ગાર્બિજ સવાર સવારમાં ચાંદનો ટુકડો અહીં શું કરે છે?નિનાદની નજર સામેના ઘરે અવનવા વળાંક સાથે બારીબારણાં ઝાટકતી ભવ્યા પર પડી. માંડ ત્રણ દિવસ પહેલાં જ અમેરિકાથી પરણવા માટે કાકાના ઘરે પધારેલા નિનાદનું ઊંઘનું સાયકલ હજુ સેટ થયું ન હતું. એને સમી સાંજથી ઝોંકાં આવતાં હતાં અને લગભગ મળસ્કે એ જાગી જતો. બધા ઊંઘતા હોય ત્યારે ઉપર અગાસીમાં જઈ એ સવાર સુધી આંટા મારતો. ત્યાં જ એણે ધૂળનો ઊધડો લેતી ભવ્યાની મોહક અદા જોઈ. બ્રેકફાસ્ટ ટેબલ પર જ એણે કાકાકાકીને ભવ્યા વિશે પૂછ્યું. કાકીએ તો ઉત્સાહમાં આવી પડોશીધર્મ બજાવ્યો. ‘ઓહો, એ તો અમારાં કલાબહેનની ભાવુ! એમાં કંઈ જોવાપણું નથી. એના તો રૂપ સાથે ગુણ પણ ચડસાચડસી કરે.’ઠરેલ કાકાએ પણ બધી જ રીતે યોગ્યતાની સંમતિ દર્શાવી. હવે વાત સમોસામ જ ચાલવાની હતી. એ મખમલી સવારે ભવ્યાની ભવ્યતા પર પડેલી નિનાદની એક નજરે અગાઉથી નિર્ધારિત ગ્રીનકાર્ડ હોલ્ડર માટે થનગનતી કેટલીય કન્યાઓનો કન્યાદર્શન કાર્યક્રમ રદ કરાવ્યો.આ તરફ તો ભવ્યાને પરદેશ જવાનો બિલકુલ મોહ ન હતો. “ના, લતાકાકી, મમ્મીપપ્પા કે વહાલા ભઈલાને છોડીને જવું પડેને પછી તો કેટલાંય વર્ષે મળાય, ના, બાબા ના!” ભાવ્યાએ હરખપદુડા નિનાદના કાકીને ઝડપથી જવાબ આપી દીધો. છેવટે મમ્મી, પપ્પા અને સહેલીઓની સમજાવટથી નિનાદ સાથે મુલાકાત માટે તૈયાર થઈ. મનોમન નક્કી જ કરીને ગઈ હતી કે ‘ના જ પાડીને આવીશ.’ પણ… વિવેકી સોહામણા નિનાદની એક ઝલક જ હૈયા સોંસરવી ઊતરી ગઈ. ‘ચટ મંગની પટ બ્યાહ’ કરીને ભવ્યા તો નિનાદ સાથે ઊડી ગઈ. માબાપે દિલ પર પથ્થર મૂકી દીકરીની ખુશી માટે એને વળાવી. પણ, ભવ્યને સતત યાદ આવતું હતું તેનું બાળપણ; મમ્મીનો પાલવ, પપ્પાનું વહાલ, લાડકા ભાઈનાં મસ્તીતોફાન, સખીઓ સાથેની ગુસપુસ વાતો, એનું ઘર, ગલી, ચોક ને હિંચકો. ખરી છેને મમ્મી, બેચાર વરસાદની છાંટ પડી ન પડીને એ ઝાંપા સુધી દોડતી છત્રી લઈને “બેટા, છત્રી તો લેતી જા. અરે! કંઈ ખાધું જ નથી. લે, લંચબોક્ષ.” “મમ્મી હવે કોલેજમાં ક્યાં એવું બધું લઈ જાઉં?” ને પપ્પા તો મને અઢાર પૂરાં થયાં ન થયાં ત્યાં તો સ્કૂટી લઈ આવેલા અને નાનકડો રાજન સ્કૂલની રોજની દાસ્તાન રજૂ કરે મારી સામે એક્ટિંગ સહિત. હું સ્કૂલકોલેજમાં કેટલીય પ્રવૃત્તિઓમાં ભાગ લેતી ને ઇનામો મેળવતી. પપ્પાને ગૌરવ થાય. મમ્મી પણ ખુશ છતાં ટોકે, “બહુ ચગાવી ના મુકાય દીકરીને. હવે માંડ ત્રણચાર વર્ષ આપણી પાસે છે.” પપ્પા તરત જ બોલી પડતા, “ના રે ના, મારી લાડલીને હું ક્યારેય જવા નહીં દઉં.” મમ્મીપપ્પાની નાનકડી તુંતુંમેંમેંમાં પણ હું મોટેભાગે પપ્પાનો પક્ષ લેતી. મને ચા બનાવતાં આવડતી થઈ ત્યારથી પપ્પા મારા હાથની ચા પીતા. તોય મમ્મી વગર મને એક પળ ન ચાલતું. કેટલીય વાર થાય કે એડવાન્સ ગણાતા કન્ટ્રીમાં થતી હોય તો હું પાલવની ખેતી કરું. મમ્મીના લહેરાતા પાલવનાં ખેતર હોય. એના છાંયડે બેસી રહું. પાલવથી અણજાણ અમેરિકન લોકો એનું પણ મૂલ્ય આંકી વેચે એવા છે. ભવ્યાએ આવીને આવી કેટલીય યાદોંને સહારે દસ વર્ષ કાઢી નાંખ્યાં. કેટલીય વાર બારડોલી આવવાનું નક્કી કરે પણ નિનાદની બિઝનેસમાં વ્યસ્તતા અને બે નાનાં બાળકો સાથે નીકળી નહોતી શકતી. વળી, સાસુમાની કેન્સર જેવી ગંભીર બીમારીને કારણે એકના એક ભાઈના લગ્ન વખતે પણ આવી શકી નહતી એટલે પિયર આવવા તલસી રહેલી ભવ્યાને આ વખતે નિનાદે જ પાંચ વર્ષની દીકરી નેન્સી સાથે મોકલી હતી અને પોતે દીકરા નીલ સાથે લેવા આવશે એવું પ્રૉમિસ પણ આપ્યું હતું. ગાડી લઈને ખાસ લેવા આવેલાં ભાઈભાભી અને નાનકડી ભત્રીજી રિમઝિમ સાથે અવનવી વાતોમાં મુંબઈ-બારડોલીનું અંતર ઝડપથી કપાઈ ગયું. ઢળતી સાંજે ઘરે પહોંચ્યા ત્યારે તો ગાડીમાંથી કૂદી જ પડી. બહાર હિંચકા પર કાગના ડોળે રાહ જોતી મમ્મીને વળગી પડી. પેપર વાંચતા પપ્પા પણ પેપર ફેંકી દોડી આવ્યા. “ભાવુ બેટા, આવી ગઈ?” દસ વર્ષ પત્રો, ફોટા, ફોનથી મળાતું પણ રૂબરૂ મેળાપ આજે થયો. પપ્પા રિટાયર થઈ ચૂક્યા હતા. તબિયતે સ્વસ્થ હતા અને મમ્મીના ચહેરા પર થોડી કરચલી સિવાય ઝાઝો ફેર ન હતો. ઘરમાં ગઈ, થયું, ‘મારું ઘર! એ જ બારી, એ જ ખૂણા, એ જ ભીંત પણ રંગ તાજો લાગે છે ને બારસાખ તો નવાનકોર પડદા પહેરી ઊભી છે. મેં પેચવર્ક કરી બનાવેલા પડદા જૂના થઈ ગયા હશે. કેટલીય વાર એણે અંદર બહાર કર્યું. આંગણું, તુલસીક્યારો, વાડો, ચોકડી, ટગર, કરેણ, જાસૂદ બધાને ધ્યાનથી નીરખી નીરખીને જોતી રહી, જાણે કશું ખોવાયેલ શોધતી ન હોય! “ચાલો દીદી, ફ્રેશ થઈ જાઓ. પહેલાં જમી લઈએ પછી લેટ થઈ જશે.” પૂર્વાએ માનપૂર્વક કહ્યું.ભવ્યાએ પૂછ્યું, “મમ્મી, ખાસ શું બનાવ્યું છે? ખીચડી, રોટલો, સળંગદાળ, લસણની ચટણી…” “બેટા, હવે તને ને નેન્સીને એ બધું કદાચ ન ફાવે એમ વિચારીને રાજન હોટલમાંથી ચાઈનીઝ ને થાઇડિશ લઈ આવ્યો છે.” “ને ભાણીબહેન માટે બ્રેડબટર, ટોસ્ટ, નુડલ્સ છે. બ્રિસ્લેરી વૉટરનું પણ આખું કાર્ટન જ મંગાવ્યું છે. રાજનમામા બોલ્યા. ભવ્યાએ કંઇક જુદું ધારેલું; ડ્રોઇંગરૂમમાં બધા વર્તુળાકારે બેસીને ખાઈશું ને છેલ્લે મેથિયા અથાણાની ચીરી ચગળતી ચગળતી હીંચકા ખાઈશ. જમીને હીંચકા ખાવા ઓટલે આવી પણ આ શું? ઓટલો તો ત્રણ બાજુ લોખંડની જાળી લગાવી બંધ કર્યો છે. મોટા હીંચકા કઈ રીતે ખાવા? ચહેરો વાંચતા મમ્મીએ કહ્યું, “ભાવુ, અહીં તો હવે ધોળે દહાડેય ચોરીનો ભય રહે. રાજ અને પૂર્વા નોકરીએ જાય અને અમે રિમઝિમ જોડે એકલા.” ત્યાં રાજને બૂમ પાડી, “મોટી બહેન, તમારી પથારી અહીં કરી છે. ફાવશેને?”“અરે રાજુ! આ તો તારો બેડરૂમ છે. તું અને પૂર્વા ક્યાં સુવાના?”“અમે ડ્રોઇંગરૂમમાં સૂઈ જઈશું, દીદી. તમે ખૂબ થાકેલા હશો. વળી, તમે ત્યાંની સગવડથી ટેવાયેલા. અમે ફોટામાં તમારું ઘર, કિચન, બેડરૂમ, કિડ્સરૂમ બધું જ જોયું છે. કેટલું સરસ છે! નહીં? આ આપણા ઘર જેટલો તો તમારો હૉલ જ હશે! નહીં?” ભવ્યાને થયું, ‘આ હરખઘેલી ભાભીને શું કહું? મારે તો બધાની સાથે ગપ્પા મારતા મારતા ગાદલાં પાથરી નીચે સૂવું હતું.’ ભવ્યા સવારે વહેલી ઊઠી ગઈ. કિચનમાં જઈ ગરમાગરમ મસાલેદાર ચા બનાવી. “મમ્મી, પપ્પા ક્યાં ગયા? પહેલાં તો મારા હાથની ચાથી એમના દિવસની શરૂઆત કરતા, નહિ?” “દીકરા, પપ્પા મોર્નિંગ વૉક માટે ગયા છે. હવે એમને એસિડિટી વધુ રહે છે તેથી ચા છોડી ફક્ત ઠંડું દૂધ પી લે છે. ફરી ભવ્યા ચુપ. પૂર્વા ઊઠી ગઈ હતી. “ગુડ મોર્નિંગ દીદી, પૂર્વા ટહુકી.“જો પૂર્વા, હું છું ત્યાં સુધી હું રસોડું સંભાળીશ. તું જોબ પર જવાની તૈયારી કર.”“ના રે દીદી, મેં અને રાજને તો જીજુનો ફોન આવેલો ત્યારથી જ રજાની વ્યવસ્થા કરી દીધી હતી. આપણે કાલે જ મહાબળેશ્વર-ગોવા જઈએ છીએ અને જીજુ ને નીલુ આવે પછી ઊટી-મૈસુર જઈશું.”ફરીને આવ્યાને બીજે જ દિવસે નિનાદ ને નીલ આવી ગયા. બપોરે બધા આરામ કરતા હતા ત્યારે એ ટેબલ લઈને માળિયા પર ચડી. એ વિચારે કે કદાચ મળી જાય જુના સાથીયાના રંગ, દિવાળીના કોડિયાં. ગોરમાની છાબ… પણ એને ખબર નહોતી કે એનું સ્થાન સ્ટિકરે, ડેકોરેટિવ લાઈટના તોરણે અને ગોરમાની રેડીમેઈડ ટોપલીએ લઈ લીધું હશે. જૂનાં વાસણો, સિલાઈ મશીન, પટારો, જુના રૂનું પોટલું વગેરે દેખાતું હતું. પટારા ઉપરની શેતરંજી હટાવી તો ખુશ થઈ ગઈ. ઍલ્યુમિનિઅમના પતરાની સ્કૂલબેગ હતી. ખોલીને જોયું તો એમાં પાંચિકા, બંગડીના કાચ, આભલાં, શંખ, કોડીઓ, ચણોઠી, પીંછા, જુના ગ્રીટિંગ કાર્ડ, રંગીન પથ્થરો વગેરે બધું જ અકબંધ હતું. એ ફટાફટ ઊતરી, જાણે કોઈ ખજાનો હાથ ન લાગી ગયો હોય! એણે પોતાની બેગમાં એ બેગ સરકાવી દીધી. દોડધામમાં મહિનો પતી ગયો ને વિદાયની વેળા આવી. પાંચ મિનિટ એ કોઈને કહ્યા વગર ફળિયાના ચોકમાં દોડી ગઈ. વચ્ચોવચ એક થાંભલો હતો. ત્યાં તે સહેલીઓ સાથે લંગડી, ઊભી ખો ને ફૂદરડી રમતી અને એની પ્રિય રમત હતી થપ્પો. એ થાંભલાને હાથ ફેરવી થપ્પો મારવા જતી હતી ત્યાં જ પૂર્વા આવી, “દીદી, શું શોધો છો? જીજુ ઉતાવળ કરે છે, ચાલોને.”ભવ્યાએ આવવું પડ્યું. ફરી ઘરમાં ગઈ. હજી પણ એને થતું હતું કે અહીં એ ભણતી, અહીં રમતી, અહીં ઊંઘતી, અહીં ભઈલા સાથે ઝઘડતી, અહીં તો મમ્મી તેલ નાખી માથું ઓળી દેતી ને અહીં તો પપ્પા…. “મોટી બહેન…” ફરી રાજને બૂમ પાડી. એને થયું મહિનો વીતી ગયો તોય મમ્મીપપ્પાને જાણે મળી જ નથી. એ બંનેને વળગી પડી. છ આંખોમાં આંસુ ઊમટી પડ્યાં. એ લૂછવાનો પણ સમય ન રહ્યો. બધા ગાડીમાં ગોઠવાઈ ગયા હતા, ફક્ત એની જ રાહ જોવાતી હતી. બેઠા પછી મમ્મીપપ્પા તરફ જોવાતું પણ ન હતું ને ભારેખમ થઈ ગયેલ હાથ આવજો કરવા ઊઠતો પણ ન હતો. ‘હવે હું ક્યારે જઈશ આ રાહ જોતી ઉદાસ ચાર આંખો!’ ગાડીએ ટર્ન લીધો ત્યાં સુધી હાલતા રહેલા મમ્મીપપ્પાના હાથને એ જોતી રહી. ત્રણ દિવસ બાદ અમેરિકા પહોંચી. નીલભાઈ બધાની બેગ ખાલી કરી ગોઠવવા લાગ્યા ત્યાં પતરાની સ્કૂલબેગ ખોલીને જોઈ. એણે બૂમ પાડી, “મમ્મા, ઇઝ ધિસ ગાર્બિજ?”“નો…” કહીને ભવ્યાએ બેગ આંચકી લીધી. એને ડર લાગ્યો કે માંડ જરા જેટલું હાથ લાગેલું બાળપણ થપ્પો આપીને અમેરિકાની કચરાપેટીમાં તો નહીં જતું રહેને?”.લેખિકા : યામિની વ્યાસ