અલ્ટ્રાક્રેપિડેરિઅન: તજજ્ઞ નથી પણ સલાહ તો હું દઇશ જ..
બૅન શાપિરો અમેરિકન પોલિટિકલ કોમેન્ટેટર/મીડિયા હોસ્ટ છે. અનેક પુસ્તકો લખી ચૂક્યા છે. જમણેરી રાજકારણનાં હિમાયતી છે. એટલે એમ કે તેઓ સામ્યવાદ કે સમાજવાદનાં વિરોધી છે. તેઓ માને છે કે જ્યાં મુક્ત સ્પર્ધા હોય એ વાતાવરણમાં જ વિકાસ થઈ શકે. અઢારમી સદીમાં ફ્રેંચ ક્રાંતિ સમયે લેફ્ટ વિંગ અને રાઇટ વિંગ પોલિટિક્સ શબ્દો અસ્તિત્વમાં આવ્યા. ફ્રાન્સની લોકસભા(એસ્ટેટ્સ જનરલ)માં એવા સભ્યો હતા જે રૂઢિચુસ્ત નીતિનાં વિરોધી હતા. તેઓની સીટિંગ એરેન્જમેન્ટ ડાબી બાજુ હતી. એટલે એ બધા ડાબેરી કહેવાયા. બાકીનાં રૂઢિચુસ્તો કહેવાયા જમણેરી. બૅન શાપિરો પોતે જમણેરી છે અને તેઓનું આ વર્ષનું ચોથું બેસ્ટસેલર પુસ્તક છે: ‘ઑથૉરિટેઅરિઅન મોમેન્ટ’. ગુજરાતી લેક્સિકોન અનુસાર ઑથૉરિટેઅરિઅન એટલે સ્થાપિત સત્તાની આજ્ઞા પાળવાના પક્ષનું, સરમુખત્યાર, આપખુદ વ્યક્તિ. હું કહું ઈ જ હાચું!! સામાન્ય રીતે જમણેરી વિચારસરણી ધરાવતા લોકો ઑથૉરિટેઅરિઅન હોય છે. પણ બૅન શાપિરો આ પુસ્તકમાં દલીલ કરે છે કે ડાબેરીઓ ઓછા ઑથૉરિટેઅરિઅન નથી. તેઓ માને છે કે અમેરિકામાં ઘણાં સંસ્થાનો છે જે હાલ ડાબેરીઓનાં કબજામાં છે અને તે મુક્ત થવા જોઈએ. બૅનભાઈ અહીં એક સરસ શબ્દપ્રયોગ કરે છે: અલ્ટ્રાક્રેપિડેરિઅન (Ultracrepidarian). તેઓ કહે છે ડાબેરીઓની સરમુખત્યારશાહી આ શબ્દમાંથી પ્રગટ થઈ છે. ગુજરાતી લેક્સિકોનમાં આ શબ્દ નથી. અમેરિકાની પ્રતિષ્ઠિત મેરિયમ-વેબ્સ્ટર ડિક્સનરીમાં પણ આ શબ્દ નથી. ડિક્સનરી. કોમ અનુસાર એનો અર્થ થાય છે વધારે પડતો આત્મવિશ્વાસ ધરાવતી એવી વ્યક્તિ જે સલાહ આપે, અભિપ્રાય આપે, પરખ કરે, ટીકા કરે એવા વિષયમાં જે બાબતે એને પોતાને કશી જ ખબર નથી, કોઈ જ્ઞાન નથી. તેઓ એ વિષેનાં તજજ્ઞ નથી. બૅનભાઈ માને છે કે સામ્યવાદી કે સમાજવાદી લોકોમાં આપખુદશાહી ત્યારે પ્રગટ થાય છે, જ્યારે તેઓ જાણ્યા વિના, સમજ્યા વિના પોતાનો જ કક્કો ખરાનો દાવો કર્યા કરે. અરે ભાઈ! તમને વિષયની કાંઈ ખબર છે કે બસ, આમ જ અમસ્તા અમસ્તા હવામાં ગોળીબાર કર્યે રાખો છો.
कभी कभी यूँ भी हमने अपने जी को बहलाया है
जिन बातों को ख़ुद नहीं समझे औरों को समझाया है -निदा फ़ाज़ली
‘અલ્ટ્રાક્રેપિડેરિઅન’ શબ્દની વાર્તા કૈંક આવી છે. પ્રાચીન ગ્રીક ચિત્રકાર એપેલીઝે મહાન સિકંદરનું એક ચિત્ર બનાવ્યું અને જાહેરમાં ડિસ્પ્લે કર્યું. લોકો પાસે સલાહ સૂચન માંગ્યા. એક મોચીએ એ જોયું. એણે ચિત્રકાર એપેલીઝનું ધ્યાન દોર્યું કે સિકંદરનાં પગમાં જે
સેન્ડલ છે એનાં જેટલાં લૂપ હોવા જોઈએ એનાં કરતાં આ ચિત્રમાં ઓછાં લૂપ દોરાયા છે. ચિત્રકારે મોચીનો આભાર માન્યો અને ચિત્રમાં દોરેલાં પગનાં સેન્ડલમાં જરૂરી સુધારા વધારા કર્યા. મોચીને તો પછી રીતસરની ચાનક ચઢી. એને થયું કે હું તો એમ.બી. એ. (મને બધું આવડે!). એટલે એણે સિકંદરનાં પગ અને વસ્ત્રોમાં વાંધા કાઢવાનું શરૂ કર્યું. ચિત્રકારે કીધું, “સૂટઑર, ‘ને અલ્ટ્રા ક્રેપિડમ.” આ વાર્તા રોમન લેખક ફિલસૂફ પ્લિની ધ એલ્ડરે કહી હતી એટલે આ લેટિન શબ્દો છે અને એનું ગુજરાતી કરીએ તો, “મોચી, સેન્ડલની ઉપર નહીં.” હે મોચી, તારી કાબેલિયત પગનાં સેન્ડલ સુધીની છે, એનાથી ઉપર જવાની કે ઉપર જઈને વટ પાડવાની કોશિશ કરીશ નહીં. આ ઘટનાનાં ઘણાં વર્ષો બાદ એક બ્રિટિશ નિબંધકાર વિલિયમ હેઝલિટ (૧૭૭૮-૧૮૩૦)નાં એક નિબંધની ટીકા ‘ક્વાર્ટરલી રીવ્યૂ’ મેગેઝિનમાં છપાઈ. જવાબમાં નિબંધકારે મેગેઝિનનાં તંત્રીને ખખડાવીને પત્ર લખ્યો. લખ્યું કે જે કોઈ પ્રસ્તુત વિષયનાં જ્ઞાન વગર સર્જકની ટીકા કરે એ ટીકાકાર અલ્ટ્રાક્રેપિડેરિઅન તરીકે ઓળખાવા જોઈએ. અને પ્રથમ વાર ‘અલ્ટ્રાક્રેપિડેરિઅન’ શબ્દનું સર્જન થયું. ‘અલ્ટ્રા’ એટલે ઉપર, મર્યાદા બહાર કે પહોંચની બહાર. અને ‘ક્રેપિડા’ એટલે સેન્ડલ. ‘ક્રેપિડેરિયસ’ એટલે સેન્ડલનો સીવનારો ઉર્ફે મોચી. મોચીએ સેન્ડલથી ઉપર જવું નહીં. જે વાતનું કોઈ જ્ઞાન નથી એ જ્ઞાન વહેંચવાની કૃપા ન કરશો, પ્લીઝ! અલબત્ત સામ્યવાદનાં પ્રણેતા કાલ માર્કસ આને નોનસેન્સ કહેતા. જો મૂળ ઘડિયાળી એવા જેમ્સ વૉટ સ્ટીમ એન્જીન (વરાળથી ચાલતું એન્જીન), મૂળ હજામ એવા રિચાર્ડ આર્કરાઈટ થ્રોસલ મશીન (રૂ કે ઊનમાંથી રેસા વણવાનો ઔદ્યોગિક ચરખો) કે મૂળ સોની એવા રોબર્ટ ફૂલ્ટન સ્ટીમશિપ (આગબોટ)ની શોધ કરી શકતા હોય તો મોચી પણ કહી શકે કે આ ચિત્રમાં સેન્ડલ સિવાય પણ, આ અને આ અને આ….. ખામીઓ છે. જો કે અમને લાગે છે કે સલાહ આપતા પહેલાં વિચારી તો લેવું. પાદવાની પહોંચ ન હોય તો તોપખાનામાં નામ ન લખાવાય. હેં ને?
વર્ષો પહેલાં મહાન નાટ્યકાર પ્રવિણ જોશીનું ‘મોસમ છલકે’ નામનું એક અદભૂત નાટક આવ્યું હતું. એક પુરુષ અને એક સ્ત્રી, બંને પરિણીત પણ એકબીજા સાથે નહીં. તેઓ નક્કી કરે છે કે દર વર્ષે એક વાર હોટલમાં આમ ચોરીછૂપી રાત ગુજારવી. ઘણાં વર્ષો સુધી આ સિલસિલો ચાલે છે. વર્ષનો એ જ દિવસ, એ જ હોટલ, એ જ રૂમ, એ જ પલંગ. ટીકાકારોએ આ નાટકને ગટર છલકે-નું ઉપનામ પણ દીધું હતું. એક ટીકાકારે તો લખ્યું કે અહીં દર વર્ષની વાત પણ આટલાં વર્ષો છતાં પલંગનો ચળકાટ એવો ને એવો જ કેમ? કાટ ન લાગે? મને લાગે છે કે આ અલ્ટ્રાક્રેપિડેરિઅન ટીકાકાર કહેવાય. પ્રવિણ જોશીએ જો કે જવાબમાં કહ્યું હતું કે એક સમયે મોસ્કોમાં બૂટ, ચપ્પલ, સેન્ડલનો દુકાળ પડ્યો અને ત્યારે મેરિલીન મનરો માત્ર જન્મદિવસનાં પોશાકમાં પણ પગમાં સેન્ડલ પહેરીને રેડસ્ક્વેર ઉપર ફરવા નીકળી હતી. અને ત્યારે આખું મોસ્કો મેરિલીન મનરોનાં સેન્ડલ જ જોતું હતું!
કશી ખબર નથી, જ્ઞાન નથી એ વિષયમાં લોકોને સલાહ કોણ આપે? રાજકારણીનું નામ પહેલાં આવે. પણ આપણે તો માણસની વાત કરીએ. સામાન્ય માણસની. કોઈ સર્વજ્ઞાની નથી. માટે કોઈને સલાહ આપવી નહીં, ટીકા કરવી નહીં, કશું ય ધારી લેવું નહીં, કશું ય માની લેવું નહીં, કશું ય કલ્પી લેવું નહીં. અને જો સલાહ આપવાની થાય કે ટીકા કરવાની હોય તો ત્યારે જ કરવી જ્યારે કોઈ માંગે, ઈચ્છે, એની પૃચ્છા કરે. અને એક ફરજિયાત શરત. જાણો તો જ આપો. અંધારામાં તીર.. નહીં તો તુક્કો?- રહેવા દો, ભાઈ! મનમાં બહુ અભરખાં હોય, જ્ઞાન બાંટવાની તાલાવેલી હોય તો પાનનાં ગલ્લે જઈને રાજકારણીને ગાળ દઈ આવવી. સોશિયલ મીડિયા પણ પાનનો ગલ્લો જ છે, ભાઈ. મનની ભડાસ ત્યાં કાઢી લેવી. ઇતિ.
શબ્દ શેષ:
“જે લોકો નાની અને ક્ષુલ્લક બાબતોમાં વાંધો કાઢે એ અલ્ટ્રાક્રેપિડેરિઅન ટીકાકાર તરીકે ઓળખાવા જોઈએ.” – નિબંધકાર વિલિયમ હેઝલિટ