Daily Archives: ડિસેમ્બર 18, 2021

પરિશ્મા-યામિની વ્યાસ

પરિશ્મા
‘સુમી, પાણી લાવ તો…’ વાક્ય પૂરું બોલાઈ રહે ત્યાં સુધીમાં તો પાણીનો ગ્લાસ લઈ સુમિત્રા હાજર હોય, પછી એ પાણી પીવાનું હોય, કોગળા કરવાનું હોય કે નહાવાનું હોય.
‘અરે… જરા ગળામાં દુખે છે.’ ખોંખારો ખાતું કોઈ બોલે તો સામે તરત હળદર-મીઠાવાળું હૂંફાળું પાણી કોગળા કરવા કરી દે. ઘરના કોઈએ પણ ‘ચા પીવી છે’ કે ‘ભૂખ લાગી છે’ એવું કહેવાની જરૂર જ ન રહેતી. એ લોકો કહેતા પણ કે, આવું કહેવા તો તે દે કે, ‘હાશ! ચા પીવાનું મન થયું,જરા બનાવી આપને.’ પણ એ પહેલાં તો તૈયાર જ હોય.
સુમીનું મોઢું હંમેશા હસતું જ રહેતું. ઘણાંને થતું કે, તેને કદી ક્યારેય દુઃખ થતું જ નહિ હોય? પરંતુ તે દુઃખને પ્રવાહી રૂપમાં હૃદયમાં સાચવી રાખતી અને એની વરાળ થતી તો તે ફક્ત આંખો સુધી જ પહોંચાડતી અને કોઈ ના જુએ ત્યારે એ આંખો ધોધમાર વરસી પડતી. પછી એ હળવીફુલ થઈ જતી.એનો વરસાદ એને જ ગમે. એમાં એ ગળાડૂબ ભીંજાઈ જતી અને ફરીથી હતી એવી હસમુખી થઈ જતી.
કેટલીવાર તેની સહેલીઓ, તેનાં સગાંઓ પણ તેને કહેતાં કે, ‘અરે! આમ દરેકને માટે ખડે પગે હાજર ન રહેવાય. બિચારા તારા પગનો તો વિચાર કર!’ એના સાસુ પણ સલાહ આપતા કે, ‘દીકરા, થોડો આરામ કર.’ પણ પગ વાળીને બેસે તે સુમિત્રા નહીં. બધાં જ સાથે બેઠાં હોય ત્યારે બહાર વરસાદ પડે તો કોઈ કહે, ‘આહાહા… હવે મજા આવી જશે.’ કોઈ કહેતું, ‘હવે ગરમ ગરમ ભજીયા ખાઈએ.’ તો કોઈ કહેતું, ‘હવે ગરમ ગરમ ચા પીવાનું મન થાય છે.’ તો કોઈને ગીત લલકારવાનું મન થાય પણ ત્યારે સુમી! સુમી દોડીને અગાસી પર સૂકવેલાં કપડાં લેવા જાય.
હમણાં જ જુઓને, નવરાત્રિમાં સોસાયટીમાં રોજની આરતી નોંધાવવાની હતી. બધાંએ પોતપોતાને અનુકૂળ દિવસે નોંધાવી. બે-ત્રણ દિવસ ખાલી હતા પરંતુ ફિકર નહોતી, કારણ કે સુમિત્રાની આરતી તો રોજ જ હોય.નવીન પ્રસાદ અને સુંદર રીતે સજાવેલી આરતી રોજ એ તૈયાર કરે અને પહેલો ગરબો તો એજ ઉપાડે. પાંચ ગરબા ફર્યા પછી જ ડીજે ફીજે ચાલુ થાય.
સુમી ખૂબ સામાન્ય કહી શકાય તેવા એક સંયુક્ત પરિવારમાં ઊછરેલી. ત્રણ બહેનોમાં તે વચલી દીકરી.એની મોટી અને નાની, બંને બેનો થોડા વધુ લાડમાં ઊછરેલી અને સાથે કાકાની બે દીકરીઓ મળીને પાંચ દીકરીઓ. ઘરમાં કોઈ પણ નવી વસ્તુ આવે ત્યારે બધાંને માટે સરખી જ આવે, પરંતુ કલર અને ડિઝાઇન જુદા હોય. બધાં સુમી બતાવે એ સારું જ હોય એમ માની એજ વસ્તુ લઈ લે અને છેલ્લે જે હોય તે સુમી માટે રહે, પરંતુ કાકા અને પપ્પાએ શીખવ્યું કે, ‘તને ગમે એ તારે નહીં કહેવાનું અને ન ગમે તે જ બતાવવાનું.’ બધાં જ એ રીતે પસંદ કરતાં. સુમી પોતાને ન ગમતું હોય તે પહેલાં બતાવતી. એ બીજી બહેનો એ તરત લઈ લેતી. આ રીતે છેલ્લે તેને જ ગમતું હોય તે તેને મળી જતું.
પરણતી વખતે પણ એવું જ થયું. તેને પરિતોષ ગમતો હતો. સરખે સરખી બે બહેનો માટે વાત ચાલી અને પહેલાં ફોટા જ બતાવવામાં આવ્યા. તેણે પરિતોષનો ફોટો સાઈડમાં મૂકી દીધો. પછી વાત આગળ ચાલતાં થોડી અટકી અને પછી એ પરિતોષ સાથે જ પરણી. કરકસર અને સહુના મન સાચવવા એ બે ગુણ લઈને તે સાસરે આવી. એની જેઠાણી અને દેરાણી સાથે પણ બહેનો જેવી જ ઘટનાઓ બનતી અને પિયર જતી ત્યારે પપ્પા કાકાને વાતો કરી હસતી.
જોકે એ બધાંનાં કામ હસતાં હસતાં કરી લેતી અને સૌના મન સાચવતી. જરૂર પડે ત્યારે પેલી હૈયાની વરાળને આંખોમાં વાદળ બાંધીને વરસાવી દેતી અને તેમાં તેને પરિતોષ મળતો. અને આ રીતે પરિતોષ સાથે ખૂબ સરસ દાંપત્ય ચાલતું હતું.
થોડા સમય પછી પરિતોષને શહેરમાં નોકરી મળી. મોટું શહેર, છોકરાઓને તે રીતે ભણાવવાના. એ ઘણી કરકસર કરીને બધું જ સાચવી લેતી. અહીંની રહેણીકરણીથી, અહીંના જગતથી થોડીક અજાણ પરંતુ તેને પડોશણ યજ્ઞા સારી મળી. તે બધું શીખતી ગઈ. એ સોસાયટીની કિટી પાર્ટીમાં પણ જોડાઈ. નવા નવા ડિઝાઈનર ડ્રેસ સાથે સૌ આવતી માનુનીઓ સામે એ સુંદર સુતરાઉ બોર્ડરવાળી કે ભરત ભરેલી સાડી અને જાતે ડિઝાઈન કરેલું બ્લાઉઝ પહેરીને ઢીલા લાંબા ચોટલામાં જતી અને આકર્ષણનું કેન્દ્ર બની જતી.બધાં પૂછતાં પણ, તેની સાડી પહેરવાની સ્ટાઈલ અને બ્લાઉઝની પેટર્ન વિષે. યજ્ઞા તેને કહેતી કે, તું આના પૈસા લે. સુમીએ પહેલાં તો એકબે બ્લાઉઝ એમજ સીવી આપ્યાં. તેને સિલાઈકામ સારું આવડતું હતું. પછી તો પોતાની સૂઝબૂઝથી ડિઝાઇનર કામ કરતી થઈ ગઈ. તેની કમાણી પણ થતી. ઘણી બહેનોને પણ તેણે રોજ પર કામે રાખી. અને એ રીતે તેની સાડી પહેરાવવાની સ્ટાઈલ અને બ્લાઉઝ વખણાતા ગયા. તેણે રેડીમેઈડ ગુજરાતી સાડી પણ તૈયાર કરી. સુમીનો ગૃહઉદ્યોગ આ રીતે સરસ ચાલતો. દીકરા-દીકરીને પણ કરકસર કરી સારી રીતે ભણાવ્યાં. સારા સંસ્કારો આપ્યા અને ભલે પોતે અમુક મર્યાદામાં ઊછરી હતી પરંતું તેણે અને પરિતોષે બંને બાળકોને પુરી આઝાદી આપી હતી કે, ‘કે જીવનસાથી તરીકે તમને ગમે અને યોગ્ય લાગે તો અમને કહેજો.’તેઓને ખાતરી હતી કે,બન્ને સમજુ છે ને સંસ્કાર આપ્યા છે તે મુજબ જ તેઓ જાતે પસંદ કરશે એ વધુ યોગ્ય હશે.
“મમ્મીપપ્પા, આ વિનય મને ગમે છે.મારો સિનિયર છે અને બેડમિંટનનો પાર્ટનર છે.એનું ફેમિલી પણ તમને ગમે એવું છે.” એક દિવસ દીકરી નિત્યા એક સરસ છોકરાને ઘરે લઈ આવી.”બેટા, ખાસ તો તને ગમે એવું હોય તો અમે રાજી” સુમી અને પરિતોષ એઓને મળ્યાં. બધું સારું હતું.નિત્યાને ધામધૂમથી પરણાવી.
દીકરો પણ સાથે ભણતી પરિશ્મા સાથે પ્રેમમાં પડ્યો. મોટા ઉદ્યોગપતિની એકની એક દીકરી. વહાલથી સૌ તેને પરી કહેતા.વાત જાણી સુમીએ તેના સ્વભાવ મુજબ લઘુતાગ્રંથિ અનુભવી. દીકરા પર્જન્યએ મમ્મીને હાથ ફેરવતા કહ્યું, ‘મમ્મી, ભલે એ ખૂબ ધનિક બાપની દીકરી છે પણ પરિશ્મા બહુ સરળ,અને સીધી છોકરી છે.જે લાગે એ જ કહે,ક્યારેય કશું ગોળગોળ નહીં ને મનમાં કશું ન રાખે.’ તું ચિંતા ન કર.’
પહેલી જ વાર મળી ત્યારે ખૂબ મીઠડી લાગતી રૂપાળી પરિશ્માને જોઈને જ સુમીની આંખોમાં પાણી આવી ગયાં. વહાલથી વળગી પડવું હતું, પરંતુ એને કંઈક જુદું જ લાગ્યું. હજુ એની આંખો આગળથી પેલો મોટા ઘરની દીકરીનો પડદો હટ્યો ન હતો.આ પરી આવીને પગે લાગી. માથા પર હાથ ફેરવી ફક્ત આશીર્વાદ આપી શકી. મોટા ઘરની દીકરી ઘરે આવશે અને તેને અહીં કેવી તકલીફ પડશે કે એ શું શું અનુભવશે તેની પર્જન્ય કરતાં પણ વધારે ફિકર સુમીને હતી. પરણીને બંને જણા આગળ ભણવા અમેરિકા જવાના હતા. સુમીને એ નહોતું ગમતું, પરંતુ થોડી હાશ હતી કે, બે-ત્રણ વર્ષ તો તેઓ ત્યાં એકલાં અને સારી રીતે રહેશે. પરિતોષની તો હેસિયત નહોતી કે આટલા પૈસા ખર્ચીને બન્નેને ભણાવી શકે, પરંતુ પરિશ્માના પપ્પાએ આ વ્યવસ્થા કરી હતી. અને એ લગ્નની ગિફ્ટ રૂપે છે એમ કહી સુમી પરિતોષને મનાવ્યાં હતાં.
હવે ખૂબ ધામધૂમથી લગ્ન કરવાનાં હતાં. પરિશ્માના પિતાએ બહુ જ નમ્રતાપૂર્વક કહ્યું હતું કે, મારે તો મારી રીતે મારા વ્યવસાયને સાચવવા ધામધૂમથી લગ્ન કરવા પડે. તમારે ફક્ત મહાલવાનું જ છે. વહુને પણ ઘરેણાથી નહીં પોંખશો તો ચાલશે. છતાં પણ સુમિત્રા અને પરિતોષ એ બનતું એટલું કર્યું. આને સરસ રીતે લગ્ન સમારંભ પૂર્ણ થયો.
સુમીને હજુ પણ ગભરાટ હતો. તેને તે દિવસ યાદ આવી ગયો. જ્યારે નક્કી થયું ત્યારે પહેલી વાર પરિશ્મા ઘરે આવી હતી, ત્યારે એને આવકારવા સુમીની સહેલીઓ ઢોલ લઈને ગીતો ગાવાં આવી હતી. પરિશ્મા થોડીવાર બેઠી પછી અંદર ચાલી ગઈ હતી. સુમીએ તેને પૂછ્યું કે, કેવું લાગ્યું? પરંતુ ક્લાસિકલ શીખેલી અને પરફેક્શનમાં માનતી પરિશ્માને આ ગીતો બેસૂરા અને તાલ તૂટતા હોય એવાં લાગ્યાં. તેણે કહ્યું કે, ‘મમ્મી, મને મજા ન આવી. તમને કેવી રીતે ગમે છે?”
સુમીથી બોલાઈ ગયું, ‘બેટા, ભલે ગીત ગાતા તાલ તૂટે પરંતુ આ ઉત્સાહનો લય જીવનને ખુશીઓથી છલકાવી દે છે એનો આનંદ છે.’ પરિશ્મા હસી પણ કંઈ બોલી નહીં ત્યારે સુમીને થયું કે,એ જુદી રીતે ઊછરી છે,બધી ઉચ્ચ તાલીમ પણ લીધી હશે.કદાચ આવું સામાન્ય હોય તે એને ન ગમે. બને તેટલો ઘરમાં પણ ફેરફાર કર્યો. એને બોલાવી એના માટે એનું મનગમતું ખરીદ્યું.આમ પર્જન્ય અને પરિશ્માનો રૂમ તૈયાર કર્યો. નિત્યા આવી. તેણે કહ્યું કે, આ શું, મમ્મી? આ બેડશીટ તો સારી પાથરી છે પરંતુ આ ઓઢવા માટે ભલે નવા પણ ચારસા ન મુકાય. એ મોલમાં ગઈ. ને વીસ હજારનો સેટ ખરીદ્યો, જેમાં બેડ કવર, બે પિલો કવર, ૩ ત્રણ જુદી જુદી ડિઝાઇનર બેડશીટ અને ત્રણેય સીઝનમાં ઓઢવાના થાય તેવા બ્લેન્કેટ ખરીદ્યાં. સુમીએ કહ્યું,’સારું થયું તેં કહ્યું, મને તો આવી ખબર જ ન હતી.’
લગ્ન પછી પરિશ્મા ઘરે આવી. પહેલી રાત તો તેઓએ પહેલેથી હોટેલ બુક કરાવી હતી ત્યાં હતા. બીજી રાત્રે ઘરે સૂવા માટે રૂમમાં માટે ગયા. સુમી ટેન્શનમાં હતી કે તેને આ રૂમ ફાવે કે નહીં ફાવે. જાણે સાત રજાઈ નીચે પડેલી કાંકરી પણ ખૂંચે તેવી પરિશ્માને આ રૂમમાં ફાવશે કે કેમ. તેને ચિંતા હતી. રાત્રે અઢી વાગે સુમી પાણી પીવા ઊભી થઈ ત્યારે પરિશ્મા પણ આવી.
સુમીએ ચિંતાતુર થઈ પૂછ્યું, ‘શું થયું બેટા? ઊંઘ નથી આવતી?’
પરિશ્મા થોડી ખચકાઈ અને બોલી મમ્મી, ‘તમે સુઈ જાઓ. કશો વાંધો નથી.’
સુમીએ ચિંતાતુર થઇને ફરી પૂછ્યું, ‘બોલને? શું થયું?’
“મમ્મી, મને ઓઢવાનું નથી ફાવતું.
સુમીને થયું કે, હવે શું કરવું? આનાથી વધુ સારું ક્યાં લેવા જવું?
પરીશ્માએ કહ્યું, ‘મમ્મી, ચારસો છે? સુમીને નવાઈ લાગી. તેણે તરત જ નવા ચારસા હતા તે બતાવ્યા. પરિશ્માના મોઢા પર હાસ્ય આવી ગયું. તેણે કહ્યું, ‘મમ્મી, હમણાં એક ફોટો વાયરલ થયો હતો. આની તમે મને કોટી બનાવી આપજો. તમે સરસ ડિઝાઇન કરી શકો છો. હું અમેરિકા જવાની છું ત્યારે પણ તે સાથે લઈ જઈશ. પરંતુ મને આવું હાર્ડ નહીં પણ સોફ્ટ જોઈએ છે. ઘરે દાદીનો ચારસો બહુ જૂનો છે તે જ હું ઓઢતી હતી. હોટેલમાં પણ હું લઈ ગઈ હતી પણ બીજા સામાન સાથે તે મમ્મીને ઘરે જતો રહ્યો છે.’
સુમીને ખ્યાલ આવ્યો અને પોતાનો ઓઢવાનો ચારસો લઈ આવી. તે જરા જુનો હતો અને ઘણીવાર ધોવાથી સોફ્ટ થઈ ગયો હતો. પરીશ્માના હાથમાં જરા ખચકાટ સાથે મૂક્યો. પરિશ્મા તેના પર હાથ ફેરવતા ચારસાને વળગી પડી. તેણે ‘હા’ બોલવાની જરૂર ન રહી અને સુમીની આંખો સામેથી પેલો ઉદ્યોગપતિની દીકરીવાળો પડદો ધીમેધીમે ખસતો ગયો અને તરત પરિશ્માને વળગી પડી.

Leave a comment

Filed under Uncategorized