
“લો બા, આ તમારી મોળી ચા. આજે ઊઠવામાં જરા મોડું થઈ ગયું.” “અરે નીનીબેટા! બે ઘડી તો સૂઈ રહેવું હતું. પછી તો છે જ આખો દિવસ દોડાદોડી.” નીનાને બધાં વહાલથી નીની કહેતાં. નીનાને સવારે ઊઠવામાં ૫:૩૦ ને બદલે ૫:૩૫ થઈ જાય તો પણ તેના નિત્યક્રમમાં ઘણો ફરક પડી જતો. જોકે, તેને અલાર્મની બહુ જરૂર ન પડતી. રાત્રે ઊંઘતાં ગમે તેટલું મોડું થાય તો પણ તેનું શરીરચક્ર એવું ટેવાઈ ગયું હતું કે, સવારે સાડા પાંચે આંખો ખૂલી જાય. આખા દિવસની કરમકુંડળી સવારથી જ એના મગજમાં રચાઈ જતી. ચા-પાણી-નાસ્તાની તૈયારી કરીને બાળકોને ઉઠાડતી. રાશિ તો ઊઠતા જ રડવા માંડતી, “નીની, આજે તો સ્કૂલે નથી જવું. મારું હોમવર્ક બાકી રહી ગયું છે.” નીના કહેતી, “ચાલ, હું તને મદદ કરું” “હવે તો થોડીક જ વાર રહી છે.” “અરે બેટા! ચાલને હું કરી દઉં તારું હોમવર્ક” એમ કરીને તેને ઉઠાડે. તત્વ પણ “ નીની, મારા નખ કાપવાના છે. આજે પીટીના સાહેબ તપાસવાના છે. નહીં તો મને સજા કરશે.” “અરે બેટા, કેટલી વાર કહ્યું કે તું રવિવારે નખ કપાવી લે, પરંતુ માને જ નહીં. ચાલ, હું તને કાપી આપું.” એક તો ખરેખર મોડું થતું હતું અને તેમાં આવું વધારાનું કામ આવી ચડતું. છોકરાને વહાલથી સમજાવીને સામે ભણવા બેસાડ્યો અને તેના નખ કાપી આપ્યા. સાથેસાથે રસોઈ પણ કરતી ગઈ. એમાં શકુબાઈનો ફોન “બેન, મારી દેરાણીની વેવાણના ભાઈ મરી ગીયા તાં હું રડવા જવાની, આજે ની આવા, વાહણ રાખી મૂકજો, કાલે માંજી દેવા.” આ મોકાણના સમાચારે તો તેને ભારે પરેશાન કરી મૂકી. હિરેન ઊઠ્યો અને ઊઠતાની સાથે તેના ફોન શરૂ થઈ ગયા. બાથરૂમમાં જતાં જ તેણે ટુવાલ માટે બૂમ મારી, “અરે, ક્યાં લટકાવ્યો છે? અહીં તો નથી.” “પણ તમારો ટુવાલ ધોવા નાખ્યો છે. બીજો લઈ લો,” એટલી વારમાં તો કપડાંનું મશીન બીપ બીપ કરવા લાગ્યું. ફટાફટ કપડાં કાઢીને સૂકવ્યાં. બા કહેતા, “હું ધીરેધીરે સૂકવી દઈશ.” ક્લિપ મારતી મારતી એ જવાબ આપતી, “અરે બા! તમારા લકવાવાળા હાથે તમે કેવી રીતે સૂકવી શકો?” બાને હાથે લકવાની શરૂઆત હતી. ડાયાબિટીસ તો પહેલેથી જ હતો. નીના ઘરનું સઘળું ધ્યાન રાખતી. ક્યારેક હિરેન પણ મદદ કરવા લાગતો. “ચાલ, તને મોડું થાય છે તો હું તને મદદ કરું.” પણ, મોડામાં વધુ મોડું થશે તેમ વિચારીને નીના હાથ જોડીને ના પાડતી અને કહેતી, “છોડોને ભઈસા’બ, તમે આખું રસોડું રમણભમણ કરી મૂકશો.” ને હિરેન હસતો હસતો તેના કામે ચાલ્યો જતો. સ્કૂલે જતાં પહેલાં રાશિનો ચોટલો ગૂંથવામાં પણ તે કેટલા નખરા કરતી! ત્રણેક વાર તો તે છોડીછોડીને ફરી ગુંથાવતી. પહેલાં તો બા ગુંથી આપતાં પણ એમને લકવો થયા પછી બધું નીનાને માથે હતું. લંચબોક્ષ અને વોટરબેગ તો રાત્રે જ તૈયાર કરી દેતી. માંડ તે બંનેને સ્કૂલે મોકલતી. રસોઈ પતાવી બાનું ગળપણ વિનાનું જુદું કાઢીને તેની પર ચિઠ્ઠી મૂકતી. છોકરાઓનું જુદું ઢાંકતી. હિરેનનું લંચબોક્સ ડાઇનિંગ ટેબલ પર મૂકીને તે ફટાફટ નીકળતી. કદી સામે શીલાબેન મેળવણ લેવા આવતાં તો ફટાફટ તેમને મેળવણ આપતી. કદી નળ ખુલ્લો રહી ગયાનું યાદ આવતું ને પાછી આવીને નળ બંધ કરતી. રોજ એ નીકળે અને કશું યાદ આવે, નીકળે અને કોઈક બૂમ પાડે; મારે આ જોઈએ છે, મારે આ બાકી છે, મારું આ ક્યાં છે…માંડ સ્કૂટર પાસે પહોંચે ને યાદ આવે, ‘અરે રામ! કાલે સોનુ આવેલી એની બેબીને શાંત પાડવા મારી ઘૂઘરીવાળી કીચેઇનવાળી ચાવી આપી હતી એ મળી જાય તો સારું.’ કહી ફરી ઘરનો ડોરબેલ મારતી. કંઈ કેટલાય વર્ષો સુધી નીનીની આવી સવાર પડતી. ઓફિસે પહોંચતી અને તેને પહેલું વાક્ય બોલવાનું જ હોય, ‘સોરી, થોડું મોડું થઈ ગયું. સારું થયું તમે સાચવી લીધું.’ સાહેબને પણ જવાબ આપવાનો હોય, પણ એવા જવાબ તો તેણે વર્ષો સુધી આપ્યા. ક્યારેક ઓફિસમાં બીજાનું કામ પણ કરી લેતી. ઘરે આવતી વખતે શાકભાજી લેવાની હોય, બાળકો એ કંઈ સોંપ્યું હોય, બાની દવા કે કોઈ ચીજવસ્તુ લાવવાની હોય, હિરેને પણ કદી કહ્યું હોય કે આટલું કરતી આવજે; એ બધું કરતી આવે અને હજુ માંડ ચંપલ ઉતારે ત્યાં તેને રસોઈની ફિકર હોય. બાળકો બપોરે સ્કૂલથી છૂટીને જમીને સૂઈને ઉઠ્યા હોય. એમની સ્કૂલની, મિત્રોની, તોફાનની વાતો સાંભળવાની, હોમવર્ક બાકી હોય તે કરાવવાનું સાથે સાંજની રસોઈ માંડ પતે. રસોડું સાફ કરે. ટીવી ચાલુ હોય પરંતુ તેને જોવાના હોશકોશ ન હોય. તે લોથપોથ થઈ જતી. એને કંઈ કેટલીય વાતો કરવી હોય; નોકરીની, બાળકોની ને ભવિષ્યની પણ હિરેન તેના કામમાં અને ટેન્શનમાં હોય એટલે ખાસ વાતો થતી નહીં. ધીરેધીરે બાળકો મોટાં થતાં ગયાં. રાશિ અને તત્વ ખૂબ સરસ ભણતાં હતાં એટલી તેને હાશ હતી. બાની બીમારી પણ વધતી ગઈ અને એ વિચારતી કે, આવી જ જિંદગી હશે બધાની? કોઈને હળવાશ નહીં હોય? ઘણીવાર નીનાએ વિચાર્યું કે નોકરી છોડી દઉં. પણ પગાર સારો હતો અને પેન્શનબલ જોબ હતી એટલે થતું કે, અમુક વર્ષો નોકરી કરી લઉં. પછી વી.આર.એસ લઈ લઈશ. અત્યારે તો પગાર સારો આવતો એટલે ઘરમાં પણ સારી મદદ રહેતી તેણે નોકરી ચાલુ રાખી. આ જ રીતે, આ જ સવાર અને આ જ સાંજ, આ જ નિત્યક્રમ પરંતુ તેને મનમાં રંજ રહેતો કે તે બાળકોને સમય આપી શકતી ન હતી. ઘણીવાર બાળકો કહેતા કે, આજે અમને રજા છે તો તું ઘરે રહી જાને. અમારી સાથે રમ અને તોફાન કરને. ચાલને, આપણે પિકનિક પર જઈએ. પણ નીના ક્યારે રજા નહોતી લઈ શકતી. એકવાર ઓફિસમાં લંચ સમયે બેઠી હતી ત્યારે તે દીકરાદીકરી સાથે બેસીને મસ્તી કરતી હોય, રમતી હોય તેવો વિચાર આવ્યો અને તે સૂનમૂન થઈ ગઈ. પણ બીજી ક્ષણે તેને થતું કે, ઘરમાં બે નોકરીને કારણે જ તો છોકરાઓને કેટલી સારી સગવડ આપી શકીએ છીએ. બાને લકવાની અસર વધતી ગઈ તેમ વધારે બીમાર થતાં ગયાં. હવે નીનાને થયું કે. હવે વી.આર.એસ. લઈ લઉં. મારું પેન્શન પણ આવશે. નોકરી છોડી દઉં તો બાની સેવા પણ કરી શકું. દીકરોદીકરી આવે તો તેમની સાથે પણ સમય ફાળવી શકાય. તેમની સાથે શાંતિથી બેસી શકાય. સાંજની ચા પી શકાય. આખરે તેણે નિર્ણય કર્યો અને નોકરી છોડી. જે વર્ષે નોકરી છોડી તે વર્ષે દીકરાને સ્કોલરશિપ મળી અને તે ભણવા માટે વિદેશ ગયો. દીકરીને સરસ માગું આવ્યું અને તેને પરણાવી. આ બે ખુશીના પ્રસંગ પછી બા પણ જાણે નીનાને હળવાશ આપવા માટે તૈયાર હોય તેમ તેમણે પણ આ દુનિયામાંથી વિદાય લીધી. હિરેનની નોકરી ચાલુ હતી.હવે તે આખો દિવસ એકલી હતી. ખરેખર નીનાને હળવાશ હતી પરંતુ તેને આ હળવાશ એકદમ ભારેખમ લાગતી હતી.ખરેખર તો હવે સમય હતો જોયેલાં સપનાં પૂરાં કરવાનો, પોતાની ઈચ્છાઓ પૂરી કરવાનો, મનગમતું સંગીત માણવાનો ને સારા પુસ્તકો વાંચવાનો પરંતુ તેને લાગ્યા કરતું કે, તે કંઈ જ કરતી નથી. દિવસ પૂરો થતાં સુધીમાં તો તેને ઘણો રંજ રહેતો. હિરેનને પણ વાત કરી. હિરેને કહ્યું કે, “તને જે ગમે છે તે કર.” દીકરો અને દીકરી પણ કહેતાં કે, “મમ્મી હવે તારી પાસે પૂરતો સમય છે. તું તારી રીતે મજા કર.” પરંતુ તે બાળકોને કઈ રીતે કહી શકે કે, તમે ફરી નાના બની જાઓ. એ બાને કઈ રીતે કહી શકે કે, તમે ફરી જીવંત થઈ જાઓ. હિરેનને કઈ રીતે કહી શકે કે, હું બા અને છોકરાઓને તૈયાર રાખીશ. બને તો જલદી આવજો, ફરવા જઈશું. શું કરવું સમજાતું નહોતું.તે પોતાની જાતને ઘણી વ્યસ્ત રાખવા પ્રયત્ન કરતી, પણ અંદરથી લાગ્યા કરતું કે, કંઈક ખૂટે છે. આખરે તેણે બહેનો માટે હળવાશ કેન્દ્ર શરૂ કર્યું. જ્યાં આવીને મનની કંઇક વાતો કરવી હોય, કોઈક મૂંઝારો કે માનસિક તાણ હોય, અરે ગપ્પા મારવા હોય તો પણ, કોઈને આકસ્મિક કારણોસર દોડવું પડે અને બે ત્રણ કલાક માટે બાળકોને મૂકી જવા હોય, સગું હોસ્પિટલમાં હોય ને તેની મદદ કરવા દોડાદોડી કરવી હોય, વૃધ્ધોની સેવાનો સવાલ હોય, કોઈનો પતિ મૃત્યુ પામ્યો હોય અને કશી ખબર ન પડતી હોય, ઘર, બેંક, મૂડીરોકાણ જેવી આર્થિક વ્યવસ્થા બાબત કે બાળકોના ભવિષ્ય બાબતે તો એનું માર્ગદર્શન અપાતું. તેમાં ઘણા નિષ્ણાતો પણ જોડાતા ગયા. બધાં જ ખૂબ હાશકારો અનુભવતા. નીનાનો આભાર માનતા. અહીં કોઈ પણ એકવાર આવે પછી આ પરિવારનું જ બની જતું. આ કેન્દ્રને એક વર્ષ થયું ત્યારે આ આખો પરિવાર ઉજવણીમાં જોડાયો. સાથે હિરેન, રાશિ અને તત્વ પણ. બધાએ મળી નીનાને એક સરપ્રાઇઝ આપી. એની આંખે પટ્ટી બાંધી બહાર લઈ ગયા. બોર્ડ બદલાઈ ચૂકયું હતું- ‘નીની હળવાશ કેન્દ્ર’. આંખો ખોલતાં નીના ગળગળી થઈ બધાને વળગી પડી. હળવાશ અનુભવવા લાગી, પહેલીવાર… યામિની વ્યાસ”