Daily Archives: નવેમ્બર 28, 2021

આવિર્ભાવ

આવિર્ભાવ આખરે આરત અને અનોખીના છૂટાછેડા થઈને જ રહ્યા.“અરે પપ્પા! તમે ખોટું સમજો છો. અનોખી મા ન બની શકે તે મુખ્ય કારણ છે જ નહીં. તમને કઈ રીતે કહું? એનું બીજે લફરું ચાલે છે. મારી નજર સામે અને તમારી નજર સામે પણ.”“હેં? કોની સાથે?”“તમારા લાડલા વેદ સાથે.”“નો… આઈ કાન્ટ બિલીવ.” રાજનભાઈ વિચારમાં પડ્યા. એમને એવું ક્યારેય લાગ્યું નથી. પછી ખબર નહીં. અનોખી ‘રાજન એન્ડ સન્સ’ નામની મોટી ફોર્મમાં ઇન્ટરવ્યૂ આપવા ગઈ ત્યારે તે વેદને જ બોસ સમજી બેઠી હતી. તેને પૂછાયેલા ફક્ત બે જ સવાલમાં વેદે તેને પસંદ કરી લીધી હતી. તેજબુદ્ધિ વેદે ઉમેદવારોની અરજીઓનો અગાઉથી જ અભ્યાસ કરી લીધો હતો. વેદ ‘રાજન એન્ડ સન્સ’નો ખૂબ હોનહાર અને જવાબદાર અધિકારી હતો. રાજનભાઈનો જમણો હાથ જ સમજોને. લગભગ આરત જેટલી જ ઉંમરનો. મા વગર રાજનભાઈના ખોળે અત્યંત લાડકોડમાં ઊછરેલો તે મનમોજી હતો. કામ પ્રત્યે પણ બેદરકાર. પાર્ટી અને ગર્લફ્રેન્ડમાં વ્યસ્ત રહેતો. રાજનભાઈને થયું કે, સારી છોકરી સાથે પરણાવવાથી અને પરિવારમાં વ્યસ્ત થવાથી તે સુધરી જશે. એમની નજરમાં અનોખી વસી ગઈ. પણ આરત લગ્નના બંધનમાં જકડાવા ના યે તૈયાર થાય.એમણે વેદને કામ સોંપ્યું કે આરત અને અનોખીની ગાઢ મિત્રતા કરાવે. વેદને અનોખી ખૂબ ગમતી, પરંતુ થાય શું? બોસે કહ્યું હતું. રાજનભાઈએ એમ કહ્યું હતું કે, આરત ધીમેધીમે સમજદારીપૂર્વક જવાબદારી સંભાળે અને ‘રાજન એન્ડ સન્સ’ ‘આરત એન્ડ સન્સ’માં પરિણમે. પછી તે નિવૃત થઈ જાય. આ ઇચ્છા તેમણે આરતને પણ જણાવી.“પણ પપ્પા, દીકરી જન્મે તો?”“અરે! તો ‘આરત એન્ડ ડોટર્સ’ થશે.”“વાહ!” સામાન્ય પરિવારની, કાર્યમાં ગંભીર, ચતુર, કુશળ, ઠાવકી, બાપ વગરની અનોખીને નોકરી કરીને તેના બે નાના ભાઈઓને સેટ કરવા હતા. વેદે વાતવાતમાં તેની ઈચ્છા જાણી હતી.આમ તો વેદને જ અનોખી પહેલી નજરે ગમી ગઈ હતી.પરંતુ વેદ એના તરફ હાથ લંબાવે તે પહેલાં તો રાજનભાઈએ તેને પુત્રવધૂ તરીકે પસંદ કરી લીધી હતી. ઉપરથી, પ્રસ્તાવ મૂકવાનું કામ પણ વેદને જ સોંપ્યું હતું. વેદ ખૂબ દુઃખી થયો. પણ તે પ્રામાણિક હતો.તેણે મન મક્કમ કરીને આરતને સમજાવીને અનોખીની વધુ નજીક લાવવાનું કામ ઉપાડ્યું. સફળ થયો. ધામધૂમથી લગ્ન થયાં. વેદ અને અનોખી સારા મિત્રો બની રહ્યાં. પાંચેક મહિના સરસ ચાલ્યા. આરતની આદતો બદલાઈ નહીં. અનોખીને જાણ થતી તો એ વેદને જ જાણ કરતી, પરંતુ વેદ તેને સમજાવતો, ધીરજ આપતો કે, હું તેને સમજાવીશ. ધીરેધીરે બધું થાળે પડી જશે. રાજનભાઈનો સ્વભાવ ખૂબ સરસ હતો. અનોખી કશું જ બોલી ન શકતી. રાજનભાઈએ અનોખીના બંને ભાઈઓને સેટ કરવાની જવાબદારી લઈ લીધી હતી. આ બાજુ મુક્ત જીવન જીવેલા આરતને આ બંધન ફાવતું ન હતું. ત્રણેક વર્ષ પછી બાળક ન થતાં રાજનભાઈએ ડૉક્ટરને બતાવવાનું કહ્યું. “પપ્પા, શું ઉતાવળ છે? જિંદગીની મજા માણીએ છીએ.”પરંતુ અનોખી જાણતી હતી કે, જિંદગી કેવી છે. પણ તે હંમેશા સસરાજીની સારાઈ તરફ જોતી. રાજનભાઈએ ફરીથી દબાણ કર્યું તેથી તેઓ ડૉક્ટરને બતાવવાં ગયાં. જરૂરી બધા જ પરીક્ષણો કર્યા પણ રિપોર્ટ જોઈને તરત જ આરતને બહાનું મળી ગયું. અને અનોખી મા નહીં બની શકે એ બહાના હેઠળ તેને ડિવોર્સ આપી દીધા. ઠરેલ અનોખીએ એ પણ સ્વીકારી લીધું. રાજનભાઈ ખૂબ દુખી થયા. એમને થયું કે ઘણા ઉપાય છે હવે તો બાળક લાવવાના પણ આરતનું આવું જ વલણ હોય તો અનોખી અને વેદનું અફેર સહજ હોઈ પણ શકે. તેમણે વાત સ્વીકારી. “તું આવી વાત વિચારી જ કઈ રીતે શકે, આરત? અને રાજનસર તમે પણ…?” બસ આટલું બોલી વેદે રાજીનામું ધરી દીધું. અનોખી પણ ‘રાજન એન્ડ સન્સ’ છોડીને ચાલી ગઈ. એકાદ મહિનાનો સમય ગયો અને આશ્ચર્ય વચ્ચે વેદ અને અનોખી એક બીજી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા માટે અચાનક મળી ગયાં. “વેદ, તમે સિલેક્ટ થઈ જશો તો હું આ જોબ મને મળશે તો પણ નહીં કરું.”વેદે કહ્યું, “લોકો તો બોલ્યા જ કરશે. આપણે શું કામ સાથે નોકરી ન કરીએ?”બંનેને મળી અને સાથે નોકરી સ્વીકારી.થોડા સમયમાં વેદે લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. અનોખીએ કહ્યું, “મારા રિપોર્ટ વિશે જાણો છોને?”“ જે હોય તે,હું તને પ્રેમ કરું છું.”“પણ આપણે લગ્ન કરીશું તો આરતના આરોપનો પુરાવો મળી જશે.”વેદના ફરી એ જ શબ્દો, “લોકો તો કંઈ પણ કહેશે એની ફિકર ન કર અને હા આપણે બાળક દત્તક લઈ લઈશું.ને જો આ નોકરી છોડી આપણે કોઈ નાનકડો બિઝનેસ શરૂ કરીએ.”અને બંને પરણી જાય છે. પહેલે જ વર્ષે આશ્ચર્ય વચ્ચે અનોખી ગર્ભધારણ કરે છે. અનોખી ને વેદ તરત જ પહેલાં જે ડૉક્ટર પાસે તપાસ કરાવેલી હતી ત્યાં પહોંચે છે. ડૉક્ટર પણ નવાઈથી કહે છે, “અનોખી, તે જાતે તારા રિપોર્ટ નહોતા જોયા?”“ના, મેડમ.”“ઓ માય ગોડ! ખામી તારામાં નથી, આરતમાં છે.”અનોખી રિપોર્ટની બીજી કોપી કરાવે છે. બંને જાય છે રાજનભાઈને બતાવવા, મીઠાઈ લઈને, વધામણી આપવા. ‘અનોખી એન્ડ સન્સ કે ડોટર્સ’ ભવિષ્યમાં અમે કરીશું.== યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized