Daily Archives: ડિસેમ્બર 23, 2021

‘જૂઈનાં ફૂલો-સંપાદિકા ઉષા ઉપાધ્યાય

વર્તમાન કવયિત્રીઓના શેરની ખુશ્બૂ ‘જૂઈનાં ફૂલો’ પુરુષ પ્રધાન સમાજમાં નારીલિખિત સાહિત્યની પૂરતી નોંધ લેવાતી નથી. પૂર્વે આપણને ઉત્તમ નારી રત્ન સમાન સંત-કવિયત્રીઓ મળી જ છે, જેમણે આપણને જીવનના ભાથા સમાન ભક્તિ રચનાઓ આપી છે. છતાં, સ્ત્રી સાહિત્યકારો વિષે પૂરતું ધ્યાન નથી અપાતું એવો સૂર પણ બળવત્તર છે. આ બાબતે કોઈ સ્ત્રી સર્જક જ કાર્યરત થાય તો સારું ગણાય. કવયિત્રી અને સાહિત્ય સંશોધક એવા અમદાવાદના ઉષાબેન ઉપાધ્યાયે આ દિશામાં નેત્રદીપક કાર્ય કર્યું છે. ગુજરાતી સાહિત્ય અકાદમી માટે મધ્યકાલીન ગુજરાતી કવયિત્રીઓનાં કાવ્યો રૂપે ‘રાધાકૃષ્ણ વિના બોલ મા’ અને અર્વાચીન ગુજરાતી કવયિત્રીઓનાં કાવ્યો ‘શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ’ જેવાં બે સંપાદન ગ્રંથો તેમણે તૈયાર કર્યાં, જેમાં ઉષાબેને પાંચસો વર્ષના સમયપટ પર પથરાયેલી ગુજરાતી કવયિત્રીઓની કવિતાની પહેલી એન્થોલોજી તૈયાર કરીને મોટું કામ કર્યું. પછી તેમણે લેખિકાઓની વાર્તાઓ, નિબંધો, આત્મકથ્ય અને કેફિયત સમાવતી ‘નારીસપ્તક શ્રેણી’ દ્વારા ઉત્તમ કાર્ય કર્યું. આ થઇ સાહિત્ય સંચયની વાત, પણ વર્તમાન કવયિત્રીઓની કવિતાને મંચ આપવાનું મહત્વનું કાર્ય તેમણે ‘જૂઈ મેળા’ દ્વારા કર્યું છે. જૂઈ મેળા જેવાં સુગંધી કાર્યમાં વિવિધ કવયિત્રીઓ સંમેલન યોજાતા રહે છે. ગુજરાત, દેશ અને વિદેશમાં પણ કાવ્ય રચતી બહેનોને પ્રસ્તુત કરાઈ. કોવીડકાળમાં પણ આ પ્રવૃત્તિ વિસ્તરી. ‘મેગા ઈ જૂઈ મેળો’નાં સવા સાત કલાક લાંબા અવિરત પ્રસારણ દ્વારા ઇતિહાસ રચાયો અને એમાં રજુ થયેલાં કાવ્યોને તેમણે ગ્રંથસ્ત પણ કર્યાં. આપણે ત્યાં સુગમસંગીત અને કવિસંમેલનોનાં સંચાલનમાં અનેક કવિઓના સારા શેર રજુ કરીને રસજાગૃતિ કરવાની પ્રથા છે. અહીં પણ મુખ્યત્વે કવિઓના જ શેર સંભળાય છે, કવયિત્રીઓનાં શેર ઓછા મળે છે. આ મહેણું ભાંગવા માટે ઉષાબેન ઉપાધ્યાયે ‘જૂઈના ફૂલો’ પુસ્તકનું સુંદર સંપાદન કર્યું છે. જેમાં ગુજરાતી ભાષાની કવયિત્રીઓનાં ચૂંટેલા શેરનો સંચય છે. સાહિત્યિક સંચાલન માટે તો આ એક ઉત્તમ સંગ્રહ છે જ, પણ સામાન્ય સાહિત્ય રસિકને સુંદર શેરો વાંચવા કે વહેંચવા માંગતાં મિત્રો માટે પણ આ સંગ્રહ ઉપયોગી બને છે. સર્જક બહેનોએ પોતે જ પસંદ કરેલાં પોતાના આ સુંદર શેર દ્વારા એક સુગંધી કાવ્ય રસ થાળ આપણને ઉષાબેને આપ્યો છે. વળી, કવયિત્રીઓનાં મનપસંદ શેર આપણને એક જ પાના પર મળતાં, તેમના કવિકર્મની ઝલક પણ મળી રહે છે. આવું વધુને વધુ કાર્ય સમયાંતરે થતું રહેવું જોઈએ. તેઓ તે કરતા રહેશે એવી આશા પણ છે જ. ગુજરાતી કવયિત્રીઓનાં ચૂંટેલા શેરના આ સંગ્રહ ‘જૂઈનાં ફૂલો’માં ગઝલ લખતી ૮૧ સર્જક નારીઓના શેરોની સોડમ છે. વર્તમાન સમયમાં જે સેંકડો નવોદિતો ગઝલ લખે છે, તેમને અને તેમાંની યુવા કવયિત્રીઓ માટે આ સંગ્રહ પ્રોત્સાહક નીવડશે એવું નિશંક કહી શકાય. આ સંગ્રહમાંથી થોડાં શેરનું રસપાન કરીએ તો- પથ્થરોમાં સ્મિત રેલાવી દઉં,ટાંકણું જો હાથમાં પકડાય તો. – અલ્પા વસા હતી ગિરનારમાં કરતાલ, દ્વારિકા વસે મીરાં, કલમની સાધનાથી હું, રસમ એની નિભાવું છું. – ઉષા ઉપાધ્યાય હતા ભ્રમ એ ભાંગીને ભુક્કો થયાં છે,અરીસાએ ઓળખ કરાવી દીધી છે. – ગોપાલી બુચ સૌને શુભેચ્છા આપવા સક્ષમ બની શકે,એવા જ દિલની પ્રાર્થના અક્ષત બની શકે. – જિજ્ઞા ત્રિવેદી ટપકતાં ટપકતાં કરી જાય ખાલી,શું અશ્રુ જ મારી છે જાહોજલાલી?- નેહા પુરોહિત તને શોધવાની છે કોશિશ નકામી,સમય છે તું, આઠે પ્રહરમાં રહે છે. – પૂર્ણિમા ભટ્ટ મેં હાંસિયે જે લખ્યું, મારી પિછાણ છે,લિપિ નથી, વજૂદનું પાકું લખાણ છે. – પ્રજ્ઞા વશી જાણી શકે ક્યાં કોઈ અહીં કોઈને હજી, હસતા ચહેરા ભીતર ઉદાસી હોઈ શકે. – પ્રીતિ જરીવાલા સ્વપ્ન મારી પાસ આવીને સતત કહેતું રહ્યું, ચંદ્ર રાત્રીએ કરેલો સૂર્યનો અનુવાદ છે. – ભારતી રાણે તિમિર તું વાંચ આજે ધ્યાનથી આકાશનું છાપું, અમાસે ચાંદ ઊગશે એવી જાહેરાત આવી છે. – યામિની વ્યાસ રહેવું છે સ્વસ્થ એટલું નક્કી કર્યું અને,મેં મારી સાથે વાત કરી સારવારમાં. – લક્ષ્મી ડોબરિયા આંખ ઉઘાડું ને છટકી જાય એ, સ્વપ્ન પણ સાચ્ચે બડું શૈતાન છે. – સંધ્યા ભટ્ટ વધેરી નાંખ ઈચ્છાઓનાં તું શ્રીફળ બધાં, ને જો, અધૂરી છાબડી સુખની પછી અક્ષય થવા લાગે. – સ્વાતિ નાયક લખીને જીવું કે જીવીને લખું, ગઝલ જેવું બનવાનું મન થાય છે. -સ્નેહા પટેલ મારા વિષે જે કંઈ તું ધારે છે,સાચું કહું? થોડું વધારે છે. – હર્ષવી પટેલ સંપાદિકા ઉષા ઉપાધ્યાયનું ‘જૂઈનાં ફૂલો’ એ ફ્લેમિંગો પબ્લીકેશન, અમદાવાદનું પ્રકાશન છે, ૧૦૦ પાનાનું આ પુસ્તક સો રૂપિયાનું છે. પુસ્તક પરિચય: નરેશ કાપડીઆ

Leave a comment

Filed under Uncategorized