Daily Archives: ડિસેમ્બર 17, 2021

ટૉલ પૉપી સીન્ડ્રોમ/પરેશ વ્યાસ

ટોલ પૉપી સીન્ડ્રોમ’ ઓસ્ટ્રેલિયાનો શબ્દ છે. અર્થ થાય છે કે સમાજમાં જે ઉચ્ચ સ્થાને છે અને / અથવા અઢળક સંપત્તિનાં માલિક છે, એવી વ્યક્તિ વિષે ઘસાતું બોલવું

નજરમાં હતો જ્યાં અડી ગઈ પ્રસિદ્ધિ 

બધાં લે મજા ત્યાં નડી ગઈ પ્રસિદ્ધિ

– યામિની વ્યાસ

વા ત જાણે એમ બની કે આર્યન ખાન બિચારો લક્ઝરી ક્રૂઝમાં ગોવા જઈ રહ્યો હતો. અને કને તો બોર્ડિંગ પાસ ય નહોતો. એનો કોઈ વાંક ય નહોતો. આ તો નિમંત્રણ મળ્યું તો ગયો. બિચારો મનનો મોળો. કોઈએ આગ્રહ કર્યો, કોઈએ સમ દીધા તો એ ગયો. અને પછી જેલભેગો થયો નશીલા દ્રવ્યોનાં રાખન અને સેવનનાં આરોપમાં. એનો તો વાન ખેડાઈ ગયો. અમારું તો દિલ દ્રવી ઊઠયું, હોં! કેટલાક બોલિવૂડ સેલેબ્રિટીઝ બોલ્યાં કે આ શાહરુખ ખાનનો દીકરો છે એટલે આમ આદુ ખાઈને પાછળ પડી જવાનું? સુઝાન ખાને કહ્યું કે એ ખોટા સમયે ખોટી જગ્યાએ હતો. એ પોતે ખોટો માણસ છે, એવું ન કહ્યું, બોલો! શશી થરૂરે લોકોની ઘૂલિશ એપિકેરીક્સી (Ghoulish Epicaricacy) સામે પોતાની અરુચિ જાહેર કરી. કહ્યું કે કોઈ તો સંવદના રાખો. ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘ઘૂલિશ’ એટલે પ્રેતભક્ષી પિશાચ, મૃત્યુ ઈત્યાદિમાં અસ્વાભાવિક રસ ધરાવનાર. ‘એપિકેરીક્સી’ શબ્દ ગુ.લે.માં નથી અને દુનિયાની મોટા ભાગની પ્રતિષ્ઠિત ડિક્સનરીઝમાં નથી. મૂળ ગ્રીક શબ્દ છે એપિચેરીકાકીઆ. ‘એપિ’ એટલે ઉપર, ‘ચેરા’ એટલે ખુશી અને ‘કાકોન’ એટલે ખરાબ, અનિષ્ટ. કોઈનું ખરાબ થાય તો અમને સુવાણ થાય! લો બોલો! શશી થરૂરે જે શબ્દસમૂહ લખ્યો એ શબ્દ મોટા ભાગનાં લોકોની લાગણી સાથે બંધબેસતો છે. કોઈ મરે, એમાં જે લોકોને મઝા આવે એ વાત ઘૂલિશ એપિકેરીક્સી છે. આવા જ અર્થનો એક શબ્દ ‘શાડનફ્રોઈડા’ (Schadenfreude) : કોઈનાં દુઃખે સુખી!’ વિષે અમે અગાઉ લખી ગયા છીએ. ઉપરોક્ત બંને શબ્દો પરિસ્થિતિ બયાન કરે છે. પણ એવું શા માટે છે? શું કામ સેલેબ્રિટી (કે એનાં સંતાનો) નીચે પછડાય ત્યારે આપણે સમૂળગાનાં રાજી થઈ છીએ? આ માટે એક શબ્દ છે : ટોલ પૉપી સીન્ડ્રોમ (Tall PoppySyndrome). 

‘ટોલ’ એટલે ઊંચું, સામાન્ય ઊંચાઈ કે આસપાસનાં પરિસર કરતાં વધુ ઊંચું. ‘પૉપી’ એટલે અનેક જાતનો વગડાઉ તેમજ બાગાયત છોડ, જેમાં મોટાં, ખાસ કરીને રાતા રંગનાં ફૂલ થાય છે અને જેમાંનાં કોઈ કોઈમાંથી અફીણ(!) બને છે, તે ખસખસનો છોડ, વિશ્વયુદ્ધોમાં મૃતોનું ચિહ્ન. અને ‘સીન્ડ્રોમ’ એટલે અભિપ્રાયો, લાગણીઓ ઇત્યાદિનો લાક્ષાણિક એકત્ર સમૂહ. આર્યન ખાનની વાત કરીએ તો એ શાહરુખ ખાનનો દીકરો છે. પોતે ટોલ નથી પણ બાપને કારણે સ્ટેટસમાં ઊંચો ગણાય. અને એ સ્ટારકિડ જેલભેગો થયો. એટલે એની વિરુદ્ધમાં અનેક સામાન્ય લોકો લાક્ષાણિક રીતે હરખપદૂડાં થઈને મનસા, વાચા, કર્મણા ટીકાનો ઓનલાઈન વરસાદ વરસાવી રહ્યાં છે. સાલો, આઉટલાઈન છોકરો, એ જ લાગનો હતો.

‘ટોલ પૉપી સીન્ડ્રોમ’ ઓસ્ટ્રેલિયાનો શબ્દ છે. અર્થ થાય છે કે સમાજમાં જે ઉચ્ચ સ્થાને છે અને / અથવા અઢળક સંપત્તિનાં માલિક છે, એવી વ્યક્તિ વિષે ઘસાતું બોલવું, એની નિંદા કરવી, અવમાન કરવું, ઉતારી પાડવું, અપયશ આપતો તે. કોઈનું સારું થાય એ જોયું ન જાય, એટલે એનું ખરાબ થાય ત્યારે સાલી મઝા આવી જાય! સમાજમાં ઉચ્ચ સ્થાન મળ્યું એ એનાં પરિશ્રમનો પ્રતાપ છે. પણ એ નીચે ગબડે ત્યારે આપણને લાગે કે અબ આયા ઊંટ પહાડકે નીચે.

વાર્તા જાણે એમ છે કે પ્રાચીન રોમમાં લ્યુસિયસ ટારક્વિનિયસ નામનો જુલમગાર આપખુદ રાજા હતો. એનો દીકરો સેક્સટસ ટારક્વિનિયસ રોમનાં જ ગાબી પ્રાંતમાં શાસન કરતો અને ત્યાં એની પાસે અપ્રતિમ સત્તા હતી. એણે એનાં પિતાને સંદેશ મોકલ્યો હવે મારે શું કરવું? હવે શું બાકી રહી જાય છે? પિતા કાંઈ બોલ્યાં નહીં. પણ સંદેશવાહકને લઈને પૉપી ફૂલનાં બગીચામાં ગયા. એક લાકડી હાથમાં લીધી અને જમીનને સમાંતર એક ઊંચાઈએ આડી ફેરવી. જે પૉપીનાં થોડાં ફૂલ ઊંચાઈએ હતા એ કપાઈને તૂટી ગયા. ઘણાં ફૂલો લાકડીની નીચે હતા એ રહી ગયા. સંદેશવાહકને કાંઈ સમજાયું તો નહીં પણ એણે ગાબી જઈને રાજાનાં પુત્ર સેક્સટસને જે બન્યું તે કહ્યું. પુત્ર સ્માર્ટ હતો તે સમજી ગયો કે એણે હવે શું કરવાનું છે. એણે ગેબી પ્રાંતનાં જે મોટા માથાં હતા એનાં ઢીમ ઢાળી દીધાં. ટોલ પૉપીની કત્લેખાસ! ઊંચા થયા એ ન ચાલે. ઊંચ નીચનો ભેદભાવ ન હોવો જોઈએ.

હવે ધારો કે હું સુપરસ્ટાર શાહરુખ ખાન છું. ધનદૌલત, એશોઆરામ, યશકીર્તિ ભરપૂર છે. મારી સફળતા વિષે લોકો કહે કે આ તો નસીબની યારી છે તો એ ટોલ પૉપી સીન્ડ્રોમ છે. મારી કોઈ નાની ઉણપને બઢાવી ચઢાવીને કહે તો એ ટોલ પૉપી સીન્ડ્રોમ છે. મારી વિરુદ્ધ પ્રપંચ રચે, મને સહકાર ન આપે એ ટોલ પૉપી સીન્ડ્રોમ છે. અને ઈર્ષ્યા તો ટોલ પૉપી સીન્ડ્રોમનું અભિન્ન અંગ છે. મારો દીકરો ડ્રગ્સ સાથે પકડાય એટલે મીડિયા/સોશિયલ મીડિયા મચી પડે છે મારી વિરુદ્ધમાં. કારણ કે એ મારો દીકરો છે. હવે? હવે કાયદો કાયદાનું કામ કરશે. છટકબારી તો દરેક કાયદામાં હોય જ છે. વકીલો ફોડી લેશે. સાર્થ શબ્દકોષ અનુસાર ‘ફોડી લેવું’ એટલે પહોંચી વળવું. ભાગવદ્ગોમંડલ અનુસાર ‘ફોડવું’નો એક અર્થ થાય છે ઃ લાંચ આપી સામાવાળાને પોતાનું કરવું તે. તે હવે તમે જે અર્થ કરો એ! પણ ત્યાં સુધી મારે શું કરવું? મારે સમજવું કે લોકો પોતે દુઃખી હોય છે. કોઈ તેઓને પૂછતું નથી. એટલે તેઓ મારા દીકરાની આડમાં મારી ટીકા કરીને મનસુખ બનવાની કોશિશ કરે છે. પણ હું સમજું છું. એવાં લોકોની મને પડી નથી. ભલે બોલે. હું મારું મન શાંત રાખવાની કોશિશ કરું. મારી પોતાની ટોળકી બનાવું, જે આપણાં મૂર્ધન્ય હાસ્યકાર જ્યોતીન્દ્ર દવેનાં શબ્દોમાં ‘સત્યાસત્યનો વિવેક કર્યા વિના’ મારા જ પક્ષમાં રહે. અપૂનકી ટોળકી! અને એવા લોકો જે મારો સામાજિક રુતબો કાપવાનાં ચક્કરમાં છે એની સાથે મારે કોઈ દલીલ કરવાની જ ન હોય. મારે એવાં લોકો સાથે લડીને મારી શક્તિનો વ્યય હું ન જ કરું. હું એ હંમેશા યાદ રાખું કે મારી સફળતાની ઈર્ષ્યા કરે છે એ બધા લોકોની વિચારસરણી (કે વિકારસરણી) હું ન બદલી શકું. એ મારા કાબુ બહારની વાત છે, મિત્ર!

શબ્દશેષ ઃ

ટોલ પૉપી

”કોઈને નબળાં પાડીને તમે શક્તિશાળી ન બની શકો. અસાધારણ સામર્થ્ય ધરાવતા મહાન માણસનાં પગ કાપીને કોઈ વેંતિયાની ઊંચાઈ તમે ન વધારી શકો.” 

– બેન્જામીન ફ્રેન્કલીન

Leave a comment

Filed under Uncategorized