બૅટ ન્વાર: એકબીજાને અણગમતાં રહીએ! ના ગમે તો વાત સાંભળવી નથી કાન એ કોઈની થૂકદાની નથી અણગમો આવે તો તોડી નાખીએ શબ્દ કંઈ જાત ઈન્સાની નથી – ભરત વિંઝુડા આજનો શબ્દ બૅટ ન્વાર (Bête Noir) છે. એવો કોઈ વિષય, વસ્તુ કે વ્યક્તિ જે સવિશેષ ન ગમે, માત્ર દીઠે જ નહીં, પણ અડ્યે, સુંઘ્યે, ચાખ્યે કે સુણ્યે તો બિલકુલ ન ગમે, સાગમટું ન ગમે, સમૂળગું ન ગમે- એ બૅટ ન્વાર. આજથી સાડા ચાર વર્ષ પહેલાં કેપ્ટન અમરિન્દર સિંઘ સામા પ્રવાહે તરીને પંજાબનાં મુખ્યમંત્રી બન્યા હતા. કોંગ્રેસ પક્ષ માટે જાણે કે સત્તાનાં પ્રતીક હતા. પણ પંજાબમાં હવે ફરી ચૂંટણી માથે છે અને ત્યારે તેઓ કોંગ્રેસને માથે પડ્યા. પોતાની હકાલપટ્ટી થઈ પછી પોતાનો અલાયદો પક્ષ રચવાની જાહેરાત કરી. આમ પણ જ્યારથી નવજોત સિંઘ સિદ્ધુ કોંગ્રેસમાં આવ્યા ત્યારથી તેઓની મુશ્કેલી વધી હતી. બંને કોંગ્રેસી નેતાઓની હુંસાતુંસીનાં સમાચારમાં ‘બૅટ ન્વાર’ શબ્દ છાપે ચઢતો રહ્યો હતો. ગયા અઠવાડિયે પણ એક ઇંગ્લિશ અખબારનાં સમાચારમાં આ શબ્દ આવ્યો; જેમાં લખ્યું કે અમરિન્દર સિંઘનાં બૅટ ન્વાર નવજોતસિંઘ સિદ્ધુનાં ટેકેદાર મિનિસ્ટર પરગત સિંઘે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ‘કેટ ઈઝ આઉટ ઓફ ધ બેગ’. એટલે કોથળામાંથી બિલાડું? ના, આ અર્થ નથી. ગુજરાતી મુહાવરો ‘કોથળામાંથી બિલાડું’ એટલે ધાર્યું હોય કાંઈક અને કસ વિનાનું પરિણામ આવવું તે. પણ ઇંગ્લિશ ભાષામાં આ મુહાવરાનો થોડો અલગ અર્થ છે. કોથળામાંથી બિલાડું બહાર નીકળે તો એનો અર્થ થાય: કશું ખાનગી હોય એ જાહેર થઈ જાય. ખાસ કરીને કોઈ ષડયંત્ર. ઘણાં વર્ષો પહેલાં બ્રિટિશ નૌકાદળમાં ચામડાની નવ ચાબુકવાળું હન્ટર હતું, જે કેટ-ઓ-નાઇન ટેલ્સ એટલે કે બિલાડીની નવ પૂંછડીઓ તરીકે ઓળખાતું. દરિયાનાં ભેજવાળા વાતાવરણમાં એ ખરાબ ન થાય એટલે એ બેગની અંદર રાખવામાં આવતું. કોઈ ખલાસી ભૂલ કરે તો બેગમાંથી બહાર કાઢી જે તે ગુનેગારને કેટ-ઓ-નાઇન ટેલ્સ ચાબુક ફટકારવાની સજા કરાતી. એ પરથી કદાચ આ મુહાવરો ‘કેટ આઉટ ઓફ બેગ’ આવ્યો હોવાનું મનાય છે. એ જે હોય તે પણ કેપ્ટન અમરિન્દર સિંઘ અને નવજોત સિંઘ સિદ્ધુ એક જ પક્ષમાં હતા પણ એક્મેકનાં અણગમતાં હતા. આમ તો રાજકારણમાં અંદરખાને બધા એકમેકની કાપતીમાં જ હોય છે. પોતાની જ પાર્ટીમાં બૅટ ન્વાર અલબત્ત ઝાઝા જ હોય કારણ કે મલાઇદાર ઉચ્ચ પદ પ્રાપ્તિ માટે આજ લોકો પોતાની જ પાર્ટીનાં નેતાઓ સાથે એકમેકની ગળાકાપ હરીફાઈમાં હોતા હોય છે. બિચારા વિરોધ પક્ષવાળા તો ખરેખર દોસ્ત હોય છે. એ તમારું પદ છીનવી શકતા નથી. એનાથી કોઈ ખતરો પણ હોતો નથી. પણ અહીં તો ઘરનાં જ ઘાતકી થાય. અલબત્ત આ ઘાતકીપણું અહિંસક છે પણ.. દરેક મુખ્યમંત્રીએ આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. બૅટ ન્વાર શબ્દ મૂળ ફ્રેંચ છે. ‘બૅ’નો ઉચ્ચાર ભારપૂર્વક થાય છે પણ આખરી ‘ર’નો ઉચ્ચાર એકદમ હળવો છે. ફ્રેંચ અર્થ થાય છે: કાળો પશુ કે કાળો રાક્ષસ. આ શબ્દ પહેલી વાર સન ૧૮૦૫માં અણગમતી વ્યક્તિ કે વસ્તુનાં અર્થમાં ઉપયોગમાં આવ્યો. તમે એનો અર્થ ઘૃણાપાત્ર, ત્રાસદાયી, ઉપદ્રવી કે તિરસ્કરણીય પણ કરી શકો. ઘણાં લિબરલ્સ કે સેક્યુલર્સ (કે સ્યુડો-સેક્યુલર્સ) માટે નરેન્દ્ર મોદી બૅટ ન્વાર છે. પણ આ તો વ્યક્તિગત અળખામણાપણું છે. કોઈ નીતિરીતિ પણ બૅટ ન્વાર હોઈ શકે. જેમ કે માર્ટિન લ્યુથર કિંગ માટે રંગભેદ બૅટ ન્વાર હતો. કોઈ વસ્તુ કે વિષય પણ બૅટ ન્વાર હોઈ શકે. જેમ કે દર વર્ષે માર્ચ મહિનો આવે એટલે ઇન્કમટેક્સ ભરવો પડે. હું દુ:ખી છું. ઇન્કમટેક્સ મારો બૅટ ન્વાર છે. પીછે પડ ગયા ઇન્કમટેકસમ્ .. કોઈ કહે કે ફલાણાં ભાઈ કે ઢીંકણાં બે’ન અજાતશત્રુ છે તો અમને નવાઈ લાગે છે. અળખામણાપણું કુદરતી છે. શત્રુ તો હોવાના જ. મઝાની વાત તો એ છે કે કોઈ પણ કારણ વિના ય કોઈ માણસ તમને ન ગમે, એમ પણ બને. શોખ જુદા હોય. રહનસહન અલગ હોય. લેખનવાંચન (જો હોય તો..) અલગ હોય. કોઈ શિયાળ જેવા હોય. લુચ્ચા. છેતરે,નડે, હેરાન કરે એ જ તો બૅટ ન્વાર. અને એ તો હોય જ. કેમ કરીએ રે અમે કેમ કરીએ? સ્થિતિનો સ્વીકાર એ પહેલું પગથિયું છે. કોશિશ કરીએ કે બૅટ ન્વાર જે કાંઈ પણ કહે તેમાંથી કશું પોઝિટિવ શોધવાની કોશિશ કરીએ કારણ કે ત્રાસદાયી વ્યક્તિમાં ય કશુંક હાશદાયી હોઈ શકે. પણ બૅટ ન્વાર જો તમને જાણી જોઈને સળી કરે તો એની પ્રતિક્રિયા આપવામાં કાળજી લેવી. કારણ કે તમારી ઉપર ઈમોશનલ કોલ્ડ બ્લડેડ અત્યાચાર કરવાની એની સાઝિસ હોઈ શકે. બૅટ ન્વાર ગાળાગાળી ય કરી શકે. જાહેર ઝઘડો ય કરી નાંખે. આપણે માત્ર આપણો બચાવ જ કરતાં રહેવું જરૂરી નથી. તો તો સામાવાળો વધારે ચગી જાય. એવું માને કે આપણે નબળાં છીએ. એ લખી રાખો કે આપણી ખુશી, આપણું સુખ અલ્ટિમેટ છે. બૅટ ન્વાર આપણાં સુખ ઉપર વાર કરે તો પ્રતિકાર કરવો એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. પણ હા, આપણે કોશિશપૂર્વક શાંતિથી પરિસ્થિતિને હેન્ડલ કરવી. નહીં તો.. ન્યાંથી હેંડી જવું! તંઈ શું? કેટલાંક લોક તો આપણાં ઝઘડાંને ય લાયક હોતા નથી. પણ બૅટ ન્વારથી દૂર ન જઈ શકાય તેમ હોય તો? તો પાર્થ બની જવું, તીર ચઢાવવું, યુદ્ધ કરવું અને કલ્યાણ કરવું, હેં ને? શબ્દશેષ: “એવી વ્યક્તિ પ્રત્યે મને અણગમો છે જે પોતાનાં દિલનાં ઊંડાણમાં કોઈ વાત સંતાડે છે અને મુખેથી બોલે છે કોઈ બીજી જ વાત.” –મહાન ગ્રીક કવિ હોમર (ઈ. સ. પૂર્વે ૭૫૦)”.