Monthly Archives: ડિસેમ્બર 2021

હળવાશ/યામિની વ્યાસ

“લો બા, આ તમારી મોળી ચા. આજે ઊઠવામાં જરા મોડું થઈ ગયું.” “અરે નીનીબેટા! બે ઘડી તો સૂઈ રહેવું હતું. પછી તો છે જ આખો દિવસ દોડાદોડી.” નીનાને બધાં વહાલથી નીની કહેતાં. નીનાને સવારે ઊઠવામાં ૫:૩૦ ને બદલે ૫:૩૫ થઈ જાય તો પણ તેના નિત્યક્રમમાં ઘણો ફરક પડી જતો. જોકે, તેને અલાર્મની બહુ જરૂર ન પડતી. રાત્રે ઊંઘતાં ગમે તેટલું મોડું થાય તો પણ તેનું શરીરચક્ર એવું ટેવાઈ ગયું હતું કે, સવારે સાડા પાંચે આંખો ખૂલી જાય. આખા દિવસની કરમકુંડળી સવારથી જ એના મગજમાં રચાઈ જતી. ચા-પાણી-નાસ્તાની તૈયારી કરીને બાળકોને ઉઠાડતી. રાશિ તો ઊઠતા જ રડવા માંડતી, “નીની, આજે તો સ્કૂલે નથી જવું. મારું હોમવર્ક બાકી રહી ગયું છે.” નીના કહેતી, “ચાલ, હું તને મદદ કરું” “હવે તો થોડીક જ વાર રહી છે.” “અરે બેટા! ચાલને હું કરી દઉં તારું હોમવર્ક” એમ કરીને તેને ઉઠાડે. તત્વ પણ “ નીની, મારા નખ કાપવાના છે. આજે પીટીના સાહેબ તપાસવાના છે. નહીં તો મને સજા કરશે.” “અરે બેટા, કેટલી વાર કહ્યું કે તું રવિવારે નખ કપાવી લે, પરંતુ માને જ નહીં. ચાલ, હું તને કાપી આપું.” એક તો ખરેખર મોડું થતું હતું અને તેમાં આવું વધારાનું કામ આવી ચડતું. છોકરાને વહાલથી સમજાવીને સામે ભણવા બેસાડ્યો અને તેના નખ કાપી આપ્યા. સાથેસાથે રસોઈ પણ કરતી ગઈ. એમાં શકુબાઈનો ફોન “બેન, મારી દેરાણીની વેવાણના ભાઈ મરી ગીયા તાં હું રડવા જવાની, આજે ની આવા, વાહણ રાખી મૂકજો, કાલે માંજી દેવા.” આ મોકાણના સમાચારે તો તેને ભારે પરેશાન કરી મૂકી. હિરેન ઊઠ્યો અને ઊઠતાની સાથે તેના ફોન શરૂ થઈ ગયા. બાથરૂમમાં જતાં જ તેણે ટુવાલ માટે બૂમ મારી, “અરે, ક્યાં લટકાવ્યો છે? અહીં તો નથી.” “પણ તમારો ટુવાલ ધોવા નાખ્યો છે. બીજો લઈ લો,” એટલી વારમાં તો કપડાંનું મશીન બીપ બીપ કરવા લાગ્યું. ફટાફટ કપડાં કાઢીને સૂકવ્યાં. બા કહેતા, “હું ધીરેધીરે સૂકવી દઈશ.” ક્લિપ મારતી મારતી એ જવાબ આપતી, “અરે બા! તમારા લકવાવાળા હાથે તમે કેવી રીતે સૂકવી શકો?” બાને હાથે લકવાની શરૂઆત હતી. ડાયાબિટીસ તો પહેલેથી જ હતો. નીના ઘરનું સઘળું ધ્યાન રાખતી. ક્યારેક હિરેન પણ મદદ કરવા લાગતો. “ચાલ, તને મોડું થાય છે તો હું તને મદદ કરું.” પણ, મોડામાં વધુ મોડું થશે તેમ વિચારીને નીના હાથ જોડીને ના પાડતી અને કહેતી, “છોડોને ભઈસા’બ, તમે આખું રસોડું રમણભમણ કરી મૂકશો.” ને હિરેન હસતો હસતો તેના કામે ચાલ્યો જતો. સ્કૂલે જતાં પહેલાં રાશિનો ચોટલો ગૂંથવામાં પણ તે કેટલા નખરા કરતી! ત્રણેક વાર તો તે છોડીછોડીને ફરી ગુંથાવતી. પહેલાં તો બા ગુંથી આપતાં પણ એમને લકવો થયા પછી બધું નીનાને માથે હતું. લંચબોક્ષ અને વોટરબેગ તો રાત્રે જ તૈયાર કરી દેતી. માંડ તે બંનેને સ્કૂલે મોકલતી. રસોઈ પતાવી બાનું ગળપણ વિનાનું જુદું કાઢીને તેની પર ચિઠ્ઠી મૂકતી. છોકરાઓનું જુદું ઢાંકતી. હિરેનનું લંચબોક્સ ડાઇનિંગ ટેબલ પર મૂકીને તે ફટાફટ નીકળતી. કદી સામે શીલાબેન મેળવણ લેવા આવતાં તો ફટાફટ તેમને મેળવણ આપતી. કદી નળ ખુલ્લો રહી ગયાનું યાદ આવતું ને પાછી આવીને નળ બંધ કરતી. રોજ એ નીકળે અને કશું યાદ આવે, નીકળે અને કોઈક બૂમ પાડે; મારે આ જોઈએ છે, મારે આ બાકી છે, મારું આ ક્યાં છે…માંડ સ્કૂટર પાસે પહોંચે ને યાદ આવે, ‘અરે રામ! કાલે સોનુ આવેલી એની બેબીને શાંત પાડવા મારી ઘૂઘરીવાળી કીચેઇનવાળી ચાવી આપી હતી એ મળી જાય તો સારું.’ કહી ફરી ઘરનો ડોરબેલ મારતી. કંઈ કેટલાય વર્ષો સુધી નીનીની આવી સવાર પડતી. ઓફિસે પહોંચતી અને તેને પહેલું વાક્ય બોલવાનું જ હોય, ‘સોરી, થોડું મોડું થઈ ગયું. સારું થયું તમે સાચવી લીધું.’ સાહેબને પણ જવાબ આપવાનો હોય, પણ એવા જવાબ તો તેણે વર્ષો સુધી આપ્યા. ક્યારેક ઓફિસમાં બીજાનું કામ પણ કરી લેતી. ઘરે આવતી વખતે શાકભાજી લેવાની હોય, બાળકો એ કંઈ સોંપ્યું હોય, બાની દવા કે કોઈ ચીજવસ્તુ લાવવાની હોય, હિરેને પણ કદી કહ્યું હોય કે આટલું કરતી આવજે; એ બધું કરતી આવે અને હજુ માંડ ચંપલ ઉતારે ત્યાં તેને રસોઈની ફિકર હોય. બાળકો બપોરે સ્કૂલથી છૂટીને જમીને સૂઈને ઉઠ્યા હોય. એમની સ્કૂલની, મિત્રોની, તોફાનની વાતો સાંભળવાની, હોમવર્ક બાકી હોય તે કરાવવાનું સાથે સાંજની રસોઈ માંડ પતે. રસોડું સાફ કરે. ટીવી ચાલુ હોય પરંતુ તેને જોવાના હોશકોશ ન હોય. તે લોથપોથ થઈ જતી. એને કંઈ કેટલીય વાતો કરવી હોય; નોકરીની, બાળકોની ને ભવિષ્યની પણ હિરેન તેના કામમાં અને ટેન્શનમાં હોય એટલે ખાસ વાતો થતી નહીં. ધીરેધીરે બાળકો મોટાં થતાં ગયાં. રાશિ અને તત્વ ખૂબ સરસ ભણતાં હતાં એટલી તેને હાશ હતી. બાની બીમારી પણ વધતી ગઈ અને એ વિચારતી કે, આવી જ જિંદગી હશે બધાની? કોઈને હળવાશ નહીં હોય? ઘણીવાર નીનાએ વિચાર્યું કે નોકરી છોડી દઉં. પણ પગાર સારો હતો અને પેન્શનબલ જોબ હતી એટલે થતું કે, અમુક વર્ષો નોકરી કરી લઉં. પછી વી.આર.એસ લઈ લઈશ. અત્યારે તો પગાર સારો આવતો એટલે ઘરમાં પણ સારી મદદ રહેતી તેણે નોકરી ચાલુ રાખી. આ જ રીતે, આ જ સવાર અને આ જ સાંજ, આ જ નિત્યક્રમ પરંતુ તેને મનમાં રંજ રહેતો કે તે બાળકોને સમય આપી શકતી ન હતી. ઘણીવાર બાળકો કહેતા કે, આજે અમને રજા છે તો તું ઘરે રહી જાને. અમારી સાથે રમ અને તોફાન કરને. ચાલને, આપણે પિકનિક પર જઈએ. પણ નીના ક્યારે રજા નહોતી લઈ શકતી. એકવાર ઓફિસમાં લંચ સમયે બેઠી હતી ત્યારે તે દીકરાદીકરી સાથે બેસીને મસ્તી કરતી હોય, રમતી હોય તેવો વિચાર આવ્યો અને તે સૂનમૂન થઈ ગઈ. પણ બીજી ક્ષણે તેને થતું કે, ઘરમાં બે નોકરીને કારણે જ તો છોકરાઓને કેટલી સારી સગવડ આપી શકીએ છીએ. બાને લકવાની અસર વધતી ગઈ તેમ વધારે બીમાર થતાં ગયાં. હવે નીનાને થયું કે. હવે વી.આર.એસ. લઈ લઉં. મારું પેન્શન પણ આવશે. નોકરી છોડી દઉં તો બાની સેવા પણ કરી શકું. દીકરોદીકરી આવે તો તેમની સાથે પણ સમય ફાળવી શકાય. તેમની સાથે શાંતિથી બેસી શકાય. સાંજની ચા પી શકાય. આખરે તેણે નિર્ણય કર્યો અને નોકરી છોડી. જે વર્ષે નોકરી છોડી તે વર્ષે દીકરાને સ્કોલરશિપ મળી અને તે ભણવા માટે વિદેશ ગયો. દીકરીને સરસ માગું આવ્યું અને તેને પરણાવી. આ બે ખુશીના પ્રસંગ પછી બા પણ જાણે નીનાને હળવાશ આપવા માટે તૈયાર હોય તેમ તેમણે પણ આ દુનિયામાંથી વિદાય લીધી. હિરેનની નોકરી ચાલુ હતી.હવે તે આખો દિવસ એકલી હતી. ખરેખર નીનાને હળવાશ હતી પરંતુ તેને આ હળવાશ એકદમ ભારેખમ લાગતી હતી.ખરેખર તો હવે સમય હતો જોયેલાં સપનાં પૂરાં કરવાનો, પોતાની ઈચ્છાઓ પૂરી કરવાનો, મનગમતું સંગીત માણવાનો ને સારા પુસ્તકો વાંચવાનો પરંતુ તેને લાગ્યા કરતું કે, તે કંઈ જ કરતી નથી. દિવસ પૂરો થતાં સુધીમાં તો તેને ઘણો રંજ રહેતો. હિરેનને પણ વાત કરી. હિરેને કહ્યું કે, “તને જે ગમે છે તે કર.” દીકરો અને દીકરી પણ કહેતાં કે, “મમ્મી હવે તારી પાસે પૂરતો સમય છે. તું તારી રીતે મજા કર.” પરંતુ તે બાળકોને કઈ રીતે કહી શકે કે, તમે ફરી નાના બની જાઓ. એ બાને કઈ રીતે કહી શકે કે, તમે ફરી જીવંત થઈ જાઓ. હિરેનને કઈ રીતે કહી શકે કે, હું બા અને છોકરાઓને તૈયાર રાખીશ. બને તો જલદી આવજો, ફરવા જઈશું. શું કરવું સમજાતું નહોતું.તે પોતાની જાતને ઘણી વ્યસ્ત રાખવા પ્રયત્ન કરતી, પણ અંદરથી લાગ્યા કરતું કે, કંઈક ખૂટે છે. આખરે તેણે બહેનો માટે હળવાશ કેન્દ્ર શરૂ કર્યું. જ્યાં આવીને મનની કંઇક વાતો કરવી હોય, કોઈક મૂંઝારો કે માનસિક તાણ હોય, અરે ગપ્પા મારવા હોય તો પણ, કોઈને આકસ્મિક કારણોસર દોડવું પડે અને બે ત્રણ કલાક માટે બાળકોને મૂકી જવા હોય, સગું હોસ્પિટલમાં હોય ને તેની મદદ કરવા દોડાદોડી કરવી હોય, વૃધ્ધોની સેવાનો સવાલ હોય, કોઈનો પતિ મૃત્યુ પામ્યો હોય અને કશી ખબર ન પડતી હોય, ઘર, બેંક, મૂડીરોકાણ જેવી આર્થિક વ્યવસ્થા બાબત કે બાળકોના ભવિષ્ય બાબતે તો એનું માર્ગદર્શન અપાતું. તેમાં ઘણા નિષ્ણાતો પણ જોડાતા ગયા. બધાં જ ખૂબ હાશકારો અનુભવતા. નીનાનો આભાર માનતા. અહીં કોઈ પણ એકવાર આવે પછી આ પરિવારનું જ બની જતું. આ કેન્દ્રને એક વર્ષ થયું ત્યારે આ આખો પરિવાર ઉજવણીમાં જોડાયો. સાથે હિરેન, રાશિ અને તત્વ પણ. બધાએ મળી નીનાને એક સરપ્રાઇઝ આપી. એની આંખે પટ્ટી બાંધી બહાર લઈ ગયા. બોર્ડ બદલાઈ ચૂકયું હતું- ‘નીની હળવાશ કેન્દ્ર’. આંખો ખોલતાં નીના ગળગળી થઈ બધાને વળગી પડી. હળવાશ અનુભવવા લાગી, પહેલીવાર… યામિની વ્યાસ”

Leave a comment

Filed under Uncategorized

આયાની માયા/. યામિની વ્યાસ

પ્રિયાએ ગાડીનો કાચ ખોલીને પચાસ રૂપિયાની નોટ ભિખારીના હાથમાં મૂકી. એ એની સહકર્મચારી રીમા સાથે પોતાની હેડ ઓફિસ મીટિંગ માટે જઈ રહી હતી. રીમાએ હસતાં કહ્યું“અરે પ્રિયા! તું તો દાન, ધ્યાન,જપ,તપમાં બહુ માને છેને કંઇ!” “અરે ના રે યાર, આતો કોઈ નાના બાળકને જોઉં તો મારું દિલ પીગળી જાય છે. કેવું નાનકડું છોકરું હતું,માંડ લપેટીને ઊંચક્યું હતું! બિચારા પાસે પૈસા નથી, રહેવા માટે સરખું ઘર પણ નહીં હોય અને વરસાદ પણ અંધાર્યો છે, જોને! આપણે તો આપણા બાળકની કેટલી કાળજી કરીએ! ને એના સારા ભવિષ્ય માટે નોકરી કરીએ એ તપ! બાકી તો ક્યાં કામમાંથી આપણે નવરા થઈએ છીએ?” પ્રિયાએ લગભગ પંદરેક દિવસ પહેલાં જ આ નવી નોકરી શરૂ કરી હતી. રીમા અને પ્રિયા હમણાં હમણાંથી જ પરિચયમાં આવ્યાં હતાં અને એકબીજા સાથે ફાવી ગયું હતું. બંને એકબીજાને પોતાના પરિવાર વિશે વાતો કરવા લાગી. પ્રિયાએ વાતો માંડી. પ્રિયા અને પર્વ કોલેજમાં સાથે હતાં. બંને સાથે જ એન્જિનિયરિંગ પાસ કર્યું અને નોકરીમાં પણ સાથે જ જોડાયાં. પ્રેમમાં પડ્યા અને લગ્ન કરવાનું નક્કી કર્યું. બંનેના પરિવારની પણ સહમતી હતી જ.બંનેની જોડી પણ સરસ લાગતી હતી. પરણીને નોકરી માટે ગામ છોડીને શહેરમાં આવવું પડ્યું, પરંતુ બંનેએ નક્કી કર્યું હતું કે, બંને જાતે જ કમાઈને પોતાનું સપનાનું ઘર બનાવશે. પછી તો સરસ ફ્લેટ લીધો અને ગાડી પણ લીધી. તેના હપ્તા શરૂ થયા. જિંદગી ખૂબ સરસ ચાલતી હતી. ઉપરાંત ગામ પણ પૈસા મોકલતાં હતાં. પર્વના મમ્મી ન હતાં. પપ્પા રિટાયર્ડ હતા. પ્રિયાની મમ્મી શિક્ષિકા અને પપ્પા હેડમાસ્તર હતા. દાદા અને નાના-નાની બનવા ઈચ્છતાં વડીલોની ઈચ્છા હતી કે તેમની પાસે રમાડવા માટે કોઈ નાનકડું હોય. પણ પ્રિયા અને પર્વે નોકરી કરતાં કરતાં વિચાર્યું કે, આપણે થોડું કમાઈ લઈએ. ચારપાંચ વર્ષ પછી બાળક થાય તો સારું. બંનેની નોકરીના કલાકો ઘણા હતા. બંને ખૂબ મહેનત કરતાં. એવામાં એક દિવસ પ્રિયાની તબિયત નરમગરમ લાગતાં ડૉક્ટરેને બતાવ્યું. તપાસ કરી તો પ્રેગ્નેન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો. વાત તો આનંદની હતી પરંતુ તેઓએ જે પ્રમાણે આયોજન કરેલું હતું તે પ્રમાણે ન થયું, એટલે પ્રિયા અને પર્વ જરાક ખચકાયા. ‘પછી જે થયું તે સારું જ’ સમજી બંનેએ ખુશીથી વધાવી લીધું. આ સમાચારથી વડીલો તો ખુશ જ હતા. સગર્ભાવસ્થા દરમિયાન ખૂબ આનંદથી પ્રિયાએ છેલ્લે સુધી નોકરી કરી અને રૂપાળો દીકરો આવ્યો. પૂર્વમ નામ પાડ્યું. પ્રિયા મેટરનીટી લીવ પર હતી પરંતુ તેઓએ વિચાર્યું કે, પૂર્વમની કાળજી રાખવા માટે પ્રિયા નોકરી છોડી દે, કારણકે લાંબી રજા મળે તેમ ન હતું. પૂર્વમ સાત મહિનાનો થયો અને પ્રિયાને બીજી ખૂબ સરસ જોબની ઓફર આવી. બંનેએ ચર્ચા કરી કે, શું કરવું? પોતાની મમ્મીને બોલાવી શકાય પરંતુ એમને હજુ રિટાયરમેન્ટમાં થોડા જ મહિના બાકી હતા. એ દરમિયાન કોઈ આયા રાખી શકાય. તેઓ આયા શોધતા હતા ત્યારે કોઈએ એમને સૂચવ્યું, ‘એક ખૂબ સારા બહેન છે જે પૂર્વમની કાળજી રાખી શકે તેમ છે. તેઓ તરત જ તેને મળ્યાં. મીનાબેન ખૂબ સારાં હતાં. સવારથી સાંજ સુધી ઘરે આવીને પૂર્વમની સારી રીતે સંભાળ લેતાં. પ્રિયાએ નવી જોબ લેવાનું વિચાર્યું. તેનો જીવ નહોતો ચાલતો, પરંતુ તે આવી તક ફરી કદાચ ન મળે એવું તેને લાગ્યું. બે-ત્રણ દિવસ તો પ્રિયા ઘરે રહી અને જોયું કે મીનાબેન સાથે પૂર્વમ ભળી ગયો છે. બે-ત્રણ કલાક એનાથી દૂર રહીને પણ તેણે જોયું અને પ્રિયાને સંતોષ થયો. તેણે ફરી જોબ શરૂ કરી. મીનાબેનનો ખૂબ આભાર માન્યો. તેમને સારો પગાર આપવાનું પણ નક્કી કર્યું. શરૂઆતમાં એકબે દિવસ પ્રિયાએ વહેલાં આવવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ નવી નોકરી અને કામનું ભારણ હોવાથી આવી ન શકી. તેને મીનાબેનથી પૂરો સંતોષ હતો. મીનાબહેન પૂર્વમની વ્યવસ્થિત સંભાળ લેતાં હતાં. દિવસ દરમિયાન મીનાબેન તેને બે-ત્રણ વખત ફોન પણ કરતાં. તેના કામથી પર્વ અને પ્રિયાને સંતોષ હતો. રવિવારે મીનાબેનને રજા આપતાં હતાં પણ તેમ લાગતું કે, પૂર્વમ તેને શોધે છે. આ રીતે લગભગ મહિનો થવા આવ્યો. પ્રિયાએ રીમાને લંચટાઈમમાં કહ્યું, ચાલને મારી સાથે એક ફોન લેવો છે. બિચારા મીનાબેન પાસે સાદો ફોન છે તો હું તેમને આ સ્માર્ટ ફોન ગિફ્ટ આપીશ, તેથી વિડીયોકૉલ કરી શકું. અને હું પૂર્વમને જોઈ શકું. રીમાએ કહ્યું કે, “હા, ઘરની વ્યક્તિની જેમ મીનાબેન આટલી બધી કાળજી લે છે તો આમ ગીફ્ટ આપવી સારી વાત છે,ચાલ હમણાં જઈ આવીએ બાકી સાંજે તો મિટિંગ છે,મોડું થવાનું જ” ગાડીમાંથી જ પ્રિયાએ મીનાબેનને ફોન કર્યો કે,” પર્વ ઓફિસેથી આવી જાય ત્યાં સુધી કલાક વધુ રોકાજો, કારણકે મને મોડું થાય તેમ છે.” પર્વ સાથે વાત થઈ તો તેને પણ મોડું થાય તેમ હતું. મીનાબેને કહ્યું કે, “કાંઈ વાંધો નહીં. તમે ચિંતા ન કરશો. હું રોકાઈશ.” પ્રિયાએ ફોન આપવાની વાત પર્વને પણ કરી તો તે પણ ખુશ થયો. પહેલાં પર્વ ફ્લેટ પર પહોંચ્યો. મીનાબેને કહ્યું, “પૂર્વમ સૂતો છે. હું જાઉં છું, સાહેબ.” પર્વે કહ્યું, “ના મીનાબેન, પ્રિયા દસ-પંદર મિનિટમાં આવે છે. તમારા માટે ગિફ્ટ લઈને આવે છે. તમે રોકાઓ અને ગિફ્ટ લઈને જજો. મીનાબેને કહ્યું કે, “સાહેબ મારે મોડું થાય છે. જલ્દી ઘરે પહોંચવું પડશે.” પરંતુ પર્વે આગ્રહ કર્યો અને પર્વ ફ્રેશ થવા બાથરૂમમાં ગયો. મીનાબેનને સમજાયું નહીં કે શું કરવું. તેમણે વિચાર્યું કે, ‘બહુ મોડું થયું છે,નીકળી જાઉં? શું કરું?’ તે બહાર નીકળ્યાં ત્યાં જ પ્રિયા સામે મળી અને તેને ખેંચીને પાછી લાવી. પ્રિયાએ કહ્યું, “હું તમારા માટે સરસ મજાની ગિફ્ટ લાવી છું. પૂર્વમ ક્યાં છે?” બોલતી અંદર રૂમમાં ગઈ. ક્યાંય પૂર્વમ દેખાતો ન હતો. “મીનાબેન, પૂર્વમ ક્યાં છે?” ફરીથી પૂછ્યું. મીનાબેન તેની સામે જોઈ રહ્યાં. પ્રિયાએ મોટેથી લગભગ ચીસ પાડીને પૂછ્યું. મીનાબેન ગભરાઈ ગયાં અને હાથ જોડીને કરગરવાં લાગ્યાં. પર્વ બહાર આવ્યો. પ્રિયાએ ચીસાચીસ કરી મૂકી. પર્વ પણ ખૂબ ગુસ્સે થયો અને પોલીસને બોલાવવાની વાત કરી. મીનાબેને હાથ જોડીને વાત કરી, “પૂર્વમને મેં બહાર મોકલ્યો છે.” “બહાર મોકલ્યો છે? સાત મહિનાના બાળકને? “હા, મારો ભાઈ તેને લઈને જાય છે. તેને કશું કરતો નથી પરંતુ ઊંચકીને લઈ જાય છે… ભિખારી બનીને. તે પૂર્વમને ઊંચકીને ભીખ માંગવા જાય છે.” પ્રિયાએ મીનાબેનને ધડાધડ લાફા મારી દીધા. પર્વે તેના ભાઈને તાત્કાલિક ફોન કરીને બોલાવી લેવા કહ્યું. મીનાબેને તેના ભાઈને જલદી પૂર્વમને લઈને આવી જવા કહ્યું. મીનાબેને માફી માગી કે, ‘હું બે-ત્રણ કલાક પૂર્વમને મોકલતી હતી અને આજે તમે મોડા આવવાના હતા, તેથી અત્યારે ટ્રાફિક હોવાથી સારા પૈસા મળે એટલે મેં તેને થોડો વધુ સમય મોકલ્યો હતો.’ દરમિયાન તેનો ભાઈ પૂર્વમને લઈને આવી ગયો. પ્રિયા તો જોઈને જ ડઘાઈ ગઈ. “અરે! આને તો મેં પૈસા આપ્યા હતા. તો શું તું મારા દીકરાને જ લઈને ફરતો હતો?” હવે તેને સમજાઈ ગયું કે કેમ પૂર્વમ સરસ રીતે ઊંઘતો હતો. રોજ આ લોકો તેને કશુંક પીવડાવીને સુવડાવી દેતા હતા. પ્રિયા તો પૂર્વમને છાતીએ ચાંપીને રડવા માંડી. મીનાબેન અને એનાં ભાઈનું શું કરવું તે પર્વને પૂછે તે પહેલાં તો પોલીસ આવી ગઈ. પાર્થ અને પ્રિયા પૂર્વમને એક નજરે નિહાળતાં જ રહ્યાં. પ્રિયાની આંખ વહી રહી હતી. ના, હવે નોકરી નહીં… યામિની વ્યાસ”.

Leave a comment

Filed under Uncategorized

દિવાળી /યામિની વ્યાસ

“મમ્મી,આ શું?” “આ એન્ટિક રોબોટ જેવું લાગે છે, જોને વચ્ચે આ પાઇપ છે,એમાં આખી સિસ્ટમ રાખતા હશે.” ચીંકી પિન્કીની વાતો સાંભળી લોપા ખડખડાટ હસતાં બોલી,”અરે,આ કોઈ રોબોટ નથી,આ બમ્બો છે, બમ્બો. હા, પણ કામ રોબોટથી ઓછું નહીં.એમાં અમે નહાવાનું પાણી ગરમ કરતાં. વેકેશનમાં તો આ ઘરે કેટલાંય ભેગાં થતાં,બધાંને એ ગરમ પાણી કરી આપે.” “યુ મીન બિગ ગીઝર.” ” હા, પણ એ ગીઝરની જેમ બગડે પણ નહીં .” બમ્બામાં પાણી કેવી રીતે ગરમ થાય એ લોપાએ બન્ને દીકરીઓને સમજાવ્યું.” બન્નેને મજા પડી ને એમાં ગરમ થયેલા પાણીથી જ નહાવાની જીદ પકડી. લોપાએ શકુબાઈને એ માંજી એમાં પાણી ગરમ કરવાનું કહ્યું. ચીંકી પિન્કી કુતૂહલથી બધું જોતાં રહ્યાં ને શકુબાઈએ તો ત્રાંબાના બમ્બાને આંબલીથી ચમકાવ્યો ને રામજીકાકાએ કોલસા છાણાં ભરી સળગાવ્યો. ચમકતો બમ્બો તાજગી અનુભવતો હસતો હસતો એનું કામ કરવા લાગ્યો.ને બન્ને બહેનો એજ પાણીથી હરખભેર નાહી. લોપા દિવાળી વેકેશનમાં બન્ને નાની દીકરીઓને લઈ એનાં પિયરના ઘરે આવી હતી.આમ તો શિમલા જવાનો પ્લાન હતો.પણ એને થયું બેએક વર્ષથી બંધ પડેલું ઘર ખોલું ને દીકરીઓને પણ અહીંની દિવાળીથી પરિચિત કરાઉં. એણે નમનને વાત કરી.એનો પતિ નમન લોપાના નિર્ણયને હંમેશ સસ્મિત સ્વીકારતો. હસીને કહ્યું, “ઓહો, સરસ વિચાર છે,સાસરે જ જવાનું છેને! ચાલો મારો તો ફરવાનો ખર્ચો બચી જવાનો.તમે જાવ,હું બિઝનેસનું કામ પતાવી બે દિવસ પછી આવું છું.” લોપાના પપ્પા ગુજરી ગયા પછી પણ મમ્મી એકલાં જ અહીં રહેતાં, લોપા, લોપાની બહેન મુદ્રા અને ભાઈ શ્રેણિકે પણ મમ્મીને આગ્રહ કર્યો હતો.પણ એમને અહીં જ ફાવતું. બે વર્ષ પહેલા શ્રેણિક પરિવાર સાથે આવ્યો હતો ત્યારે જીદ કરીને એ મમ્મીને વિદેશ લઈ ગયો. મમ્મીને ત્યાં રહીને પણ ઘરની ફિકર.ખાસ તો દિવાળીમાં આંગણું સુનું ન રહે,રંગોળી દીવા થવા જ જોઈએ એવો આગ્રહ. જોકે લોપા મુદ્રા બન્ને બહેનો બાળકોની સ્કૂલ,નોકરી વિગેરેની વ્યસ્તતાને કારણે જઈ શકી નહીં.પણ શકુબાઈને રામજીકાકા સફાઈ વિગેરે કરી જતાં. ઘર તો સાફ હતું.પણ બપોરે નવરી પડેલી લોપાએ કબાટ ગોઠવવા કાઢ્યું ને ફરી ચીંકી પિન્કી વીંટળાય વળી. લોપાએ હરખભેર જૂની ચીજ વસ્તુઓ બતાવી જે મમ્મીએ ખૂબ કાળજીપૂર્વક પારદર્શક પ્લાસ્ટિક બેગ કે કપડામાં બાંધી સાચવી હતી.અને દરેકની ઉપર કોણે કયા સમયે આનો ઉપયોગ કર્યો હતો એ લખાણ પણ હતું. લોપાને દાંત આવ્યા ત્યારે વપરાયેલી લાકડાની જાંબુડી ને મુદ્રાએ પાંચમી વર્ષગાંઠે દુકાનમાંથી જાતે પસંદ કરેલી ઢીંગલી પણ હતી. આવું તો કંઈ કેટલુંય. ને જુના આલ્બમો, એમાંય કોણ, ઉંમર, સ્થળ, કે સગપણ. અરે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટામાં પહેરાયેલ સાડી કે અમ્મરનો રંગ,ક્યારે,કોના લગ્ન વખતે ખરીદાયો હતો એ બધી જ માહિતી. “કયા બાત,મમ્મી! ગજબ ડોક્યુમેન્ટેશન! મારે મુદ્રાને બતાવવું પડશે.”લોપા મમ્મી પર ગર્વ લેતાં બોલી. મુદ્રામાસીનું નામ સાંભળતાં તો પિન્કીએ એની પ્રિય માસીને ફોન લગાડી દીધો. “હેલો, માસી…”કહી ફોન લોપાને પકડાવી દીધો. “હં, બોલ,લોપા” “મુદ્રા,તું કામમાં હોઈશ, આ તો તારું નામ બોલી ને પિન્કીએ તને તરતજ ફોન લગાડી દીધો. “હા, થોડી બીઝી તો ખરી જને,હમણાં જ શોપિંગ કરી આવ્યાં.સ્વીટી, સોનુના નવા સ્વિમવેર લેવાના હતા. યાર ગોવા જવાના છીએ, તારી જેમ ગામની નદીમાં ધુબાકા થોડા મરાવવાના છે તે કોઈ પણ કપડાં ચાલે?” તું ય શું, આવા મસ્તીના દિવસોમાં એન્જોય કરવાને બદલે ધૂળિયા ગામ જઈને બેઠી.ને તારા નમનકુમારની જેમ મારો નિખિલ તો ના જ તૈયાર થાય. ” “અરે ચીંકી પિન્કીને તો અહીં બહુ જ મજા પડે છે આપણી બધી જૂની ચીજ વસ્તુઓ જોઈને!”તું ય હોત તો..” “જો,મને કોઈ રસ નથી, આ બધું..ને ખબર છે સ્વીટી,સોનુને ય આ નાજ ગમે. અરે સ્કૂલના ફ્રેન્ડ્સને એઓ શું કહે? ગામ ફરવા ગયેલા…! ને આપણે ઇન્સ્ટા,એફબી પર શેના ફોટા.વિડીઓ શેર કરવા? ગામના? અમારું વતન. અમારું પિયર..બ્લા બ્લા.. ને કીટી પાર્ટીમાં ય આપણાં નામ પર હસાહસ થાય! નારે બાબા, સમય સાથે જીવવું પડે તું ય આ રીતે કર” “ઓકે મુદ્રા તું સરસ રીતે ફરી આવ.પણ સમય મળે ત્યારે એકવાર મમ્મીનો કબાટ જોઈ જજે.” ” હા, આપણાં મમ્મી તો ગ્રેટ જ છે. હું તો એને જ અહીં બોલાવી લઈશ. બાકી એ ઘરે તો ના બાબા ના. ને શકુબાઈ ને રામજીકાકા તો છે ક્લીન કર્યા કરશે.હવે આ મોહ છોડ ને હજુ ય સમય છે, એ દિવાળીના કોડિયાં ને રંગોળીની લમણાંઝીક મૂક. વળી આજુબાજુના સત્તર લોકો મળવા આવશે.મોટાને પગે પડવાનું ને નાસ્તા ચા,ઠડુંની મગજમારી. વળી તું તો મમ્મીનું જ નાનું રૂપ. ચીવટભેર બનાવશે મઠીયા, ચોળાફળી, ઘૂઘરા ને ઘારી, સજાવશે ઘર,આંગણ ને બધાંને. છોડ, નીકળી જાને નમનજીજુ સાથે ક્યાંક શહેરની નજીક ય ફરી આવ.” “અરે પણ…” “જવા દે લોપા,મને ખબર છે,આટલા લેક્ચર પછી પણ પથ્થર પર પાણી,તું નહીં સુધરે.”મુદ્રાએ ફોન મૂકી દીધો. લોપાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. મન ઉદાસ થઈ ગયું.મમ્મીને ફોન કરવાનું મન થયું.પણ થયું આવી વાતો નથી કરવી.બધું મૂકી થોડીવાર સુઈ ગઈ. થોડીવાર પછી બાજુવાળા સંજયની દીકરી આવી “લોપાફોઈ, આ રંગોળીની ડિઝાઇન જુઓ, આપણે દિવાળીની રાતે નવા વર્ષ માટે પુરીશું.ને સાથિયાસ્પર્ધા પણ રાખી છે એમાં તમારે નિર્ણાયક બનવાનું છે, તમે ખૂબ સરસ રંગોળી પૂરતાં એમ મારા દાદીએ કહ્યું.” “અરે,એ વર્ષો પહેલાં, હવે તો એ બધું છૂટી ગયું.મને નહીં ફાવે.” ” કેમ નહીં ફાવે? આવશે લોપા જરૂર આવશે.”મુદ્રા પરિવાર સાથે ગાડીમાંથી ઉતરતાં બોલી.” લોપાએ એક નજરમાં એને માપી લીધી.એને જરાય નવાઈ ન લાગી એની ચાલ સમજી ગઈ.નવાઈ ત્યારે લાગી કે શકુબાઈ ને રામજીકાકા બધું જાણતા હતાં, મુદ્રા દસ દિવસ પર આવી પડદા, હિંડોળાની ગાદીના કવર, કુશન વિગેરનું માપ લઈ ગઈ હતી.જે લેવા રામજીકાકાએ હસતા હસતા ડીકી ખોલી ને થોડી જ વારમાં નમન મમ્મી અને શ્રેણીકભાઈના પરિવારને એરપોર્ટ પરથી રિસીવ કરીને આવ્યો. ને શકુબાઈએ મમ્મીને ભાવતી આદુવાળી ચા તૈયાર રાખી હતી. યામિની વ્યાસ”.

Leave a comment

Filed under Uncategorized

ટેબ્યુલા રાસા/ Paresh Vyas

· ટેબ્યુલા રાસા: મારું જીવન એ જ કોરી પાટીહું તો આનંદના અમીઘટને ઢોળાવું નવેસરથી, નવી આશા, નવો ઉત્સાહ છલકાવું નવેસરથી. જે વીત્યું એ બધું તદ્દન ભૂસી દઈ આ નવલ વરસે ફરી લઈ કોરી પાટી ભાગ્ય ચમકાવું નવેસરથી. -યામિની વ્યાસનવું વર્ષ, નવી શરૂઆત. નવા વર્ષે શું? ના સાહેબ, નથી અમે ભૂલ્યાં કે નથી અમે ફરીથી ગણવાના. જૂનું સઘળું માત્ર છેકવું જ નથી, સાવ ભૂંસી નાંખવું છે. બસ કોરી પાટી લઈને આવવું છે. આજનો શબ્દ છે ‘ટેબ્યુલા રાસા’ (Tabula Rasa). ગુજરાતી લેક્સિકોનમાં આ શબ્દ નથી. એટલે અમે એનો અર્થ કરીશું, અર્થઘટન કરીશું. એનો સીધો સાદો અર્થ થાય છે: કોરી પાટી. શબ્દ લેટિન ભાષાનો છે. આપણે લખવા માટે નોટ પેડ વાપરતા હતા. હવે તો ઇલેક્ટ્રોનિક ટેબ્લેટ આવી ગયા. ટાઈપ કરી શકાય. લખી ય શકાય. વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું છે! પણ પ્રાચીન રોમમાં મીણનાં બનાવેલા નોટપેડ હતા. મીણની કાગળ જેવી સપાટી ઉપર સ્ટાઇલસ(લખવાની અણિયાળી લેખણી)થી લખાતું. પછી જરૂર ન હોય ત્યારે? સિમ્પલ.. એને ગરમ કરવાનું એટલે મીણ પીગળી જાય અને એમાં લખેલું સઘળું ભૂંસાઈ જાય. પછી ઠંડુ પડે એટલે એની સપાટી સમતળ કરી નાંખવાની. એટલે એમાં ફરીથી લખાઈ શકે. ‘ટેબ્યુલા’ એટલે અણિયાળી લેખણી સાથેની મીણની બનેલી નોંધપોથી. આધુનિક ભાષામાં ટેબ્લેટ. પણ ‘રાસા’ શબ્દ ઘણો અગત્યનો છે. ‘રાસા’ એટલે સઘળું ભૂંસી નાખ્યું હોય તેવું. કોરું.ઇંગ્લિશ ભાષામાં એને બ્લેન્ક સ્લેટ (Blank Slate) પણ કહે છે. પાટી લઈને જતાં, પેનથી એકડો બગડો ઘૂંટતા અને પછી થૂંકથી.. ના, ના ભીનું પોતું-થી ભૂંસી નાંખતા. કાગળ પર પેન્સિલથી લખેલું હોય એ રબરથી ભૂંસી શકાય પણ શાહીની પેનથી લખો તો કાગળ ફાડવું પડે. એનો ફરી ઉપયોગ ન થઈ શકે. જ્યારે નવું વર્ષ શરૂ થાય ત્યારે આપણે તો એનાં એ જ છીએ. આપણાં જીવતર ઉપર કશું લખાયું હોય કે ડાઘો પડ્યો હોય તો આપણે એને ભૂંસી શકવા સમર્થ હોવા જોઈએ. આમ જીવતરનાં કાગળને ફાડી તો ન નંખાય. મન જો કમ્પ્યુટર હોય તો એનું ફોર્મેટિંગ કરી નાંખીએ. જૂના વાઇરસ હોય તો એ પણ ભૂંસાઈ જાય. હવે નવું ફરીથી, એકડે એકથી. નવું વર્ષ અને નવેસરથી કોરી રે પાટી ‘ને એમાં ચીતરું ક, ખ ને ગ.. સત્તરમી સદીનાં ઈંગ્લેંડમાં જ્હોન લોક નામનાં એક ફિલોસોફર થઈ ગયા, જેમણે આપણાં આજનાં શબ્દ ટેબ્યુલા રાસા-ને જાણીતો કર્યો. તેઓનું એવું માનવું હતું કે બાળક જન્મે ત્યારે એનું મગજ કોરી પાટી જ હોય. પછી એ જે જાણે, જુએ, શીખે,અનુભવે એ પરથી એ સારો કે નરસો, હોંશિયાર કે ઠોઠ, પ્રેમાળ કે નઘરોળ બને. પછી ઓગણીસમી સદીનાં વિખ્યાત ઑસ્ટ્રિયન ન્યુરૉલોજિસ્ટ અને સાયકો-એનાલેસિસ થીયરીનાં પ્રણેતા સિગમન્ડ ફ્રોઈડ પણ ટેબ્યુલા રાસામાં માનતા હતા. તેઓ માનતા કે માનવીય વ્યક્તિત્વ ઉપર અનુવાંશિક અસર બહુ ઓછી છે. મોટો થઈને એ કેવો બને છે, એ મોટે ભાગે એનાં ઉછેર ઉપર આધારિત હોય છે. એટલે એમ કે બાપ તેવા બેટા હોતા નથી, વડ તેવા ટેટાં ય હોતા નથી, ઘડા તેવી ઠીકરી ય હોતી નથી ‘ને મા તેવી દીકરી ય હોતી નથી. મન ટેબ્યુલા રાસા હોય છે. મેરા જીવન કોરી પાટી એ સાચું પણ એ કોરી હી રહી ગઈ- એવું નથી. જેવો ઉછેર એવો એ થાય. બાપ શાહરુખ પણ બેટો આર્યન.. કારણ કે આર્યને એની કોરી પાટી ઉપર જે લખ્યું, એવો એ થયો. ડ્રગ લખ્યું એટલે ડ્રગ એડિક્ટ થયો. દિવાળી ગઈ, એમાં ઘરમાંથી ઘણો ભંગાર કાઢ્યો. મનમાંથી ય કાઢ્યો. પૂર્વગ્રહ, અણગમો, રાગદ્વેષ પણ ભૂંસી નાખ્યાં. મને મળે એ માણસનું હવે હું નવેસરથી પ્રસ્થાપન કરું છું. જીવવાનાં નવા શિરસ્તાનું સ્થાપન કરું છું. કોશિશપૂર્વક સદા પ્રફુલ્લિત રહેવાની નેમ છે. ક્યાંય ઝગડો કરવો નથી. કશું ય કરીએ નહીં પણ માત્ર શાંતિથી સહુને સાંભળીએ તો ય એ કામ- પીડ પરાઈ જાણે રે- જેવું જ કહેવાય. અમે ઓણ સાલ વૈષ્ણવજન બનવાની વેતરણમાં છીએ! ‘નડવું’ કે ‘કનડવું’ નામક શબ્દો અમે ભૂલી ગયા છીએ. જેવા સાથે તેવા અમે ન થઈએ. અમે જેવા છઈએ, એવા જ રહીએ. નવે વર્ષે બળાપો કાઢવો નથી. રીઅલ ય નહીં અને વર્ચ્યુઅલ પણ નહીં. તન અને મન ફોર્મેટિંગ કર્યું છે. જૂનો ડેટા ઊડી ગયો. પણ માની લો કે એવું ન થાય તો એક જબરો નૂસખો છે. અને એ છે જીભનું ફોર્મેટિંગ. આપણાં મૂર્ધન્ય હાસ્યલેખક જેઓનું નામ લખીને હું સદા ધન્ય ધન્ય થાવું છું, એ જ્યોતીન્દ્ર દવે લખી ગયા હતા કે બીજા બધી જ્ઞાનેન્દ્રિયોને એક જ કામ પણ જીભ બિચારીને ભગવાને બે કામ દીધા છે. બોલવાનું અને સ્વાદ પારખવાનું. પણ જરા વિચારો. બધી મુશ્કેલીની જડ જીભ જ છે. આપણે બોલીને બહુ બગાડ્યું અને ખાઈપીને ય.. બગાડ્યું જ, હેં ને? ચાલો જીભનું ફોર્મેટિંગ કરી નાંખીએ. લેટિન ભાષામાં જીભને લિંગવા (Lingua) કહે છે. જીવનનું ટેબ્યુલા રાસા કરવું હોય તો સૌથી પહેલાં ‘લિંગવા રાસા’ કરી નાંખવું. બોલવું ય ચોખ્ખું અને ખાવું ય ચોખ્ખું. બસ નવા વર્ષે આટલું એક કામ થાય એટલે ભયો ભયો.. શબ્દ શેષ: “મારી જીવવાની થીયરી છે કે કશું ય શીખવાનું હોતું નથી, કોઈ ઝડપથી શીખી ગયા અને કોઈકને વાર લાગી-એવું ય કશું હોતું નથી. સઘળું ટેબ્યુલા રાસા છે. દરેક માણસે જાતે જ આ બધું શોધવાનું છે.” –અમેરિકન સંશોધનાત્મક પત્રકાર અને રાજકીય લેખક સેયમોર હેર્શ

Leave a comment

Filed under Uncategorized

ફીલિંગ્સ

May be an image of 20 people and people smiling
May be an image of 3 people
May be an image of 2 people
May be an image of 2 people
May be an image of 1 person

Leave a comment

Filed under Uncategorized

રંગ / યામિની વ્યાસ

રંગ “ભાઈ, આ બાલ્કનીની જાળી તૂટી ગઈ છે, કોઈ જરા રિપેર કરી એને રંગી આપે?”ઘરે નળ બદલવા આવેલા પ્લમ્બરને સરોજબેને પૂછ્યું.”અરે સરોજબા, હમણાં ચલાવી લો, દિવાળી પછી કંઈ મેળ પાડીએ. હમણાં કોઈ રિપેરિંગ કામ ન લે. નવાં કામ ચાલતાં હોય. જુઓ, હું પણ બહુ કામમાં હતો, પણ તમે નળ સતત ટપકે છે એમ કહ્યું એટલે જલદી આવી ગયો. વળી, તમે બીજા કોને શોધવા જાઓ? વર્ષોથી હું જ આવું છું.””અરે ભાઈ, આતો એમ કે બાલ્કનીમાં જરા દીવા મૂકું પણ જોને, કેવી કટાઈ ગઈ છે!” “સારું સરોજબા, જાઉં. કોઈ હશે તો જોઈશ.””ભલે ભાઈ, આ જૂનો નળ લેતો જા, અહીં કોણ વેચવા જવાનું? ને લે ચા પીતો જા.””સારું, આ બાજુ જ કામ છે. વળતા એના પૈસા આપતો જઈશ.” વર્ષોથી આવતો એટલે બેએક કામ કરી પણ આપતો. સરોજબેન અને રમેશભાઈ એમનું નિવૃત્ત જીવન શાંતિથી જીવી રહ્યાં હતાં. બે દીકરીઓ એમના સંસારમાં વ્યસ્ત હતી. ક્યારેક ક્યારેક આવી જતી તો કયારેક મમ્મીપપ્પાને આગ્રહ કરી લઈ જતી. દિવાળીએ ફરવા જવાનું પણ આયોજન કરતી, પણ દિવાળીએ તો ઘરે જ દીવા મૂકવાનું સરોજબહેનને ગમતું. આ વખતે તૂટેલી બાલ્કની અને કટાયેલી જાળી માટે તેઓ નાખુશ હતાં. “તમારે તો ઘરમાં કંઈ ધ્યાન આપવું જ નહીં. બસ ચોપડી વાંચવી કે સમાચાર સાંભળવા. હવે બધું જાણીને શું કામ છે તમારે આટલી ઉંમરે?””અરે કેમ નહીં? પછી અમને શીખવશે કોણ આટલી ઉંમરે?” સંજય આવતાની સાથે રમેશભાઈ ને સરોજબહેનને પગે લાગ્યો.”ઓહોહો, સંજુ! ભાઈ કેટલાં વરસે?સારું થયું આવ્યો તો. બોલ આજે જ મેં તને ખૂબ યાદ કર્યો. આજે રોકાઈ જજે””હમણાં તો મળવા આવ્યો છું. આ શહેરમાં થોડી ખરીદી માટે આવ્યો હતો. તમને મળ્યાં વગર તો કેમ જવાય?””લે ભાઈ પાણી, જમવાનું તૈયાર જ છે. જમી જ લે. ઘરે બધાં કેમ છે? જોને ભાઈ, ત્યારે અમારા વેવાઈનો અકસ્માત થયો હતો એટલે તારા લગનમાં પણ ન અવાયું. સ્મિતા ને તારી બેબલી મજામાં છેને? અરે, તેઓને લઈને અવાયને.” સરોજબેન એકી શ્વાસે બોલી ગયાં.”સરોજ, એને શ્વાસ તો ખાવા દે.””સાહેબ, શ્વાસ પછી, પહેલાં તો સરોજબાના હાથનું જમવાનો.” સંજય જમીને હાથ લૂછતો બાલ્કનીમાં ગયો. સરોજબેન પાછળ ગયાં. “સરોજબા, આ જાળી તો તૂટેલી છે, સાચવવું પડે, રિપેર ના કરાવી?””અરે ભાઈ, એજ મથામણમાં છું, પણ કોઈ મળતું નથી. રંગાવવીય છે. ત્યારે તો તું રંગી દેતો. આ છે એય તેં રંગેલીને? પણ હવે દિવાળીમાં તને બીજું કામ હોયને?””અરે હું હોઉં ને તમને તકલીફ પડે? બે કલાકનું કામ છે. સંજય રિપેર કરવા માણસ શોધી લાવ્યો ને આખી જાળી પર સરોજબાનો ગમતો કલર જાતે કરી આપ્યો. સાથે ખૂબ વાતો કરતો ગયો.નાનપણમાં માબાપ ગુમાવ્યા ત્યારે સંજયે સ્કૂલ છોડી દીધી હતી. રમેશભાઈ એ જ સ્કૂલમાં શિક્ષક. એમણે એને ભણાવ્યો. બીજા મિત્રોની મદદ લઈ કપડાં-પુસ્તકોનો ખર્ચ પણ આપ્યો. સરોજબા એને જમાડતાં અને તે ઘરનાં નાનાંમોટાં કામ પણ કરી આપતો. પછી કૉલેજ અને સાથે નોકરી મળી એટલે બીજા શહેરમાં ગયો. કોઈ કોઈવાર આવી જતો પણ પછી ધીમેધીમે સંપર્ક પણ ઓછો થતો ગયો.”બા, બીજું કંઈ રંગવાનું નથી? રંગ બચ્યો છે. બાએ તો બીજા રૂમની જાળી, ટીપોઈના પાયા, વોશબેઝીનની નીચેનું ખાનું એવું તો કંઈ કેટલુંય શોધી શોધીને કાઢ્યું. સંજુ સાથે સાથે સફાઈ પણ કરતો ગયો. ખૂબ જૂની વસ્તુઓ ફેંકવા કાઢતો ગયો.”ભાઈ, તારી બા ભલે ના પાડે પણ બધું કાઢી જ નાખજે.” રમેશભાઈથી ના રહેવાયું.”અરે, રહેવા દોને, આવા સંજુ જેવા જ કોઈ હોય આપીય દેવાય. એને કામ લાગે.” બા બોલતાં તો બોલી ગયાં પણ પછી… પછી અટકી ગયાં.”ફિકર ન કરો બા, તમે સાચું જ કહો છો. જેની પાસે કંઈ જ ન હોય તો આ પણ ખૂબ વ્હાલું લાગે. અરે, હું જ લઈ જઈશ. બા ખબર છે? આવું જૂનું તો એન્ટિક કહેવાય.” સંજયે પાછો કાઢેલો સામાન ગોઠવી દીધો.”ચાલ, હવે બસ. કામવાળી આવશે એ અહીં વાળીને પોતું કરી દેશે.””નારે, હું જ કરી દઉં બા, ત્યાં સુધી બધું આમતેમ ઊડી જશે.” કહી કચરો વાળી પોતું કરવા બેઠો.”બારણું ખોલો, બેલ પડ્યો. સંજુ, આ તારા સાહેબ તો બહેરા થઈ ગયા છે.”બાથી હસ્યા વગર ના રહેવાયું.”હા, હા, ખોલું છું હવે… વાંચતો હતો.” રમેશભાઈ ધીમે રહીને ઊભા થયા.સંજય આવા સંવાદોથી ટેવાયેલો હતો. એને લાગ્યું, હું ફરી એ નાનો સંજુ થઈ ગયો. એને ત્યારની યાદો વીંટળાઈ વળી. ઘરમાં બબ્બે દીકરીઓ હતી તોય એ ત્રીજો દીકરો હોય એમ ઘરે આવીને હકપૂર્વક, “બા ભૂખ લાગી છે.” કહી શકતો.રમેશભાઈએ બારણું ખોલ્યું. પ્લમ્બર જુના નળ વેચ્યા એના પૈસા આપવા આવ્યો હતો. સંજયને પોતું કરતો જોઈને આશ્ચર્યથી, “સંજયસાહેબ, તમે?” ક્ષણ માટે સમય અટકી ગયો. બધાં એકબીજા સામે જોતાં રહ્યાં. “અરે બા, આ તો મોટાસાહેબ છે, એમના નવા બંગલામાં અહીંથી નજીક જ અમે કામ કરીએ છીએ. તેઓ અહીં પોતું કરે?” સહેજ અટકી ફરી બોલ્યો,”હું ત્યાં જ એક કારીગરને તમારી જાળી માટે વાત કરતો ત્યારે સાહેબે રસ લઈ તમારા વિશે પૂછ્યું હતું. મેં બધી તમારી વાત કરી. પણ અહીં તેઓ કેમ?”સંજયે ફરી બંને વડીલોને પગે લાગતા કહ્યું, “બસ, તમારાં આશીર્વાદથી મારું ભાવિ ઘડી શક્યો છું. આ જાળી રંગી એ રંગ બનાવતી નાનકડી ફેક્ટરીનો માલિક બની શક્યો છું.”યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

ભગવાન ખોવાયા છે-યામિની વ્યાસ

ભગવાન ખોવાયા છે.”ઓયે, આ કપડું જરા ભીનું કરીને આપ તો..” પંખો સાફ કરવા ટેબલ પર ચઢેલી વૃંદાએ કપડું લંબાવ્યું. “રાણીજી… રાણીજી… ગીત ગાઓ ને ચાર જણા પડદા ઝાલો,” શિવન્યાએ ટીખળ કરી.”ઓ ઓ દાદીફોઈ, આ લોકો ખોટી ખોટી કહેવત બોલે છે, વળી પડદા નથીને? જડ બા છેને?” વૈદિક વચ્ચે બોલ્યો.”ના, ના ઊભા રહો! જો હું સમજાવું.” કહેતો આભ દોડતો આવ્યો.પંખાની સફાઈ પડતી મૂકી સહુ કહેવતના વિશ્લેષણમાં પડ્યાં.”જુઓ, પડદા એટલા માટે કરેક્ટ છે કે, રાણીજી ગાતાં હોય ને પડદા બરાબર પકડી રાખ્યા હોય તો સ્ટુડિયો જેવી ઇફેક્ટ આવે.””એમ નહીં… રાણીજીનો અવાજ સારો નહીં હોય કે બેસી ગયો હોય તો બહાર સંભળાય નહીંને એટલે.””ચલ, જુઠ્ઠાઓ… જડ બા જ છે, હું દાદીફોઈને પૂછી આવું””ના, હું સમજાવું, રાણીજી એવું ગીત ગાતાં હોય કે બા સાંભળીને સ્ટેચ્યૂ થઈ જાય તો બાને પકડવાં પડેને?” ચારેયની હસાહસ વચ્ચે દાદીફોઈ આવ્યાં ને કહેવતનો અર્થ સમજાવ્યો.દિવાળી વેકેશનમાં બધાં દાદાજીના ઘરે ભેગાં થયાં હતાં ને આ વખતે સફાઈ જાતે કરીશું એવું બધાંએ નક્કી કર્યું હતું. આ કાકા ફોઈના દીકરાદીકરીઓને દાદાદાદી તો ખરાં જ પણ દાદીફોઈય ખૂબ વ્હાલાં. યુવાન વયે જ વિધવા થયેલાં દાદીફોઈને દાદાજી લઈ આવ્યા હતા. ફરી પરણાવવા ખૂબ પ્રયાસ કર્યો, પણ એમણે લગ્ન ન કર્યાં. આદર્શ શિક્ષિકા તરીકે નોકરી કરી રિટાયર્ડ થયાં અને ઘરનાં દરેક કામમાં મદદરૂપ થયાં. ઘરમાં લગ્ન હોય કે સીમંત હોય, પ્રસુતિ હોય, ભજનસંગીત હોય કે શ્રાદ્ધ હોય દાદીફોઈની મહેનત, ઉત્સાહ હોય જ. દાદાદાદીને મોટો અકસ્માત નડ્યો હતો ત્યારે પણ ખડે પગે દાદીફોઈએ સેવા કરી બન્નેને બેઠાં કર્યાં હતાં.બધાનાં ચહિતા દાદીફોઇએ જ બધાનાં નામ પાડ્યાં હતાં. દાદીફોઈ જ સહુને વાર્તા, કવિતા, પ્રસંગો, કહેવતો રસપ્રદ રીતે કહેતાં. અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકોને ખૂબ મજા પડતી અને તેઓ વેકેશનમાં આવવા આતુર રહેતાં.વળી દાદીફોઈ પોતાના મિત્ર હોય એવી સહજતાથી સહુ વાતો કે દલીલ પણ કરી શકતાં. દરેક સમસ્યાનું નિરાકરણ હોય જ એમની પાસે.”દાદીફોઈ, પંખા લૂછવાનો સહેલો રસ્તો બતાઉં?” વૈદિકે વૃંદાને ટેબલ પરથી ઊતરી જવા કહ્યું, ને પંખો સ્પીડમાં ચલાવ્યો. “જુઓ, ક્યાં ગંદો દેખાય છે? કોઈ ગેસ્ટ આવે તો આવું કરી દેવાનું ભલે એને ઠંડી વાગે!” સહુ હસી પડ્યાં.”બેટા,કોઈને દેખાડવા થોડી સફાઈ કરવાની હોય.” ને પછી પંખા સાથે મનને જોડી મનભાવન શૈલીમાં વાત શરૂ કરી. બધાં એકબીજાને તાળી આપતાં ટહુકયાં, “દાદીફોઈ એટલે જ… એટલે જ… તમારી વાતો સાંભળવા જ તમને અહીં બોલાવ્યાં.””બદમાશ બચ્ચાઓ, મેરી બિલ્લી મુજસે મ્યાઉ?” કહી હળવી ટપલી મારી ને સહુ પંખો સાફ કરવાના કામમાં લાગ્યાં.આખું ઘર સાફ કરવામાં થોડી તોડફોફ થઈ, જરાતરા ઘસરકા પડ્યા કે સરાક પણ વાગી. કોઈનાં કપડાંયે ફાટ્યાં. દાદીફોઈની આગેવાનીમાં આખું ઘર ચમકી ગયું અને મન પણ. ને સામુહિક કાર્યનો કર્યાનો અનહદ આનંદ.હવે સહુ વળ્યાં પારંપારિક વાનગીઓ ખાવા ને શીખવા. “આહાહા, ઓહોહો… આવી મહેક ચાની તો અહીં જ આવે.””આદુ, ફુદીનો, લીલી ચા કે મસાલો બધું જ નાખીને ઉકાળીએ તોય, ખબર નહીં કેમ શહેરમાં તો…””ભાભી, અમે તો દૂધ પણ નજીકનાં ગામડેથી આવે એ જ લઈએ છીએ તોય.””પણ પાણી ક્યાંથી લાવશો ગામનું, વહુરાણીઓ?””ના, દાદીફોઈ તમારા હાથની કમાલ છે!””ઓ મમ્મી, કાકી… મારો મસ્કા અમારાં દાદીફોઈને, હંમ્મ ને દાફો?” મોટી વિશ્વા વળી દાદીફોઈને દાફો કહેતી. આવી ખટ્ટીમીઠ્ઠી વાત સાથે ઘર ગુંજી રહેતું. વળી આડોશપાડોશના છોકરાંઓ પણ ભેગાં થતાં તો ઓર મજા પડતી.”વિશ્વાદીદી, તું આજે જતી રહેવાની? દાદીફોઈ તો અમને ઘૂઘરની કોર વાળતાં શીખવશે.””ઘૂઘર નહીં, મારી મા ઘૂઘરાં, એ તો દાફોએ મને ક્યારના શીખવી દીધાં છે, હેંને દાફો? ચાલ દાફો, એન્ડ ઓલ બચ્ચા, પાર્ટી હું નીકળું.”સહુથી મોટી વિશ્વા મેડીકલમાં ભણતી હોવાથી એક જ દિવસમાં નીકળી. સહુ વડીલોને પગે લાગીને જવાની ટેવ દાફો પાસેથી એણે શીખી હતી. એનું અનુકરણ નાનાઓ પણ કરતાં.“ઓ દાદીફોઈ, જુઓ આભે શું બનાવ્યું, લોટ મસળતા શિવન્યા બોલી. દાદીફોઈ વાનગી શીખવતી વખતે છોકરાછોકરીનો ભેદ ન રાખતાં. આભ એની સૂઝ મુજબ લોટમાંથી કંઈક નવું બનાવવા લાગ્યો. “જુઓ બેટા, આને કિનારેથી પકડી આમ ધીમેથી વાળવું…” બોલી રહે ત્યાં દાદીની બૂમ સંભળાઈ. “અરે, જુઓ તો દેવ ક્યાં ગયા?””હેં..” બધાં ભેગાં થઈ ગયાં, કારણ કે ખૂબ ધીમેથી બોલનારાં બાનો અવાજ આશ્ચર્ય અને ગભરાટથી ખૂબ મોટો થઈ ગયો હતો. સૌથી પહેલાં તો દાદીફોઈએ દેવસ્થાનમાં ધ્યાનપૂર્વક જોયું. સાચે જ ચાંદીના ગણપતિ, લક્ષ્મી, વિષ્ણુ, લાલાની મૂર્તિઓ નહોતી. બધાંને નવાઈ લાગી.”અરે, કોઈએ સાફ કરવા લીધી હશે. તમારા વાની તકલીફવાળા હાથ છે તો..””હોય કંઈ, એ તો હું જ કે દાદીફોઈ જ કરીએ.” દાદી બોલ્યાં.”યાદ કરો, બા. હશે… અહી જ. દેવસ્થાન ક્યારે સાફ કરેલું?””એ તો રોજ જ કરું છું. એ તો સ્વચ્છ રખાયને?””આજે નિર્મળ કોણે ઉતારી? ભેગા ભગવાનેય તુલસીમાં પધરાવ્યા નથીને?””ના, અમે તો અડ્યા એ નથી.””અરે! અહીંથી ગયા ક્યાં?””કોઈએ મજાકમાં સંતાડ્યા હોય તો કહી દેજો.” દાદીફોઈનો કડક સ્વર. બધાંને ના પાડી.”તો ચોરી જ થઈ છે, બીજા બધા છે, ચાંદીના હતા એ જ ગાયબ.””ભગવાનનેય કોઈ વેચી મારે?”આ જમાનામાં બધુંય થાય. “બાજુવાળો પિન્ટુ નહીં લઈ ગયો હોય? એને નવી ગેઇમ ખરીદવી હતી.””એમ કોઈના પર આરોપ ન મુકાય.””પોલીસમાં ફોન કરીએ…””બીજું પણ કંઈ ગયું છે? જોઈ લો પછી ખબર કરીએ.””શું? ભગવાન ખોવાયા છે?””હાસ્તો…””દાદી, ન્યૂઝપેપરમાં આપીએ કે, ભગવાન ખોવાયા છે. મળે તો જાણ કરવી.””અરે, હું તો અહીં છું, કોને મજાક સૂઝી?” નાકે જ રહેતા દાદીના નાનાભાઈ ભગવાનમામા ઘરમાં પ્રવેશતા જ બોલ્યા. તણાવના વતાવરણમાંય દાદી સિવાય બધાને હસવું આવી ગયું. પછી તો ભગવાનની શોધાશોધ ચાલી. ઘર બહાર બધી જગ્યાએ તપાસ કરી. કોણ ઊંચકી ગયું એની અટકળો ચાલી. નિરાશ થયેલા દાદીનો રડમસ ચહેરો જોઈ દાદાએ નવા ભગવાન લઈ આપવાની વાત કરી. ઘરના સહુએ એમાં સૂર પુરાવ્યો. “પણ એતો મારા વરસો જુના ધારજણા ભગવાન હતા. એના વગર કેમ ચાલે?””ચાલ, આપણે ઘરે ચાંદીના ગણપતિ છે એ લઈ જા. એ તો તું નાની હતી ત્યારેય પૂજતી.” ભગવાનમામા આશ્વાસન આપતા બોલ્યા. પણ દાદી તો શોકમગ્ન થઈ ગયાં હતાં. બેત્રણ દિવસ થઈ ગયા. ભગવાન ના મળ્યા. પોલીસ પણ કંઈ ના કરી શકી. ગામમાં વાત ફેલાઈ. સગેવહાલે વાતવાતમાં ખબર પહોંચી. બધાં ખબર કાઢવા પણ આવ્યા. વિશ્વા ભણવાનું બગાડી દોડી આવે એટલે એને કોઈએ જાણ ન કરી. પણ “વિશ્વા દીદી, તમને ખબર છે? આપણા ભગવાન ખોવાઈ ગયા.” કહી ધીરે રહીને વૃંદાએ બધું જ કહ્યું. વિશ્વા સાંજ સુધીમાં તો ટેક્ષી કરી આવી પહોંચી.”શું દાદી તમે પણ! લો તમારા ભગવાન. ચમકતી મૂર્તિઓ બાના હાથમાં મૂકી.”ગોરા ગોરા ભગવાન!” આભ ખુશીથી ઊછળી પડ્યો. નવાનક્કોર થઈ ગયેલા ભગવાનને બધાં નવાઈથી જોઈ રહ્યાં. દાદીફોઈને પણ અત્યન્ત નવાઈ લાગી. “અરે દાદી… હું જ લઈ ગઈ હતી. એને પોલીશ કરાવવા, દાદી તમે પીતાંબરી ને ટૂથપાવડર કેટલોય ઘસતે તોય આવા ના થાત. વળી વાવાળો હાથ!.” દાદીની આંખોમાં ખુશીના આંસુ. “પણ મને તો કહેવાયને, વિશ્વા.” દાફો બોલ્યાં.”આમ તો તમને બધે જ મારા કોઈપણ તોફાનમાં ક્રાઇમપાર્ટનર બનાવું છું, પણ ભગવાનમાં નહીં…. ન જાણી શક્યાને! ને તમેય કરી શોધાશોધ. ભગવાન ખોવાયા છે… ભગવાન ખોવાયા છે…”– યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

ગામ એટલે કે..યામિની વ્યાસ

ગામ એટલે કે… “હા, આજ અમારાં ગામની સુવાસ,આહાહા ને જુઓ એકસરખાં ઘેરાં લીલાછમ વૃક્ષો પસાર થતાં દેખાય એટલે ગામ આવી ગયું સમજો. આટલા વર્ષે હજુ પણ એવાંજ છે!” લાંબી મુસાફરી બાદ શશાંકભાઈએ બસમાં બેઠેલા બાજુવાળા મુસાફરને કહ્યું અને જાણે તાજગી અનુભવતા હોય એ રીતે સામાન ઊંચકી ઊતરવા અધીરા થઈ ગયા અને સહયાત્રીને આવજો કરી સૌથી પહેલા ઊતરવા બારણાં નજીક પહોંચી ગયા.એમને યાદ હતું,ગામનો ચોરો આવે એટલે બસ ચકરાવો લઈ ઊભી રહેતી અને થોડીવાર જાણીતું વાતાવરણ ધૂળ ધૂળ થઈ જતું. એટલે એ બે ઘડી આંખો બંધ કરી થોભ્યા. “કાકા, આગળ ચાલો..” પાછળ ઊભેલી યુવતી બોલી. શાશંકભાઈએ આંખો ખોલી ને આભા જ બની ગયા. ‘ઓહો,હું તો ભૂલી જ ગયો.અહીં તો ધૂળિયા રસ્તાને બદલે પાકી સડક થઈ છે. ને ચોરો ક્યાં? આ તો હમણાંજ રંગરોગાન કર્યું હોય એવું નવું બસસ્ટેન્ડ! ને અહીં તો ઘોડાગાડી ઊભી રહેતી કે બહુ તો સાયકલરીક્ષા. અરે!અમે તો મોટેભાગે ચાલતાં જ ઘરે જતાં પણ હવે એ તાકાત ક્યાં?’શશાંકભાઈ એક ઓટોરિક્ષાને ઊભી રાખી ત્યાં તો મિત્ર ગેમલભાઈનો પૌત્ર એમને લેવા આવી ગયો.”તમેજ શશાંકદાદા ને? બાઇક પર ફાવશે? ગાડી સર્વિસમાં આપી છે.” ગામમાં પ્રવેશતા જ આ સંબોધન સાંભળી શશાંકભાઈ સહેજ ચમક્યા પણ પછી ઉંમરનો ખ્યાલ આવતા સ્હેજ હસ્યા ને “અરે કેમ નહીં,મજા આવશે દીકરા.” કહી પાછલી સીટ પર બેસી ગયા. દસ મીનિટ્સમાં તો મિત્ર ગેમલસિંહના બારણે. બન્ને ભેટ્યા. “કેટલા વખતે મળ્યા નહીં?””હા, સુમનભાભી ગુજરી ગયેલા ત્યારે હું ને ગજરી તારા શહેર આવેલાં.””ઓહો એ વાતને ય ઘણો સમય વીતી ગયો.” હાથ મોં ધોતા શશાંકભાઈએ જવાબ આપ્યો. પછી તો ગેમલભાઈએ પોતાના આખા પરિવારની ઓળખાણ કરાવી.દીકરો કે ભત્રીજાના ધંધા, ખેત,જમીન વિગેરેની વાતો થઈ. ગજરીબેન અને વહુઓએ તૈયાર કરેલી રસોઈ જમી બન્ને મિત્રો નીકળ્યા મુખ્ય કામ માટે. શશાંકભાઈનું બાપદાદાનું વર્ષો જૂનું ઘર વેચવાનું હતું. જોકે એવી કાંઈ જરૂર નહોતી. આ ઘરના વારસદારમાં શશાંકભાઈ એકલા જ હતા.ને શશાંકભાઈના બન્ને દીકરા ને એક દીકરી પરણીને સરસ રીતે સેટલ હતા.રસ્તે શશાંકભાઈ બોલ્યા,”છોકરાઓ કોઈ દિવસ અહીં આવી રહેવાના નથી. ને મારા ગયા પછી આ ઘરની વ્યવસ્થા પણ કરવાનાં નથી. પછી રાખીને શું કરું?”ઘરે પહોંચતા જ શશાંકભાઈ બચપણમાં ખોવાઈ ગયા ને આંખો ભરાઈ આવી.”શશાંક, આટલો લગાવ છે તો ના વેચ. શહેર છોડી રહેવા આવી જા.””યાર, સુમન હતી ત્યારે વિચાર્યું હતું,કે છોકરાઓને સેટ કરી અહીં ગામ આવીને આ ઘરે રહેશું પણ હવે અહીં આ ઉંમરે એકલા રહેવાની હિંમત નથી.” જાણે વળગી પડવા આતુર હોય એવાં ઘરને ખોલ્યું.નવાઈ લાગી.નિયમિત સફાઈને કારણે ઘર સ્વચ્છ અને સુવ્યવસ્થિત હતું. ભલે સામાન જૂનો હતો. સાંજ ઢળતી હતી,સહેજ અંધારું લાગતાં શશાંકભાઈએ સ્વીચ પાડવા ફંફોસી જોયું.”ના મળે, તે ઇલેક્ટ્રિક અને પાણીના નળનું કનેક્શન ક્યાં લેવડાવ્યું છે?””ઓ હા,” કહી શશાંકભાઈએ કપાળ પર હાથ મુક્યો.એટલી વારમાં આ ઘરનું ધ્યાન રાખતાં કમરેથી સહેજ વળેલાં કમળીમાસી આવી ગયાં.” ભાઈ,શાશું,લે આ તારા ઘરની બીજી ચાવી,હવે તું આયવો છે તો લેતો જા, મારાથી હવે કામ નથી થતું.” જીવની જેમ ઘરની સંભાળ રાખતાં કમળીમાસી બોલ્યાં.” બસ હવે થોડા દિવસ માસી .આ ઘર હું વેચવા જ આવ્યો છું.”સાંભળી કમળીમાસીને પણ આંચકો લાગ્યો.વરસોથી એમણે એનું જતન કરેલું પણ એઓ બોલે પણ શું?એમનો ચહેરો જોઈ શશાંકભાઈએ ચાવી પાછી આપતાં,”અરે વેચીશ, એને પણ કહીશ,ચોકીદારી તો કમળીમાસી જ કરશે. ફાનસ સળગાવી જજો. રાતે હું અહીં રહીશ.””ઓ, એસીમાં ઊંઘવાવાળાને અહીં પંખા વગર ના ફાવે.ચાલ આપણા ઘરે..”” ના,દોસ્ત,આજે અહીં જ અગાશી પર સૂવું છે.છેલ્લે છેલ્લે.એવું કર તું અહીં રોકાઈ જા.”જીદ કરીને એઓ પોતાને ઘરે જ રોકાયા ને મિત્રને પણ મનાવી લીધો.આખી રાત એઓને કેટકેટલીય યાદો ને કેટકેટલીય વાતો ઘેરી વળી. માબાપ, દાદાદાદી, મિત્રો, શાળા શિક્ષકો,પાડોશી યાદ આવી ગયા.એક એક પ્રસંગ,એક એક ઘટના યાદ આવી ગઈ.ખૂબ હસ્યા ને પછી તો આંખો ય ડબડબી ઊઠી.પૂનમની રાત હતી એટલે ખાસો અજવાસ પણ હતો.આભમાં ચાંદને જોતા યાદ આવ્યું ને શશાંકભાઈ ખડખડ હસી પડ્યા.”સાંભળ ગેમલ, યાદ છે,આપણે બીજીમાં ભણતા હતા ત્યારે હું પેલી …””હા, બાજુવાળી રંજુને ચાંદ જોવા લઈ ગયેલો.એવું કંઈ યાદ છે.હા,પણ તમે ક્યાં ગયેલા? પછી મેથીપાક ખાધેલોને?”” હા, ત્યારે રંજુ પહેલામાં ભણતી, એ મને રોજ સવાલો પૂછતી ને એને સમજ પડે એમ હું વટથી જવાબ આપતો. એને એમ કે હું કહું એ બધું સાચું જ હોય. હું એને અવનવા ખેલ કરી જાદુ પણ બતાવતો. એક દિવસ એને ચાંદ પર જવાનું મન થયું.મેં એને તૈયાર કરી.ત્યારે મને એવી સમજ કે સૂરજ ડૂબે ત્યાંથી જ ચાંદ ઊગે. મેં એને કહેલું કોઈને કહીશ નહીં,અમે હાથ પકડો સૂર્યાસ્ત તરફ ચાલવા માંડ્યા.સૂર્ય દેખાતો બંધ થયો ત્યાં સુધી તો ગયાં પણ પછી એ તો થાકી ગઈ મેં એને હિંમત આપી કે હવે થોડી જ વારમાં ચાંદ આવશે. જમીન પરથી આકાશમાં જાય એ પહેલાં પહોંચી જઇશું.ત્યાં તો નદી આવી ગઈ. કેમ જવું એ વિચારીએ એ પહેલાં તો પાછળ ધબ્બો પડ્યો બન્નેના પપ્પાઓ આવી પહોંચ્યા.પણ માર બન્ને તરફથી મને પડ્યો ને રંજુને તો ઊંચકી લીધી. પછી ખાસ યાદ નથી, બે ત્રણ મહિનામાં જ એઓ એમના બાપકાકાના સહિયારા ધંધામાં મોટા શહેરમાં જતાં રહ્યાં એટલે સારું ભણી પણ શકે એવું પપ્પા કહેતા હતા.””દુનિયા કેવી છે દોસ્ત આજે અહીં તો કાલે કહીં.””સુમન હોત તો રિટાયર્ડ લાઈફ હું પાકું અહીજ..”દુઃખી થયેલા મિત્રને હસાવવા ફરી ગેમલભાઈએ જાત ભાતની ગામની વાતો કાઢી.મજાક મસ્તી કરી ને કહ્યું ,”અલ્યા સવાર પડી જશે.સુઈ જઈએ.મેં સવારે પેલો દલાલ પણ આવશે.””હા, જલ્દી પતે તો હું જલ્દી જઈ શકું,જોકે એટલો વખત તારી સાથે તો મોજ જ છે.”કહી મજાની ચાંદનીમાં બન્ને સૂતા.બીજો દિવસ,ત્રીજો દિવસ ને પછી અઠવાડિયું વીત્યું. ઘર વેચાવાનો મેળ ન પડ્યો.શશાંકભાઈના ઘરેથી પણ દીકરા દીકરી ફિકર કરતાં હતાં.”એટલીવારમાં ના વેચાય, અલ્યા ઘર છે કોઈ મામૂલી ચીજ થોડી છે.થોડા દિવસ રહી જા””બીજીવાર આવીશ.” કહી શશાંકભાઈએ રજા લીધી. ફરી બસમાં બેઠા. રસ્તે પણ બધાં સાથે વાત કરતા રહ્યા.ઘર વેચવા માટે એઓ આતુર હતા.એક ભાઈએ કહ્યું, “ગામમાં કઈ જગ્યાએ છે? ન વેચાય ત્યાં સુધી ભાડે આપી દોને.”શશાંકભાઈનો અડધો જવાબ સાંભળી ત્યાં બેઠેલાં એક બહેન ચમકયાં,એમની સામે જોઈ રહ્યાં,”પણ આ તો શશાંકનું ઘર? તમે, તું, તમે, આપ કોણ?””હું જ શશાંક તમે….રંજના?””હું રંજુ…રંજના. અમે આ ગામ છોડીને ગયાં ત્યારે બાજુનું જ અમારું નાનકડું ઘર તમારા પપ્પાએ ખરીદેલું.”હા, એ જોડીને જ મોટું બનાવેલું.પણ તું અહીં શું કરે છે? તારો પરિવાર?””બધાને સેટ કરી હમણાં જ પરવારી છું, બહુ બધું થયું જિંદગીમાં.તકલીફો પણ ઘણી આવી. બહુ મહેનત કરી. આઘાત પણ સહન કર્યાં. પણ હવે સંતોષ છે.ત્રણ દીકરીઓ એમના પરિવારમાં ખુશ છે પણ હવે હું થાકી છું. બચપણ જેવું સોહામણું કંઈ હોતું નથી.આજે જ સવારે આ ગામને જોવા એકલી જ આવી હતી. થોડું ફરી,નદી કિનારે ગમ્યું.પાછી જઇ રહી છું પણ મને આ ઘર ભાડે મળે?”શશાંકભાઈ સાંભળી જ રહ્યા જાણે મનમાં ગાતા હતા,”આવો તુમ્હે ચાંદ પે લે જાયે…”યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

‘જૂઈનાં ફૂલો-સંપાદિકા ઉષા ઉપાધ્યાય

વર્તમાન કવયિત્રીઓના શેરની ખુશ્બૂ ‘જૂઈનાં ફૂલો’ પુરુષ પ્રધાન સમાજમાં નારીલિખિત સાહિત્યની પૂરતી નોંધ લેવાતી નથી. પૂર્વે આપણને ઉત્તમ નારી રત્ન સમાન સંત-કવિયત્રીઓ મળી જ છે, જેમણે આપણને જીવનના ભાથા સમાન ભક્તિ રચનાઓ આપી છે. છતાં, સ્ત્રી સાહિત્યકારો વિષે પૂરતું ધ્યાન નથી અપાતું એવો સૂર પણ બળવત્તર છે. આ બાબતે કોઈ સ્ત્રી સર્જક જ કાર્યરત થાય તો સારું ગણાય. કવયિત્રી અને સાહિત્ય સંશોધક એવા અમદાવાદના ઉષાબેન ઉપાધ્યાયે આ દિશામાં નેત્રદીપક કાર્ય કર્યું છે. ગુજરાતી સાહિત્ય અકાદમી માટે મધ્યકાલીન ગુજરાતી કવયિત્રીઓનાં કાવ્યો રૂપે ‘રાધાકૃષ્ણ વિના બોલ મા’ અને અર્વાચીન ગુજરાતી કવયિત્રીઓનાં કાવ્યો ‘શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ’ જેવાં બે સંપાદન ગ્રંથો તેમણે તૈયાર કર્યાં, જેમાં ઉષાબેને પાંચસો વર્ષના સમયપટ પર પથરાયેલી ગુજરાતી કવયિત્રીઓની કવિતાની પહેલી એન્થોલોજી તૈયાર કરીને મોટું કામ કર્યું. પછી તેમણે લેખિકાઓની વાર્તાઓ, નિબંધો, આત્મકથ્ય અને કેફિયત સમાવતી ‘નારીસપ્તક શ્રેણી’ દ્વારા ઉત્તમ કાર્ય કર્યું. આ થઇ સાહિત્ય સંચયની વાત, પણ વર્તમાન કવયિત્રીઓની કવિતાને મંચ આપવાનું મહત્વનું કાર્ય તેમણે ‘જૂઈ મેળા’ દ્વારા કર્યું છે. જૂઈ મેળા જેવાં સુગંધી કાર્યમાં વિવિધ કવયિત્રીઓ સંમેલન યોજાતા રહે છે. ગુજરાત, દેશ અને વિદેશમાં પણ કાવ્ય રચતી બહેનોને પ્રસ્તુત કરાઈ. કોવીડકાળમાં પણ આ પ્રવૃત્તિ વિસ્તરી. ‘મેગા ઈ જૂઈ મેળો’નાં સવા સાત કલાક લાંબા અવિરત પ્રસારણ દ્વારા ઇતિહાસ રચાયો અને એમાં રજુ થયેલાં કાવ્યોને તેમણે ગ્રંથસ્ત પણ કર્યાં. આપણે ત્યાં સુગમસંગીત અને કવિસંમેલનોનાં સંચાલનમાં અનેક કવિઓના સારા શેર રજુ કરીને રસજાગૃતિ કરવાની પ્રથા છે. અહીં પણ મુખ્યત્વે કવિઓના જ શેર સંભળાય છે, કવયિત્રીઓનાં શેર ઓછા મળે છે. આ મહેણું ભાંગવા માટે ઉષાબેન ઉપાધ્યાયે ‘જૂઈના ફૂલો’ પુસ્તકનું સુંદર સંપાદન કર્યું છે. જેમાં ગુજરાતી ભાષાની કવયિત્રીઓનાં ચૂંટેલા શેરનો સંચય છે. સાહિત્યિક સંચાલન માટે તો આ એક ઉત્તમ સંગ્રહ છે જ, પણ સામાન્ય સાહિત્ય રસિકને સુંદર શેરો વાંચવા કે વહેંચવા માંગતાં મિત્રો માટે પણ આ સંગ્રહ ઉપયોગી બને છે. સર્જક બહેનોએ પોતે જ પસંદ કરેલાં પોતાના આ સુંદર શેર દ્વારા એક સુગંધી કાવ્ય રસ થાળ આપણને ઉષાબેને આપ્યો છે. વળી, કવયિત્રીઓનાં મનપસંદ શેર આપણને એક જ પાના પર મળતાં, તેમના કવિકર્મની ઝલક પણ મળી રહે છે. આવું વધુને વધુ કાર્ય સમયાંતરે થતું રહેવું જોઈએ. તેઓ તે કરતા રહેશે એવી આશા પણ છે જ. ગુજરાતી કવયિત્રીઓનાં ચૂંટેલા શેરના આ સંગ્રહ ‘જૂઈનાં ફૂલો’માં ગઝલ લખતી ૮૧ સર્જક નારીઓના શેરોની સોડમ છે. વર્તમાન સમયમાં જે સેંકડો નવોદિતો ગઝલ લખે છે, તેમને અને તેમાંની યુવા કવયિત્રીઓ માટે આ સંગ્રહ પ્રોત્સાહક નીવડશે એવું નિશંક કહી શકાય. આ સંગ્રહમાંથી થોડાં શેરનું રસપાન કરીએ તો- પથ્થરોમાં સ્મિત રેલાવી દઉં,ટાંકણું જો હાથમાં પકડાય તો. – અલ્પા વસા હતી ગિરનારમાં કરતાલ, દ્વારિકા વસે મીરાં, કલમની સાધનાથી હું, રસમ એની નિભાવું છું. – ઉષા ઉપાધ્યાય હતા ભ્રમ એ ભાંગીને ભુક્કો થયાં છે,અરીસાએ ઓળખ કરાવી દીધી છે. – ગોપાલી બુચ સૌને શુભેચ્છા આપવા સક્ષમ બની શકે,એવા જ દિલની પ્રાર્થના અક્ષત બની શકે. – જિજ્ઞા ત્રિવેદી ટપકતાં ટપકતાં કરી જાય ખાલી,શું અશ્રુ જ મારી છે જાહોજલાલી?- નેહા પુરોહિત તને શોધવાની છે કોશિશ નકામી,સમય છે તું, આઠે પ્રહરમાં રહે છે. – પૂર્ણિમા ભટ્ટ મેં હાંસિયે જે લખ્યું, મારી પિછાણ છે,લિપિ નથી, વજૂદનું પાકું લખાણ છે. – પ્રજ્ઞા વશી જાણી શકે ક્યાં કોઈ અહીં કોઈને હજી, હસતા ચહેરા ભીતર ઉદાસી હોઈ શકે. – પ્રીતિ જરીવાલા સ્વપ્ન મારી પાસ આવીને સતત કહેતું રહ્યું, ચંદ્ર રાત્રીએ કરેલો સૂર્યનો અનુવાદ છે. – ભારતી રાણે તિમિર તું વાંચ આજે ધ્યાનથી આકાશનું છાપું, અમાસે ચાંદ ઊગશે એવી જાહેરાત આવી છે. – યામિની વ્યાસ રહેવું છે સ્વસ્થ એટલું નક્કી કર્યું અને,મેં મારી સાથે વાત કરી સારવારમાં. – લક્ષ્મી ડોબરિયા આંખ ઉઘાડું ને છટકી જાય એ, સ્વપ્ન પણ સાચ્ચે બડું શૈતાન છે. – સંધ્યા ભટ્ટ વધેરી નાંખ ઈચ્છાઓનાં તું શ્રીફળ બધાં, ને જો, અધૂરી છાબડી સુખની પછી અક્ષય થવા લાગે. – સ્વાતિ નાયક લખીને જીવું કે જીવીને લખું, ગઝલ જેવું બનવાનું મન થાય છે. -સ્નેહા પટેલ મારા વિષે જે કંઈ તું ધારે છે,સાચું કહું? થોડું વધારે છે. – હર્ષવી પટેલ સંપાદિકા ઉષા ઉપાધ્યાયનું ‘જૂઈનાં ફૂલો’ એ ફ્લેમિંગો પબ્લીકેશન, અમદાવાદનું પ્રકાશન છે, ૧૦૦ પાનાનું આ પુસ્તક સો રૂપિયાનું છે. પુસ્તક પરિચય: નરેશ કાપડીઆ

Leave a comment

Filed under Uncategorized

આંખોની હરકત

#Let_the_eyes_talk❤ Challenge accepted 💐Rajul Bhanushali💐Anjana Goswami તમારી એ આંખોની હરકત નથીને?ફરી આ નવી કોઈ આફત નથીને?વહેરે છે અમને તો આખા ને આખાએ પાંપણની વચમાંજ કરવત નથી ને?યામિની વ્યાસઆંખ જો ખૂલી તો એની શોધ આરંભી દીધીજોઉં ઓશીકા ઉપર શમણાં પડેલાં ક્યાં મળે?યામિની વ્યાસનજર સ્થિર છે આગમનની દિશામાંપ્રતીક્ષાએ માળો કર્યો આંખડીમાંયામિની વ્યાસએક નાની વાતમાં તો કેટલું બોલ્યા હતાઆંખ છલકાવી દીધી મેં રોટલીના લોટમાંયામિની વ્યાસઆંખોય ફૂલનું કોઈ ઉપવન બની જતી,સપનું ય જાણે થઈ જતું રેશમ વસંતમાં!યામિની વ્યાસહૈયામાં છે યાદો ઘેઘૂરઆંખોને ગળવાની ઈચ્છાયામિની વ્યાસરાતે આંખોનાં ફળિયામાં ઘર ઘર રમતાં,શમણાં ભેગાં થઈ પોઢે છે ડામચિયા પર!યામિની વ્યાસઆ ઉદાસીને નહીંતર ક્યાંક ઓછું આવશે,આંખ ભીની થઈ ગઈ છે સહેજ મલકી જોઈએ!યામિની વ્યાસઢાળે લજ્જાથી આંખો એ નીચી કિન્તુ,આખેઆખી પેઢીઓ એણે તારી છે.યામિની વ્યાસઆંખમાં એવી પરોવી આંખ કે-સ્નેહની નાજુક કળી ચૂંટી ગયો.યામિની વ્યાસએથી વિશેષ લોકમાં શું યાર થઈ શકે?અશ્રુ જ મારી આંખનો શણગાર થઈ શકે!યામિની વ્યાસયાદનાં અશ્રુને તો રોકો હવે,આંખડી ઢોળાઈ ચાલી દોસ્તો.યામિની વ્યાસડોકિયું કરવું જ છે કોઈનાં દિલમાં તો પછી, આંખમાં ડૂબી જવાનું આવડે તો વાત કર!યામિની વ્યાસવસે છે કોઈ આંખોના કિનારા પર,તમે કાજળ નહીં આપો કહું છું હું.યામિની વ્યાસઆંસુનો પણ ક્યાં ભરોસો?આંખમાં પાછા વળે છે!યામિની વ્યાસઆંખ હસતાં હસતાં ભીંજાઈ જતી એ દરદ પણ કેટલું મોઘું હતું! યામિની વ્યાસલાગણીથી આ જગત માપ્યા પછીઆંખડી છલકાય છે, જા જા હવેયામિની વ્યાસયાદ આવી પળ કોઈ ભૂતકાળની,આંખને તો અશ્રુની આવક બની.યામિની વ્યાસઆંખ ખુલ્લી હોય તો આવે નહીં,જો ઉઘાડું સ્વપ્ન છટકી જાય છે.યામિની વ્યાસઆ પ્રતીક્ષા આંખનો શણગાર છે.કંઈક વર્ષોથી ભીડેલાં દ્વાર છે.યામિની વ્યાસઆંખ જો રોઈ પડી તો યાદ આવ્યું કે અમે-મનને સંભાળી લીધું,લે વાતમાં ને વાતમાં.યામિની વ્યાસનથી રડતાં અમે અશ્રુ વહી ના જાય એ ડરથી,સતત તેઓ અમારી આંખમાં ઘરબાર રાખે છે.યામિની વ્યાસખાતરી કે,આંખ છલકાઈ જશે;તે છતાં તું પત્રને ખોલ્યા કરે?યામિની વ્યાસતને પામવાના પ્રયત્નોમાં હું પણ ઘવાઈ,જખમ પર જખમ તેંય કેવા દીધા છે!નિરાધાર અશ્રુઓ વહેતા રહ્યાં છે નયનથી, બહાનાં હજારો બનાવે મને શું?યામિની વ્યાસનયનમાં વહી જાય પળવાર સાગર,સરજતો અનોખો ચમત્કાર સાગર.યામિની વ્યાસઆંખમાં જે રહ્યું હતું બાકી-અશ્રુ ખૂટયું,હવે રહ્યું છે શું?યામિની વ્યાસયાદ આવે કોઈની તો દર્દ મલકાયા કરે!આંખડીને શું થયું કે એય છલકાયા કરે!યામિની વ્યાસઆંખ ભીની ને હોઠો મુંગા થઈ ગયા,બોલને આગળ, હજી અંત કહેવો નથી? યામિની વ્યાસકહે છે કે દુઃખોનો ફક્ત થોડો સાર રાખે છે,છતાં પણ આંખમાં તો અશ્રુઓ ચોધાર રાખે છે.યામિની વ્યાસસાધવા નિશાન આંખો પર ભરોસો જોઈએ,તીર થઈ છૂટી જવાનું આવડે તો વાત કર!યામિની વ્યાસ

#Let_the_eyes_talk❤ Challenge accepted 💐Rajul Bhanushali💐Anjana Goswami Don’t you have the act of those eyes?Again this is not a new disaster?The whole of us is flowingIsn’t it a work between the eyelids?Yamini diameterIf I opened my eyes, I started searching for it.Let’s see where can I find those who are lying on the pillow?Yamini diameterEyes are steady on the direction of arrivalPratiksha made a nest in the eyesYamini diameterSo much was spoken in one small thingI overflowed my eyes in the flour of breadYamini diameterEyes also become a flower’s house,Dreams also become in silk spring!Yamini diameterMemories are in the heartThe desire to melt the eyesYamini diameterPlaying house to house in the eyes of the night,Shamna is gathered on the damchia!Yamini diameterThis sadness will be less otherwise,Eyes have become wet, need a little milky!Yamini diameterEyes are lowered with shame,Whole generations are yours.Yamini diameterIn the eyes such a parovial eye that -The delicate bud of affection has been picked.Yamini diameterWhat can be more special in people than this?Tears can only be the decoration of my eye!Yamini diameterStop the tears of memories now,Eyes are going on friends.Yamini diameterIf you want to peep in someone’s heart then,If you know how to drown in the eyes then talk!Yamini diameterSomeone lives on the shore of the eyes,You will not give mascara I am saying.Yamini diameterWhere is the trust of tears?Turns back in the eye!Yamini diameterEyes get wet with smileHow expensive was that pain!Yamini diameterAfter measuring this world with feelingsEyes are overflowing, go go nowYamini diameterRemembered some past moment,Eyes became the income of tears.Yamini diameterIf the eyes are open then it will not come,If the open dream escapes.Yamini diameterThis waiting is eye makeup.Some have been a crowded door for years.Yamini diameterIf the eyes cried, then I remembered that we -Took care of mind, take it in talk and talk.Yamini diameterWe don’t cry because of fear that tears won’t flow,Constantly they keep the house in our eyes.Yamini diameterFor sure, the eye will be overflowing;That though you open the letter?Yamini diameterI was also injured in trying to get you, how have you given wounds on wounds!Without any reason tears are flowing from the eyes, what makes thousands of excuses to me?Yamini diameterSea of moments flows in the eyes,A unique sea of miracles in the prayers.Yamini diameterWhat was left in the eye -Tears lost, what’s happening now?Yamini diameterIf you remember someone then the pain will fade away!What happened to the eyes that they are overflowing!Yamini diameterEyes got wet and lips became dumb,Ahead of the ball, don’t you have the end yet?Yamini diameterIt is said that only a little summary of sorrows,Even then, the tears are kept in the eyes.Yamini diameterSadhva Nishan eyes should be trusted,Talk if you know how to get rid of arrows!Yamini diameter

Leave a comment

Filed under Uncategorized