મંગળમેળ/યામિની વ્યાસ

મંગળમેળ“મેડમ, તમને વાંધો ન હોય તો એક પર્સનલ સવાલ પૂછું?”“બોલો.”“તમે પોલીસ ઇન્સ્પેક્ટરની આવી અઘરી નોકરી સાથે ઘર, બાળકો અને ઓફિસ કેવી રીતે સંભાળી લો છો?” ક્રાઈમબ્રાન્ચ ઓફિસર તરીકે ફરજ બજાવતી શ્લોકા વર્માને ઇન્ટરવ્યૂ લેનાર છોકરીએ ધીરે રહીને પ્રશ્ન પૂછ્યો. બધા સવાલોના જવાબો પિસ્તોલ ચાલતી હોય તે રીતે ફટાફટ આપતી શ્લોકા સહેજ અટકી. તેણે કદાચ આવા પ્રશ્નની અપેક્ષા નહોતી રાખી. જવાબ આપતા એ યાદોમાં ખોવાઈ ગઈ.શ્લોકા વર્મા સાઇબર ક્રાઇમ બ્રાન્ચના કેસોમાં એટલી વ્યસ્ત રહેતી કે બધું ભૂલીને રાતદિવસ બસ ફરજ માટે તૈયાર રહેતી. એ ક્યારે ત્રીસની થઈ ગઈ તેનું ધ્યાન જ ન રહ્યું. તે એકલી જ રહેતી હતી. માબાપ વતનમાં રહેતાં હતાં. ત્યાંથી તેઓ લગ્ન માટે ખૂબ દબાણ કરતાં હતાં, પરંતુ શ્લોકા ખાસ ધ્યાન આપતી નહોતી. નોન-ગુજરાતી શ્લોકા પૂરી ગુજરાતણ બની ગઈ હતી. એને અહીં ફાવી ગયું હતું. ગુજરાતી લોકોની ખાણીપીણી, રહેણીકરણી અને તેઓનો મીઠો સ્વભાવ તેને ગમતો હતો. આખરે મમ્મીપપ્પાએ તેના જન્મદિવસે વધુ દબાણ કરવાથી એણે કહ્યું, “સારું, હું અહીં જ ગુજરાતી છોકરો શોધી લઈશ.” માબાપને કંઈ જ વાંધો ન હતો. બસ એ પરણે, એનું ઘર વસાવે અને એને બાળકો થાય તેમાં જ રસ હતો. હવે ચોવીસ કલાક ફરજ પર રહેતી શ્લોકાને પોતાને માટે છોકરો શોધવાનું પણ કેટલું અઘરું હતું! સહકર્મચારીઓ પણ ઘણા બધા સુઝાવ આપતા પરંતુ શ્લોકાને કોઈ જ માફક નહોતો આવતો. આખરે શહેરના ખૂબ જાણીતા ‘મંગળમેળ મેરેજ બ્યૂરો’માં જવાનું કોઈએ સૂચવ્યું. તેઓ પૈસા વધુ લેતા પરંતુ ખૂબ સરસ રીતે કામ કરતા અને સુયોગ્ય મેચ કરી આપતા, કારણ કે ખૂબ ઝીણવટપૂર્વક બંને પાત્રોના પરિવાર,સગાંવહાલાં,અભ્યાસ, સ્વભાવ,રુચિ,પ્રકૃતિ, દેખાવ, કામકાજ વગેરેની તપાસ કરતા અને પછી સેટ થાય એવું લાગે તો જ મળવાનું ગોઠવી આપતા. ખૂબજ અનુભવી પતિપત્ની રંજનાબેન અને અશ્વિનભાઈ આ મંગળમેળ ચલાવતાં હતાં. એ કામ રંજનાબેને શરૂ કર્યું હતું અને અશ્વિનભાઈ પણ રિટાયર્ડ થયાં પછી તેમાં જોડાયા હતા. રંજનાબેને પહેલાં પોતાની જ્ઞાતિ માટે જ શરૂ કર્યું હતું, તેમને એમાં ખૂબ જ રસ હતો અને સફળ રહ્યાં હતાં.પછી લોકોનાં વારંવાર ભારપૂર્વક કહેવાથી તેમણે મંગળમેળ બ્યુરો બધાં માટે શરૂ કર્યો. પહેલાં તો જેમને મેચ કરીને પરણાવી આપ્યાં હતાં એમની બીજી પેઢી ઉંમરલાયક થઈ ગઈ હતી એમાંથી ય થોડાંને સુપાત્ર શોધી આપ્યાં હતાં. સદભાગ્યે એવું હતું- ને વળી તેઓ ગર્વથી કહેતાં પણ કે- તેમણે લગ્ન કરાવેલ કોઈપણ યુગલના ક્યારેય છૂટાછેડા નહોતા થયા. પહેલાં તો જન્માક્ષર બહાર જોવડાતાં પણ પછી તો અશ્વિનભાઈ જાતે જ જન્માક્ષર જોતાં. તેમની સાથે એમનો પૌત્ર ભિન્ન રહેતો. સૌથી નિરાળા એ બાળકનનું નામ પણ અશ્વિનદાદાએ જ પાડ્યું હતું. પણ વહાલથી એને ભીંનું કહેતા.એક જીવલેણ અકસ્માતમાં ભીંનુંએ મમ્મીપપ્પા અને દાદાદાદીએ એકનો એક પુત્ર, પુત્રવધુ ગુમાવ્યા પછી ભીંનું તેમની પાસે લાડકોડમાં ઉછર્યો.ભિન્ન નાનપણથી જ સ્વભાવે ભોળિયો કહી શકાય તેવો હતો. તેને ભણવાનું જરા પણ ન ગમતું. શાળામાં જતો જ નહીં, આનાકાની કરતો. દાદા જબરજસ્તી મૂકી આવતા તો બાજુમાં બગીચામાં બેસી રહેતો અને સમય થાય ત્યારે રીક્ષામાં પાછો આવી જતો. દાદાદાદી એવું સમજતાં કે તે શાળાએ જઈને આવ્યો છે. માંડ નવમાં ધોરણ સુધી ભણ્યો. પછી તો દસમા ધોરણની પરીક્ષા ચારેક ટ્રાયલ કરીને પાસ કરી ને ભણવાનું છોડી દીધું. દાદાદાદીને થયું કે, હવે કેમ કરવું? આમ પણ તેને દુનિયાદારીથી ઝાઝી ગતાગમ નહોતી.આટલાં ભણતરમાં નોકરી પણ કોણ આપે? પણ દાદાદાદી સાથે મંગળમેળનું કામ એને ફાવતું.દિલ દઈને એ કામ કરતો. શ્લોકાએ મંગળમેળમાં જઈને ફોર્મ ભર્યું. અશ્વિનભાઈ અને રંજનાબેને તેની ડિટેલ જાણી. કેવું પાત્ર જોઈએ એ બાબતે બધું પૂછી લીધું. અશ્વિનભાઈ અને રંજનાબેન એન.આર.આઈ કેસીસ લેતાં ન હતાં, કારણ કે તેમાં પૂરતી તપાસ કરવાનો અવકાશ રહે નહીં. એકવાર અરજી આવી જાય પછી તેઓ જે જે પાત્ર અનુકૂળ લાગે તેને ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરતાં અને વર્ષોથી કામ કરતાં તેથી ઘણાં બધાં કુટુંબો તેમને ઓળખતાં હતાં અને મદદ પણ કરતાં હતાં. તેઓ ઝીણવટભરી શોધ કરવાં ઘર કે ઓફિસની અણધારી મુલાકાતે પણ પહોંચી જતાં. એ માટે બેત્રણ છોકરાછોકરી તેમણે કામ પણ રાખ્યાં હતાં કે જે આ બધી કુશળતાપૂર્વક તપાસ કરતાં. ઘરનાં જ આંગણામાં હિંચકો અને ટેબલ ખુરશી મૂકીને આજુબાજુ વેલીઓ ઊગાડીને સરસ મજાની બેઠક વ્યવસ્થા સજાવી હતી. ત્યાં બંને તરફના પાત્રો આવીને બેસીને એકબીજાની મુલાકાત કરી શકે અથવા તો દૂર બગીચામાં જઈ શકે અથવા દરિયાકિનારે કે ક્યાંય પણ જઈ શકે તેની તેઓ વ્યવસ્થા કરતાં.તેઓને બહાર જવું હોય અથવા તો રેસ્ટોરન્ટમાં જવું હોય તો એ રીતની વ્યવસ્થા કરી આપતાં, તેઓ એકબીજાને શાંતિથી મળી શકે એનું અને બંનેની સુરક્ષા વિશે પણ તેઓ ધ્યાન રાખતાં. અને કેટલાય વખત પછી બધુ બરાબર છે તેવું ધ્યાનમાં આવે ત્યારે જ એકમેકને સૂચવતાં. અરે આટલો અભ્યાસ તો કદાચ ઘરનાં લોકો પણ ન કરી શકે. શ્લોકા માટે ઘણી બધી શોધ કરી પરંતુ પાત્ર શોધવામાં વાર લાગી.શ્લોકાની ઉંમર,નોકરી સેટ ન થાય કે એની પસંદગી મુજબ ન હોય.વળી એની કુંડળીમાં મંગળ.ને ઘણીવાર તો મળવા બોલાવે ત્યારેશ્લોકા જ ફરજ પરથી આવી ન શકે.છતાં એક પોલીસઓફિસર માટે મુરતિયો શોધવા મંગળમેળનો આખો પરિવાર મચી પડ્યો હતો ખૂબ મહેનત પછી ખૂબ સરસ મેચિંગ પાત્ર મળ્યું. એ શરદ બિઝનેસમેન હતો રંજનાબેને કહ્યું કે,તમે બધી રીતે એકબીજા માટે યોગ્ય છો અમે તો જોયું છે તમે એકબીજાને જોઈ લો.થોડી મુલાકાત બાદ બન્ને એકબીજાને પસંદ પડી ગયા. સરસ રીતે વિવાહ નક્કી થયા.દાદાદાદીને અને સર્વ મંગળમેળ ટીમને નિમંત્રણ હતું.બધાં ખૂબ ખુશ હતાં.શ્લોકાના સહકર્મચારીઓએ થોડા દિવસ રજાની વ્યવસ્થા પણ કરી આપી હતી કે, ‘ફરવાના દિવસો છે, મોજ કરો’પરંતું થોડા દિવસ પછી જુદું જ અનુભવાયું. શરદની વ્યસ્તતા અને શ્લોકાની રાતદિવસ ફરજ બાબતની એકબીજાને ખબર જ હતી જ. છતાં પણ લાગ્યું કે આ રીતે સાથે ન જીવી શકાય.પછી તો એકબીજાની ગેરહાજરી જ નહીં,એકબીજાની હાજરી પણ કંઈક અંશે એઓને ખલેલ પહોંચાડતી. આખરે બંને પોતપોતાની અનુમતિથી મંગળમેળમાં ગયાં અને ત્યાં જ વિવાહ ફોક કર્યાં. આવી ઘટના મંગળમેળમાં પહેલી વાર બની હતી. બધાં લાચાર હતાં એકબીજાને સોરી કહી શાંતિથી છુટાં પડ્યાં. પરંતુ અશ્વિનભાઈ અને રંજનાબેને બીડું ઝડપ્યું. તેમણે શ્લોકા ને શરદના પણ વિવાહ માટે યથાયોગ્ય પાત્ર શોધી આપવાની ખાતરી આપી. તેમણે પૈસા પાછા પણ આપી દીધા બન્નેએ લેવાની ના પાડી.બધાની આંખોનાં ખૂણા ભીનાં હતાં પણ થાય શું?આ બધું નવાઈ પમાડે એવું ધારણા બહારનું બની રહ્યું હતું. પરંતુ રંજનાબહેને બંનેને સમજાવી અન્ય પાત્રની શોધ માટે તૈયાર કરી દીધાં. થોડા સમય પછી શરદ માટે તો સુંદર સુયોગ્ય છોકરી મળી ગઈ.યોગાનુયોગ એનું નામ પૂનમ હતું.શરદપૂનમનો મેળ સરસ રીતે ઉજવાયો પણ ખરો.શ્લોકા માટે ઘણી શોધ કરી અને એક એન્જિનિયર મિહિર મળ્યો. દેખાવે પણ ખૂબ સરસ હતો અને બંનેની જોડી પણ અદ્ભુત લાગતી હતી. બંને ખૂબ ખુશખુશાલ હતાં. વધુ મનમેળ જોવાનો હતો, બધી વાત સરસ અને સંતોષપૂર્ણ થઈ હતી. આખરે શ્લોકા અને મિહિરનાં ધામધૂમથી લગ્ન થયાં. નજર લાગી જાય ઓવારણા લેવાનું મન થાય તેવું આ જોડું શોભતું હતું. ખૂબ ખુશખુશાલ રહેતી અને કદી રજા ન પાડતી શ્લોકાએ પંદર દિવસની રજા સામેથી લીધી. ફરી ત્રણ જ મહિનામાં કોણ જાણે શું થયું બંને વચ્ચે ખટરાગ ઊભો થવા લાગ્યો. કોઈને સમજાયું નહીં, પરંતુ બધાં જ કહેતાં કે બંનેની ઉંમર થઈ ગઈ હોવાથી બંને પોતપોતાની રીતે જીવતાં હોવાથી એક ન થઈ શક્યાં અને આખરે લગ્ન છૂટાછેડામાં પરિણમ્યા. શ્લોકાએ હવે કદી લગ્ન ન કરવાનું નક્કી કર્યું. શ્લોકા ઈન્ટરવ્યૂ લેનાર યુવતીની સામે આજે મનના ભાવ શબ્દોરૂપે વ્યક્ત કરતી હતી. તે યુવતીએ અચાનક પૂછ્યું, “તો મેડમ, પછી શું થયું?”“શ્લોકા એ હસીને જવાબ આપ્યો, પેલો ભિન્ન- ભીંનું,તે હૃદયથી ખરેખર ભીનો છે. ભલે તેનો અભ્યાસ ઓછો છે પરંતુ તે મારો વહાલો પતિ છે. ભલે કદાચ લોકોની નજરમાં તે ભોળો છે, તમે ધારો છો તેટલો સમજદાર નથી પરંતુ મને તે સમજી શકે છે. મને ગર્વ છે ભલે તે નોકરી નથી કરતો પરંતુ ઘર સરસ રીતે સંભાળે છે. એ અમારી દીકરીનો ચોટલો પણ ગૂંથી દે છે. ઘરમાં દૂધ લેવાનું પણ કામ કરે છે.અમારાં બાળકોને સ્કૂલે લેવા મુકવા પણ જાય છે ક્યારેક મને પણ. અને હા,આજે પણ મંગળમેળ તે ચલાવે છે અને તેના દાદાદાદી સાથે જ અમે રહીએ છીએ. મને લાગે છે કે મનનો મેળ એ જ સાચો મંગળમેળ.યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.