Daily Archives: ડિસેમ્બર 26, 2021

રંગ / યામિની વ્યાસ

રંગ “ભાઈ, આ બાલ્કનીની જાળી તૂટી ગઈ છે, કોઈ જરા રિપેર કરી એને રંગી આપે?”ઘરે નળ બદલવા આવેલા પ્લમ્બરને સરોજબેને પૂછ્યું.”અરે સરોજબા, હમણાં ચલાવી લો, દિવાળી પછી કંઈ મેળ પાડીએ. હમણાં કોઈ રિપેરિંગ કામ ન લે. નવાં કામ ચાલતાં હોય. જુઓ, હું પણ બહુ કામમાં હતો, પણ તમે નળ સતત ટપકે છે એમ કહ્યું એટલે જલદી આવી ગયો. વળી, તમે બીજા કોને શોધવા જાઓ? વર્ષોથી હું જ આવું છું.””અરે ભાઈ, આતો એમ કે બાલ્કનીમાં જરા દીવા મૂકું પણ જોને, કેવી કટાઈ ગઈ છે!” “સારું સરોજબા, જાઉં. કોઈ હશે તો જોઈશ.””ભલે ભાઈ, આ જૂનો નળ લેતો જા, અહીં કોણ વેચવા જવાનું? ને લે ચા પીતો જા.””સારું, આ બાજુ જ કામ છે. વળતા એના પૈસા આપતો જઈશ.” વર્ષોથી આવતો એટલે બેએક કામ કરી પણ આપતો. સરોજબેન અને રમેશભાઈ એમનું નિવૃત્ત જીવન શાંતિથી જીવી રહ્યાં હતાં. બે દીકરીઓ એમના સંસારમાં વ્યસ્ત હતી. ક્યારેક ક્યારેક આવી જતી તો કયારેક મમ્મીપપ્પાને આગ્રહ કરી લઈ જતી. દિવાળીએ ફરવા જવાનું પણ આયોજન કરતી, પણ દિવાળીએ તો ઘરે જ દીવા મૂકવાનું સરોજબહેનને ગમતું. આ વખતે તૂટેલી બાલ્કની અને કટાયેલી જાળી માટે તેઓ નાખુશ હતાં. “તમારે તો ઘરમાં કંઈ ધ્યાન આપવું જ નહીં. બસ ચોપડી વાંચવી કે સમાચાર સાંભળવા. હવે બધું જાણીને શું કામ છે તમારે આટલી ઉંમરે?””અરે કેમ નહીં? પછી અમને શીખવશે કોણ આટલી ઉંમરે?” સંજય આવતાની સાથે રમેશભાઈ ને સરોજબહેનને પગે લાગ્યો.”ઓહોહો, સંજુ! ભાઈ કેટલાં વરસે?સારું થયું આવ્યો તો. બોલ આજે જ મેં તને ખૂબ યાદ કર્યો. આજે રોકાઈ જજે””હમણાં તો મળવા આવ્યો છું. આ શહેરમાં થોડી ખરીદી માટે આવ્યો હતો. તમને મળ્યાં વગર તો કેમ જવાય?””લે ભાઈ પાણી, જમવાનું તૈયાર જ છે. જમી જ લે. ઘરે બધાં કેમ છે? જોને ભાઈ, ત્યારે અમારા વેવાઈનો અકસ્માત થયો હતો એટલે તારા લગનમાં પણ ન અવાયું. સ્મિતા ને તારી બેબલી મજામાં છેને? અરે, તેઓને લઈને અવાયને.” સરોજબેન એકી શ્વાસે બોલી ગયાં.”સરોજ, એને શ્વાસ તો ખાવા દે.””સાહેબ, શ્વાસ પછી, પહેલાં તો સરોજબાના હાથનું જમવાનો.” સંજય જમીને હાથ લૂછતો બાલ્કનીમાં ગયો. સરોજબેન પાછળ ગયાં. “સરોજબા, આ જાળી તો તૂટેલી છે, સાચવવું પડે, રિપેર ના કરાવી?””અરે ભાઈ, એજ મથામણમાં છું, પણ કોઈ મળતું નથી. રંગાવવીય છે. ત્યારે તો તું રંગી દેતો. આ છે એય તેં રંગેલીને? પણ હવે દિવાળીમાં તને બીજું કામ હોયને?””અરે હું હોઉં ને તમને તકલીફ પડે? બે કલાકનું કામ છે. સંજય રિપેર કરવા માણસ શોધી લાવ્યો ને આખી જાળી પર સરોજબાનો ગમતો કલર જાતે કરી આપ્યો. સાથે ખૂબ વાતો કરતો ગયો.નાનપણમાં માબાપ ગુમાવ્યા ત્યારે સંજયે સ્કૂલ છોડી દીધી હતી. રમેશભાઈ એ જ સ્કૂલમાં શિક્ષક. એમણે એને ભણાવ્યો. બીજા મિત્રોની મદદ લઈ કપડાં-પુસ્તકોનો ખર્ચ પણ આપ્યો. સરોજબા એને જમાડતાં અને તે ઘરનાં નાનાંમોટાં કામ પણ કરી આપતો. પછી કૉલેજ અને સાથે નોકરી મળી એટલે બીજા શહેરમાં ગયો. કોઈ કોઈવાર આવી જતો પણ પછી ધીમેધીમે સંપર્ક પણ ઓછો થતો ગયો.”બા, બીજું કંઈ રંગવાનું નથી? રંગ બચ્યો છે. બાએ તો બીજા રૂમની જાળી, ટીપોઈના પાયા, વોશબેઝીનની નીચેનું ખાનું એવું તો કંઈ કેટલુંય શોધી શોધીને કાઢ્યું. સંજુ સાથે સાથે સફાઈ પણ કરતો ગયો. ખૂબ જૂની વસ્તુઓ ફેંકવા કાઢતો ગયો.”ભાઈ, તારી બા ભલે ના પાડે પણ બધું કાઢી જ નાખજે.” રમેશભાઈથી ના રહેવાયું.”અરે, રહેવા દોને, આવા સંજુ જેવા જ કોઈ હોય આપીય દેવાય. એને કામ લાગે.” બા બોલતાં તો બોલી ગયાં પણ પછી… પછી અટકી ગયાં.”ફિકર ન કરો બા, તમે સાચું જ કહો છો. જેની પાસે કંઈ જ ન હોય તો આ પણ ખૂબ વ્હાલું લાગે. અરે, હું જ લઈ જઈશ. બા ખબર છે? આવું જૂનું તો એન્ટિક કહેવાય.” સંજયે પાછો કાઢેલો સામાન ગોઠવી દીધો.”ચાલ, હવે બસ. કામવાળી આવશે એ અહીં વાળીને પોતું કરી દેશે.””નારે, હું જ કરી દઉં બા, ત્યાં સુધી બધું આમતેમ ઊડી જશે.” કહી કચરો વાળી પોતું કરવા બેઠો.”બારણું ખોલો, બેલ પડ્યો. સંજુ, આ તારા સાહેબ તો બહેરા થઈ ગયા છે.”બાથી હસ્યા વગર ના રહેવાયું.”હા, હા, ખોલું છું હવે… વાંચતો હતો.” રમેશભાઈ ધીમે રહીને ઊભા થયા.સંજય આવા સંવાદોથી ટેવાયેલો હતો. એને લાગ્યું, હું ફરી એ નાનો સંજુ થઈ ગયો. એને ત્યારની યાદો વીંટળાઈ વળી. ઘરમાં બબ્બે દીકરીઓ હતી તોય એ ત્રીજો દીકરો હોય એમ ઘરે આવીને હકપૂર્વક, “બા ભૂખ લાગી છે.” કહી શકતો.રમેશભાઈએ બારણું ખોલ્યું. પ્લમ્બર જુના નળ વેચ્યા એના પૈસા આપવા આવ્યો હતો. સંજયને પોતું કરતો જોઈને આશ્ચર્યથી, “સંજયસાહેબ, તમે?” ક્ષણ માટે સમય અટકી ગયો. બધાં એકબીજા સામે જોતાં રહ્યાં. “અરે બા, આ તો મોટાસાહેબ છે, એમના નવા બંગલામાં અહીંથી નજીક જ અમે કામ કરીએ છીએ. તેઓ અહીં પોતું કરે?” સહેજ અટકી ફરી બોલ્યો,”હું ત્યાં જ એક કારીગરને તમારી જાળી માટે વાત કરતો ત્યારે સાહેબે રસ લઈ તમારા વિશે પૂછ્યું હતું. મેં બધી તમારી વાત કરી. પણ અહીં તેઓ કેમ?”સંજયે ફરી બંને વડીલોને પગે લાગતા કહ્યું, “બસ, તમારાં આશીર્વાદથી મારું ભાવિ ઘડી શક્યો છું. આ જાળી રંગી એ રંગ બનાવતી નાનકડી ફેક્ટરીનો માલિક બની શક્યો છું.”યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized