Daily Archives: નવેમ્બર 29, 2021

હા, હું જીવું છું.

“હા, હું જીવું છું. આજે તો કાલિદાસની યાદ આવી ગઈ. આકાશમાં ઘેરાતાં વાદળોને જોઈને કહેવાનું મન થઈ આવ્યું કે, ‘જાને. કહી આવને કે, હું જીવું છું.’ આ લહેરાતા પવનને કહેવાનું મન થઈ જાય છે કે, ‘જા, સંદેશો પહોંચાડી આવ.’ આ ફૂલની ફોરમને કહી દઉં, ‘અરે! ઊડતાં પારેવાં તારી સાથે જ સંદેશા મોકલી દઉં ત્યાં એટલું જ કહેવાનું છે કે, હું જીવું છું.બસ સીધું લખીને કુરિયર કરી દઈએ તો? ના, પણ એવું ન ચાલે. મારે જવું પડે. મારે જ મારી સાબિતી આપવી પડે. મારે જ મારી હયાતી બતાવવી પડે. એના માટે મારે જ રૂબરૂ જવું પડે અને રૂબરૂ થવું પડશે દર વર્ષે. અરે! હું જીવું છું એવું? એવું કોણ કહે? ના, આ બધી જ પંચાતમાં પડ્યા વગર જાતે જ જવાનું. જઈને કહેવાનું કે, હું રૂબરૂ હાજર છું, હયાત છું. સહી કરવાની, પુરાવો આપવાનો, આ ચોપડી છે એમાં સહીસિક્કા કરાવવાના અને પાછા આવી જવાનું. હા, છે તો વિધિ બહુ સરળ પરંતુ યાર! પગ નથી ઊપડતા. હા, હું મારી જાતને જ કહું છું. આમ તો હું જાતે વિહિકલ ચલાવીને પણ જઈ શકું, ભાડાની રિક્ષા કે ગાડી કરીને પણ જઈ શકું અને કહું તો દીકરો, વહુ કે પતિ કોઈ પણ મને લઈ જઈ શકે ખૂબ કાળજીથી. મારી સખીઓને પણ સાથે લઈ જઈ શકું કે, ચાલ આપણે ફરતાં આવીએ, મસ્તી કરતાં આવીએ, ફિલ્મ જોતાં આવીએ, હોટેલમાં ખાતાં આવીએ. ને બસ તમે અહીં ખાલી બહાર ઊભા રહો. પાંચ મિનિટનું કામ છે. હું રૂબરૂ થઈ આવું. ના, પણ ખરેખર એ કરવાનું ખૂબ અઘરું લાગતું હતું. કોણ જાણે કેમ આ વિધિ કરવા માટે પહેલાં તો હું ખૂબ ઉત્સાહિત હતી, ખૂબ ખુશ હતી કે, વર્ષમાં ફક્ત એક જ વાર – માત્ર એક જ વાર – ઓફિસે જવાનું, સહકર્મચારીઓને મળવાનું, બસ પેલી નાનકડી પુસ્તિકા લઈ જવાની, બતાવવાની, સહીસિક્કા થાય એટલે પાછી લઈ આવવાની અને દર મહિને તમને મળી જાય તમારું નિયત કરેલું પેન્શન. હા, એમ જ થવાનું હતું. મિસિસ સુહાસિની પારેખ, અહીં સહી કરી દો. બસ એટલું જ કામ હતું પણ આ દસબાર પાનાની નાનકડી ચોપડી કેમ વજનદાર લાગતી હતી? મારો આ પગ ઘરની બહાર મૂકતા કેમ ભારેખમ થઈ ગયો હતો મણમણના પોચકાં લપેટ્યા હોય જાણે! તે હું શું કરું ન જવા માટે? ઉપાય તો હશેને? શારીરિક તકલીફ, મેડિકલ સર્ટિફિકેટ આપી દઉં. કંઈક તો કરાયને? ના, ના, એવું કંઈ નહીં કરાય. જશે, આ સુહાસિની પારેખ જશે. હાજર થવા જશે. રૂબરૂ થવા જશે. પોતે હયાત છે તે જણાવવા જશે. અરે સુહાસિની પારેખ, તમે નિવૃત્ત થઈ ચૂક્યા છો. બત્રીસ વર્ષની લાંબી સેવા કર્યા પછી તમે નિવૃત્ત થયા છો. કેટલું સારું લાગતું! ઘણા પૂછતાં,” રજા પર છો?” ને મને કહેતા પણ જાણે સંકોચ થતો કે, “ના… ના… હું નિવૃત્ત થઈ ચૂકી છું.” “વી.આર.એસ. લીધું હશે.” “ના… ના… વયમર્યાદાને કારણે.” આમ કદાચ સંકોચથી કહેતી કે ગર્વથી એ ખબર નથી પણ જ્યારે સાંભળતી કે, “તમે તો લાગતા જ નથી. કેટલાં વર્ષે નિવૃત્તિ હોય છે તમારે?” ” અઠ્ઠાવન.” ‘માંડ ચાલીસના લાગો છો’, આવું કોઈ કહે ત્યારે પેલી બધી જ વાત ભૂલાઈ જતી અને બીજી વાર થતું કે, હા હું રીટાયર થઈ જ ક્યાં છું. હું એકદમ સક્રિય છું. હું એ જ છું જે નોકરી દરમિયાન કરતી હતી. શું ખરેખર એ જ છું? હા, હા, હવે મારી પાસે ઘણો બધો સમય છે. મારી નિવૃત્તિના છેલ્લે દિવસે જ્યારે નિવૃતિ સમારંભ યોજવામાં આવ્યો હતો ત્યારે બધાંની આંખમાં આંસુ હતાં. મારી આંખમાં પણ હતાં છતાં પણ હું બોલી તો એ જ હતી કે, તમારાથી દૂર જઈ રહી છું એટલે દુઃખ છે પરંતુ ખુશી એ વાતની છે કે હું ખરેખર દૂર નથી જઈ રહી પણ હું મારી પોતાની પાસે વધારે જઈ રહી છું. હું મને સમય આપી શકીશ.પણ શું મને આ એકલા મને મળવાવાળી વાત થોડી અઘરી લાગી ખરી? ના, ના, હું મારા પરિવાર સાથે વધુ રહી શકીશ. મારે જે જીવનમાં બાકી હતું તે કરી શકીશ, કારણ કે શારીરિક રીતે હું મજબૂત છું. નિવૃત્તિ પહેલાંની સુહાસિની, નિવૃત્તિ વખતની સુહાસિની કે નિવૃત્તિ પછીની સુહાસિની પણ એવી જ હશે. હા, એવી જ રહીશ. મને રોજના ૮થી ૧૦ કલાક વધારે મળશે. આઠ કલાક નોકરીના અને એક કલાક તૈયાર થવાનો, આવવા-જવાનો વગેરે વગેરે… એકવાર મેં મને જ પૂછ્યું, ‘સુહાસિની,હજી આ જીવનમાં કરવાનાં કેટલાં કામ છે? તો જવાબ મળ્યો,ઢગલાબંધ’ હવે હું એ બધું જ કરીશ.’છેલ્લે બધાંએ કહ્યું હતું કે, “ફરીથી મળવા આવજો.” મેં કહ્યું, “હા કેમ નહીં? લંચ ટાઇમમાં તમારા લોકો માટે લંચ લઈને આવીશ.”આ બધું મેં કહ્યું હતું. બે-ચાર વાર જઈ પણ આવી.પણ પેલી સરસ મજાની નાનકડી પુસ્તિકા હતી એના પહેલા જ પાને લખ્યું હતું ‘દર વર્ષે જુલાઈ માસમાં આ બુક લઈને રૂબરૂ હાજર થવું.’ એમાં કંઈ કેટલીય કોલમો ભરેલી હતી. તમારો કર્મચારી નંબર, મને લગભગ બધું મોઢે જ હતું. તે મોઢે જ હોયને! આટલાં વર્ષથી હું નંબરથી જ ઓળખાતી હતી.ઉપરાંત મારી સંસ્થાનું નામ, મારો પ્રોવિડન્ટ ફન્ડ નંબર, ઓહો, આ તો નિવૃત્તિ વેતનદાર માટેની હિસાબી શાખાની ચોપડી હતી. શેનો હિસાબ હોય? હા, હિસાબ…. જે વેતન મળતું હતું તેનો હિસાબ.વળી થયું ‘અત્યારે જીવનનો હિસાબ માંડવા ન બેસી જતી સુહાસિની, એમાં તો કેટલું હોય!’ હજુ તો કંઈ કેટલું, નિવૃત્તિ વેતન હુકમ નંબર, નિવૃત્તિ વેતનદાર એટલે તમારું નામ, કાયમી રહેઠાણનું સરનામું, તમારો હોદ્દો, તમારું ખાતું, છેલ્લો બેઝિક પગાર, નિવૃત્તિ વેતનની માસિક રકમ, જન્મ, નોકરીમાં દાખલ થયા તારીખ, નિવૃત્તિની તારીખ, અરે બાપરે! કેટલું બધું? બધું મસ્ત મજાનું લાલચટક પેનથી ભરાયેલું. હા મને એ પાનું બહુ ગમતું. હું સફળતાપૂર્વક આ નોકરી કરી શકી છું. ખૂબ સરસ પરિચય છે. હંમેશા બધાંની સાથે જ આપણે હોઈએ છીએ. એ નોકરીનું સ્થળ પણ એક ઘર અને સહકર્મચારીઓ પરિવાર બની જતા હોય છે. બહુ સરળતાથી બધું ચાલતું જ હતું અને હજી તો મારે ત્યાં વરસોવરસ હકપૂર્વક જવાનું હતું. હું ફરીથી એ ચોપડીમાં બધું જ વાંચી ગઈ. પહેલું પાનું અને છેલ્લું પાનું અને થોડી સૂચનાઓ લખેલી હતી. પછી તો ખાનાંઓ જ હતાં. એમાં મહિનાઓ અને વર્ષ એવાં બધાં ખાનાં હતાં જે ભરાવવાનાં હતાં, પરંતુ પહેલાં પાનાં પર એક કોલમ ખાલી હતી. જ્યાં મારી કદી નજર જ પડી ન હતી, કારણકે ભરાઈ ન હતી. પણ ત્યાં મારી નજર અટકી ગઈ હતી. મૃત્યુની તારીખ! હા, સુહાસિની પારેખ, એ જ કોલમ હતી જ્યાં લખાયું હતું મૃત્યુની તારીખ, પરંતુ એ જગ્યા ખાલી હતી. હા ભરાશે. જે આ જગતમાં આવે તે જાય જ છે. સ્કૂલમાં જોડાઈ, સ્કૂલમાંથી રજા લીધી, કોલેજમાં જોડાઈ, કોલેજમાંથી રજા લીધી, નોકરીમાં જોડાઈ, નોકરીમાંથી પણ હું ગઈ તો આ જગતમાંથી પણ જઈશ. બધાંએ પોતપોતાનું પાત્ર ભજવવાનું હોય છે. કહેવાય છેને કે, જીવન રંગમંચ હોય છે. આપણે તો આપણું પાત્ર ભજવાઈ જાય, આપણી ભૂમિકા પૂરી થાય એટલે ચાલ્યા જવાનું. મેં તે દિવસે સ્પીચમાં કહ્યું પણ હતું કે, નોકરી હોય કે જીવન પણ સમય થાય એટલે ખુશી ખુશી જતા રહેવાનું. તો જ બીજા માટે જગ્યા થાયને! નવી કુંપળ ત્યારે જ ફૂટે છે જ્યારે પીળું પાન ખરીને ક્યાંક અદૃશ્ય થઈ જાય. હા, પણ જાણે એ દિવસ દૂર જ ન હતો. આ બધી વાતો કરવાનું સારું લાગે છે પણ કોરોનાએ મૃત્યુને પણ કેવું સાહજિક બનાવી દીધું છે! મને કેમ એમ થાય છે કે, એક દિવસ એ મૃત્યુની તારીખવાળી જગ્યા ભરાઈ ગઈ. અફકોર્સ, એ ચમકતા લાલ અક્ષરની વચ્ચે ઝાંખા પણ તાજા ભૂરા અક્ષરે ભરાઈ, પણ હું છું. હા, એક ગેબી અવાજ આવ્યો તો. ‘તું અહીં જ છે. આ તારું ઘર છે. તારા પરિવારજનો છે અને વચ્ચે તું છે.’ કહેવાય છે કે તમે તેર દિવસો સુધી તમારા ઘરમાં રહેતા હો છો. પછી તમારી મુક્તિ થતી હોય છે. એકદમ થોડું છોડીને જવાય! ભલે તમે જગતમાંથી નીકળી ગયા હો. નિવૃત્ત થઈ ત્યારે ઘણાએ કહ્યું હતુંને કે, તમે લાગતા નથી. અત્યારે મને ખુદ જ નથી લાગતું કે હું મૃત્યુ પામી છું, પરંતુ મને ખુશી છે કે, હું મૃત્યુ પામી ત્યારે પણ એવીને એવી જ દેખાઉં છું. એવીને એવી જ જઈશ ભગવાનના દરબારમાં…. પણ હજુ તો અહીં જ છું. હું જઈશ તેર દિવસ પછી. તેઓ મને જોઈ નથી શકતાં પરંતુ હું સઘળું નિહાળું છું. “અરે અનુ બેટા પીન્ટુને જલદી યુનિફોર્મ પહેરાવી દે. હમણાં રીક્ષા આવશે પરંતુ મારું સાંભળશે કોઈ નહીં. મને ટેન્શન થાય છે. અરે! હું તો નોકરીએ જતી ત્યારે પણ એને તૈયાર કરીને જતી. હા પણ એ બિચારીને કેટલા કામ છે? વચ્ચે પાછો ફોન આવ્યો. લાવ, હું જ એને શર્ટનાં બટન મારી આપું. એને લંચબોક્સમાં આ ન મૂક, એ પાછું જ લાવશે. એને ભાવતું જ નથી. અરે ભગવાન! આ તો એમના માટે શ્યૂગર વગરનું કાઢ્યું હતું ને એ ભૂલથી નિર્મિશના ટિફિનમાં ભરાઈ ગયું! અરે દીકરા! આ નવું શું કામ ખરીદ્યું. મારા કબાટમાં પડ્યું છે. હા, મારી પાછળ દાન કરવું હતું તો ત્યાંથી લઈ લેવા હતાને! મારી પાસે કેટલા ચાંદીના સિક્કા પડ્યા છે! મેં કંઈ કેટલુંય ભેગું કરી રાખ્યું છે ને આ લોકોને કઇ ખબર નથી. અરે બાપ રે! મેં તો ઘણા ચેકમાં આગળથી સાઇન કરી રાખી છે. આ બધી ઝંઝટમાં ન પડો તો ન ચાલે? હજુ ક્યાં ખબર પડી છે કે હું મૃત્યુ પામી છું? ચેક વટાવી શકાય. ના, ના, એ લોકો તો આવું નહીં જ કરે. અરે ઓ શકુબેન,બરાબર કલીપ માર ચાદર ઊડી જશે. સામેવાળાનો ચીકુ આવીને પૂછે છે કે, ચોકલેટદાદી ક્યાં? હા, નિવૃત્તિ પછીના વર્ષ હું એની સાથે કેટલી મસ્તી કરતી! એ કંઈ પણ હોય તો મને બતાવવા આવતો ને હું ચોકલેટ આપતી. હા ચીકુ, હું અહીં જ છું જો. પીન્ટુ સ્કૂલેથી આવે ત્યાં સુધી હું તેની સાથે પકડાપકડી રમતી. બધાં જ મને શોધે છેને! એ… દીકરા! આટલો બધો લોટ કેમ કાઢ્યો છે? વધી પડશે, બકા. એણે જરાક મારી સામે જોયું પણ ખરું. એને બિચારીને શું ખબર?જો તો દિપુ,જરા કુંડામાં પાણી રેડ તો,તુલસીમા સુકાઈ જવાના! સામેની ગલીમાં ત્રીજી જ દુકાને મારી બે સાડી ફોલ સ્ટીચ માટે આપી છે. લઈ આવજે.એક પર તો કાશ્મીરી વર્ક છે બહુ મોંઘી છે.ને આ નળ પાછો ટપકતો થયો? જો મારા મોબાઈલમાં જીતુ પ્લમ્બર લખ્યું હશે. ફોન કરી દે,તરત આવી જશે. સાડા સાત થયા. એમને જમાડી લે. મોડું થાય તો એમને તકલીફ થાય છે પરંતુ તે બોલશે નહીં. બધાં બધાંની પળોજણમાં પડ્યા છે. શું કરું? લાવ હું કરી દઉં. ના, પણ હું તો હાજર જ નથી. અરે! પેલા ધોબીનો હિસાબ બાકી છે. આ રીતે કપડાં ન આપી દે. અરે એ તો ઘણીવાર ખિસ્સામાં વીંટી પણ મૂકી દે છે. ધોબીને કપડાં આપતાં પહેલાં હંમેશાં ચેક કરવાનાં અને તે પણ વોશિંગ મશીનમાં નાખો ત્યારે પણ ખિસ્સાં જોવાનાં. કેટલીય વાર પાંચસોની નોટ રહી ગઈ હશે. કેટલીય વાર કહ્યું કે જોઈ લો, જાણી લો, આ આને આપવાનું છે, આ તેને આપવાનું છે પણ નહીં, સાંભળે જ નહીંને! સારું છે કે બેંક અને બીજા હિસાબો તો પપ્પાને ખબર છે પણ લોકરમાં આ મોટીકાકી એ મૂકવા આવ્યું છે. આ આનું છે, તે તેનું છે, મેં લીસ્ટ તો બનાવ્યું છે. તે છતાં કઈ રહી જાય તો? ના… ના… સુહાસિની, તારે તો હવે અહીંથી જવાનું છે. તો શું કામ બધી પંચાત કરે છે? અહીં કેટલા બધાં ભેગા થયા છે? હા આજે હું કદાચ છેલ્લો દિવસ. આજે તેરમું છે. મને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે હું મારું તેરમું પણ માણીશ. કેટલી બધી વિધિઓ થાય છે? એ તો મોટાકાકી આવી ગયા તો સારું થયું.મારી દીકરી, પુત્રવધૂ, બિચારાને કંઈ જ ખબર નથી.હજુ પિન્ટુને કોઈએ તૈયાર નહીં કર્યો? આજે એની પીટીની પરીક્ષા છે! તેણે ચોક્કસ મને યાદ કરી જ હશે. એ મને પણ પીટીના દાવ શીખવતો.તે મને દાદી નહીં પરંતુ દીદા કહેતો. તેની સ્કૂલનો સમય થઈ ગયો છે, ભાઈ. એને તો કોઈ તૈયાર કરો. પરંતુ તેણે તો દીદા બોલીને ભેંકડો તાણ્યો અને હું કદી ન સાંભળતીને એની કોઈ વાત, તો મને ચૂંટલી ખણતો. દીદા કરીને… અરે આ ચૂંટી કોણે ખણી? હા, હું તો જીવું છું. હા… ફરીથી બોલતો, સુહાસિની. હા, હું જીવું છું. આ ચુંટી ખણી છે ઈશિતાએ. મારી નાનકડી સહકર્મચારિણી. અહીં હું રૂબરૂ થવા આવી ત્યારે ક્યાંય ખોવાઈ ગઈ હતી અને તેણે મને ઢંઢોળી. “સુહાસિની દીદી…” “હા બેટા.. અરે! હું જીવું છું.” સામે બેઠેલા ક્લાર્ક સામે ભોંઠી પડી. મેં નિવૃત્તિની પુસ્તિકા લીધી અને ઈશિતાને કહ્યું, “ચાલ..” “પણ ક્યાં?” “તું હાફ ડેની લીવ મૂકી દે. આપણે જઈએ… હું જીવું છું તેની પાર્ટી કરવા.” == યામિની વ્યાસ”.

Leave a comment

Filed under Uncategorized