Daily Archives: ડિસેમ્બર 7, 2021

સાયકોપેથ : પરેશ વ્યાસ

સાયકોપેથ : માનવતાને તહસનહસ કરતી હિંસક મનોવિકૃતિ

મેન્ટલ હેલ્થ ઓફિશિયલ હેન્ડબૂકમાં સાયકોપેથ અને સોસિયોપેથ બંનેને એન્ટીસોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર શીર્ષક હેઠળ વર્ણવ્યા છે

માણસ નામે નબળું પ્રાણી,
એની ઊંઘ એને ઘણી વહાલી !
તમે અચાનક એને ઢંઢોળો તો
ક્રોધથી ગાંડોતૂર થઈ
હાથમાં જો બંદૂક આવે તો શું તમને જતા કરે ?
– વિપિન પરીખ

અમેરિકા ગનેરિકા થઈ ગયું છે, બાપ…! બંદૂકના કોઈ કાયદા, કોઈ નિયમન નથી. કોઈ પણ ખરીદી શકે, રાખી શકે. સ્વબચાવ કરવો જન્મસિદ્ધ અધિકાર છે એ વાત સાચી પણ કોઈ અચાનક આડેધડ ગોળીબાર કરે તો કેડે બાંધેલી ફટાકડી શું કામ આવે ? અને બંદૂકનું તો ભાઈ એવું કે જે તારે એ જ મારે.

લાસ વેગાસમાં સતત ૯ મિનિટ સુધી ધાણીફૂટ ગોળીબાર થયો. ૫૯ લોકો માર્યા ગયા. ૫૦૦થી વધુ ઘવાયાં. આ લાસ વેગાસ છે. દુનિયાનું સૌથી મોટું કાયદેસરનું જુગારધામ. લાસ વેગાસ એટલે જ્યાં લોકો મન મૂકીને માણે એ મનોરંજન લાસ વેગાસ એટલે લોકો ધન મૂકીને માણે એ ધનોરંજન.

લાસ વેગાસ એટલે લોકો તન મૂકીને માણે એ તનોરંજન પણ એક ૬૪ વર્ષના સ્ટીફન પેડ્ડોકને તો ગનોરંજન કરવું’તું. એણે હોટલ કમ કેસીનો મેન્ડલે બૅના ૩૨ માળની બે બારી તોડીને એકલે હાથે ૧૯ સેમી ઓટોમેટિક ગનથી ગોળીબાર કરીને બહાર નીચે સંગીત કાર્યક્રમ માણવા જઈ રહેલા અનેક નિર્દોષ નાગરિકોને મારી નાખ્યા અને પોતે પણ મરી ગયો. આ લખાય છે ત્યારે એના આમ કરવા પાછળના કારણો મળ્યા નથી.

પોલીસ ચીફે જોઈ લોમ્બાર્ડોએ કહ્યું કે, આ ઘડીએ એ ‘સાયકોપેથ’ના મનમાં શું હશે એ જાણી શકાતું નથી. આવા હત્યારા માટે સાયકોપેથ શબ્દ વપરાય છે. શું છે આ શબ્દ સાયકોપેથ  (psychopath) ? એના જેવા જ અર્થનો અને ઘણીવાર એની જગ્યાએ વપરાતો એક ઓર શબ્દ છે સોસિયોપેથ (Sociopath) . શું અર્થ છે એનો ? બંને શબ્દોમાં શું સામ્યતા છે ? શું ભેદ છે ?

‘સાયકોપેથ’માં બે શબ્દો છે. ગ્રીક શબ્દ ‘સાયક’ એટલે આત્મા, મન, મગજ, શ્વાસ, જિંદગી વગેરે. ‘સોસિયોપેથ’માં પણ બે શબ્દો છે. લેટિન શબ્દ ‘સોસિયો’ એટલે સોબતી, સાથી, એક બીજા સાથે જોડાયેલું, જોડીદાર વગેરે. માણસ એકબીજા સાથે જોડાયેલો છે.

માણસ સામાજિક પ્રાણી છે ઉપરોક્ત બંને શબ્દોમાં અંતે ‘પેથ’ છે’; જે ગ્રીક શબ્દ ‘પેથોસ’ પરથી આવ્યો છે. પેથોસ એટલે વિકૃતિ. પેથોસ એટલે જે ન હોવું જોઈએ તે. પેથોસ એટલે પીડા. પેથોસ એટલે દુ:ખ, ગુજરાતી લેક્સિકોનમાં સાયકોપેથનો અર્થ છે ચસકી ગયેલા મગજવાળો કે અસ્થિર માણસ, અનિયમિત સામાજિક વર્તન સાથેની લાંબા વખતની માનસિક વિકૃતિનો ભોગ બનેલો માણસ, મનોવિકૃતિ ધરાવનાર દર્દી. ‘સાયકોપેથ’ શબ્દનું આ સાવ હળવું અર્થઘટન છે.

એનો ખરેખરો અર્થ એકદમ ગંભીર છે. લાસ વેગાસનો હત્યારો માત્ર ચસકી ગયેલો માણસ નથી. એ કોઈ સામાન્ય વિકૃતિનો ભોગ બનેલો માણસ નથી પણ એ એનાથી અનેકગણો વિકૃત છે. અને આજનો બીજો શબ્દ ‘સોસિયોપેથ’ તો ગુજરાતી લેક્સિકન ડિક્સનરીમાં શામેલ જ નથી.

એ તો સ્પષ્ટ થયું જ હશે કે આ બંને શબ્દો માનસિક રીતે રોગી અથવા તો માનસિક વિકૃત વ્યક્તિ માટે વપરાય છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ લાસ વેગાસ હત્યારાને વર્ણવવા અત્યંત માંદો અને અત્યંત ગાંડો શબ્દ વાપરી ચૂક્યા છે. મેન્ટલ હેલ્થ ઓફિશિયલ હેન્ડબૂકમાં સાયકોપેથ અને સોસિયોપેથ બંનેને એન્ટીસોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર (અસામાજિક વ્યક્તિત્વ વિકાર) શીર્ષક હેઠળ વર્ણવ્યા છે.

બંને કાયદાને માનતા નથી. સમાજની નીતિ કે પ્રણાલીની એમને કોઈ પડી હોતી નથી. અન્યના અધિકારનો વિચાર એમને આવતો નથી. સમાજની નીતિ કે પ્રણાલીની એમને કોઈ પડી હોતી નથી. અન્યના અધિકારનો વિચાર એમને આવતો નથી. પોતે જે કરે છે એનો પશ્ચાત્તાપ પણ એમને થતો નથી. હિંસા એમના વલણ અને ચલણમાં વણાયેલી હોય છે.

ડુ યુનિવર્સિટીનાં સોશિયોલોજી એન્ડ ક્રીમિનોલોજીનાં પ્રોફેસર સ્કોટ બોનના મતે સોસિયોપેથ એવી વ્યક્તિ છે જે આસાનીથી અકળાઈ જાય છે, ઉત્તેજિત થઈ જાય છે. જોર જોરથી બૂમરાણ મચાવે એમ પણ બને અને બધાને ખબર પડે કે આ સોસિયોપેથ છે. સોસિયોપેથ સામન્યત: બહુ ભણેલા હોતા નથી, નોકરી એમને મળતી નથી કે ટકતી નથી. તેઓ ભટકતા રહેતા હોય એમ પણ બને.

જ્યારે સાયકોપેથ એવી વ્યક્તિ છે જે ખૂબ શાંતિથી ઠંડે કલેજે આયોજનબદ્ધ ગુનાહિત કૃત્યો કરે છે. અલબત્ત કોઈને માટે પણ એમને લાગણી ન જ હોય પણ તેઓ લાગણીનો દેખાડો કરવામાં પાવરધા હોય છે. જરૃરી હોય ત્યાં જૂઠી લાગણી બતાવીને કોઈનો ય વિશ્વાસ સંપાદન કરી શકે.

સાયકોપેથનું વ્યક્તિત્વ પણ મોહક હોઈ શકે છે. એ કોઈથી ડરતા નથી કે છળ કે પ્રપંચ સાયકોપેથના વ્યક્તિત્વમાં છૂપાયેલા હોય છે. પોતે કરેલા ગુના સબબ એ પકડાઈ જાય તો એના આડોશપાડોશમાં રહેતા લોકો કે એનાં સગાવહાલાં તો માની જ ન શકે કે આ માણસે આવું જધન્ય કૃત્ય કર્યું હશે. સોશિયોપેથ કદાચ કોઈ સાથે લાગણીથી જોડાઈ શકે પણ સાયકોપાથ સાચી લાગણીથી પર છે.

સાયકોપાથને દયા કે કરુણા હોતી નથી. અલબત્ત એમ કરવાનું નાટક તેઓ જરૃરથી કરી શકે છે. સાયકોપેથ લાગણીનાં આવેશમાં કંઈ પણ કરી શકે. એ જે કરે એનો ક્યારેય અફસોસ ન થાય. પોતાના ફાયદા માટે અન્યનો ઉપયોગ કરવું એના માટે સામાન્ય હોય. દુર્નિવાર જૂઠ બોલવું એનો સ્વભાવ હોય. સાયકોપેથની વિકૃતિ જન્મજાત છે.

એ મૂળમાંથી વિકૃત, સડેલો છે. સોસિયોપેથની વિકૃતિ જન્મજાત નથી પરંતુ એનો ઉછેર, એનો ખરાબ અનુભવ એને એમ કરવા પ્રેરે છે. કોઈએ એને પીડા આપી હોય, કોઈએ એની સાથે દુષ્કર્મ કર્યું હોય તો એ સોસિયોપેથ બની જતો હોય છે. સાયકોપેથ અને સોસિયોપેથ બંને સમાજ માટે ખતરો છે. સાયકોપેથ અલબત્ત વધારે ખતરનાક છે.

માહોલ ખરાબ છે. નકારાત્મક વાતો વહેલી વાઇરલ થાય છે. ઇન્ટરનેટ વ્યસન છે. માણસને માણસ સાથેનો સંપર્ક હવે રૃબરૃ રહ્યો નથી. બે આંખની શરમ જેવું કંઈ ક્યાં છે ? વિકૃતિનો વિકાર વધતો જાય છે. બળાત્કાર કે ગોળીબાર થતા રહે છે. સ્વરૃપ બિહામણું છે. સાહિત્ય, સંગીત, કલા અને ધર્મ પ્રત્યેની આસ્થા કદાચ માણસમાં પનપતી સાયકોપેથ કે સોસિયોપેથ વૃત્તિને હળવી કરે, તો કરે બાકી બચવું અઘરું છે સાહેબ…

શબ્દ શેષ :

રાક્ષસ રીઅલમાં હોય છે. ભૂત પિશાચ પણ સાચ્ચે જ હોય છે. તેઓ આપણી અંદર રહેતા હોય છે. અને ક્યારેક તેઓ જીતી ય જાય છે. અમેરિકન હોરર કથા લેખક સ્ટીફન કિંગ

Leave a comment

Filed under Uncategorized