Daily Archives: નવેમ્બર 23, 2021

ફૂલકાં રોટલી

કૂકરની સિટીમાં ફોનની રિંગ માંડ સંભળાય. સીમા ગેસ ધીમો કરી, લોટવાળા હાથ ધોઈને ફોન લેવા પહોંચી. “પહેલી રિંગે તો કોઈ દિવસ ફોન ઊંચકાતો જ નથી. શું કરતા હો છો આખો દિવસ ઘરમાં? અમે કંઈ ઓફિસમાં નવરા નથી હોતા. આ તારું રોજનું છે.”
સીમાએ જવાબ આપ્યા વગર વાત સાંભળી લીધી. “સાંભળ, આજે સાંજે મારા બોસ તેમના પરિવાર સાથે ઘરે જમવા આવે છે. તેઓ સાઉથ ઇન્ડિયન છે. તેમને આપણું ગુજરાતી ખાવાનું બહુ ભાવે છે. તું કશુંય બહારથી ન લાવતી. બધું જ ઘરે બનાવજે. મેં કહી દીધું છે કે, મારી પત્ની ખૂબ સરસ બનાવે છે. જો હું ખોટો ન પડું. અને હા સાંભળ, તેઓ ફૂલકાં રોટલીના શોખીન છે. ગરમ ગરમ ઊતરતી જ પીરસજે. પૂરણપોળી પણ બનાવજે અને બીજી બને તેટલી વધારે વાનગી બનાવજે, તો બોસ ખુશ થાય.” અને ફોન મુકાઈ ગયો.
સીમાને સવારથી કમર દુખતી હતી પરંતુ કરે શું? મુદિતને માંડ નવરાવી તે બજારમાં જવા નીકળી. મુદિત જન્મ્યો ત્યારથી નબળો હતો. એને એકવાર ખેંચ આવી પછી તો સાવ વિકલાંગ થઈ ગયો. સીમાએ જ તેનું બધું દૈનિક કાર્ય કરવું પડતું. ઘરમાં સાસુજીને બૂમ મારીને મુદિતનું ધ્યાન રાખવા કહ્યું અને તે સાંજની તૈયારી માટે શાકભાજી વગેરે ખરીદી કરવા ગઈ. તે આવીને હજુ થેલો મૂકે છે ત્યાં મુદિતે બધું બગાડયું હતું તે સાફ કર્યું. સાસુજીની ચા મૂકીને કામમાં પરોવાઈ. વચ્ચે તો કંઈ કેટલાય કામ; પેપરનું બિલ લેવા આવ્યો, ધોબી કપડાં આપવાં આવ્યો, કુરિયરવાળો આવી ગયો અને એવામાં ફરીથી શિરીષનો ફોન આવ્યો, “તૈયારી કરી કે નહીં? હું આવું છું. ફ્રેશ થઈને બોસને લેવા જઈશ અને તું પણ કાયમની જેમ જૂનાં કપડાંમાં લઘરવઘર ન રહેતી. સરસ તૈયાર થઈને પીરસજે અને હા, રોટલી તો ઊતરતી જ.ઘરમાં પણ બધું અપ ટુ ડેઈટ રાખજે. સીમા ફરીથી કામે વળગી.
અઠવાડિયાથી તેનું મન કોઈ બીજી જ વાતે ચડ્યું હતું. એની સખી વૈશાલીએ સ્યૂસાઇડ કર્યું હતું. સ્યૂસાઇડ કરવાનું કારણ તો ન સમજાયું પરંતુ તેને ધીરે ધીરે લાગ્યું કે, કદાચ તે જિંદગીથી થાકી ગઈ હશે. પોતે પણ થાકી ગઈ છે. હવે એને કેવી હાશ થઈ હશે! ચાર-પાંચ મહિના પહેલાં જ સીમાની મમ્મીનું મૃત્યુ થયું હતું. મમ્મી ફોન પર તેની બધી જ વાતો સાંભળતી અને વહાલથી સાંત્વના આપતાં કહેતી કે, બધું સારું થઈ જશે ને થોડો હાશકારો રહેતો.તે મુદિતને લઈને અત્યંત પરેશાન રહેતી. મોટો વિશ્વ તો સરસ રીતે આગળ ભણી રહ્યો હતો પરંતુ આખો દિવસ અપંગ મુદિતની સરભરામાં જ પરોવાયેલી રહેતી. શિરીષ હંમેશા કંઈકને કંઈક ભૂલ કાઢતો. ઓફિસની અન્ય સ્ત્રી સહકર્મચારીઓ સાથે તેની સરખામણી કરતો. આ પસ્તી પેપર કેમ આમ પડ્યા છે? રમકડાં કેમ વેરવિખેર છે? આ કપડાંનો ઢગલો સમેટી લેતી હોય તો? અરે! આ જાળાં કેમ દેખાય છે? ત્યાં ફ્રિજ પર ડાઘા કેમ છે? વગેરે વગેરે.
સીમાને પહેલાંની વાતો યાદ આવી જતી. જ્યારે તે પરણીને આવી હતી ત્યારે ખુશખુશાલ જિંદગી હતી. તેણે પરણ્યાં પહેલાંની નોકરી પણ ચાલુ રાખી હતી અને બંને મળીને જિંદગી સરસ રીતે જીવવાનાં સપનાં પણ સેવ્યાં હતાં. સીમા ગર્ભવતી થઈ અને વિશ્વના જન્મ પછી તેના ઉછેર માટે નોકરી છોડી દીધી. શિરીષની તો પણ ફરિયાદ રહેતી કે, હવે મારામાંથી તારું ધ્યાન ઓછું થઈ ગયું છે. વિશ્વ થોડો મોટો થયો અને મમ્મીને ત્યાં મૂકીને કે ઘરે કોઈ બાઈ રાખીને ફરી નોકરી શરૂ કરવાનું વિચારતી હતી, પણ ફરીથી તે ગર્ભવતી થઈ અને મુદિત જન્મ્યો. મુદિત એટલો નબળો હતો કે એને મૂકીને ક્યાંય જવાતું ન હતું. પછી સમય વીતતો ગયો. પહેલાં શિરીષ મુદિત પર પણ ઘણું ધ્યાન આપતો, પરંતુ પછી ધીમે ધીમે તેનું વર્તન પણ બદલાતું ગયું. મુદિત જાણે કે સંપૂર્ણ જવાબદારી સીમાની હોય તેમ થઈ ગયું. ઉપરથી, ઘરે મહેમાનોને ભેગા કરીને પાર્ટી કરવાનો શિરીષનો શોખ પણ વધતો ગયો અને સીમા તેમાં પીસાતી ગઈ.
તેને ફરીથી વૈશાલી યાદ આવી ગઈ. મમ્મી પણ યાદ આવી અને તેને મૃત્યુ સહજ લાગવા લાગ્યું. તેને થયું કે હું ન હોઉં તો કોઈને ખાસ કશો ફેર પડશે નહીં. મુદિતને સાચવવા માટે કોઈ બહેનને રાખી શકાય. તેને હું ટ્રેઇન કરી લઈશ. વિશ્વ પણ સરસ રીતે ભણે છે અને ભણશે. શિરીષને તો મારી ખાસ કંઈ જરૂર લાગતી નથી, તો હું નહીં હોઉં તો પણ ચાલશે. વારંવાર સીમાને આવા વિચાર આવતા હતા. તેને થતું પણ ખરું કે આવા વિચારો કેમ આવે છે? તેણે મનોચિકિત્સકને બતાવવું જોઈએ. મનમાં ઘોળાતી આ બધી વાતો શેઅર કરે તો પણ કોની આગળ કરે? શિરીષને આ બધી વાતમાં કોઈ રસ ન હતો. તેને થયું કે, હું વળી ક્યાં આવા બધા વિચારે ચડી? અને ફરી ટેબલ શણગારવામાં અને રસોઈ કરવામાં પડી.
બેલ વાગતાની સાથે જ તેણે બારણું ઉઘાડ્યું તોય શિરીષ ટેવવશ, “પહેલા બેલે તો કદી નહીં ખૂલે, ખબર નહીં કેમ?” ને તેને જોઈને જ બરાડ્યો, “આવાં કપડાં? ને વાળ તો જો? કપાવી નાખતી હોય તો…”
“અરે, હમણાં જ તૈયાર થઈ જાઉં છું. આ બધી સફાઈ કરતી હતી. અને જુઓ, ટેબલ સહિત બધું જ તૈયાર છે. લોટ પણ બાંધેલો તૈયાર છે. તેઓ આવશે એટલે ઊતરતી ગરમાગરમ રોટલી જમાડીશ.”
શિરીષ તૈયાર થઈને બોસ ને લેવા ગયો. એટલી વારમાં ઝડપથી સીમાએ મુદિતને જમાડી ને સુવડાવી દીધો અને સાસુજીને પણ જમાડી મુદિતના રૂમમાં બેસવાનું કહ્યું. શિરીષ ઈચ્છતો ન હતો કે બોસ અપંગ મુદિતને જુએ. સીમાએ દુખાવાની ગોળી લીધી. તેની કમર વધારે દુઃખતી હતી. આખરે મહેમાનો પધાર્યા. તેણે હસતે મોઢે બધાને આવકાર્યાં. ફૂલકાં રોટલી જોઈને બોસની પત્ની ખૂબ ખુશ થઈ. કેવી રીતે બને એ જોવા ઊભી થઈ. નાની નાની ફૂલકાં રોટલી જોઈને બોસને નવાઈ લાગી અને એક જ કોળિયામાં ખાઈ જતા. સાથે પૂરણપોળી અને અન્ય ઘણી બધી વાનગીઓ હતી. મહેમાનોને મજા પડી. બોસનો દીકરો અંદર મુદિત સૂતો હતો ત્યાં દોડી ગયો. સાસુજીએ ઝડપથી તેને ઓઢાડી દીધું, જેથી તે વધુ કંઈ પૂછે નહીં. મહેમાનો ખુશ થઈને ગયા.
હજુ તો ટેબલ સાફ કરી રહી હતી ત્યાં શિરીષે બૂમ પાડી કે, બેડરૂમની લાઇટ બંધ કરી જા. તે લાઇટ બંધ કરવા ગઈ. શિરીષ ખૂબ ખુશ હતો. તેણે સીમાને તેની તરફ ખેંચી. તે બોલી હજુ રસોડામાં સફાઈ બાકી છે પણ એ બોલી ન શકી કે, તેને પોતાને જમવાનું બાકી છે. તે શિરીષની ભૂખનો ભોગ બની. શિરીષને ભરપૂર વહાલ ઉપડ્યું હતું. આખરે તે જમ્યા વગર જ સૂઈ ગઈ.
સવારે જાગી ત્યાર પછી તો તેને સ્યૂસાઇડ કરવાના વિચારો આવવા લાગ્યા. વિચારો એટલી હદ સુધી આવતા હતા કે, તેને થયું કે તે ખરેખર સ્યૂસાઇડ કરીને જ જંપશે. એણે માંડ બે દિવસ કાઢ્યા. ત્રીજે દિવસે સામેવાળા તરલાદાદીનું મૃત્યુ થયું. તેમને લઈ જવાતાં હતાં ત્યારે મુદિતે કુતૂહલવશ પૂછ્યું કે, “તલ્લાદાદીને આ બધા કાં લઈ જાય છે?”
સીમાએ તેના માથે હાથ ફેરવીને સમજાવ્યું, “બેટા, તે મૃત્યુ પામ્યા છે. હવે તે ક્યારેય પાછા નહીં આવે.”
“કેમ?”
“અરે બેટા, એક દિવસ દરેકે મૃત્યુ પામવાનું છે.” અને એ કંઈક જુદા જ વિચારોમાં ભૂલી પડી… “કોઈ અમરપટ્ટો લઈને નથી આવતું. દરેકને મરવાનું તો હોય જ, પછી જ સંપૂર્ણ શાંતિ મળે એ પછી કાલે હોય કે આજે.” ને ફરીથી તેના મનમાં આત્મહત્યાના વિચારે ભરડો લીધો.
અચાનક મુદિતે તેને ઢંઢોળી અને બોલ્યો, “મમ્મી, તું પન મલી જશે?”
સીમા કશું જ બોલી નહીં. મુદિત મોટેથી રડવા લાગ્યો. “મમ્મી… હું મલી જાઉં પછી તું મલી જજે, નઈતો મને કોણ જોશે?”
અને સીમાની આંખોમાંથી આંસુનો ધોધ વહેવાં માંડ્યો. તેણે મુદિતને છાતીએ ચાંપીને કહ્યું, “ના બેટા, મમ્મી ક્યારેય નહિ મરે.” હવે તેને લાગ્યું તેને મનોચિકિત્સકની કોઈ જરૂર નથી. ફરી મુદિતે દુપટ્ટો ખેંચ્યો, “ભૂક લાગી, મમ્મી.” અને એ ઊભી થઈ ફરી વહાલથી ફૂલકાં રોટલી ઊતારવા.
-યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized