Daily Archives: ડિસેમ્બર 9, 2021

વહુનો કારભાર/યામિની વ્યાસ

“હેલો કુહુ!”
“હા બોલ, પીહુ.” કુહુએ મોબાઈલ ઉઠાવતા સ્પીકર ચાલુ કર્યું.
‘અમી ઝરંતી માની આંખડી ને કાંઈ હૈયે છલકતું વહાલ રે,કે માડી તમે પગલાં પાડો રે કુમકુમ પગલાં પાડો…’
“અરે વાહ! મા કેટલા સરસ ગરબા ગાય છે!દોડી આવવાનું મન થઇ ગયું.” કુહુ બોલી
“હા માનો તો મીઠ્ઠો મધ જેવો અવાજ ને જે હલકથી ગાય,થાય કે બધું બાજુ
પર મૂકી સાંભળ્યાં જ કરું.પણ બહુ કામ પડ્યું છે.”
“તો પછી ફોન કરું?”
“નારે કુહુ,બોલ બોલ, વાત કર, મેં તો સ્પીકર ચાલુ કર્યું છે.ને હા, મારા હાથમાં સોય દોરો છે.”
“એમ! વાવ! શું કરે છે તું મારી કુહુડી?”
“માતાજી માટે હાર બનાવું છું. આજથી નવરાત્રિ શરૂ થઈને ને તને યાદ જ કરતી હતી ને તારો ફોન આવ્યો”
“અરે હા હા, કેસરી અને પીળા ગલગોટાને? આપણને ગમતા તે.”પીહુ વચ્ચે બોલી પડી.
“હા એ જ, અને મેં તને એટલે જ યાદ કરી, પીહુ મા કેટલા સરસ ગલગોટા લાવતી ને આપણે પરોવતા. તને ખબર છે? આ વખતે તો પ્રિયાંશ જાતે જઈને ગલગોટા લઈ આવ્યો છે. એમાં તને ગમતા પીળા વધારે છે અને મને ગમતા કેસરી ઓછા છે કદાચ.”
“જા જા, જુઠ્ઠી! બંને સરખા જ હશે.”
“હા એવું જ માન બસ!” કુહુ દોરો લઈને ગલગોટાનાં ફૂલ પરોવતી હતી.
“અરે કુહુ, મને યાદ છે, જ્યારે આપણે હાર બનાવતા ત્યારે હું શું કરતી? ખાલી કેસરી કેસરી પરોવતી અને તું પીળા પીળા, ત્યારે મા ખીજાતી અને કહેતી કે, એક પીળો અને એક કેસરી પરોવવાનો. એવી રીતે હાર બનાવો અને આપણે બનાવતા.”
“હા એ જ કરું છું ને માના કહેવા મુજબ વચ્ચે આસોપાલવના પાન વાળીને લીલા રંગનો પણ આનંદ પૂરું છું, જેથી તોરણ લીલુંછમ રહે.”
“હાસ્તો, મા કેટલી ખુશ થતી! ને પ્રિયાંશ શું કરતો? ગલગોટાનો હાર તૈયાર થાય એટલે ઉપર ગુલાબનું અત્તર છાંટી જાય. અને માને જોઈને બતાવે કે, ‘જુઓ મા, તમારા અડવાથી ગલગોટામાંથી ગુલાબની સુગંધ આવે છે. ‘તોફાની પ્રિયાંશ!’ કહીને મા તેને ટપલી મારતી અને કહેતી કે, ‘માતાજીને ચઢાવવાનું હોય એ ફૂલ સુંઘાય નહીં.’ એમ કહીને બીજો હાર બનાવડાતી. પ્રિયાંશ શું કરતો? એ હાર માને જ પહેરાવી દેતો. મા ખુશ થતી અને તેમાંથી અડધો હાર તોડીને અંબોડામાં વેણી જેમ લગાવીને ફરતી.”
“હા, માતાજીના સ્થાપનની તૈયારી થઈ ગઈ છે.હમણાં મહારાજ આવે જ છે.હવે તું ક્યારે આવશે?”
“હા કુહુ, હું આવીશ. ત્રણેક દિવસ પછી સોનુની પરીક્ષા છે એ પૂરી થાય એટલે આવીશ. પછી દશેરા સુધી ત્યાં જ.”
“અરે પીહુ, શરદપૂનમ સુધી રહી જજેને. આપણે રોજ અહીં ગરબા ગાઈશું.મા ય રાજી.”
“હાસ્તો, હું,તું ને પ્રિયાંશ.આપણી ત્રણની ટીમનો ખરીજ.”
“હા,અત્યારે બહાર રમવા જવા પર તો પ્રતિબંધ છે પણ આપણા ઘર બહાર આઠદસ જણા ગાઈશું.”
“ઓકે ચલ, એ વાત જવા દે. વિડિયો ચાલુ કર.”
“ના, વિડિયો ચાલુ નથી કરવો. હું તને વાત જ કરું.જો તું બધું આંખોથી જુએ એના કરતાં મનથી ધારી લે તો કલ્પનાના મનગમતાં રંગો પણ પૂરાય.એ તારું ઇમેજિનેશન તું આવે ત્યારે મને કહેજે.”
“ઓકે, ગુડ આઈડિયા”
“જો પીહુ, મા ગરબો લઈ આવ્યા.મેં સરસ રીતે શણગાર્યો. લાલ રંગથી રંગ્યો અને તેના પર લીલીપીળી ડિઝાઇન કરી છે. સરસ મજાના આભલા અને તારલા ચોટાડ્યાં. મા તો ખુશ. જાણે ગાવા માંડ્યા!’ એક નવલો તે ગરબો જાતે કોરિયો રે લોલ,માંહી શ્રધ્ધાનો દીવડો પ્રગટાવીયો રે લોલ.’
“ઓહો મા સુપર્બ”
“ને પીહુ,મેં પૂજાનો થાળ, આરતી બધું જ ખૂબ મહેનતથી સજાવ્યું છે.”
“હા, મને ખબર છે કુહુ,આરતી ડેકોરેશનમાં તારો જ પહેલો નંબર આવતો.તું મને સરસ રીતે ગાઈડ કરતી પણ એ મારા બસની વાત જ નહીં.”
“શું કુહુ,તું પણ?”
“ઓયે એટલે જ તો તને મારી ભાભી બનાવી જેથી મારું પિયરનું ઘર ઝગમગતું રહે.”
“ને જો પીહુ,આ કચ્છી ભરતવાળી પીળા ને રાણીના કોમ્બિનેશનવાળી સિલ્કની સાડી મેં પહેરી “
“આયહાય,ઓવારણાં લેવાનું મન થાય એવી લાગે છે,મા પાસે નજર ઉતરાવી
લેજે, ને માએ?”
“માએ તો ઘરચોળા જેવી પેલી મરૂન બાંધણી નહોતી? હા, એ જ પહેરી છે,ને લાલચટક ચાંદલો ને સાંભળ, સાંભળ,ગાવા ય માંડી, ‘આ પૂજારણ નિસરી તારી પૂજા કાજ,કે હૈયું મારું રુમઝુમ થાય…”
“ઓહોહો, હા, વિડીયો ઉતારી રાખજે,થાય છે સોનુની પરીક્ષા જવા દઈ દોડી આવું”
“બસ તું આવે એટલી વાર. જવારા પણ વાવ્યા છે જો અને ડેકોરેશન અત્યારથી નહીં બતાવું તું આવે એટલે જાતે જોઈ લેજે. બધું તૈયાર થશે એટલે મા ગાશે:
‘માનું સામૈયુ કરવાને ચાલો, ડુંગર કેરી હારે,
માડી ગાશું રે વધાઈ તારા લયને સૂર તાલે.”
અહાહા! માનો કેટલો મીઠો અવાજ!”
“હાસ્તો.”
“ને રાત્રે તો મા કંઈક જુદા જ રંગમાં હશે. માથું ઓઢીને માથે ગરબો લઈ ગાશે:
‘ઢમ ઢમકે રૂડા ઢોલ રાત લંબાતી ચાલી,
ઊગે ઊગે ના પરોઢ રાત લંબાતી ચાલી.’
બસ માના સાંનિધ્યમાં આવી રાતો લંબાતી હોય તો કેવું રૂડું લાગે, નહીં?”
“હા કુહુ. બસ એ જ રાહ જોઉં છુ?આગલી પંક્તિઓ યાદ આવી,
માનો ચૂડલો ખનકે લાલ,એમાં હિરલા જડેલા બાર
ચૂડલો સૂરજને હંફાવે રાત લંબાતી ચાલી
કેવું તેજ હશે ચૂડલાનું! કે સૂરજને હંફાવે?”
“હા,પીહુ, આજે તો મા સિવાય કંઈ જ વાત કરવાનું સૂઝતું નથી.”
“હા કુહુ, ને શું લાવવાનું છે અહીંથી?
“અરે કશું જ નહીં. તું જ આવી જાને. નણંદ બા આવશે તો ઘર હર્યુભર્યું થઈ જશે.”
“ચાલ જુઠ્ઠી, નણંદબાવાળી…પહેલી તો તું બહેનપણી પાક્કી,ને હા મા કાયમ કહેતી કે, પ્રિયાંશ તારાથી નાનો છે તો શું થઈ ગયું? અને કુહુ તારી બહેનપણી છે તો શું થઈ ગયું? તારે તેને કુહુભાભી જ કહેવાની. માના દેખતા એકાદ-બે વાર હું ભાભી બોલી પણ કંઈ સેટ જ ન થયું.”
‘ને હા…માએ મારું નામ પણ કેટલું મીઠુંમધુરું કરી દીધું હતું! તું પીહુ અને મારું નામ કીહા હતું. એનું એમણે કુહુ કરી દીધું. એ બોલતાં કે, પીહુ અને કુહુ હંમેશા ઘરમાં ટહુકતી રહે તો ઘર કેવું મઘમઘ થાય!”
“અરે, મઘમઘ પરથી યાદ આવ્યું: મા ગાઈ રહી છે
કેસર ચંદનથી મહેકે આંગણું ને કંઈ
ત્રિલોક રમવા આવે રાસ રે કે માડી તમે પગલાં પાડો
માની વાત જ અનોખી, માની નવરાત્રીની તૈયારી પણ અનોખી, માના ગરબા પણ અનોખા. મા ખુદ જ ચોસઠ જોગણી જાણે! મા જાતે જ ધન્ય ઘડીઓ લાવે. માનો જયજયકાર જ હોય ને!
“હા સાચી વાત. અને ઘરમાં માનો થાળ ધરાવવાની તૈયારી ચાલતી હશેને?”
“હા જો, આ મોબાઇલમાં વિડીયોની વ્યવસ્થા છે પણ સુગંધ લેવાની વ્યવસ્થા નથી. માએ હમણાં જ વઘાર કર્યો. એના વઘારની સોડમ તો ચાર ગલીઓ સુધી પહોંચે. માના હાથની દાળ. આજે તો મા થાળ ધરાવવા માટે પાંચ પકવાન બનાવશે.”
“હાસ્તો”
“માના હાથમાં તો જાદુ છે! કેવી સરસ તૈયારી કરે છે! કરકસરથી, પણ ખૂબ સુંદર. તને યાદ છે? ઈલાયચીનો ઉપયોગ થાય પછી તેના છોતરાં મા ચાના ડબ્બામાં નાખી દે ને ચા બને ત્યારે ઈલાયચીવાળી ચાનો ટેસ્ટ આવતો.
“અરે મા તો મા છે!મને ઘણું બધું શીખવી દીધું છે. કાલે મુઠીયા બનાવેલાં. ખબર જ ના પડી છે વધેલાં શાકનાં છે.”
“હા પીહુ,તું પહેલાં માને મમ્મીજી કહેતી, નહીં?
“મને પહેલેથી જ હતું કે સાસુને મમ્મીજી નહીં સાસુમા કહીશ, પણ આ મા મળ્યાં પછી તો નક્કી જ હતું સાસુમા નહીં કહું માત્ર મા જ કહીશ.મા કેટલી નજીક હોય છે!”
“હા કુહુ,પછી તો તારું જોઈ અમે પણ મા કહેતા થઈ ગયાં. ને મને લાગતું જ નથી કે તું આ ઘરની વહુ છે. તું અહીંની દીકરી છે ને એ તારી મા. હવે દીકરી કરતાં વહુ જ વધારે વર્ષો અને આમ પણ વધારે નજીક રહેતી હોય છે, કારણકે મા પછી એણે જ તો સંભાળવાનો હોય છે આખો કારભાર.
હા કુહુ, ખાલી એટલું કરજે,હું આવું ત્યારે તું બારણું ખોલતાં કહેજે કે, જુઓ તો… કોણ આવ્યું? જુઓ તો… કોણ આવ્યું? આવ આવ ..કહી ગળે વળગાડી દેજે.તો માની ખોટ ક્યારેય નહીં વર્તાય. ભલે એ અચાનક જ કોરોનામાં જતી રહી છે પણ મા, માનો અવાજ, માનો અહેસાસ, માના પાલવની ઠંડક… બધું જ મળશે, કુહુ તારામાંથી…”

યામિની વ્યાસ

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized