અનહોલી નેક્સસ

અનહોલી નેક્સસ: સાઠગાંઠ હૈ ભાઈ, સબ સાઠગાંઠ હૈ!मस्लहत-आमेज़ होते हैं सियासत के क़दमतू न समझेगा सियासत, तू अभी नादान है -दुष्यंत कुमारરાજનીતિનાં પગલાં ખાનગી ચર્ચાવિચારણા, વાટાઘાટ, પરામર્શ અને ગોઠવણયુક્ત હોય છે. રાજનીતિ તું ન સમજે, તું હજી નાદાન છે- એવું પ્રિય કવિ દુષ્યંત કુમાર કહે છે. અહીં ‘મસ્લહત’ શબ્દનો સાચો અર્થ થાય છે ચાલબાજી, બુદ્ધિપૂર્વકની ધોકાધડી. આજનો શબ્દ એ છે જે અખબારોએ ટાંક્યો છે એમ કહીને કે બિલ્ડર્સ અને ઓથોરિટી વચ્ચે ‘અનહોલી નેક્સસ’ (Unholy Nexus) છે. જસ્ટિસ વાય. બી. ચંદ્રચૂડ અને જસ્ટિસ એમ. આર. શાહની બનેલી સુપ્રીમ કોર્ટની ખંડપીઠ જો કે ‘નિફેઅરિઅસ કમ્પલિસિટી’ (Nefarious Complicity) એવા સાવ સાચા પણ વજનમાં ભારેખમ શબ્દો પ્રયોજે છે. ‘નિફેઅરિઅસ’ એટલે દુષ્ટ, અતિ અધમ, પાપી અને ‘કમ્પલિસિટી’ એટલે અપકૃત્યમાં સામેલપણું કે ભાગીદારી. પણ આ તો અઘરાં શબ્દો છે. એનો અર્થ અલબત્ત અનહોલી નેક્સસ જેવો જ થાય છે. આજે આપણે અખબારી શબ્દોનું જ પિસ્ટપેષણ કરીએ. કશું સમજાવું તો જોઈએ ને? હેં ને? સુપ્રીમ કોર્ટે આ કેસનાં પોતાનાં લેટેસ્ટ આદેશમાં નોઇડાનાં સુપરટેક બિલ્ડર્સનાં ચાલીસ માળનાં નવનિર્મિત ઇમેરાલ્ડ ટ્વિન ટાવર્સ બિલ્ડિંગ્સને જમીનદોસ્ત કરી દેવા આદેશ આપ્યો છે. તેઓ કહે છે કે નોઇડા ઓથોરિટીનાં આંખ,નાક અને કાનમાંથી ભ્રષ્ટાચારની બૂ આવે છે. હવે સરકારે ત્રણ મહિનામાં ટ્વિન ટાવર તોડી પાડીને એનો ખર્ચ બિલ્ડર્સ પાસે વસૂલવાનો છે. લાગે છે કે આપણાં દેશમાં દેર છે પણ અંધેર નથી. પણ વિચારો કે… આવું નરદમ ખોટું થાય જ શા માટે છે? તમને નથી લાગતું કે આવું ત્યારે જ થાય જ્યારે બધા મળેલા હોય? પણ આવો ચુકાદો આવે ત્યારે જ્યુડિસરી અને મીડિયા સ્વતંત્ર છે એવો અહેસાસ આપણને થતો રહે છે, ક્યારેક ક્યારેક. અને એ પણ છે કે આવી સાઠગાંઠને સો ટકા અટકાવવાનો રામબાણ ઈલાજ કોઈ પાસે નથી. એટલે એ વાત જવા દઈએ. આપણે તો શબ્દની વાત કરીએ છીએ. આજનો શબ્દ ‘અનહોલી નેક્સસ’ એટલે સાઠગાંઠ. એ તો અપવિત્ર જ હોવાની. જેમ ‘રાજકારણ’માં ‘ગંદું’ શબ્દ ઇનબિલ્ટ છે એમ હવે ‘નેક્સસ’ શબ્દમાં ‘અનહોલી’ શબ્દ ઇનબિલ્ટ છે. ગુજરાતીમાં મસ્ત શબ્દ છે: સાઠગાંઠ. સાર્થ જોડણીકોશ અનુસાર એનો અર્થ થાય છે: છૂપો સંબંધ; ગઠબંધન; મેળાપીપણું. આમ તો મેળાપ હોવો સારી વાત પણ આ તો ચંડાળ મેળાપ છે. સત્તાધારી અને ઈમારાતી ભેગા મળે છે, ટકાવારી નક્કી થાય છે પણ આખરે બધો ભાર તો કન્યાનાં કેડે જ છે. મારા તમારા જેવા લોકો જ છે, જે લૂંટાય છે કારણ કે વિકાસનાં નિયમો જે છે એને ઘોળીને પી જવાય છે. આ અન્ડર–ધ-ટેબલ ફ્રેંડશિપનો નશો સાલો ગજબ હોય છે. અને આપણે રહ્યા મેંગો મેન, આપણે તો બસ જોયા કરવાનું. તેલ તો જોવાનું પણ તેલની ધાર જોવાની નઈં. આપણે તો તેલ પળી કરવાની. તેલ જોવું અને તેલની ધાર જોવી એટલે ધીરજ રાખીને બધી બાબત તપાસી જોવી. પણ એવું ક્યાં થાય છે જ? અને બીજો મુહાવરો-તેલની પળી કરવી-એટલે જેમતેમ કરીને ગુજરાન ચલાવવું. આપણું એવું જ તો છે. હેં ને? કહે છે કે લગભગ બધા જ મકાનો ગેરકાયદેસર જ હોય છે. અન્યાય થાય ત્યારે ખમતીધર હોય તે જ કોરટકચેરીનાં ધક્કા ખાઈ શકે. અને સુપ્રીમ કોર્ટનાં વકીલની ફી સાંભળો તો તો બેહોશ થઈ જવાય. રેંજીપેંજીનું એ કામ નહીં. મેંગોમેનને એ ક્યાંથી પોષાય? અને આમ અને એટલે, નિયમાનુસાર ઘરનું ઘર હોવું દૂભર છે. અનહોલીમાં ‘અન’ એટલે નહીં અને ‘હોલી’ એટલે પવિત્ર, પાક, પુનિત, નૈતિક કે આધ્યાત્મિક દૃષ્ટિએ શ્રેષ્ઠ કોટિનું, દેવાર્પિત. અનહોલી એટલે અપવિત્ર, નાપાક, દુષ્ટ, ભયંકર. યુરોપિયન બોલીમાં ઓલ્ડ ઇંગ્લિશમાં ‘હેલિગ’ એટલે અભિષિક્ત પવિત્ર, ધર્મસંબંધી. એ પરથી શબ્દ આવ્યો ‘હોલી’ અને જે હોલી ન હોય એ અનહોલી. અપવિત્ર. ‘નેક્સસ’ શબ્દનું મૂળ લેટિન ભાષા છે. અર્થ થાય છે, એ વસ્તુ જે જોડે છે, બાંધી રાખે છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર નેક્સસ એટલે બંધન, સંબંધ, સાંકળ, કડી, જોડાણ. નેક્સસનું હોવું એ તો સારી વાત છે. સમાજમાં આપણે બધા એકમેક પર આધારિત તો છીએ જ. પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે આ જોડાણ અપવિત્ર હોય. સાઠગાંઠ પણ આમ તો સારી વાત છે. પણ અગાઉ કહ્યું એમ, આ શબ્દમાં જ અપવિત્રતાની નઠારી વાસ આવે છે. સાઠગાંઠ કયા નથી? ડોક્ટર્સ અને ફાર્માસ્યુટિકલ્સ વચ્ચે સાઠગાંઠ છે. પેશન્ટ્સનો મરો થાય છે. કેટલાંક ચોક્કસ મીડિયાને સરકાર પાળે છે, પોષે છે અને બદલામાં એ મીડિયા સરકારને પોશ પોશ પોરસાવે છે, એ સાઠગાંઠ નથી તો બીજું શું છે? શૈક્ષણિક સંસ્થાઓ ગણવેશ, પુસ્તકો વગેરે વેચે છે એ તેઓની વ્યાપારીઓ સાથેની સાઠગાંઠ છે. ધર્મનાં ગુરુઓ અને ધર્મનાં ઠેકેદારો વચ્ચે સાઠગાંઠ છે. આ સાઠગાંઠ સાલી કોઈને ગાંઠતી નથી. ચાર્ટડ એકાઉન્ટ્સ ઇન્કમટેક્સ ઓફિસર્સ સાથે, ક્રિમિનલ લોયર્સ પોલિસ ઓફિસર્સ સાથે, આર્કિટેક્સ ટાઉન પ્લાનર્સ સાથે અનહોલી નેક્સસ ધરાવે છે. એનજીઓ જે સરકારની નીતિનો વિરોધ કરે છે એ પણ વિદેશી ફંડનાં ફંડા છે, હાથકંડા છે. હમ સબ ચોર હૈ- એવું જાણે સાવ તો નથી પણ.. ઘણાં છે તે છે. આ ભ્રષ્ટ આચાર છે. આ ભ્રષ્ટ વિચાર છે. આ અનહોલી નેક્સસની ગંગોત્રી રાજકારણ છે. બિગ કોર્પોરેટ્સ અને ગવર્નમેન્ટ વચ્ચે સહશયનનો સંબંધ છે. ચોરેચૌટે ચોર બેઠાં છે. સઘળું અપવિત્ર છે. આપણે શું કરી શકીએ? આપણે સાચું કહીએ. જો એવી તાકાત ન હોય તો આપણે એને ટેકો આપીએ, જે સાચું કહે. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે, એવું લેક્ટોમીટર તમને મળી જાય એવી શુભેચ્છા. શબ્દ શેષ: “માય બોય, આપણે જાત્રાળુઓ છઈએ અપવિત્ર ભૂમિનાં.” –સીન કોનેરી, ઇન્ડિયાના જોન્સ

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.