Daily Archives: ડિસેમ્બર 11, 2021

બીટવીન યૂ, મી એન્ડ ધ લેમ્પપોસ્ટ:પરેશ વ્યાસ

તમારા સુધી રાખજો આ વાત ઓચિંતો ફ્યૂઝ જતાં, લાઈટ અંધારું થઈને પથરાઈ જાય છે. મારો આખો માળો અંધારો ધબ… નીચલે માળથી વ્યાસ બૂમ પાડે છે: ‘‘કાલિદાસ! તુકારામ! અલ્યા નરસિંહ ! અરે, કોઈ તો ઈલેક્ટ્રિશ્યનને બોલાવો !” બાજુવાળાં મીરાંબહેન સ્વસ્થ અવાજે કહે છે: ” અરે, ગિરિધર ! સાંભળે છે કે,- પહેલાં મીણબત્તી તો લાવ…” અને- મારી ચાલીમાં મારા માળામાં મારા ઘરમાં મારા દેશમાં મીણબત્તીની શોધાશોધ ચાલે છે… -જગદીશ જોષી દિવાળી એટલે દીવાનો તહેવાર. ઇંગ્લિશમાં દીવાને લેમ્પ (Lamp) કહે છે. તૈલી પદાર્થ અને એમાં રાખેલી વાટ વાટે કેશાકર્ષણનાં વૈજ્ઞાનિક સિદ્ધાંતથી તેલ ઉપર ચઢીને જ્યોતને જલાવતું રહે છે. મૂળ ગ્રીક શબ્દ ‘લેમ્પેઇન’ એટલે પ્રકાશવું, દીપવું, ચળકવું, ઝગમગવું. એ પરથી ગ્રીક અને લેટિન બંને ભાષામાં શબ્દ આવ્યો ‘લેમ્પસ’. એનો અર્થ થાય: પ્રકાશ, મશાલ, તૈલી દીવો. બારમી સદીમાં ફ્રેંચ ભાષાનાં ‘લેમ્પે’ પરથી ઇંગ્લિશ ભાષામાં લેમ્પ શબ્દ આવ્યો. ક્રિમિયન યુદ્ધમાં ઘાયલ થયેલાં સૈનિકોની સારવાર માટે સમર્પિત, ‘લેડી વિથ અ લેમ્પ’ તરીકે વિખ્યાત થયેલી બ્રિટિશ નર્સ ફ્લોરેન્સ નાઇટેન્ગલ પોતે નર્સની ટ્રેનર હોવા ઉપરાંત આંકડાશાસ્ત્રી અને સમાજ સુધારક પણ હતી. આપણે દરેક સત્કાર્યને દીવાનાં પ્રકાશ સાથે જોડીએ છીએ. ઈશ્વરની પ્રાર્થના પણ દીવા વિના અધૂરી છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર લેમ્પ સાથેનો શબ્દ ‘લેમ્પપોસ્ટ’ એટલે રસ્તા ઉપર આવેલો દીવાનો થાંભલો. હવે તો વીજળીથી ચાલતી પ્રકાશ વ્યવસ્થા છે પણ પહેલાં જાહેર રસ્તાઓનાં કિનારે સ્થિત થાંભલા ઉપર દીવો જ કરાતો. પોસ્ટનો એક અર્થ થાય છે થાંભલો, કોઈ ફિક્સ્ડ પોઝિશનમાં ઊભું કરેલું કોઈ સ્ટ્રક્ચર. આજનો મુહાવરો જો કે જબરો મઝાનો છે. ઘણી વાતો આપણે કરીએ ત્યારે પહેલાંથી ચોખવટ કરી લેતાં હોઈએ છીએ કે આ વાત આપણે બે જ જાણીએ. અથવા આ વાત તમારા સુધી જ રાખજો. કોઈને કહેશો નહીં. જોજો વાત બહાર ન જાય. માત્ર તમને જ કહું છું. અને પછી…. અફવાની આપ-લે થાય છે. કોઈ ખાનગી વાતનો પર્દાફાશ થાય છે. કાનોકાન કોઈ અન્યને ખબર ન પડે એવી વાત મોંઢામોંઢ ફેલાય છે. ઇંગ્લિશમાં એનાં માટે મુહાવરો છે: બીટવીન યૂ, મી એન્ડ ધ લેમ્પપોસ્ટ. (Between You, Me and Lamppost) એટલે એમ કે (આ વાત) તારા, મારા અને આ દીવાનાં થાંભલા પૂરતી મર્યાદિત છે. મૂળ આ મુહાવરો એક અન્ય શબ્દ સમૂહ ‘ડેફ એઝ લેમ્પપોસ્ટ’ (Deaf as Lamppost) પર આધારિત છે. લેમ્પપોસ્ટ ઉર્ફે દીવાનો થાંભલો બહેરો હોય છે. એની સાક્ષીએ વાત કરીએ પણ એ તો કાંઈ સાંભળે નહી. એ કોઈ પ્રતિક્રિયા ન આપે. એટલે જ મૂર્ખ માણસને ઘણી વાર લેમ્પપોસ્ટ જેવો ય કહે છે. આ મુહાવરાનાં બીજા ય પ્રકાર છે. ક્યાંક એ બેડપોસ્ટ છે, ક્યારેક ફેન્સપોસ્ટ છે, ક્યારેક એ ફાયર હાઇડ્રન્ટ પણ છે. બ્રિટિશ લેખક અને રાજકારણી એડવર્ડ બલ્વર લાઈટન આ મુહાવરાનાં રચયિતા હોવાનું મનાય છે. તેઓની લખેલી નવલકથા ‘યુજીન અહરેમ’માં પહેલી વાર પ્રયોજાયો હતો. આ જ લેખકનો અન્ય મુહાવરો ‘કલમ એ તલવાર કરતાં વધારે તાકાતવર છે’ – ખૂબ જ પ્રચલિત છે. પણ એની વાત ફરી કોઈ વાર. આ દિવાળી ખાસ છે. કોવિડ-૧૯ નામનો એક વાઇરસ કાંઈ કેટલાંને ભરખી ગયો. અત્યારે ૨૧-ની સાલ છે. વેક્સિન મફત છે. પણ એ વાત મારી, તમારી અને દીવાસ્થંભ વચ્ચે જ રાખજો કે સાહેબ, આ દુનિયામાં કશું ય મફત હોતું નથી. પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાની આવક વેક્સિનમાં વપરાય છે. હવે જુઓને, ક્રિકેટ આપણી લોકપ્રિય રમત છે. પણ અહીં હારીએ તો નાસીપાસ ન થવું અને જીતીએ તો હરખાવું નહીં. અને હા, આ વાત પણ મારી, તમારે અને દીવાસ્તંભ સુધી જ રાખજો. મોટા લોકો, મોટી કંપનીઓ હવે સૌ કોઈ નાના ધંધામાં ઊંધે કાંધ પડી ગઈ છે. તમારે ઘરે મીઠુ ખલાસ થઈ જાય તો ખાવાનું પહોંચાડતા કુરિયર અડધો કલાકમાં પહોંચાડી દેય છે. તાતા, અંબાણી જેવા દેશી કે જેફ બેઝો પરદેશી કોર્પોરેટ્સ હવે અનાજ કરિયાણાંનાં વેપારી થઈ ગયા છે. સેવા સારી મળે છે પણ આપણે તો ભાઈ… પગ હોય એટલી જ ચાદર ખરીદવી. હા, અને આ વાત પણ મારી, તમારી અને દીવાસ્તંભ વચ્ચે જ રાખજો. અને હવે તો કેવું કૌતુક છે કે ખર્ચ કરો, ખાઓ, પીઓ, જલસા કરો અને એ ય વગર પૈસે. હવે એવા એપ આવી ગયા છે કે અત્યારે નહીં પણ એનાં નાણાં બીજે મહિને ચૂકવવાનાં. લો બોલો! આ તો સાલું એક વિષચક્ર છે. એકવાર આદત પડી કે.. મર્યા. આવા એપ આપણે આપણાં ફોનમાં ભૂલેચૂકે પણ ડાઉનલોડ કરીશું તો આપણું રહ્યુંસહ્યું બેન્ક બેલન્સ પળમાં ખાલી થઈ જશે અને આપણું મેન્ટલ બેલન્સ સગેવગે થઈ જશે! પણ.. આ વાત આપણી વચ્ચે (અને આ દીવા સ્તંભ સુધી) રાખજો. આજકાલ ક્રિકેટમાં તમારી ટીમ બનાવો અને જીતો- એવી જાહેરાત આવે છે. જાહેરાતમાં જાણીતા ક્રિકેટર્સ એમ પણ કહે છે કે આની આદત પડી શકે છે અને પૈસા ગુમાવવા પડે છે. આ આપણાં ક્રિકેટર્સ, જૂના અને નવાં સૌ કોઈ, પૈસાને ખાતર શકુનિઓ થઈ ગયા છે. તેઓ સાથે મળીને આપણને રીઢાં જુગારી બનાવવાની વેંતરણમાં છે. માટે જ કહું છું કે આપણે આ શકુનિઓનાં રવાડે ચઢવું નહીં. જો કે આ વાત મારા, તમારા અને દીવાસ્તંભ વચ્ચે રાખજો. આપણે દિવાળી સારી રીતે ઉજવીએ. અને લખી રાખજો, નવું વર્ષ વિક્રમ સંવત ૨૦૭૬ આપણું સારું જ જવાનું છે. મને ખબર જ છે. પણ એ વાત જો કે જસ્ટ કીપ બીટવીન યૂ, મી એન્ડ ધ લેમ્પપોસ્ટ! યૂ સી! આ વાત તમારા ને મારા વચ્ચે જ.. હોં ને?!

શબ્દ શેષ: “અન્ય કોઈ વાત આપણને વળી વળીને ઘેરી લેતી નથી સિવાય કે એ વાત જે કહ્યા વિનાની રહી જાય છે.” – અમેરિકન લેખક, પત્રકાર અને સંગીતકાર મિચ આલ્બોમ”.

Leave a comment

Filed under Uncategorized