ટીટોટલર: દારૂનિષેધક शैख़ साहिब का इमान बिक ही गया देख कर हुस्न-ए-साकी पिघल ही गया आज से पहले ये कितने मगरूर थे लूट गई पारसाईं* मज़ा आ गया -फना बुलंद शहरी (*पारसाईं= धर्मपरायणता)કેટલાંક લોકોનાં કામ એવા હોય છે કે તેઓ દારૂ ન જ પીતા હોય. જેમ કે કોઈ વિદ્વાન ધર્મગુરુ. તેઓને ગર્વ હોય છે તેઓનાં વ્યવસાય ઉપર. પણ.. ધર્મ સાથે જોડાયેલો કોઈ જણ દારૂનાં પીઠામાં દારૂવિતરણની પવિત્ર ફરજ બજાવતી સાકીનાં સૌંદર્યથી પીગળી જઈને પોતે દારૂ પીવા લાગે તો? પહેલાં કેવું અભિમાન હતું તેમને તેમનાં શુદ્ધ આચરણ ઉપર અને હવે જ્યારે તેમની ધર્મપરાયણતા લૂંટાઈ ગઈ ત્યારે..? અમને તો મઝા આવી ગઈ હોં! ધર્મનેતાની માફક જ આપણાં રાજનેતા પણ દારૂ ન પીતા હોય એવી કેટેગરીમાં આવે છે. દાખલા તરીકે આપણાં પ્રધાનમંત્રી દારૂથી દૂર રહે છે. તેઓ ગત અઠવાડિયે જેઓને મળ્યા એ, અમેરિકાનાં પ્રેસિડેન્ટ પણ દારૂ પીતા નથી. ઇન ફેક્ટ, ગયે વર્ષે પહેલી વાર એવું બન્યું કે અમેરિકાની પ્રેસિડન્ટ ચૂંટણીમાં બંને મુખ્ય પક્ષોનાં ઉમેદવારો, જો બાયડન અને ડોનાલ્ડ ટ્રમ્પ, દારૂ પીતા નહોતા. આ અગાઉનાં પ્રધાનમંત્રીઓની વિદેશયાત્રાઓ દરમ્યાન અનેક ટીવી ચેનલ્સનાં મીડિયાકર્મીઓ પણ એ કાફલામાં સાથે જતા અને સ્વાભાવિક છે કે તેઓ ફ્રી મળતો દારૂ પીતા. હવે એ બધું બંધ થઈ ગયું. આ તો પીતા ય નથી ને પીવા દેતા ય નથી! અને આપણે ઇતિહાસ તપાસીએ તો સરમુખત્યાર એડોલ્ફ હિટલર પણ શરાબ પીતા નહોતા. અમેરિકાનાં પૂર્વ પ્રધાનમંત્રી અબ્રાહમ લિંકન અલબત્ત પીતા હતા. ઈન ફેક્ટ, તેઓ પ્રેસિડન્ટ બન્યા તે પહેલાં તેઓની પોતાની દારૂ ગાળવાની ભઠ્ઠી હતી. નેતાઓની વાત નિરાળી હોય છે. ગુજરાતનાં એક વરિષ્ઠ રાજનેતા પાસેથી આ સાંભળેલો કિસ્સો છે. ગાંધીનગરનાં તેઓનાં નિવાસસ્થાને તેઓને એસિડીટી હોવાથી દૂધ પીવું હતું. પટાવાળાને એક કોથળી લઈ આવ્યા કહ્યું. પટાવાળો કોથળી લઈ આવ્યો. તેઓએ પૂછ્યું કે ‘ગરમ કર્યું?’ તો કહે કે ‘આ ગરમ ન થાય. ફાટી જાય’. નેતા સમજી ગયા. અલ્યા તું શેની કોથળી લઈ આવ્યો?!! હવે ત્રીજી કેટેગરીમાં આપણાં ફિલ્મી અભિનેતા-નેત્રીઓ? આ લોકો તો પીતા હોય એમાં તે શી નવાઈ? પણ ગયા અઠવાડિયે એક પ્રમુખ ઇંગ્લિશ અખબારમાં સમાચાર છપાયા કે બોલીવૂડનાં, દીપિકાથી પદુકોણથી લઈને અક્ષયકુમાર જેવા પંકાયેલા કલાકાર ટીટોટલર્સ છે. ગુજરાતી લેક્સિકોનમાં જોયું તો ટીટોટલર (Teetotaller) શબ્દનો અર્થ હતો: કદી પણ મદ્યપાન ન કરનાર વ્યક્તિ, મદ્યપાનનું વિરોધી. એક શબ્દમાં કહીએ તો દારૂનિષેધક. આહા! ન પીતાં હોય તેઓ માટે પણ કોઈ એક શબ્દ છે ખરો. આ તો સારું. અને આમ જુઓ તો.. દારૂ પીવું સારું પણ તો નથી. ગુજરાતમાં તો એવું કૃત્ય કરવું કાયદેસરનો ગુનો ગણાય છે. પણ…. લોકો પીએ છે. અમીર હોય કે ગરીબ, પીવાવાળા સૌ કોઈ, પોતપોતાને પરવડે એવો અને એવડો, દારૂ પીતા હોય છે. આપણે જો કે અહીં દારૂ ન પીવાનાં લાભાલાભની ચર્ચા કરતાં નથી. આપણે તો સમાચારનાં શબ્દને પકડીએ અને એ શબ્દની વ્યુત્પત્તિથી લઈને આજ દિન સુધીની એની મુસાફરીની વાતો કરીએ છીએ. અહીં છે એ શબ્દનો નશો છે! ટીટોટલર.. શબ્દ વાંચીએ તો એવું લાગે કે ચાય પીનારાં લોકો એટલે ટીટોટલર. તો પછી કોફી પીનારાં હોય કોફીટોટલર કહેવાય? દરઅસલ વાત એ છે કે અહીં પહેલાં ત્રણ અક્ષરો ટીઈએ ટી (ચાય) નથી પણ ટીડબલઈ ટી છે. અહીં મુખ્ય શબ્દ છે ટોટલ. ટોટલ એટલે સંપૂર્ણ, આખું, આખાને કે બધાને આવરી લેતું, કુલ. ‘ટોટલ ઍબસ્ટિનન્સ’ એટલે ‘સદંતર મદિરાત્યાગ’. ઍબસ્ટિનન્સ એટલે ભોગવિલાસથી દૂર રહેવું તે, સંયમી જીવન જીવવું તે. ઓગણીસમી સદીની શરૂઆતમાં ઈંગ્લેન્ડનાં એક શહેર પ્રેસ્ટનમાં ટીટોટલિઝમનું આંદોલન થયું. જે ટેમ્પરન્સ્ મૂવમેન્ટ તરીકે જાણીતું થયું. ટેમ્પરન્સ્ (Temperance) એટલે ખાનપાન કે વર્તનમાં અતિરેક ન કરવો તે. અહીં આ શબ્દ મદ્યપાનનિષેધનાં અર્થમાં હતો. આ આંદોલનનું સૂત્ર હતું: ‘એલ (બીયર), પૉર્ટર (બીયર), વાઇન (મદિરા) કે કોઈ પણ પ્રકારનાં ધગધગતા સ્પિરિટનું સેવન કરવું નહીં’. ગુજરાતી લેક્સિકોન અનુસાર સ્પિરિટનો એક અર્થ ‘ગાળેલો મદ્યાર્કવાળો દારૂ’ એવો થાય છે. ‘સ્પિરિચ્યુઅલ’ એટલે આધ્યાત્મિકતા, ધાર્મિકતા, દિવ્યતા, ઈશ્વરપ્રેરિતતા.. પણ એ શબ્દની વાત ફરી કોઈ વાર! જો કે આ આંદોલનમાં એવા દારૂને મુક્તિ અપાઈ હતી જે દવા તરીકે વપરાય. આંદોલનનાં એક નેતા રિચાર્ડ ટર્નર જીભે તોતડાં હતા. સને ૧૮૩૩માં દારૂસેવન ઉપર ટોટલ નિષેધ- એવું બોલવા જતા તેઓની જીભ અચકાઈ, થોથવાઈ અને તેઓ બોલ્યાં ટી..ટી.. ટોટલ.. . સર્વેને લાગ્યું કે ટોટલ શબ્દની આગળ એક વધારાનો ટી હોય તો મદ્યપાન નિષેધ આંદોલનને વધારે બળ મળે અને ટીટોટલિઝમ શબ્દ જન્મ્યો. અને દારૂ ન પીનારાં બની ગયા ટીટોટલર. તેઓ જે કોઈ પણ પ્રકારનો દારૂ નહીં જ પીએ. જો કે ખ્યાતનામ બ્રિટિશ નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શૉ એવું કહેતા કે ‘હું બીયર ટીટોટલર છું, શૅમ્પિયન ટીટોટલર નથી!’ બીયરમાં તેઓને મઝા આવતી નહોતી. સમય બદલાયો છે. આજની યુવા પેઢી આ પહેલાંની પેઢી જેવી પિયકકડ નથી, એવું ગ્રેટ બ્રિટનમાં થયેલી રીસર્ચ કહે છે. ન્યૂયૉર્ક સ્થિત લેખિકા અને ‘ક્લબ સોડા-એનવ્હાયસી’ની સ્થાપક ટીટોટલર્સ માટે ઘણાં આયોજન કરે છે. એ એવું માને છે કે પહેલાં સિગારેટ પીવી ગ્લેમરસ અને ફેશનેબલ ગણાતી, હવે એવું નથી. દારૂનું પણ એવું જ થવાનું છે. દારૂનું સેવન ઓછું થવામાં સોશિયલ મીડિયા પણ મદદ કરે છે. દારૂ પીધેલી હાલતમાં સેલ્ફી-ફોટા અપલોડ થાય તો આપણે કેવા ભૂંડા લાગીએ? હેં ને? લોકોનું ટીટોટલિઝમ પસંદ કરવાનું કારણ માનસિક, સામાજિક, કૌટુંબિક, ધાર્મિક કે આરોગ્ય વિષયક હોઈ શકે. અથવા એમ કે બસ નથી પીવું. કોઈ કારણ નથી. કારણ કે ન પીવાનાં ઘણાં ફાયદા છે. શાયરીઓમાં થયેલી મદિરાની વાત ઈશ્ક-એ-હકીકી હોય છે. કવિ કહે છે એટલે પીવું નહીં. કલાકારો તો માને છે કે પીવાથી ક્રિએટિવિટી વધે છે. કદાચ હશે પણ પ્રોડક્ટિવિટી તો ચોક્કસ ઘટે છે. મહાન લેખક અર્નેસ્ટ હેમિંગ્વે કહ્યું હતું કે ઓ ભગવાન! તમે એવું ક્યારેય સાંભળ્યું છે ખરું કે કોઈ કામ કરતી વખતે પીતા હોય? અને છતાં પીવાવાળાને પીવાનું બહાનું તો મળી જ રહે છે. ઇતિ. શબ્દ શેષ: “હું દારૂડિયો નથી. હું ટીટોટલ તાલિબાન સામે આઝાદીનો લડવૈયો છું.” –બ્રિટિશ કોમેડિયન, એક્ટર, રાઇટર અલ મરે Paresh Vyas