· ટેબ્યુલા રાસા: મારું જીવન એ જ કોરી પાટીહું તો આનંદના અમીઘટને ઢોળાવું નવેસરથી, નવી આશા, નવો ઉત્સાહ છલકાવું નવેસરથી. જે વીત્યું એ બધું તદ્દન ભૂસી દઈ આ નવલ વરસે ફરી લઈ કોરી પાટી ભાગ્ય ચમકાવું નવેસરથી. -યામિની વ્યાસનવું વર્ષ, નવી શરૂઆત. નવા વર્ષે શું? ના સાહેબ, નથી અમે ભૂલ્યાં કે નથી અમે ફરીથી ગણવાના. જૂનું સઘળું માત્ર છેકવું જ નથી, સાવ ભૂંસી નાંખવું છે. બસ કોરી પાટી લઈને આવવું છે. આજનો શબ્દ છે ‘ટેબ્યુલા રાસા’ (Tabula Rasa). ગુજરાતી લેક્સિકોનમાં આ શબ્દ નથી. એટલે અમે એનો અર્થ કરીશું, અર્થઘટન કરીશું. એનો સીધો સાદો અર્થ થાય છે: કોરી પાટી. શબ્દ લેટિન ભાષાનો છે. આપણે લખવા માટે નોટ પેડ વાપરતા હતા. હવે તો ઇલેક્ટ્રોનિક ટેબ્લેટ આવી ગયા. ટાઈપ કરી શકાય. લખી ય શકાય. વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું છે! પણ પ્રાચીન રોમમાં મીણનાં બનાવેલા નોટપેડ હતા. મીણની કાગળ જેવી સપાટી ઉપર સ્ટાઇલસ(લખવાની અણિયાળી લેખણી)થી લખાતું. પછી જરૂર ન હોય ત્યારે? સિમ્પલ.. એને ગરમ કરવાનું એટલે મીણ પીગળી જાય અને એમાં લખેલું સઘળું ભૂંસાઈ જાય. પછી ઠંડુ પડે એટલે એની સપાટી સમતળ કરી નાંખવાની. એટલે એમાં ફરીથી લખાઈ શકે. ‘ટેબ્યુલા’ એટલે અણિયાળી લેખણી સાથેની મીણની બનેલી નોંધપોથી. આધુનિક ભાષામાં ટેબ્લેટ. પણ ‘રાસા’ શબ્દ ઘણો અગત્યનો છે. ‘રાસા’ એટલે સઘળું ભૂંસી નાખ્યું હોય તેવું. કોરું.ઇંગ્લિશ ભાષામાં એને બ્લેન્ક સ્લેટ (Blank Slate) પણ કહે છે. પાટી લઈને જતાં, પેનથી એકડો બગડો ઘૂંટતા અને પછી થૂંકથી.. ના, ના ભીનું પોતું-થી ભૂંસી નાંખતા. કાગળ પર પેન્સિલથી લખેલું હોય એ રબરથી ભૂંસી શકાય પણ શાહીની પેનથી લખો તો કાગળ ફાડવું પડે. એનો ફરી ઉપયોગ ન થઈ શકે. જ્યારે નવું વર્ષ શરૂ થાય ત્યારે આપણે તો એનાં એ જ છીએ. આપણાં જીવતર ઉપર કશું લખાયું હોય કે ડાઘો પડ્યો હોય તો આપણે એને ભૂંસી શકવા સમર્થ હોવા જોઈએ. આમ જીવતરનાં કાગળને ફાડી તો ન નંખાય. મન જો કમ્પ્યુટર હોય તો એનું ફોર્મેટિંગ કરી નાંખીએ. જૂના વાઇરસ હોય તો એ પણ ભૂંસાઈ જાય. હવે નવું ફરીથી, એકડે એકથી. નવું વર્ષ અને નવેસરથી કોરી રે પાટી ‘ને એમાં ચીતરું ક, ખ ને ગ.. સત્તરમી સદીનાં ઈંગ્લેંડમાં જ્હોન લોક નામનાં એક ફિલોસોફર થઈ ગયા, જેમણે આપણાં આજનાં શબ્દ ટેબ્યુલા રાસા-ને જાણીતો કર્યો. તેઓનું એવું માનવું હતું કે બાળક જન્મે ત્યારે એનું મગજ કોરી પાટી જ હોય. પછી એ જે જાણે, જુએ, શીખે,અનુભવે એ પરથી એ સારો કે નરસો, હોંશિયાર કે ઠોઠ, પ્રેમાળ કે નઘરોળ બને. પછી ઓગણીસમી સદીનાં વિખ્યાત ઑસ્ટ્રિયન ન્યુરૉલોજિસ્ટ અને સાયકો-એનાલેસિસ થીયરીનાં પ્રણેતા સિગમન્ડ ફ્રોઈડ પણ ટેબ્યુલા રાસામાં માનતા હતા. તેઓ માનતા કે માનવીય વ્યક્તિત્વ ઉપર અનુવાંશિક અસર બહુ ઓછી છે. મોટો થઈને એ કેવો બને છે, એ મોટે ભાગે એનાં ઉછેર ઉપર આધારિત હોય છે. એટલે એમ કે બાપ તેવા બેટા હોતા નથી, વડ તેવા ટેટાં ય હોતા નથી, ઘડા તેવી ઠીકરી ય હોતી નથી ‘ને મા તેવી દીકરી ય હોતી નથી. મન ટેબ્યુલા રાસા હોય છે. મેરા જીવન કોરી પાટી એ સાચું પણ એ કોરી હી રહી ગઈ- એવું નથી. જેવો ઉછેર એવો એ થાય. બાપ શાહરુખ પણ બેટો આર્યન.. કારણ કે આર્યને એની કોરી પાટી ઉપર જે લખ્યું, એવો એ થયો. ડ્રગ લખ્યું એટલે ડ્રગ એડિક્ટ થયો. દિવાળી ગઈ, એમાં ઘરમાંથી ઘણો ભંગાર કાઢ્યો. મનમાંથી ય કાઢ્યો. પૂર્વગ્રહ, અણગમો, રાગદ્વેષ પણ ભૂંસી નાખ્યાં. મને મળે એ માણસનું હવે હું નવેસરથી પ્રસ્થાપન કરું છું. જીવવાનાં નવા શિરસ્તાનું સ્થાપન કરું છું. કોશિશપૂર્વક સદા પ્રફુલ્લિત રહેવાની નેમ છે. ક્યાંય ઝગડો કરવો નથી. કશું ય કરીએ નહીં પણ માત્ર શાંતિથી સહુને સાંભળીએ તો ય એ કામ- પીડ પરાઈ જાણે રે- જેવું જ કહેવાય. અમે ઓણ સાલ વૈષ્ણવજન બનવાની વેતરણમાં છીએ! ‘નડવું’ કે ‘કનડવું’ નામક શબ્દો અમે ભૂલી ગયા છીએ. જેવા સાથે તેવા અમે ન થઈએ. અમે જેવા છઈએ, એવા જ રહીએ. નવે વર્ષે બળાપો કાઢવો નથી. રીઅલ ય નહીં અને વર્ચ્યુઅલ પણ નહીં. તન અને મન ફોર્મેટિંગ કર્યું છે. જૂનો ડેટા ઊડી ગયો. પણ માની લો કે એવું ન થાય તો એક જબરો નૂસખો છે. અને એ છે જીભનું ફોર્મેટિંગ. આપણાં મૂર્ધન્ય હાસ્યલેખક જેઓનું નામ લખીને હું સદા ધન્ય ધન્ય થાવું છું, એ જ્યોતીન્દ્ર દવે લખી ગયા હતા કે બીજા બધી જ્ઞાનેન્દ્રિયોને એક જ કામ પણ જીભ બિચારીને ભગવાને બે કામ દીધા છે. બોલવાનું અને સ્વાદ પારખવાનું. પણ જરા વિચારો. બધી મુશ્કેલીની જડ જીભ જ છે. આપણે બોલીને બહુ બગાડ્યું અને ખાઈપીને ય.. બગાડ્યું જ, હેં ને? ચાલો જીભનું ફોર્મેટિંગ કરી નાંખીએ. લેટિન ભાષામાં જીભને લિંગવા (Lingua) કહે છે. જીવનનું ટેબ્યુલા રાસા કરવું હોય તો સૌથી પહેલાં ‘લિંગવા રાસા’ કરી નાંખવું. બોલવું ય ચોખ્ખું અને ખાવું ય ચોખ્ખું. બસ નવા વર્ષે આટલું એક કામ થાય એટલે ભયો ભયો.. શબ્દ શેષ: “મારી જીવવાની થીયરી છે કે કશું ય શીખવાનું હોતું નથી, કોઈ ઝડપથી શીખી ગયા અને કોઈકને વાર લાગી-એવું ય કશું હોતું નથી. સઘળું ટેબ્યુલા રાસા છે. દરેક માણસે જાતે જ આ બધું શોધવાનું છે.” –અમેરિકન સંશોધનાત્મક પત્રકાર અને રાજકીય લેખક સેયમોર હેર્શ