દિવાળી /યામિની વ્યાસ

“મમ્મી,આ શું?” “આ એન્ટિક રોબોટ જેવું લાગે છે, જોને વચ્ચે આ પાઇપ છે,એમાં આખી સિસ્ટમ રાખતા હશે.” ચીંકી પિન્કીની વાતો સાંભળી લોપા ખડખડાટ હસતાં બોલી,”અરે,આ કોઈ રોબોટ નથી,આ બમ્બો છે, બમ્બો. હા, પણ કામ રોબોટથી ઓછું નહીં.એમાં અમે નહાવાનું પાણી ગરમ કરતાં. વેકેશનમાં તો આ ઘરે કેટલાંય ભેગાં થતાં,બધાંને એ ગરમ પાણી કરી આપે.” “યુ મીન બિગ ગીઝર.” ” હા, પણ એ ગીઝરની જેમ બગડે પણ નહીં .” બમ્બામાં પાણી કેવી રીતે ગરમ થાય એ લોપાએ બન્ને દીકરીઓને સમજાવ્યું.” બન્નેને મજા પડી ને એમાં ગરમ થયેલા પાણીથી જ નહાવાની જીદ પકડી. લોપાએ શકુબાઈને એ માંજી એમાં પાણી ગરમ કરવાનું કહ્યું. ચીંકી પિન્કી કુતૂહલથી બધું જોતાં રહ્યાં ને શકુબાઈએ તો ત્રાંબાના બમ્બાને આંબલીથી ચમકાવ્યો ને રામજીકાકાએ કોલસા છાણાં ભરી સળગાવ્યો. ચમકતો બમ્બો તાજગી અનુભવતો હસતો હસતો એનું કામ કરવા લાગ્યો.ને બન્ને બહેનો એજ પાણીથી હરખભેર નાહી. લોપા દિવાળી વેકેશનમાં બન્ને નાની દીકરીઓને લઈ એનાં પિયરના ઘરે આવી હતી.આમ તો શિમલા જવાનો પ્લાન હતો.પણ એને થયું બેએક વર્ષથી બંધ પડેલું ઘર ખોલું ને દીકરીઓને પણ અહીંની દિવાળીથી પરિચિત કરાઉં. એણે નમનને વાત કરી.એનો પતિ નમન લોપાના નિર્ણયને હંમેશ સસ્મિત સ્વીકારતો. હસીને કહ્યું, “ઓહો, સરસ વિચાર છે,સાસરે જ જવાનું છેને! ચાલો મારો તો ફરવાનો ખર્ચો બચી જવાનો.તમે જાવ,હું બિઝનેસનું કામ પતાવી બે દિવસ પછી આવું છું.” લોપાના પપ્પા ગુજરી ગયા પછી પણ મમ્મી એકલાં જ અહીં રહેતાં, લોપા, લોપાની બહેન મુદ્રા અને ભાઈ શ્રેણિકે પણ મમ્મીને આગ્રહ કર્યો હતો.પણ એમને અહીં જ ફાવતું. બે વર્ષ પહેલા શ્રેણિક પરિવાર સાથે આવ્યો હતો ત્યારે જીદ કરીને એ મમ્મીને વિદેશ લઈ ગયો. મમ્મીને ત્યાં રહીને પણ ઘરની ફિકર.ખાસ તો દિવાળીમાં આંગણું સુનું ન રહે,રંગોળી દીવા થવા જ જોઈએ એવો આગ્રહ. જોકે લોપા મુદ્રા બન્ને બહેનો બાળકોની સ્કૂલ,નોકરી વિગેરેની વ્યસ્તતાને કારણે જઈ શકી નહીં.પણ શકુબાઈને રામજીકાકા સફાઈ વિગેરે કરી જતાં. ઘર તો સાફ હતું.પણ બપોરે નવરી પડેલી લોપાએ કબાટ ગોઠવવા કાઢ્યું ને ફરી ચીંકી પિન્કી વીંટળાય વળી. લોપાએ હરખભેર જૂની ચીજ વસ્તુઓ બતાવી જે મમ્મીએ ખૂબ કાળજીપૂર્વક પારદર્શક પ્લાસ્ટિક બેગ કે કપડામાં બાંધી સાચવી હતી.અને દરેકની ઉપર કોણે કયા સમયે આનો ઉપયોગ કર્યો હતો એ લખાણ પણ હતું. લોપાને દાંત આવ્યા ત્યારે વપરાયેલી લાકડાની જાંબુડી ને મુદ્રાએ પાંચમી વર્ષગાંઠે દુકાનમાંથી જાતે પસંદ કરેલી ઢીંગલી પણ હતી. આવું તો કંઈ કેટલુંય. ને જુના આલ્બમો, એમાંય કોણ, ઉંમર, સ્થળ, કે સગપણ. અરે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટામાં પહેરાયેલ સાડી કે અમ્મરનો રંગ,ક્યારે,કોના લગ્ન વખતે ખરીદાયો હતો એ બધી જ માહિતી. “કયા બાત,મમ્મી! ગજબ ડોક્યુમેન્ટેશન! મારે મુદ્રાને બતાવવું પડશે.”લોપા મમ્મી પર ગર્વ લેતાં બોલી. મુદ્રામાસીનું નામ સાંભળતાં તો પિન્કીએ એની પ્રિય માસીને ફોન લગાડી દીધો. “હેલો, માસી…”કહી ફોન લોપાને પકડાવી દીધો. “હં, બોલ,લોપા” “મુદ્રા,તું કામમાં હોઈશ, આ તો તારું નામ બોલી ને પિન્કીએ તને તરતજ ફોન લગાડી દીધો. “હા, થોડી બીઝી તો ખરી જને,હમણાં જ શોપિંગ કરી આવ્યાં.સ્વીટી, સોનુના નવા સ્વિમવેર લેવાના હતા. યાર ગોવા જવાના છીએ, તારી જેમ ગામની નદીમાં ધુબાકા થોડા મરાવવાના છે તે કોઈ પણ કપડાં ચાલે?” તું ય શું, આવા મસ્તીના દિવસોમાં એન્જોય કરવાને બદલે ધૂળિયા ગામ જઈને બેઠી.ને તારા નમનકુમારની જેમ મારો નિખિલ તો ના જ તૈયાર થાય. ” “અરે ચીંકી પિન્કીને તો અહીં બહુ જ મજા પડે છે આપણી બધી જૂની ચીજ વસ્તુઓ જોઈને!”તું ય હોત તો..” “જો,મને કોઈ રસ નથી, આ બધું..ને ખબર છે સ્વીટી,સોનુને ય આ નાજ ગમે. અરે સ્કૂલના ફ્રેન્ડ્સને એઓ શું કહે? ગામ ફરવા ગયેલા…! ને આપણે ઇન્સ્ટા,એફબી પર શેના ફોટા.વિડીઓ શેર કરવા? ગામના? અમારું વતન. અમારું પિયર..બ્લા બ્લા.. ને કીટી પાર્ટીમાં ય આપણાં નામ પર હસાહસ થાય! નારે બાબા, સમય સાથે જીવવું પડે તું ય આ રીતે કર” “ઓકે મુદ્રા તું સરસ રીતે ફરી આવ.પણ સમય મળે ત્યારે એકવાર મમ્મીનો કબાટ જોઈ જજે.” ” હા, આપણાં મમ્મી તો ગ્રેટ જ છે. હું તો એને જ અહીં બોલાવી લઈશ. બાકી એ ઘરે તો ના બાબા ના. ને શકુબાઈ ને રામજીકાકા તો છે ક્લીન કર્યા કરશે.હવે આ મોહ છોડ ને હજુ ય સમય છે, એ દિવાળીના કોડિયાં ને રંગોળીની લમણાંઝીક મૂક. વળી આજુબાજુના સત્તર લોકો મળવા આવશે.મોટાને પગે પડવાનું ને નાસ્તા ચા,ઠડુંની મગજમારી. વળી તું તો મમ્મીનું જ નાનું રૂપ. ચીવટભેર બનાવશે મઠીયા, ચોળાફળી, ઘૂઘરા ને ઘારી, સજાવશે ઘર,આંગણ ને બધાંને. છોડ, નીકળી જાને નમનજીજુ સાથે ક્યાંક શહેરની નજીક ય ફરી આવ.” “અરે પણ…” “જવા દે લોપા,મને ખબર છે,આટલા લેક્ચર પછી પણ પથ્થર પર પાણી,તું નહીં સુધરે.”મુદ્રાએ ફોન મૂકી દીધો. લોપાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. મન ઉદાસ થઈ ગયું.મમ્મીને ફોન કરવાનું મન થયું.પણ થયું આવી વાતો નથી કરવી.બધું મૂકી થોડીવાર સુઈ ગઈ. થોડીવાર પછી બાજુવાળા સંજયની દીકરી આવી “લોપાફોઈ, આ રંગોળીની ડિઝાઇન જુઓ, આપણે દિવાળીની રાતે નવા વર્ષ માટે પુરીશું.ને સાથિયાસ્પર્ધા પણ રાખી છે એમાં તમારે નિર્ણાયક બનવાનું છે, તમે ખૂબ સરસ રંગોળી પૂરતાં એમ મારા દાદીએ કહ્યું.” “અરે,એ વર્ષો પહેલાં, હવે તો એ બધું છૂટી ગયું.મને નહીં ફાવે.” ” કેમ નહીં ફાવે? આવશે લોપા જરૂર આવશે.”મુદ્રા પરિવાર સાથે ગાડીમાંથી ઉતરતાં બોલી.” લોપાએ એક નજરમાં એને માપી લીધી.એને જરાય નવાઈ ન લાગી એની ચાલ સમજી ગઈ.નવાઈ ત્યારે લાગી કે શકુબાઈ ને રામજીકાકા બધું જાણતા હતાં, મુદ્રા દસ દિવસ પર આવી પડદા, હિંડોળાની ગાદીના કવર, કુશન વિગેરનું માપ લઈ ગઈ હતી.જે લેવા રામજીકાકાએ હસતા હસતા ડીકી ખોલી ને થોડી જ વારમાં નમન મમ્મી અને શ્રેણીકભાઈના પરિવારને એરપોર્ટ પરથી રિસીવ કરીને આવ્યો. ને શકુબાઈએ મમ્મીને ભાવતી આદુવાળી ચા તૈયાર રાખી હતી. યામિની વ્યાસ”.

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.