પેગાસસ: ઊડતો ઘોડો એક રાજેકા બેટા લેકર ઊડનેવાલા ઘોડા દેશ-દેશકી સૈર કી ખાતિર અપને ઘરસે નિકલા.. (કેદાર શર્મા, કે. એલ. સાયગલ, ફિલ્મ: પ્રેસિડન્ટ-૧૯૩૭) ચકલી ઊડે.. કાગડો ઊડે.. કબૂતર ઊડે.. ઘોડો ઊડે.. ના રે ના! પણ અહીં તો ઊડે. હા, આ ઊડતો ઘોડો છે. પેગાસસ એવો ઘોડો છે જે શ્વેત છે, જેને પાંખો છે અને ઊડે છે. એની ઊડાન એટલી છે કે આપણે કાંઈ પણ ન કરીએ તો ય એ ઊડીને આવે અને આપણાં મોબાઈલ ફોનમાં ઘૂસી જાય અને પછી આપણાં જ મોબાઈલફોન કેમેરાથી આપણું લાઈવ દર્શન કરે, આપણાં જ મોબાઈલફોન વોઇસ રેકોર્ડરથી આપણી બધી કાલી ઘેલી વાતો રેકોર્ડ કરે. આપણું કશું ય પછી ખાનગી ન રહે. આપણી ઈચ્છા, આપણી તાસીર, આપણું આયોજન જોજનો દૂર સત્તા-ધારકોને પહોંચી જાય. આ સત્તા બડો પેચીદો શબ્દ છે. શું સત્તા માત્ર રાજકારણીઓ પાસે જ હોય છે? ના રે ના. ભગવદ્ગોમંડલ અનુસાર સત્તા એટલે અસ્તિત્વ; હોવાપણું; હયાતી; હોવું તે. સત્તા એટલે ધણીપણું; સ્વામિત્વ; માલિકી. સત્તા એટલે બળ; જોર; કૌવત; શક્તિ. મારી બધી વાત કોઈ ને કોઈ સત્તાધીશ સાંભળે, જાણે અને પછી મારો ગેરલાભ લેય. આપણો ફોન સ્માર્ટ અને આપણે? ડમ્બ. ડમ્બ એટલે મંદબુદ્ધિ, મૂરખ. ડમ્બ, ડમ્બ ડીગા ડીગા.. પણ મેંગો મેનને ચિંતા નથી. આ બધુ મોટા માણસો માટે થાય. મને શું? મારું શું? પેગાસસ સ્પાયવેર સ્કેન્ડલ બાબતે વિરોધ પક્ષ કહે છે કે બીજેપી એટલે ભારતીય જાસૂસ પાર્ટી. ગૃહપ્રધાન અમીત શાહ કહે છે કે આપ ક્રોનોલૉજી (ઘટનાક્રમ) સમજીએ. સંસદનાં ચોમાસું સત્રને એક દિવસ પહેલાં અમુક જ બાબતો કેમ લીક થઈ? પણ એ વાત જવા દો . આપણે પેગાસસ શબ્દની વાત અહીં કરવી છે. પેગાસસ (Pegasus) શબ્દનું મૂળ ગ્રીક પુરાણ છે. બાર ગ્રીક દેવદેવીઓ (ટ્વેલ્વ ઓલમ્પિયન્સ) પૈકીનાં એક એવા સમુદ્રનાં દેવ એટલે પોસાઈડોન. અને એક હતી રાક્ષસી મેડ્યુસા. આમ રાક્ષસી પણ… મૂળ એ હતી એક અતિ સુંદર નારી. બંને મળ્યા. પ્રેમમાં પડ્યા. અને પછી…. બાર ગ્રીક દેવદેવીઓ પૈકીની એક, પોસાઈડોનની ભત્રીજી અને ડહાપણની દેવી, એથેનાનાં મંદિરમાં પોસાઈડોન અને મેડ્યુસા બંનેએ સંભોગ કર્યો. દેવી એથેનાને આ અજુગતું લાગ્યું અને એણે મેડ્યુસાને સજા ફરમાવી કે આ તારા સુંદર વાળની જગ્યાએ હવે ઝેરી સર્પ આવી જશે. અને આમ મેડ્યુસા એનાં ગૉર્ગન બની ગઈ. ગૉર્ગન એટલે ભયંકર અથવા નફરત પેદા કરનાર સ્ત્રી, પાંખોવાળી અને આંખે ડિલે વાળને ઠેકાણે ફૂંફાડા મારતા સર્પોથી ભરેલી એક વિકરાળ રાક્ષસી. માણસને જુએ તો એક નજરથી એને પથ્થર બનાવી શકે. હવે બીજી તરફ એક સેરિફોસ દ્વીપનાં કિનારે એક ડાને નામની સ્ત્રી અને એનો નાનકડો દીકરો પર્સિયસ તણાઈ આવે છે. વૃદ્ધ રાજા પોલિડેકટ્સ યુવા ડાનેનાં પ્રેમમાં પડે છે. પણ દીકરો પર્સિયસ માતાનું રક્ષણ કરતો રહે છે. પોલિડેકટ્સ યુક્તિ રચે છે. એ કોઈ બીજી સ્ત્રી સાથે લગ્ન કરવાની ખોટી ખોટી તૈયારી કરે છે. બધાને કહે છે કે મને લગ્નમાં શું ભેટ આપશો? જાત જાતનાં ઘોડાઓ ભેટમાં મળે છે પણ પર્સિયસ જે હવે યુવાન થઈ ગયો છે, એ શી ભેટ લાવશે? એક વાર પર્સિયસે કહ્યું હતું કે એ તો ગૉર્ગન મેડ્યુસાનું માથું કાપી લાવે. રાજા પોલિડેકટ્સ પર્સિયસને આદેશ કરે છે કે એમ જ કર. એને ખબર છે કે આ દુષ્કર કામ છે. પણ પર્સિયસ જાય છે અને મેડ્યુસાનું માથું વાઢે છે. એ સમયે મેડ્યુસા ગર્ભવતી હોય છે. કહે છે કે માથું વાઢયું ત્યારે નીકળતા લોહીમાંથી બે બાળકોનો જન્મ થયો, એક પેગાસસ અને બીજો ક્રિસેર. પેગાસસ સફેદ પાંખોવાળો ઘોડો છે. લોહી, પીડા અને દરિયાનાં ફીણ મોજાથી બનેલું એનું શરીર. આમ તો દરિયાનાં દેવ પોસાઈડોનનો જ દીકરો. એટલે ધરતી ઉપર જ્યાં પગની ખરીથી લાત મારે ત્યાં પાણીનું ઝરણું ફૂટે. પછી તો આગ ઓકતા રાક્ષસ ચિમેરા સાથેનાં યુદ્ધમાં એ વીર યોદ્ધા બેલેરોફોનને મદદ કરે છે. પેગાસસ શબ્દનાં મૂળમાં એક પૌરાણિક શબ્દ ‘પેગે’ છે જેનો અર્થ થાય છે કૂવો અથવા ઝરણું. પુરાણી લુવિયન ભાષામાં ‘પિહાસસ’નો અર્થ થાય છે આકાશી વીજળી. કહે છે કે ઝિયસને ‘થન્ડરબોલ્ટ’ પણ પેગાસસે લાવી આપી હતી. આમ આકાશનાં દેવ ઝિયસનો એ સૌથી વધારે પ્રીતિપાત્ર ઘોડો બને છે. એના માનમાં ઝિયસ એક નક્ષત્રને પેગાસસ નામ આપે છે. આજે પણ ઉત્તર ગોળાર્ધમાં ઊડતાં ઘોડા જેવું પેગાસસ નક્ષત્ર જોઈ શકાય છે. પેગાસસ સારો કે ખરાબ? સારા સાથે તટસ્થભાવ રાખે. જો સામેવાળો તટસ્થ હોય તો એની સાથે દોસ્તી નહીં કરે. પણ.. સામેવાળો દુષ્ટ હોય તો એનું ધનોતપનોત કાઢી નાંખે. આ ઇઝરાયેલી પેગાસસ સ્પાય સોફ્ટવેર પણ એવું જ છે. આ શબ્દ આવ્યો છે અને હવે સવાલ છે મારી પ્રાઈવસીનો. લોકો મારી પંચાત કરે, મારી અંગત વાતો જાણે અને પછી મને રમાડે, ઊંધા રવાડે ચઢાવે. પણ …આ ઈઝરાયેલી સોફ્ટવેર પેગાસસ અસલમાં ગુનેગારોની એક્ટિવિટી ઉપર ચાંપતી નજર રાખવા માટે જવાબદાર સરકારને વેચવામાં આવે છે. મને લાગે છે કે આંતકવાદી ઘટના જો અટકી શકે તો મારી પ્રાઈવસીકી ઐસી કે તૈસી. શબ્દ શેષ:“હું પ્રાઈવસી અને પ્રાઈવસીનાં અધિકારનો બેશક આદર કરું છું. પણ બીજી તરફ જોઈએ તો સરકારની સૌથી પ્રથમ ફરજ છે લોકોની સુરક્ષા.” – અમેરિકન રાજકારણી ફિલ ક્રેન