે થોડું કમાઈ લઈએ. ચારપાંચ વર્ષ પછી બાળક થાય તો સારું.
બંનેની નોકરીના કલાકો ઘણા હતા. બંને ખૂબ મહેનત કરતાં. એવામાં એક દિવસ પ્રિયાની તબિયત નરમગરમ લાગતાં ડૉક્ટરેને બતાવ્યું. તપાસ કરી તો પ્રેગ્નેન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો. વાત તો આનંદની હતી પરંતુ તેઓએ જે પ્રમાણે આયોજન કરેલું હતું તે પ્રમાણે ન થયું, એટલે પ્રિયા અને પર્વ જરાક ખચકાયા. ‘પછી જે થયું તે સારું જ’ સમજી બંનેએ ખુશીથી વધાવી લીધું. આ સમાચારથી વડીલો તો ખુશ જ હતા. સગર્ભાવસ્થા દરમિયાન ખૂબ આનંદથી પ્રિયાએ છેલ્લે સુધી નોકરી કરી અને રૂપાળો દીકરો આવ્યો.
પૂર્વમ નામ પાડ્યું. પ્રિયા મેટરનીટી લીવ પર હતી પરંતુ તેઓએ વિચાર્યું કે, પૂર્વમની કાળજી રાખવા માટે પ્રિયા નોકરી છોડી દે, કારણકે લાંબી રજા મળે તેમ ન હતું. પૂર્વમ સાત મહિનાનો થયો અને પ્રિયાને બીજી ખૂબ સરસ જોબની ઓફર આવી. બંનેએ ચર્ચા કરી કે, શું કરવું? પોતાની મમ્મીને બોલાવી શકાય પરંતુ એમને હજુ રિટાયરમેન્ટમાં થોડા જ મહિના બાકી હતા. એ દરમિયાન કોઈ આયા રાખી શકાય. તેઓ આયા શોધતા હતા ત્યારે કોઈએ એમને સૂચવ્યું, ‘એક ખૂબ સારા બહેન છે જે પૂર્વમની કાળજી રાખી શકે તેમ છે. તેઓ તરત જ તેને મળ્યાં. મીનાબેન ખૂબ સારાં હતાં. સવારથી સાંજ સુધી ઘરે આવીને પૂર્વમની સારી રીતે સંભાળ લેતાં.
પ્રિયાએ નવી જોબ લેવાનું વિચાર્યું. તેનો જીવ નહોતો ચાલતો, પરંતુ તે આવી તક ફરી કદાચ ન મળે એવું તેને લાગ્યું. બે-ત્રણ દિવસ તો પ્રિયા ઘરે રહી અને જોયું કે મીનાબેન સાથે પૂર્વમ ભળી ગયો છે. બે-ત્રણ કલાક એનાથી દૂર રહીને પણ તેણે જોયું અને પ્રિયાને સંતોષ થયો. તેણે ફરી જોબ શરૂ કરી. મીનાબેનનો ખૂબ આભાર માન્યો. તેમને સારો પગાર આપવાનું પણ નક્કી કર્યું.
શરૂઆતમાં એકબે દિવસ પ્રિયાએ વહેલાં આવવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ નવી નોકરી અને કામનું ભારણ હોવાથી આવી ન શકી. તેને મીનાબેનથી પૂરો સંતોષ હતો. મીનાબહેન પૂર્વમની વ્યવસ્થિત સંભાળ લેતાં હતાં. દિવસ દરમિયાન મીનાબેન તેને બે-ત્રણ વખત ફોન પણ કરતાં. તેના કામથી પર્વ અને પ્રિયાને સંતોષ હતો. રવિવારે મીનાબેનને રજા આપતાં હતાં પણ તેમ લાગતું કે, પૂર્વમ તેને શોધે છે.
આ રીતે લગભગ મહિનો થવા આવ્યો. પ્રિયાએ રીમાને લંચટાઈમમાં કહ્યું, ચાલને મારી સાથે એક ફોન લેવો છે. બિચારા મીનાબેન પાસે સાદો ફોન છે તો હું તેમને આ સ્માર્ટ ફોન ગિફ્ટ આપીશ, તેથી વિડીયોકૉલ કરી શકું. અને હું પૂર્વમને જોઈ શકું. રીમાએ કહ્યું કે, “હા, ઘરની વ્યક્તિની જેમ મીનાબેન આટલી બધી કાળજી લે છે તો આમ ગીફ્ટ આપવી સારી વાત છે,ચાલ હમણાં જઈ આવીએ બાકી સાંજે તો મિટિંગ છે,મોડું થવાનું જ”
ગાડીમાંથી જ પ્રિયાએ મીનાબેનને ફોન કર્યો કે,” પર્વ ઓફિસેથી આવી જાય ત્યાં સુધી કલાક વધુ રોકાજો, કારણકે મને મોડું થાય તેમ છે.”
પર્વ સાથે વાત થઈ તો તેને પણ મોડું થાય તેમ હતું. મીનાબેને કહ્યું કે, “કાંઈ વાંધો નહીં. તમે ચિંતા ન કરશો. હું રોકાઈશ.”
પ્રિયાએ ફોન આપવાની વાત પર્વને પણ કરી તો તે પણ ખુશ થયો. પહેલાં પર્વ ફ્લેટ પર પહોંચ્યો. મીનાબેને કહ્યું, “પૂર્વમ સૂતો છે. હું જાઉં છું, સાહેબ.”
પર્વે કહ્યું, “ના મીનાબેન, પ્રિયા દસ-પંદર મિનિટમાં આવે છે. તમારા માટે ગિફ્ટ લઈને આવે છે. તમે રોકાઓ અને ગિફ્ટ લઈને જજો.
મીનાબેને કહ્યું કે, “સાહેબ મારે મોડું થાય છે. જલ્દી ઘરે પહોંચવું પડશે.” પરંતુ પર્વે આગ્રહ કર્યો અને પર્વ ફ્રેશ થવા બાથરૂમમાં ગયો. મીનાબેનને સમજાયું નહીં કે શું કરવું. તેમણે વિચાર્યું કે, ‘બહુ મોડું થયું છે,નીકળી જાઉં? શું કરું?’ તે બહાર નીકળ્યાં ત્યાં જ પ્રિયા સામે મળી અને તેને ખેંચીને પાછી લાવી. પ્રિયાએ કહ્યું, “હું તમારા માટે સરસ મજાની ગિફ્ટ લાવી છું. પૂર્વમ ક્યાં છે?” બોલતી અંદર રૂમમાં ગઈ. ક્યાંય પૂર્વમ દેખાતો ન હતો. “મીનાબેન, પૂર્વમ ક્યાં છે?” ફરીથી પૂછ્યું. મીનાબેન તેની સામે જોઈ રહ્યાં. પ્રિયાએ મોટેથી લગભગ ચીસ પાડીને પૂછ્યું. મીનાબેન ગભરાઈ ગયાં અને હાથ જોડીને કરગરવાં લાગ્યાં. પર્વ બહાર આવ્યો. પ્રિયાએ ચીસાચીસ કરી મૂકી. પર્વ પણ ખૂબ ગુસ્સે થયો અને પોલીસને બોલાવવાની વાત કરી. મીનાબેને હાથ જોડીને વાત કરી, “પૂર્વમને મેં બહાર મોકલ્યો છે.”
“બહાર મોકલ્યો છે? સાત મહિનાના બાળકને?
“હા, મારો ભાઈ તેને લઈને જાય છે. તેને કશું કરતો નથી પરંતુ ઊંચકીને લઈ જાય છે… ભિખારી બનીને. તે પૂર્વમને ઊંચકીને ભીખ માંગવા જાય છે.”
પ્રિયાએ મીનાબેનને ધડાધડ લાફા મારી દીધા. પર્વે તેના ભાઈને તાત્કાલિક ફોન કરીને બોલાવી લેવા કહ્યું. મીનાબેને તેના ભાઈને જલદી પૂર્વમને લઈને આવી જવા કહ્યું. મીનાબેને માફી માગી કે, ‘હું બે-ત્રણ કલાક પૂર્વમને મોકલતી હતી અને આજે તમે મોડા આવવાના હતા, તેથી અત્યારે ટ્રાફિક હોવાથી સારા પૈસા મળે એટલે મેં તેને થોડો વધુ સમય મોકલ્યો હતો.’
દરમિયાન તેનો ભાઈ પૂર્વમને લઈને આવી ગયો. પ્રિયા તો જોઈને જ ડઘાઈ ગઈ. “અરે! આને તો મેં પૈસા આપ્યા હતા. તો શું તું મારા દીકરાને જ લઈને ફરતો હતો?” હવે તેને સમજાઈ ગયું કે કેમ પૂર્વમ સરસ રીતે ઊંઘતો હતો. રોજ આ લોકો તેને કશુંક પીવડાવીને સુવડાવી દેતા હતા. પ્રિયા તો પૂર્વમને છાતીએ ચાંપીને રડવા માંડી.
મીનાબેન અને એનાં ભાઈનું શું કરવું તે પર્વને પૂછે તે પહેલાં તો પોલીસ આવી ગઈ. પાર્થ અને પ્રિયા પૂર્વમને એક નજરે નિહાળતાં જ રહ્યાં. પ્રિયાની આંખ વહી રહી હતી. ના, હવે નોકરી નહીં…યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized