Daily Archives: ડિસેમ્બર 12, 2021

કિંમત

મામુ, મેઘધનુષના કેમ સાત રંગો હોય? બહુ ઓછી બોલતી મધુમામાની ભાણી નિશીથ બોલી. ઓહોહો તમે તો સાતેય મારા મેઘધનુષ છો કહી એનો અર્થ સમજાવ્યો. મામાને પાંચ ભાણીઓ અને પોતાની બે દીકરીઓ. ત્રણ બહેનો દીકરીઓને લઈ વેકેશનમાં ભાઈને ઘરે આવતી. મામા ગુજરાતીના શિક્ષક, ભાષાના સારા એવા અભ્યાસુ,બધાનાં નામ એમણે જ પાડ્યા હતા. નિશા, યામિની,રજની,વિભાવરી,ક્ષિપા,શર્વરી અને નિશીથ. “પણ મામુ,મારું નામ કેમ છોકરા જેવું પાડ્યું?” “અરે બેટા, આપણે પાડીએ એવું નામ પડે. બીજા કોણ આપણને કહેવાવાળા? એવા તો કેટલાય નામ છે કિરણ, પંકજ, પારુલ.. જે છોકરા છોકરી બંનેમાં આવે.” “ઓકે મામુ,પણ બધાનો જ અર્થ રાત થાય છે.”ચાંપલી વિભાવરી બોલી, “નિશીથ જેવી કાળી.” મામી બોલ્યાં, “બેટા એવું નહીં કહેવાનું.” વચલીબેનની નાની દીકરી નિશીથ થોડી શામળી ને શરીરે પાતળી હતી. જ્યારે બીજી બધી દીકરીઓ ગોરી ,સુંદર ને બોલવે બહુ ચબરાક હતી.નિશિથ ઓછું બોલતી. કદાચ લઘુતાગ્રંથિ અનુભવતી હતી. મામુ તરત જ સાચવી લેતા, “અરે ના ના બેટા,રાત કાળી નહીં કહેવાય એ રાતની નમણી ઘેરાશ અનોખી હોય.” “પણ મામા, આવા નામ કેમ પાડ્યા?” “અરે રાતમાં તો પરમ શાંતિ મળતી હોય, સુકુન હોય, આરામ હોય, સંતોષ હોય.”તરત જ નિશીથ ટહુકી, “રાત્રે તો ફૂલ ખીલે, ચંદ્રની ચાંદની ફેલાય, તારલીઆ ટમટમે,તમરા ગુંજેને રાતમાં વાદળીઓ વરસે,આહાહા.” “ચાલ હવે ચિબાવલી,ઊંઘી જા, ભાષાશિક્ષક મામાની ભાણી,ના જોઈ મોટી.” ટપલી મારતી યામિની બોલી.હસતાં હસતાં બધાં પછી ઊંઘી જતાં. દર વર્ષે મધુમામા અને મામી વેકેશનની રાહ જોતાં,ને ભાણીઓ પણ, પરીક્ષા પતે ને બીજેજ દિવસે પાંચેપાંચ ભાણીઓ આવી જતી. પહેલાં તો બહેનો દીકરીઓને લઈને આવતી પણ પછી એઓ સાસરે પરિવારમાં વ્યસ્ત રહેતી એટલે ભાણીઓ જ આવી જતી. વેકેશનમાં ભેગી મળતી અને ખૂબ ધમાલ કરતી કંઈ નવા નવા નવા નાટકો કરતી, એકબીજાને પોતાના શોખ જણાવતી, કંઈ નવું શીખતી, શીખવાડતી. અરે,મધુમામાની દીકરીઓ ક્ષિપા, શર્વરીને પણ એમના મોસાળ ન જવા દેતી.જોકે ત્યાં કોઈ રમવાવાળું નહતું એટલે બન્ને જતાં નહીં. એઓને અહીં જ બહુ મજા પડતી. પછી તો એઓ મોટાં થતાં ગયાં, કોઈ કોઈવાર કોઈની પરીક્ષા કે રિઝલ્ટ કે નવા એડમિશન વિગેરેમાં અટવાતાં એટલે આવવાનું આગળપાછળ થતું પણ મળતાં જરૂર. મોટાં થયાં તો પણ હજુ એમણે ઊંઘવાની જગ્યા બદલી નહોતી. ઘરમાં જ વચ્ચે ઓટલા જેવો ચોરો હતો એના પર સાતેસાત માથા અડાડી ગોળ સુઈ જતી. “અલી, એકબીજાની જૂ માથામાં જતી રહેશે!” મામીએ હસતાં કહ્યું.પણ ગુજરાતી વિષયની ટી વાય બી. એ.ની વિદ્યાર્થીની નિશીથ બોલી, “ના,મામી એકબીજાના શમણાં એકબીજામાં જતાં રહેશે.” ને મોટી રજનીએ એને ચૂંટી ભરતાં કહ્યું,”ચૂપ રહે,જોઈ મોટી શમણાંવાળી..!” આમજ બધાં ખડખડાટ હસતાં સુઈ જતાં.થયું પણ એવુંજ રજનીને જોવા આવેલા સારું એવું,ભણેલા ને કમાતા દીપને નિશીથ વધુ ગમી ગઈ. પછી તો મોટી રજનીનું ય સારું ઠેકાણું શોધી કાઢ્યું. બન્નેને સાથે જ પરણાવ્યાં. મામાએ મોસાળુ કરવામાં કોઈ કમી ન રાખી.આજ રીતે મામામામીએ પાંચે ભાણીઓના મોસાળા દિલ ખોલીને કર્યા.અને પોતાની બન્ને દીકરીઓ ક્ષિપા શર્વરીને પણ ધામધૂમથી પરણાવ્યાં. બધાં સાસરે સુખી હતાં પણ પછી મામાના ઘરે જઈ ચોરા પર સુવાના આનંદનો ક્રમ તૂટ્યો. બધી બહેનો દર વર્ષે નક્કી કરે પણ કોઈને કોઈ કામ આવી પડે. “દીકરા,આ વખતે એકવાર આવી જાઓ,બધાં, બસ છેલ્લીવાર,તમારા મનગમતા ચોરા પર સુઈ લ્યો,આ ઘર વેચાઈ ગયું છે.” મામાએ બધાને મેસેજ મોકલ્યો.મામાએ આ ઘર વેચી નાનો ફ્લેટ લઈ લીધો હતો.હવે રિટાયર્ડ થયેલા મામાની બધી મૂડી તો મોસાળા ને દીકરીઓના વહેવારમાં વપરાઈ ગઈ હતી. બધાં દોડી આવ્યાં.”હવે અમે બે જણાં. કેટલું જોઈએ? ચાલો,આજે તમે બધાં અહીં ભેગા સુઈ જાઓ” મામીએ કહ્યું.બધાં થોડાં નિરાશ તો થયાં પણ એકબીજા સાથે જૂની બાળપણની યાદો,વાતો યાદ કરતાં વાતે વળગ્યાં.’હવે કદી પાછા આ ગમતી જગ્યાએ ન મળી શકાશે,’ સહુને એજ અફસોસ હતો.”સવાર પડતાં મામાએ પૂછ્યું, આ તમારી યાદગાર જગ્યાએ છેલ્લે છેલ્લે સારા સપના આવ્યા કે નહીં?””અરે મામુ,રાત્રે ઊંઘી જ ન શકાયું.આ અમારો ચોરો કેમ છોડાય?”નિશા આંખોમાં પાણી સાથે બોલી.”બોલ,નિશિથ,બેટા.. તું કેમ શાંત છે? કંઈ નહીં નવા ઘરે નાની જગ્યાએ પણ તને તો ગમશેજ.”” નિશીથ ધ્રુસકે ધ્રુસકે રડી પડતાં બોલી,લ્યો મામા આ ઘરના પેપર્સ.આ ઘર ખરીદ્યું એ દીપના ખાસ મિત્રના જ પપ્પા છે. એમને આની કિંમત અપાઈ ગઈ છે.એમને પણ આની સાચી કિંમત તો ક્યાંથી ખબર હોય મામુ?”યામિની વ્યાસ

1 ટીકા

Filed under Uncategorized

માનનીય કમિશ્નરશ્રી અજય તોમર સાહેબના હસ્તે સન્માન

 “સુરત શહેર પોલીસ તથા જિલ્લા શિક્ષણાધિકારી, સંસ્કાર ભારતીના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે “રાષ્ટ્ર નિર્માણમાં પોલીસનું યોગદાન”વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન થયું હતું. શહેરની વિવિધ શાળાનાં 280 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.એ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સેવા આપવા બદલ માનનીય કમિશ્નરશ્રી અજય તોમર સાહેબના હસ્તે સન્માન સહિત પ્રમાણપત્ર ઉમરા પોલીસ મથક ઓડિટોરિયમમાં પ્રાપ્ત થયું હતું.💐યામિની વ્યાસ

May be an image of 3 people and people standing

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized