Daily Archives: ડિસેમ્બર 25, 2021

ભગવાન ખોવાયા છે-યામિની વ્યાસ

ભગવાન ખોવાયા છે.”ઓયે, આ કપડું જરા ભીનું કરીને આપ તો..” પંખો સાફ કરવા ટેબલ પર ચઢેલી વૃંદાએ કપડું લંબાવ્યું. “રાણીજી… રાણીજી… ગીત ગાઓ ને ચાર જણા પડદા ઝાલો,” શિવન્યાએ ટીખળ કરી.”ઓ ઓ દાદીફોઈ, આ લોકો ખોટી ખોટી કહેવત બોલે છે, વળી પડદા નથીને? જડ બા છેને?” વૈદિક વચ્ચે બોલ્યો.”ના, ના ઊભા રહો! જો હું સમજાવું.” કહેતો આભ દોડતો આવ્યો.પંખાની સફાઈ પડતી મૂકી સહુ કહેવતના વિશ્લેષણમાં પડ્યાં.”જુઓ, પડદા એટલા માટે કરેક્ટ છે કે, રાણીજી ગાતાં હોય ને પડદા બરાબર પકડી રાખ્યા હોય તો સ્ટુડિયો જેવી ઇફેક્ટ આવે.””એમ નહીં… રાણીજીનો અવાજ સારો નહીં હોય કે બેસી ગયો હોય તો બહાર સંભળાય નહીંને એટલે.””ચલ, જુઠ્ઠાઓ… જડ બા જ છે, હું દાદીફોઈને પૂછી આવું””ના, હું સમજાવું, રાણીજી એવું ગીત ગાતાં હોય કે બા સાંભળીને સ્ટેચ્યૂ થઈ જાય તો બાને પકડવાં પડેને?” ચારેયની હસાહસ વચ્ચે દાદીફોઈ આવ્યાં ને કહેવતનો અર્થ સમજાવ્યો.દિવાળી વેકેશનમાં બધાં દાદાજીના ઘરે ભેગાં થયાં હતાં ને આ વખતે સફાઈ જાતે કરીશું એવું બધાંએ નક્કી કર્યું હતું. આ કાકા ફોઈના દીકરાદીકરીઓને દાદાદાદી તો ખરાં જ પણ દાદીફોઈય ખૂબ વ્હાલાં. યુવાન વયે જ વિધવા થયેલાં દાદીફોઈને દાદાજી લઈ આવ્યા હતા. ફરી પરણાવવા ખૂબ પ્રયાસ કર્યો, પણ એમણે લગ્ન ન કર્યાં. આદર્શ શિક્ષિકા તરીકે નોકરી કરી રિટાયર્ડ થયાં અને ઘરનાં દરેક કામમાં મદદરૂપ થયાં. ઘરમાં લગ્ન હોય કે સીમંત હોય, પ્રસુતિ હોય, ભજનસંગીત હોય કે શ્રાદ્ધ હોય દાદીફોઈની મહેનત, ઉત્સાહ હોય જ. દાદાદાદીને મોટો અકસ્માત નડ્યો હતો ત્યારે પણ ખડે પગે દાદીફોઈએ સેવા કરી બન્નેને બેઠાં કર્યાં હતાં.બધાનાં ચહિતા દાદીફોઇએ જ બધાનાં નામ પાડ્યાં હતાં. દાદીફોઈ જ સહુને વાર્તા, કવિતા, પ્રસંગો, કહેવતો રસપ્રદ રીતે કહેતાં. અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકોને ખૂબ મજા પડતી અને તેઓ વેકેશનમાં આવવા આતુર રહેતાં.વળી દાદીફોઈ પોતાના મિત્ર હોય એવી સહજતાથી સહુ વાતો કે દલીલ પણ કરી શકતાં. દરેક સમસ્યાનું નિરાકરણ હોય જ એમની પાસે.”દાદીફોઈ, પંખા લૂછવાનો સહેલો રસ્તો બતાઉં?” વૈદિકે વૃંદાને ટેબલ પરથી ઊતરી જવા કહ્યું, ને પંખો સ્પીડમાં ચલાવ્યો. “જુઓ, ક્યાં ગંદો દેખાય છે? કોઈ ગેસ્ટ આવે તો આવું કરી દેવાનું ભલે એને ઠંડી વાગે!” સહુ હસી પડ્યાં.”બેટા,કોઈને દેખાડવા થોડી સફાઈ કરવાની હોય.” ને પછી પંખા સાથે મનને જોડી મનભાવન શૈલીમાં વાત શરૂ કરી. બધાં એકબીજાને તાળી આપતાં ટહુકયાં, “દાદીફોઈ એટલે જ… એટલે જ… તમારી વાતો સાંભળવા જ તમને અહીં બોલાવ્યાં.””બદમાશ બચ્ચાઓ, મેરી બિલ્લી મુજસે મ્યાઉ?” કહી હળવી ટપલી મારી ને સહુ પંખો સાફ કરવાના કામમાં લાગ્યાં.આખું ઘર સાફ કરવામાં થોડી તોડફોફ થઈ, જરાતરા ઘસરકા પડ્યા કે સરાક પણ વાગી. કોઈનાં કપડાંયે ફાટ્યાં. દાદીફોઈની આગેવાનીમાં આખું ઘર ચમકી ગયું અને મન પણ. ને સામુહિક કાર્યનો કર્યાનો અનહદ આનંદ.હવે સહુ વળ્યાં પારંપારિક વાનગીઓ ખાવા ને શીખવા. “આહાહા, ઓહોહો… આવી મહેક ચાની તો અહીં જ આવે.””આદુ, ફુદીનો, લીલી ચા કે મસાલો બધું જ નાખીને ઉકાળીએ તોય, ખબર નહીં કેમ શહેરમાં તો…””ભાભી, અમે તો દૂધ પણ નજીકનાં ગામડેથી આવે એ જ લઈએ છીએ તોય.””પણ પાણી ક્યાંથી લાવશો ગામનું, વહુરાણીઓ?””ના, દાદીફોઈ તમારા હાથની કમાલ છે!””ઓ મમ્મી, કાકી… મારો મસ્કા અમારાં દાદીફોઈને, હંમ્મ ને દાફો?” મોટી વિશ્વા વળી દાદીફોઈને દાફો કહેતી. આવી ખટ્ટીમીઠ્ઠી વાત સાથે ઘર ગુંજી રહેતું. વળી આડોશપાડોશના છોકરાંઓ પણ ભેગાં થતાં તો ઓર મજા પડતી.”વિશ્વાદીદી, તું આજે જતી રહેવાની? દાદીફોઈ તો અમને ઘૂઘરની કોર વાળતાં શીખવશે.””ઘૂઘર નહીં, મારી મા ઘૂઘરાં, એ તો દાફોએ મને ક્યારના શીખવી દીધાં છે, હેંને દાફો? ચાલ દાફો, એન્ડ ઓલ બચ્ચા, પાર્ટી હું નીકળું.”સહુથી મોટી વિશ્વા મેડીકલમાં ભણતી હોવાથી એક જ દિવસમાં નીકળી. સહુ વડીલોને પગે લાગીને જવાની ટેવ દાફો પાસેથી એણે શીખી હતી. એનું અનુકરણ નાનાઓ પણ કરતાં.“ઓ દાદીફોઈ, જુઓ આભે શું બનાવ્યું, લોટ મસળતા શિવન્યા બોલી. દાદીફોઈ વાનગી શીખવતી વખતે છોકરાછોકરીનો ભેદ ન રાખતાં. આભ એની સૂઝ મુજબ લોટમાંથી કંઈક નવું બનાવવા લાગ્યો. “જુઓ બેટા, આને કિનારેથી પકડી આમ ધીમેથી વાળવું…” બોલી રહે ત્યાં દાદીની બૂમ સંભળાઈ. “અરે, જુઓ તો દેવ ક્યાં ગયા?””હેં..” બધાં ભેગાં થઈ ગયાં, કારણ કે ખૂબ ધીમેથી બોલનારાં બાનો અવાજ આશ્ચર્ય અને ગભરાટથી ખૂબ મોટો થઈ ગયો હતો. સૌથી પહેલાં તો દાદીફોઈએ દેવસ્થાનમાં ધ્યાનપૂર્વક જોયું. સાચે જ ચાંદીના ગણપતિ, લક્ષ્મી, વિષ્ણુ, લાલાની મૂર્તિઓ નહોતી. બધાંને નવાઈ લાગી.”અરે, કોઈએ સાફ કરવા લીધી હશે. તમારા વાની તકલીફવાળા હાથ છે તો..””હોય કંઈ, એ તો હું જ કે દાદીફોઈ જ કરીએ.” દાદી બોલ્યાં.”યાદ કરો, બા. હશે… અહી જ. દેવસ્થાન ક્યારે સાફ કરેલું?””એ તો રોજ જ કરું છું. એ તો સ્વચ્છ રખાયને?””આજે નિર્મળ કોણે ઉતારી? ભેગા ભગવાનેય તુલસીમાં પધરાવ્યા નથીને?””ના, અમે તો અડ્યા એ નથી.””અરે! અહીંથી ગયા ક્યાં?””કોઈએ મજાકમાં સંતાડ્યા હોય તો કહી દેજો.” દાદીફોઈનો કડક સ્વર. બધાંને ના પાડી.”તો ચોરી જ થઈ છે, બીજા બધા છે, ચાંદીના હતા એ જ ગાયબ.””ભગવાનનેય કોઈ વેચી મારે?”આ જમાનામાં બધુંય થાય. “બાજુવાળો પિન્ટુ નહીં લઈ ગયો હોય? એને નવી ગેઇમ ખરીદવી હતી.””એમ કોઈના પર આરોપ ન મુકાય.””પોલીસમાં ફોન કરીએ…””બીજું પણ કંઈ ગયું છે? જોઈ લો પછી ખબર કરીએ.””શું? ભગવાન ખોવાયા છે?””હાસ્તો…””દાદી, ન્યૂઝપેપરમાં આપીએ કે, ભગવાન ખોવાયા છે. મળે તો જાણ કરવી.””અરે, હું તો અહીં છું, કોને મજાક સૂઝી?” નાકે જ રહેતા દાદીના નાનાભાઈ ભગવાનમામા ઘરમાં પ્રવેશતા જ બોલ્યા. તણાવના વતાવરણમાંય દાદી સિવાય બધાને હસવું આવી ગયું. પછી તો ભગવાનની શોધાશોધ ચાલી. ઘર બહાર બધી જગ્યાએ તપાસ કરી. કોણ ઊંચકી ગયું એની અટકળો ચાલી. નિરાશ થયેલા દાદીનો રડમસ ચહેરો જોઈ દાદાએ નવા ભગવાન લઈ આપવાની વાત કરી. ઘરના સહુએ એમાં સૂર પુરાવ્યો. “પણ એતો મારા વરસો જુના ધારજણા ભગવાન હતા. એના વગર કેમ ચાલે?””ચાલ, આપણે ઘરે ચાંદીના ગણપતિ છે એ લઈ જા. એ તો તું નાની હતી ત્યારેય પૂજતી.” ભગવાનમામા આશ્વાસન આપતા બોલ્યા. પણ દાદી તો શોકમગ્ન થઈ ગયાં હતાં. બેત્રણ દિવસ થઈ ગયા. ભગવાન ના મળ્યા. પોલીસ પણ કંઈ ના કરી શકી. ગામમાં વાત ફેલાઈ. સગેવહાલે વાતવાતમાં ખબર પહોંચી. બધાં ખબર કાઢવા પણ આવ્યા. વિશ્વા ભણવાનું બગાડી દોડી આવે એટલે એને કોઈએ જાણ ન કરી. પણ “વિશ્વા દીદી, તમને ખબર છે? આપણા ભગવાન ખોવાઈ ગયા.” કહી ધીરે રહીને વૃંદાએ બધું જ કહ્યું. વિશ્વા સાંજ સુધીમાં તો ટેક્ષી કરી આવી પહોંચી.”શું દાદી તમે પણ! લો તમારા ભગવાન. ચમકતી મૂર્તિઓ બાના હાથમાં મૂકી.”ગોરા ગોરા ભગવાન!” આભ ખુશીથી ઊછળી પડ્યો. નવાનક્કોર થઈ ગયેલા ભગવાનને બધાં નવાઈથી જોઈ રહ્યાં. દાદીફોઈને પણ અત્યન્ત નવાઈ લાગી. “અરે દાદી… હું જ લઈ ગઈ હતી. એને પોલીશ કરાવવા, દાદી તમે પીતાંબરી ને ટૂથપાવડર કેટલોય ઘસતે તોય આવા ના થાત. વળી વાવાળો હાથ!.” દાદીની આંખોમાં ખુશીના આંસુ. “પણ મને તો કહેવાયને, વિશ્વા.” દાફો બોલ્યાં.”આમ તો તમને બધે જ મારા કોઈપણ તોફાનમાં ક્રાઇમપાર્ટનર બનાવું છું, પણ ભગવાનમાં નહીં…. ન જાણી શક્યાને! ને તમેય કરી શોધાશોધ. ભગવાન ખોવાયા છે… ભગવાન ખોવાયા છે…”– યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized