Daily Archives: ડિસેમ્બર 24, 2021

ગામ એટલે કે..યામિની વ્યાસ

ગામ એટલે કે… “હા, આજ અમારાં ગામની સુવાસ,આહાહા ને જુઓ એકસરખાં ઘેરાં લીલાછમ વૃક્ષો પસાર થતાં દેખાય એટલે ગામ આવી ગયું સમજો. આટલા વર્ષે હજુ પણ એવાંજ છે!” લાંબી મુસાફરી બાદ શશાંકભાઈએ બસમાં બેઠેલા બાજુવાળા મુસાફરને કહ્યું અને જાણે તાજગી અનુભવતા હોય એ રીતે સામાન ઊંચકી ઊતરવા અધીરા થઈ ગયા અને સહયાત્રીને આવજો કરી સૌથી પહેલા ઊતરવા બારણાં નજીક પહોંચી ગયા.એમને યાદ હતું,ગામનો ચોરો આવે એટલે બસ ચકરાવો લઈ ઊભી રહેતી અને થોડીવાર જાણીતું વાતાવરણ ધૂળ ધૂળ થઈ જતું. એટલે એ બે ઘડી આંખો બંધ કરી થોભ્યા. “કાકા, આગળ ચાલો..” પાછળ ઊભેલી યુવતી બોલી. શાશંકભાઈએ આંખો ખોલી ને આભા જ બની ગયા. ‘ઓહો,હું તો ભૂલી જ ગયો.અહીં તો ધૂળિયા રસ્તાને બદલે પાકી સડક થઈ છે. ને ચોરો ક્યાં? આ તો હમણાંજ રંગરોગાન કર્યું હોય એવું નવું બસસ્ટેન્ડ! ને અહીં તો ઘોડાગાડી ઊભી રહેતી કે બહુ તો સાયકલરીક્ષા. અરે!અમે તો મોટેભાગે ચાલતાં જ ઘરે જતાં પણ હવે એ તાકાત ક્યાં?’શશાંકભાઈ એક ઓટોરિક્ષાને ઊભી રાખી ત્યાં તો મિત્ર ગેમલભાઈનો પૌત્ર એમને લેવા આવી ગયો.”તમેજ શશાંકદાદા ને? બાઇક પર ફાવશે? ગાડી સર્વિસમાં આપી છે.” ગામમાં પ્રવેશતા જ આ સંબોધન સાંભળી શશાંકભાઈ સહેજ ચમક્યા પણ પછી ઉંમરનો ખ્યાલ આવતા સ્હેજ હસ્યા ને “અરે કેમ નહીં,મજા આવશે દીકરા.” કહી પાછલી સીટ પર બેસી ગયા. દસ મીનિટ્સમાં તો મિત્ર ગેમલસિંહના બારણે. બન્ને ભેટ્યા. “કેટલા વખતે મળ્યા નહીં?””હા, સુમનભાભી ગુજરી ગયેલા ત્યારે હું ને ગજરી તારા શહેર આવેલાં.””ઓહો એ વાતને ય ઘણો સમય વીતી ગયો.” હાથ મોં ધોતા શશાંકભાઈએ જવાબ આપ્યો. પછી તો ગેમલભાઈએ પોતાના આખા પરિવારની ઓળખાણ કરાવી.દીકરો કે ભત્રીજાના ધંધા, ખેત,જમીન વિગેરેની વાતો થઈ. ગજરીબેન અને વહુઓએ તૈયાર કરેલી રસોઈ જમી બન્ને મિત્રો નીકળ્યા મુખ્ય કામ માટે. શશાંકભાઈનું બાપદાદાનું વર્ષો જૂનું ઘર વેચવાનું હતું. જોકે એવી કાંઈ જરૂર નહોતી. આ ઘરના વારસદારમાં શશાંકભાઈ એકલા જ હતા.ને શશાંકભાઈના બન્ને દીકરા ને એક દીકરી પરણીને સરસ રીતે સેટલ હતા.રસ્તે શશાંકભાઈ બોલ્યા,”છોકરાઓ કોઈ દિવસ અહીં આવી રહેવાના નથી. ને મારા ગયા પછી આ ઘરની વ્યવસ્થા પણ કરવાનાં નથી. પછી રાખીને શું કરું?”ઘરે પહોંચતા જ શશાંકભાઈ બચપણમાં ખોવાઈ ગયા ને આંખો ભરાઈ આવી.”શશાંક, આટલો લગાવ છે તો ના વેચ. શહેર છોડી રહેવા આવી જા.””યાર, સુમન હતી ત્યારે વિચાર્યું હતું,કે છોકરાઓને સેટ કરી અહીં ગામ આવીને આ ઘરે રહેશું પણ હવે અહીં આ ઉંમરે એકલા રહેવાની હિંમત નથી.” જાણે વળગી પડવા આતુર હોય એવાં ઘરને ખોલ્યું.નવાઈ લાગી.નિયમિત સફાઈને કારણે ઘર સ્વચ્છ અને સુવ્યવસ્થિત હતું. ભલે સામાન જૂનો હતો. સાંજ ઢળતી હતી,સહેજ અંધારું લાગતાં શશાંકભાઈએ સ્વીચ પાડવા ફંફોસી જોયું.”ના મળે, તે ઇલેક્ટ્રિક અને પાણીના નળનું કનેક્શન ક્યાં લેવડાવ્યું છે?””ઓ હા,” કહી શશાંકભાઈએ કપાળ પર હાથ મુક્યો.એટલી વારમાં આ ઘરનું ધ્યાન રાખતાં કમરેથી સહેજ વળેલાં કમળીમાસી આવી ગયાં.” ભાઈ,શાશું,લે આ તારા ઘરની બીજી ચાવી,હવે તું આયવો છે તો લેતો જા, મારાથી હવે કામ નથી થતું.” જીવની જેમ ઘરની સંભાળ રાખતાં કમળીમાસી બોલ્યાં.” બસ હવે થોડા દિવસ માસી .આ ઘર હું વેચવા જ આવ્યો છું.”સાંભળી કમળીમાસીને પણ આંચકો લાગ્યો.વરસોથી એમણે એનું જતન કરેલું પણ એઓ બોલે પણ શું?એમનો ચહેરો જોઈ શશાંકભાઈએ ચાવી પાછી આપતાં,”અરે વેચીશ, એને પણ કહીશ,ચોકીદારી તો કમળીમાસી જ કરશે. ફાનસ સળગાવી જજો. રાતે હું અહીં રહીશ.””ઓ, એસીમાં ઊંઘવાવાળાને અહીં પંખા વગર ના ફાવે.ચાલ આપણા ઘરે..”” ના,દોસ્ત,આજે અહીં જ અગાશી પર સૂવું છે.છેલ્લે છેલ્લે.એવું કર તું અહીં રોકાઈ જા.”જીદ કરીને એઓ પોતાને ઘરે જ રોકાયા ને મિત્રને પણ મનાવી લીધો.આખી રાત એઓને કેટકેટલીય યાદો ને કેટકેટલીય વાતો ઘેરી વળી. માબાપ, દાદાદાદી, મિત્રો, શાળા શિક્ષકો,પાડોશી યાદ આવી ગયા.એક એક પ્રસંગ,એક એક ઘટના યાદ આવી ગઈ.ખૂબ હસ્યા ને પછી તો આંખો ય ડબડબી ઊઠી.પૂનમની રાત હતી એટલે ખાસો અજવાસ પણ હતો.આભમાં ચાંદને જોતા યાદ આવ્યું ને શશાંકભાઈ ખડખડ હસી પડ્યા.”સાંભળ ગેમલ, યાદ છે,આપણે બીજીમાં ભણતા હતા ત્યારે હું પેલી …””હા, બાજુવાળી રંજુને ચાંદ જોવા લઈ ગયેલો.એવું કંઈ યાદ છે.હા,પણ તમે ક્યાં ગયેલા? પછી મેથીપાક ખાધેલોને?”” હા, ત્યારે રંજુ પહેલામાં ભણતી, એ મને રોજ સવાલો પૂછતી ને એને સમજ પડે એમ હું વટથી જવાબ આપતો. એને એમ કે હું કહું એ બધું સાચું જ હોય. હું એને અવનવા ખેલ કરી જાદુ પણ બતાવતો. એક દિવસ એને ચાંદ પર જવાનું મન થયું.મેં એને તૈયાર કરી.ત્યારે મને એવી સમજ કે સૂરજ ડૂબે ત્યાંથી જ ચાંદ ઊગે. મેં એને કહેલું કોઈને કહીશ નહીં,અમે હાથ પકડો સૂર્યાસ્ત તરફ ચાલવા માંડ્યા.સૂર્ય દેખાતો બંધ થયો ત્યાં સુધી તો ગયાં પણ પછી એ તો થાકી ગઈ મેં એને હિંમત આપી કે હવે થોડી જ વારમાં ચાંદ આવશે. જમીન પરથી આકાશમાં જાય એ પહેલાં પહોંચી જઇશું.ત્યાં તો નદી આવી ગઈ. કેમ જવું એ વિચારીએ એ પહેલાં તો પાછળ ધબ્બો પડ્યો બન્નેના પપ્પાઓ આવી પહોંચ્યા.પણ માર બન્ને તરફથી મને પડ્યો ને રંજુને તો ઊંચકી લીધી. પછી ખાસ યાદ નથી, બે ત્રણ મહિનામાં જ એઓ એમના બાપકાકાના સહિયારા ધંધામાં મોટા શહેરમાં જતાં રહ્યાં એટલે સારું ભણી પણ શકે એવું પપ્પા કહેતા હતા.””દુનિયા કેવી છે દોસ્ત આજે અહીં તો કાલે કહીં.””સુમન હોત તો રિટાયર્ડ લાઈફ હું પાકું અહીજ..”દુઃખી થયેલા મિત્રને હસાવવા ફરી ગેમલભાઈએ જાત ભાતની ગામની વાતો કાઢી.મજાક મસ્તી કરી ને કહ્યું ,”અલ્યા સવાર પડી જશે.સુઈ જઈએ.મેં સવારે પેલો દલાલ પણ આવશે.””હા, જલ્દી પતે તો હું જલ્દી જઈ શકું,જોકે એટલો વખત તારી સાથે તો મોજ જ છે.”કહી મજાની ચાંદનીમાં બન્ને સૂતા.બીજો દિવસ,ત્રીજો દિવસ ને પછી અઠવાડિયું વીત્યું. ઘર વેચાવાનો મેળ ન પડ્યો.શશાંકભાઈના ઘરેથી પણ દીકરા દીકરી ફિકર કરતાં હતાં.”એટલીવારમાં ના વેચાય, અલ્યા ઘર છે કોઈ મામૂલી ચીજ થોડી છે.થોડા દિવસ રહી જા””બીજીવાર આવીશ.” કહી શશાંકભાઈએ રજા લીધી. ફરી બસમાં બેઠા. રસ્તે પણ બધાં સાથે વાત કરતા રહ્યા.ઘર વેચવા માટે એઓ આતુર હતા.એક ભાઈએ કહ્યું, “ગામમાં કઈ જગ્યાએ છે? ન વેચાય ત્યાં સુધી ભાડે આપી દોને.”શશાંકભાઈનો અડધો જવાબ સાંભળી ત્યાં બેઠેલાં એક બહેન ચમકયાં,એમની સામે જોઈ રહ્યાં,”પણ આ તો શશાંકનું ઘર? તમે, તું, તમે, આપ કોણ?””હું જ શશાંક તમે….રંજના?””હું રંજુ…રંજના. અમે આ ગામ છોડીને ગયાં ત્યારે બાજુનું જ અમારું નાનકડું ઘર તમારા પપ્પાએ ખરીદેલું.”હા, એ જોડીને જ મોટું બનાવેલું.પણ તું અહીં શું કરે છે? તારો પરિવાર?””બધાને સેટ કરી હમણાં જ પરવારી છું, બહુ બધું થયું જિંદગીમાં.તકલીફો પણ ઘણી આવી. બહુ મહેનત કરી. આઘાત પણ સહન કર્યાં. પણ હવે સંતોષ છે.ત્રણ દીકરીઓ એમના પરિવારમાં ખુશ છે પણ હવે હું થાકી છું. બચપણ જેવું સોહામણું કંઈ હોતું નથી.આજે જ સવારે આ ગામને જોવા એકલી જ આવી હતી. થોડું ફરી,નદી કિનારે ગમ્યું.પાછી જઇ રહી છું પણ મને આ ઘર ભાડે મળે?”શશાંકભાઈ સાંભળી જ રહ્યા જાણે મનમાં ગાતા હતા,”આવો તુમ્હે ચાંદ પે લે જાયે…”યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized