Daily Archives: નવેમ્બર 25, 2021

રક્ષા કવચ

‘લે તારી રાખડી ને લાવ પાછી મારી ગીફ્ટ.’ યાદ છે? રક્ષાબંધનને દિવસે ઝઘડો થાય તો તારો આ સંવાદ અચૂક હોય. તને રાખડીનો કેટલો શોખ! મિકી, ડોનાલ્ડ, સ્પાઇડરમેન, મ્યુઝિકવાળી ને લાઈટવાળી ને દર વર્ષે બજારમાં નવી આવે એ તો ખરી જ. વળી, તું દોસ્તોને બતાવીને કલાકે કલાકે રાખડી બદલાવે પણ ખરો.
પણ કેવો લુચ્ચો! ગિફ્ટ એક જ વાર આપે અને એ પણ ચોકલેટથી પતાવે! એકવાર ડૉકટરે મને દાંતના સડા વિશે પૂછેલું તો મેં તારું નામ દીધેલું. ભલે આપણી વાતેવાતે લડાઈ થાય, પણ તું કાયમ કહેતો, ‘કોઈ હેરાન કરે તો મને કહી દેજે, આ તારો ભાઈ બેઠો છે.’ ત્યારે હું ખરેખર નિર્ભય થઈ જતી.
ખરેખર મારું સુરક્ષાકવચ. તને મારા રિપોર્ટ કાર્ડમાં પપ્પાની સહી કરતા આવડે. કફ સિરપની બાટલી ફૂટી જાય તો પિગીબેંકમાંથી ખરીદી ને અરધી કરીને જગ્યા પર ગોઠવતા આવડે. ઓશિકાથી લડતાં લડતાં કવર ફાટી જાય તો રૂ ખોસીને સ્ટેપ્લરથી સીવતાં આવડે. તું મારાથી એક વર્ષ પાછળ છતાં મારું હોમવર્ક આવડે.
નાનપણથી તારે ઉકેલવા હતા ઘણા કૂટપ્રશ્નો, સિદ્ધ કરવા હતા કેટલાય પ્રમેય, નાસા પહોંચી બનવું હતું એસ્ટ્રોનટ ને બોલની સાથે બેટ પણ ઉછાળી બનવું હતું ક્રિકેટર. રાયફલમાંથી ગોળી છૂટીને દુશ્મનને આરપાર વીંધી બૂમરેંગની માફક પાછી આવે એવી શોધ કરી બનવું હતું યોદ્ધા. ફેન્સી ડ્રેસમાં તું આ સઘળું બની ચૂક્યો હતો. રિસર્ચનાં સપનાંથી ખીચોખીચ ભરેલી તારી આંખો જોઈ લાગતું’તું કે તું સાયન્ટિસ્ટ જ બનશે. વળી, તારાં તોફાનો જોઈને એમ પણ લાગતું’તું કે તું કંઈ નહીં બને. મમ્મીપપ્પા પણ ખીજાતાં. મેં તો કહી દીધું હતું, કંઈ નહીં બને તોય મારો ભઈલો તો મને બહુ ગમશે.
યાદ છે? મમ્મીએ એકવાર ઉંદરનું પીંજરું આપી એમાંથી ઉંદર દૂર છોડી દેવા કહ્યું’તું ને આપણે પેલાં વારેવારે આપણને વઢતાં કોકીકાકીના ઘર નજીક છોડી આવેલા. ને હા, તે દિવસે આપણાં બંનેની લડાઈમાં રોટલીના ડબ્બામાં પાણી પડી ગયેલું પછી શું કરેલું યાદ છે? પછી ક્લિપ મારીને બધી રોટલીઓ બહાર દોરી પર સૂકવેલી. દાદી સુદર્શનચૂર્ણ દર રવિવારે આપતાં એટલે શનિવારે આપણે એ ડબ્બી ખાલી કરી દેતા. પણ એ આપણા દાદી હતા, સમજી જતા ને થોડું બીજી ડબ્બીમાં કાઢી રાખતાં, પછી વહાલથી ખીજાતાં. પણ આટલાં તોફાન સાથે તારો તો બધામાં જ પહેલો નંબર આવતો.
ને આખરે તું બન્યો ડૉક્ટર, થ્રૂઆઉટ ગોલ્ડમેડાલીસ્ટ! આખરે તેં સાચુકલો સફેદ કોટ પહેર્યો. ગળે સ્ટેથોસ્કોપ લટકાવીને હાથમાં સિરિન્જ પકડી ખરી! આખી દુનિયાને તારે સાજી કરવી છે. ગમે તેટલી ઈમરજન્સી હોય પણ તું રક્ષાબંધને રાખડી બંધાવવા અચૂક આવે. યાદ છે? એકવાર તો ઓપરેશન થિયેટરમાંથી નીકળી ગ્લોવ્ઝ સાથે જ કાંડુ ધરી દીધેલું. ને મને મારો ભાઈ દેવદૂત હોવાનું ગૌરવ થયેલું. તું જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ રાખડીની સાઈઝ નાની થતી ગઈ ને ગિફ્ટ મોટી-અનોખી. પેનડ્રાઈવથી લઈ પુસ્તકો સુધીની… ને પાછો પૂછે અચૂક, ‘શું જોઈએ તારે? હું છું ને તારો ભાઈ.’ ત્યારે વહાલથી મારી આંખો ભરાઈ આવતી. અમે બહેનો તો બસ વ્હાલની ભૂખી.
ભાઈ, આમ તો તું બહુ હિંમતવાન. ભારેખમ ઓપરેશન તારે માટે રમત વાત. વહાલી દાદીના મૃત્યુ વખતેય ના રડ્યો પણ લગ્ન પછી મારી વિદાય તો દૂર, તું તો આગળના દિવસોથી જ રડવા માંડેલો. ને વિદાયવેળાએ તો… અરે! તારા જીજુએ છાનો રાખવો પડેલો. તને તો એમ જ કે, રોજ રક્ષાબંધન આવે ને રોજ હું તારે ઘરે આવું.
જો, આજે આવી છું તારી ગમતી રાખડી લઈને. ચાલ હાથ ધરને!
તું કહે તો કલાકે કલાકે શું, મિનિટે મિનિટે બાંધીશ. કોણ મને કહેશે ‘તારો ભાઈ બેઠો છેને!’ ક્યાં છે મારું રક્ષાકવચ? ઓ કૉરોના વોરિયર! એકવાર પણ નહીં આવે?
-યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized