Monthly Archives: જાન્યુઆરી 2022

વહાલપત્ર

વહાલપત્ર“અરે બાપરે, કિચનના સિન્કના નળમાં તો પાણીય ખીજવાઈ ખીજવાઈને આવે છે, એનેય શું વાંધો પડ્યો? અરે! હવે તો સાવ બંધ થઈ ગયું. આશિષ જુઓ તો…” સવારે સાડાપાંચ વાગે દેવશ્રીએ બૂમ પાડી. દેવશ્રીની ઊંઘ ઊડી નહોતી. જોકે, આમેય એ તો ક્યારેય પૂરી ઊંઘ લઈ શકતી નહોતી.સવાર પડેને સીધી રસોડા તરફ દોડતી. આશિષનું, પોતાનું ને નાનકડા દીકરા દેવાશિષ માટે ચીવટથી ટિફિન બનાવતી. અડધી તૈયારી રાતથી જ કરી દેતી નહીં તો પહોંચી જ ન વળાય. વહાલપૂર્વક ડબ્બા ભરતી ને હાથ ફેરવી પસવારી લેતી. દીકરા દેવાશિષને એ દે..ષુ કહેતી, કદાચ મોટું નામ બોલવાનોય સમય નહોતો. વળી દેષુ માટે રોજ કોઈ ને કોઈ સરપ્રાઈઝ મૂકવાની. અરે એ ફક્ત ચોકલેટ, જેમ કે, કેક નહીં, કોઈ ક્વિઝ, જોક કે આજનો ખાસ દિવસ કે આજની તાજા ખબર.. જેવું કંઈ પણ લખીને. એય પાછું મિકીમાઉસ કે બલૂન કંઈ પણ દોરી શણગારીને. કારણ કે ટિફિન ખોલતાં પહેલાં મમ્મીના વહાલપત્રની એને જિજ્ઞાસા રહેતી. દેવશ્રીની આવી ટેવ જ્યારે દેવાશિષ જન્મ્યો પણ નહોતો ત્યારની હતી. પરણીને આવી ત્યારે કોઈ કવિતાની કે ફિલ્મી ગીતની ગમતી પંક્તિઓ, કે ‘ભાવ્યું?’, ‘જલ્દી આવજો’ કે ‘રાહ જોઈશ’ જેવી ચબરખી ચૂમીને મૂકતી. ધીમે ધીમે ચબરખી તો જતી પણ લખાણ બદલાતું ગયું. ‘કાલે ટિફિનમાં પાપડનો ટુકડો નીકળ્યો હતો, મેં તો મૂક્યો નહોતો.’ ‘આજકાલ હીરો બનીને જાઓ છોને?’ ને પછી તો ‘સાંજે ડૉકટરને બતાવવા જવાનું છે.’ ‘સુકેતુભાઈ-ભાભીને લેવા સમયસર પહોંચી જજો.’ ‘દેષુની સ્કૂલમાં જરા મળતા આવજો.’ જેવા સંદેશાઓ મૂકાતા. ગમે તે હોય બાપદીકરાને વહાલપત્રો વાંચવાનો રોમાંચ રહેતો. પતિ પત્ની બંને નોકરી કરતા. શરૂ શરૂમાં તો નોકરી સિવાયનો સમય એ બંનેનો જ હતો, પણ પછી બબ્બે મિસકેરેજ પછી દીકરો જન્મ્યો, જવાબદારી વધી, સંબંધો, વહેવાર સાચવવાના આવ્યા. નોકરીમાં પણ ઊપરી હોદ્દાને કારણે કામનું ભારણ રહેતું, છતાં ત્રણેય એકબીજાને સાચવતાં. સહુથી પહેલી દેવશ્રી ઊઠી ઘરકામ પતાવી દેષુને ઉઠાડી તૈયાર કરી દેતી. એને સ્કૂલરિક્ષામાં બેસાડી નોકરીએ નીકળી જતી. પછી ઘર બંધ કરી આશિષ નીકળતો. આ પંખીઓના માળામાં ફરવાનો ક્રમ પણ એ જ હતો. જોકે, દેષુની રિક્ષા પાછળની જ ગલીમાં રહેતાં શોભનાબેનને ત્યાં ઊભી રહેતી. ત્યાં દેષુ ચારેક કલાક રહેતો. દેવશ્રી નોકરીએથી સીધી ત્યાં જઈ દેષુને લઈ ઘરે જતી. શોભનાબેન પોતાના ઘરે જ બાળકોને વાત્સલ્યપૂર્વક રાખતાં, વાર્તા કહેતાં ને ઉંઘાડી પણ દેતાં. શોભનાબહેનના પતિના અકસ્માત પછી તેમની નોકરી છૂટી ગઈ હતી. વ્હીલચેરમાં બેસીને તેઓ બાળકોને હોમવર્ક પણ કરાવતા. દેવશ્રી એમને માબાપ સમાન જ માનતી. કોઈવાર રજામાં પણ અન્ય કામ અંગે દેવશ્રી અને આશિષ બંનેને જવું પડે એમ હોય તોય શોભનાબેન દેષુને સંભાળતા ને દેષુ પણ હરખથી દોડી જતો. દેવશ્રી એમને મહીનાના અંતે કવરમાં રૂપિયા મૂકતી વખતે પણ આભાર વ્યક્ત કરતી વિવિધ ચબરખી અચૂક મૂકતી. ‘શોભનામા, મારા દીકરાને તમારા તરફથી હૂંફ, સંસ્કાર, વહાલ મળે છે એની સદાય ઋણી છું.” આમ, સરસ રીતે ગોઠવાયેલો સંસાર ચાલતો. જ્યારથી દેવશ્રીની બદલી થઈ ત્યારથી નોકરીનો સમય બદલાયો, નોકરીસ્થળ પણ દૂર થયું ને એને ખૂબ દોડાદોડી પહોંચતી. આશિષ, દેવાશિષ ઊઠે એ પહેલાં તો એ નીકળી જતી. આશિષ જેમ તેમ દેષુને તૈયાર કરી મૂકવા જતો અને શોભનાબાને ત્યાંથી લઈ પણ આવતો. દેવશ્રીને મોટેભાગે મોડું થતું. થાકી જતી, સાંજે આવી માંડ પરવારે ને રાત તો એવી પડતી કે સળવળાટ વગર સીધી સવાર. રજામાં પણ સત્તર જાતના કામ હોય એટલે આરામ તો ભૂલી જ જવો પડે. ક્યારેક કંટાળીને એ નોકરી છોડી દેવા વિચારતી પણ પગાર સારો હતો વળી પેન્શનવાળી નોકરી હતી. ઘર અને ભાવિ માટે એ જરૂરી લાગતું એટલે એ બધું સહી લેતી. પણ આજે હદ થઈ ગઈ હતી. રાત્રે પણ નોકરીનું જ કામ ઘરે લઈ આવી એ મોડે સુધી કરતી હતી. એ ખૂબ થાકેલી હતી છતાં બાયોસાઈકલ એવું સેટ થયું હતું કે, સાડા પાંચે આંખ ખુલી જ જાય. કડકડતી ઠંડીમાં ઊઠતાંની સાથે જ પાણીની તકલીફ. પછી જોયું તો બાથરૂમ, બેસિન ને આખા ઘરમાં પાણી નહોતું આવતું. આશિષ તો ઊંઘમાં રજાઈ માથા પર ખેંચતા, “કઈં નહીં બધું રહેવા દે.” કહી સૂઈ ગયો. દેવશ્રી ચિડાઈ, “યાર, પાણી વગર તો કાંઈ ના થાય ને આજે તો મારે વહેલું જવું પડે એમ છે.” એ શાલ ઓઢી દોડી વોચમેન પાસે. ઠંડીમાં એય બાજુમાં તાપણું સળગાવી ઝોકાં ખાતો હતો. એને ઉઠાડી મગજમારી કરી પાણી ચાલું કરાવ્યું. દોડતી ઘરે આવી, કિચનમાં ફોર્સમાં પાણી આવવાથી સિંક ઉભરાતું હતું. એને બંધ કરી ઠડું પાણી સાફ કરવાનું ખૂબ અઘરું લાગ્યું. પોતું મૂકીને આવે એટલામાં તો એણે ચીસ પાડી. કોણ જાણે ક્યાંથી જાડોપાડો ઉંદર ધસી આવ્યો હતો. એ એના પગ પાસેથી જ ગયો. “આ ઉતાવળમાં જાળી આડી કરીને ગઈ ને એ ભરાઈ ગયો. ઓ આશિષ જુઓ તો… હે ભગવાન! ન કાઢું તો ખાલી પડેલું આખું ઘર કાતરી મૂકશે.” એમ બબડતાં એણે જ ઝાડુ લઈને પંદરેક મિનિટ આમતેમ દોડી ઉંદર ભગાડ્યો. જોકે, આશિષને તો કંઈ અસર ના થઈ, એને ખબરે ન પડી. બાથરૂમમાં ગીઝર ચાલુ કરી આવી. ચા મૂકવાનું રહેવા દઈ સીધી ખીચડી જ મૂકી, કારણ કે આગલે દિવસે શાક સમરવાનનુંય રહી ગયું હતું. દેષુના યુનિફોર્મ, બૂટમોજાં, વોટરબોટલ તૈયાર કર્યા. હજુ કૂકર ખૂલ્યું નહોતું. એ બંનેના ખાલી ટિફિનબોક્સ બાજુમાં મૂકી ન્હાયા વગર જ મોં ધોઈ ફટાફટ તૈયાર થઈ, કારણ કે સમય જ નહોતો. આશિષને ઉઠાડવાની લપ્પનછપ્પનમાં પડ્યા વગર બારણું ઓટોલોક કરી ભાગી. થોડેક જ આગળ પહોંચી ત્યાં બાંધકામ ચાલતું હતું એ જગ્યાએ ત્રણ ઈંટ પર ગોઠવેલા કાળા તપેલામાં પાણી ઉકળતું હતું. મજૂરણો ત્યાં લટકાવેલા કંતાન પાછળ ગરમગરમ પાણીથી મજાથી નહાઈ જાણે થાક ઉતારી તાજગી ભરતી હતી. પળભર તો એને ઈર્ષ્યા પણ આવી ગઈ, પણ ત્યાં જ અચાનક યાદ આવ્યું, “અરે નહાવા ચાલું કરેલું ગીઝર તો ચાલું જ રહી ગયું. ઓ બાપરે! આશિષને ફોન કરીશ તો એ હાએ હા કરશે પણ બંધ કરવા ઊભો નહીં જ થાય. ચાલુ રહે તો એમ તો કંઈ વાંધો નહીં આવે પણ ન કરે નારાયણ ફાટ્યું તો? બાપરે…!” એણે સ્કૂટર ઘર તરફ ઘુમાવ્યું. દોડતી જઈ સ્વિચ બંધ કરી ત્યારે આશિષ ઊંઘમાં જ બોલ્યો, “હજુ ગઈ નથી?” દેવશ્રીને જવાબ આપવાનો ટાઈમ નહોતો. ઠંડીની કાતિલ લહેરથીય તેજ એ ભાગી ને ઓફિસ પહોંચી ત્યારે હાશ અનુભવી. પણ એ બહુ લાંબુ ન ચાલ્યું. લંચટાઇમમાં કેટલીય બહેનપણીઓ, સહકર્મચારીઓએ સાથે ખાવા આગ્રહ કર્યો પણ એણે ના ખાધું. પતિ ને દીકરાનાં ટિફિનબોક્સ બરાબર ન ભરી શકી એનો રંજ હતો. જ્યારે ખ્યાલ આવ્યો કે આજે તો ચોવીસ ડીસેમ્બર છે, નાતાલની શુભેચ્છા ને ગિફ્ટ દેષુને લન્ચબોક્સમાં આપવાની હતી. એ ચબરખી માટે એને ગિલ્ટ હતો. વળી ઓફિસના જ વધુ કામને લીધે ઘરે આવતા મોડું થયું ને સ્કુટરે પણ એનો ભાગ ભજવ્યો. ખૂબ થાકીને ડોરબેલ મારતાં બબડી, “આજે તો સવાર જ કેવી ઊગી? આજે કોઈએ સાથ ન આપ્યો. મન, મગજ કે નસીબે. આશિષ પણ બગડ્યા હશે ને મારો દેષુ બિચારો તો…” બારણું ન ખૂલ્યું. ફરી બેલ માર્યો, થયું, “આશિષને ફોન કરું, શું તેઓ સવારના લંચથી કંટાળી બહાર ગયા હશે? કે દેષુ રિસાયો હશે? શોભનાબા તો બરાબર હશેને?”કંઈ કેટલીય અટકળો વચ્ચે પર્સમાંથી ચાવી કાઢી બારણું ખોલ્યું. લાઈટ કરી ને જોયું તો, “આ શું? આ બધું શું છે?” ઢગલાબંધ કાપલીઓ એના ચરણસ્પર્શ કરવા દોડી આવી ને સોફા પર તો એક લાલ ઝગમગતું તોરણ. એ હાથ લંબાવીને જોવા જાય ત્યાં અંદરથી ત્રણેક જણ લાલ કપડામાં લગભગ દોડી જ આવ્યા. દેવશ્રી ચોંકે એ પહેલાં એને વળગી પડ્યા. દેષુ પહેલો કૂદીને ગળે લટક્યો. દેવશ્રીની આંખો જ નહીં, મન-મગજ-હૃદય આશ્ચર્યથી પહોળું થઈ ગયું. “અરે તમે તો… તમે આશિષ પણ… શોભનાબા પણ…” આશિષ એની આંખો દાબી અંદર લઈ ગયો. કેક અને સ્વાદિષ્ટ ભોજન સજાવેલું ડાઇનિંગ ટેબલ આકર્ષી રહ્યું હતું. પેલી હરખભેર લખાયેલી ચબરખીઓમાં બાપદીકરાની આખા દિવસની મહેનત દેખાતી હતી. ભોજનમાં શોભનાબાની ને વહાલૂડાં દેષુના હાથમાં શોભતું, નાના નાના લાલ ઝગમગતા મોજાના તોરણમાં શું છે એ જોવાની દેવશ્રીની હિંમત જ ન ચાલી, “ઓ માય ગોડ! પછી જોઉં, આટલી ખુશીઓથી મને ચક્કર આવી જશે. હું પહેલાં નહાઈ લઉં.” કહેતી એ બાથરૂમમાં ગઈ ને ધોધમાર રડી પડી.- યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

દ્વિઅંકી નાટક” વહાલના વારસદાર

યામિની વ્યાસ એક લોકધર્મી લેખિકા અને નાટયધર્મી અદાકારા***જેના બહુકેન્દ્રી સર્જકીય અસ્તિત્વનો પરિઘ ખૂબ વિશાળ છે એવા બહુ આયામી સર્જક યામિની વ્યાસ રચિત દ્વિઅંકી નાટક” વહાલના વારસદાર” વિશે વાત કરવાની ગુસ્તખી કરવી છે. નાટ્યલેખન, કવિતા, અભિનય, ગરબાની નૃત્ય કલા અને કોરિયોગ્રફી, વાર્તાલેખન વગેરે સાહિત્યિક ક્ષેત્રમાં સમૃદ્ધ ખેડાણ કરનાર યામિની વ્યાસ ગુર્જરગિરાની વિધ વિધ રૂપે સાધના, આરાધના અને વંદના કરે છે.’વહાલના વારસદાર’ એક સંવેદનશીલ દ્વિઅંકી નાટક છે.નાટ્યલેખન અને અભિનય બંને કલાઓમાં નિપુણતા લાવવામાં લોક રુચિ, લોકપરંપરામાં એવમ્ નાટકની શાસ્ત્રીયતા બંને પાસાઓથી કલાકાર જ્ઞાત હોવો જોઈએ.નાટ્યશાસ્ત્રના એક શ્લોકમાં કહેવાયું છે….લોકાધર્મી નાટયધર્મી ધર્મિતી દ્વિવિધઃ સ્મૃતયામિની વ્યાસ સારા લેખક અને સારા અદાકારા છે. કલમ અને કિરદારને બરાબર ધાર કાઢે છે. “વહાલના વારસદાર”ની સ્ક્રિપ્ટ હાર્ટ ટચ છે. સુખી સંપન્ન પરિવારમાં કુદરતી રીતે એક બાળક દિવ્યાંગ જન્મે, બીજું બાળક તંદુરસ્ત હોય ત્યારે સ્વાભાવિક રીતે માતા પિતાના વહાલનું પલ્લું બીમાર બાળક તરફ નમે.” મમ્મી તું વારંવાર શ્લોકનું જ ધ્યાન રાખે છે, મારું તો કોઈ સાંભળતું નથી “નાના દીકરા શ્વાસની આ ફરિયાદથી મમ્મી અંજલીનો શ્વાસ અદ્ધર થઈ જાય છે. પપ્પા આચમન બંને તરફ બેલેન્સ રાખવાનો પ્રયાસ કરે છે . એક દિવ્યાંગ બાળકના જીવનની આસપાસ વણાયેલી કથા ખૂબ જ ભાવનાત્મક રીતે આલેખન અને મંચન પામે છે. નાટ્ય લેખક યામિની વ્યાસે અનેક લોકોના ઘરના એક દર્દ ભર્યા ખૂણાને મંચ પર રજૂ કરી શ્રોતાઓની આંખના ખૂણાને ભીંજવ્યા છે. મંચન દરમિયાન નાટકની શાસ્ત્રીયતાનું પણ બખૂબી ધ્યાન રખાયું છે. આ નાટકના અનેક શો થયાં છે, અનેક શો થતાં રહેશે. બધા જ કલાકારો કિરદારને યોગ્ય ન્યાય આપે છે. ઘરના નોકર રામુકાકા કાન બહેરા અને ધ્યાન બહેરા છે. કરુણરસની સાથે હાસ્યરસને સાહજિક રીતે રજૂ કરવાનો સ્તુત્ય પ્રયાસ થયો છે.નાટ્યમુદ્રાના બે માસ્ક નાટકના બે ટ્રેડિશનલ પ્રકારો ટ્રેજેડી અને કોમેડી તરફ ઇંગીત કરે છે. આ નાટકમાં જે નાટકની સ્ક્રિપ્ટને નુકશાન થયા વગર દર્શનીય બને છે. તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. મંચ પર ભજવાયેલા સફળ નાટકો પુસ્તક રૂપે પણ પ્રાપ્ય બને એટલે ભાવકોનો આનંદ બેવડાય એ સ્વાભાવિક છે. પુનઃ યામિનીબેન અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. – સુરેશ વિરાણીB/501, સિલિકોન વ્યૂ, ક્રિષ્ના સર્કલ અર્ચના સંકુલથી પરવટ પાટિયા રોડ, પરવટ પાટિયા, સુરત. મો.9825711570sureshrvirani@gmail.com

Leave a comment

Filed under Uncategorized

કાપલી ઘડિયાળ/યામિની વ્યાસ

“કાપલી ઘડિયાળ આગળ પાછળ હોઈ શકે પણ નિષ્ઠા એકદમ સમયસર જ હોય. બરાબર સમય સાથે ચાલનારી નિષ્ઠાને જોઈ લોકો ઘડિયાળ મેળવતા. રૂપાળી ને મોહક નિષ્ઠાને કોઈ જોતું તો નજર ન હટાવી શકતું. એવી આકર્ષક વ્યક્તિત્વ હતું એનું. મોટેભાગે કડક ઈસ્ત્રી કરેલી સાડી પહેરતી. સુવ્યસ્થિત પીનઅપ કરીને છેડો કે પાટલી સહેજે આમતેમ ન થાય એ રીતે ગોઠવાયેલ હોય એરહોસ્ટેસની જેમ જ. ને એ પાછી સાંજ સુધી સચવાઈ રહે. ભણવામાં તેજ અને મહેનતુ નિષ્ઠા યુવાન વયે જ પ્રિન્સિપાલ બની સૂર્યોદય શાળામાં આવી હતી. ઘણાના પેટમાં તેલ રેડાયું. વળી એ ઇર્ષ્યાનું કેન્દ્ર બને એ સ્વાભાવિક જ છે, પણ પોતે આ શક્યતાઓથી વાકેફ હતી. મોટાભાગના શિક્ષકો એનાથી વયમાં મોટા હતા ને તે બધાનો આદર કરતી, દરકાર રાખતી પણ ફરજ પરની બેદરકારી બિલકુલ ન ચલાવતી. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સહુને સજ્જ કરતી. વર્ષોથી ચાલતી લાલીયાવાડી અને રેઢિયાળ તંત્રને એ ધીમેધીમે બદલતી રહી. શરૂ શરૂમાં તો વિદ્યાર્થીઓની પણ થોડી અળખામણી બની. એની ખુરશી પણ ચુઇન્ગમ લગાડી જવી કે લાલ રંગ લગાડી જવો કે કવચ ઘસી જવી, એનું એક્ટિવા પંચર કરવું કે ગમે તેવા વોટ્સએપ મેસેજ કરવા વિગેરે પ્રવૃતિ પણ વિદ્યાર્થીઓ દ્વારા થઈ, જે કરાવવામાં આવી પણ ચાલાક નિષ્ઠા કદી આનો ભોગ બની નહીં. ઊલટું હસી નાખતી.”અરે, મને તો પૂછો, સ્માર્ટ વર્કના જમાનામાં આ જૂના નુસખા ન ચાલે, દીકરાઓ!” કહી વહાલથી પૂછતી તો તેઓ ભૂલ કબૂલી સૉરી કહી દેતા. બાકીના શિક્ષકો, ખાસ તો શિક્ષિકાઓનો રોજનો બબડાટ રહેતો; “આવી ત્યારથી બધી મોકાણ છે.” “પહેલાં કેવું મસ્ત ચાલતું હતું!” “ઘર લઈને બેઠાં છીએ, એની જેમ છડાછાંટ થોડાં છીએ? એને શું? ન વર, ન ઘર!” “અહીં આપણા માથે કેમ આવી પડી?” “અરે, દેખાવડી છે એનો જ પ્રતાપ છે.” “છે જરા અમથી પણ ભેજુ કેવું ચાલે છે?” “ને યાદશક્તિ તો જૂઓ, બાપ! કેટલાય બાટલા પી ગઈ હશે શંખપુષ્પીના.” “હવે આ ઉંમરે બધું કયાં શીખવા બેસીએ?” “બાપરે! જરા વારમાં તો મેમો પકડાવી દીધો.” “એને તો એકવાર સીધી કરવી જ પડશે.” શિક્ષકવર્ગમાં આવા સંવાદો ચાલતાં. નિષ્ઠાને ખ્યાલ તો આવી જતો, પણ એ બધું સલુકાઈથી સંભાળતી. ઊંચી, ગોરી, એકવડો બાંધો ને લાંબા વાળ, તેજસ્વી આંખો ને ચહેરા પર સૌમ્યતા.વળી, અપરણિત. ઘણાએ એની તરફ ઢળવાનો પ્રયત્ન કરી જોયો પણ એના પ્રભાવી વ્યક્તિત્વ આગળ તેઓ વામણા જ પડતા. નિષ્ઠા અહીં એની ભત્રીજી પરા સાથે રહેતી હતી. પરા પણ આજ શાળામાં ભણતી. નિષ્ઠા ભત્રીજી સાથે પણ બિલકુલ બીજા વિદ્યાર્થીઓ જેવું જ વર્તતી. પરા માટે પણ સ્કૂલમાં મેડમ ને ઘરે ફોઈ. પરા ફોઈ જેવી જ હોશિયાર. નિષ્ઠાએ જ એને જીવનમાં નિયમિતતાના પાઠો શીખવ્યા હતા. પરા ભણવા સાથે રમત કે ઇતર પ્રવૃત્તિ, ઘરકામ કે બાગકામ પણ હોંશે હોંશે કરતી. ઘરે એની સ્કૂલની સહેલીઓ આવતી તો એને માટે પણ નિષ્ઠા ફોઈ જ બની રહેતી. તેઓ પણ ફોઈ સાથે સહજતાથી વાતો પણ કરતાં. નિષ્ઠા ક્યારેક તેઓની એકલાની ગુસપુસ પણ સાંભળતી. જેથી બાળકોના મન જાણી શકાય. “સ્કૂલમાં નવા પ્લેગ્રાઉન્ડ પર મજા પડે છે.” “અરે, કાવ્યપઠન સ્પર્ધા ક્યારે છે?” “ખબર છે, મિતેષસરનું નવું નામ?” “તિમિર સર નવા ચશ્મા કરાવતા હોય તો?” “પૂર્વી ટીચર કેવું બોલે છે વિયાકરણ હેંને?” “યાર મેથ્સનો કલાસ બહુ લાંબો લાગે છે,બોરિંગ.” “યશ તો પોતાને શાહરુખખાન જ સમજે છે.” ને નિષ્ઠાફોઈ પણ બધી વાતો સાંભળી હળવાશથી, “સ્કૂલની વાતો સ્કૂલમાં, ચાલો હમણાં ચેસ રમીએ. હું શીખવાડું.” કહી એમની સાથે ભળી જતાં. થોડા સમયમાં તો શાળા અને શાળાના વિદ્યાર્થીઓની પ્રગતિ થવા લાગી. એ માટે સહુએ મહેનત અને નિયમિતતા અપનાવી પડતી. શિક્ષકો એ બાબતથી ખિન્ન હતા. નિષ્ઠાને અહીંથી ભગાડવા કે બદનામ કરવા તેઓ અવનવી તરકીબ અને ઘણા પ્રયત્નો કરી ચૂક્યા હતા, પરંતુ નિષ્ઠા એક કદમ આગળ જ હોય. એકવાર પરીક્ષાનું પેપર એક શિક્ષિકાને ભાગે કાઢવાનું આવ્યું. આખું તો ફોડી દેવાની હિંમત નહોતી પણ ગુજરાતી વિષયનો નિબંધનો પહેલો પ્રશ્ન એણે પોતાની પાસે ભણવા આવતી વિદ્યાર્થિનીઓને પોતાના તરફી કરી કહી દીધો. “જો નિબંધમાં આ જ પાક્કું પૂછાશે. ગોખી જ નાખો. કદાચ કોઈ પૂછે તો કહેજો પરા પાસેથી જાણ્યું.” પણ એક વિદ્યાર્થિની રીતિ ભારે ચાલાક નીકળી. આગલે દિવસે સો રૂપિયા લઈને પ્રશ્ન એના જ ક્લાસના અક્ષને કહી દીધો. શિક્ષિકાની ગણતરી બરાબર હતી કે આવી કોઈ ધમાલ થાય અને વાત ચગે. ગંભીરતાથી તૈયારી કરતી પરા આનાથી અજાણ હતી. જોકે, એને કોઈ ફેર પડે એમ પણ નહોતો. પરીક્ષા શરૂ થતાં પેપર ફૂટી ગયું જેવી વાતો થઈ પણ સમય થઈ ગયો હતો. ક્લાસમાં પેપર વહેંચાયા. સહુ ફટાફટ ગોખેલો નિબંધ લખવા આતુર હતા. પણ જોયું તો પહેલા જ પ્રશ્ન પર કાપલીઓ ચોંટાડેલી હતી જેના પર નિબંધના બીજા જ વિષયો હતા.અક્ષ મલકતો હતો એ રીતિ ના સમજી શકી. – યામિની વ્યાસ”

Leave a comment

Filed under Uncategorized

“ઘુંઘરૂંનો સાચ્ચો રણકાર/ યામિની વ્યાસ

“ઘુંઘરૂંનો સાચ્ચો રણકાર “ઓ માય ગોડ!” નમન આગળ કંઈ જ બોલી ન શક્યો પણ એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. કેટલાય વર્ષોથી હૈયા પર છવાયેલાં ઘનઘોર વાદળ વચ્ચેથી તીર માફક ધસી આવેલા એક સોનેરી કિરણે એને હચમચાવી દીધો. આમ તો એને ટીવીમાં આવતા કાર્યક્રમો જોવાનો બિલકુલ શોખ નહોતો. કોઈવાર ન્યૂઝ જોઈ લેતો, એય અલપઝલપ. પણ આજે સાંજનો કંટાળાજનક સેમિનાર પત્યાં પછી હોટેલના રૂમમાં આવી, ફ્રેશ થઈને બેડ પર પડ્યો પડ્યો રિમોટ લઈ ચેનલ ફેરવતો હતો ને સુપર ટેલેન્ટ ડાન્સ શો પર એની આંગળીઓ અચાનક અટકી ગઈ. “આ કૃપા તો નહીં?” મૃત પત્ની યાદ આવી ગઈ. ભાવવિભોર થઈ ગયો. સામે નૃત્ય કરતી નૃત્યાંગના એ જાણે કૃપાનું જ રૂપ. દેખાવ સાથે લય, તાલ, લચક કે ભાવ, મુદ્રા પણ જાણે અદ્દલોઅદ્દલ એ જ. ભાગીરથીમાં નહાઈને આવેલી કોઈ દિવ્ય અપ્સરા! કૃપાને એ વહાલથી એમ જ સંબોધતો. નમને અનાયસ બોલી, રિમોટ મૂકી પોતાના હાથ પર ચૂંટી ખણી જોઈ ને ત્યાં જ નૃત્ય પૂરું થયું. નિર્ણાયકો અને દર્શકોએ ઊભા થઈ એને તાળીઓથી વધાવી લીધી. એને વખાણની ભરપૂર કૉમેન્ટસ મળી. વોટિંગ માટેની વાત આવી ત્યારે એનું નામ જાણ્યું, નૃત્યા આચાર્ય. આ વળી કોણ? એ મનોમન બબડ્યો ને એનું મન ચગડોળે ચઢ્યું. એનો રૂમમેટ આવ્યો. “ક્યા બાત નમન, તુમ ઔર ડાન્સ શો? યે નૃત્યા તો પાવરફુલ કન્ટેસટન્ટ હૈ. વહ હી જીતેગી. મેરી બેટી યહ શો બહોત દેખતી હૈ ઓર નૃત્યા કો હી પસંદ કરતી હૈ ઓર સબસે વૉટ કરવાતી હૈ, તુમ ભી કર દો.” નમને આપોઆપ જ હાથ મોબાઈલ તરફ લંબાવ્યો. એની કમ્પનીએ દિલ્હીમાં રાખેલી ડીલર કોન્ફરન્સ એટેન્ડ કરવા આવ્યો હતો. બીજે દિવસે એ પૂરી થતાં એણે અમદાવાદને બદલે મુંબઈની ફ્લાઇટ પકડી. થોડી તપાસ કરી અને સાત આઠ દિવસ હોટેલમાં રહ્યો પછી, કોઈકની ઓળખાણથી નૃત્યાના પપ્પા ઉદય આચાર્યનો સંપર્ક થયો. કેટલીય સૌજન્યપૂર્ણ વાતો અને વિનંતિ પછી એમણે નૃત્યાને બે મિનિટ મળવાની હા પાડી. નમનનો મનનો ઉત્સાહ પગમાં ઉતર્યો, જાણે દોટ જ મૂકી. એને અવઢવ હતી. એ મળશે ખરી? ‘વખાણ કરવા અહીં આવો એના કરતાં જીતાડવી જ હોય તો વોટિંગ કરી દો’ એમ કહી ના પણ પડી દે, ને મળે તો હું શું કહીશ? પણ એવું ના થયું, સહકલાકારો અને કોરિઓગ્રાફર સાથે રિહર્સલમાં વ્યસ્ત હતી તોય આવી અને નમનને ધ્યાનપૂર્વક જોઈને બોલી, “હું કદાચ તમને ઓળખું છું, તમે કૃપાટીચરના…” નમનની ઉત્કંઠા વધી ગઈ. “હા, હું એનો જ હસબન્ડ… તું… તમે કઈ રીતે ઓળખો?” “અરે! કૃપાટીચર પાસે હું ત્રણ વર્ષ નૃત્ય શીખી છું. શરૂઆત જ એમનાથી. અમારા બાળભવનમાં તેઓ શીખવવાં આવતાં. મને ખૂબ ગમતાં. એમને જોઈ થતું કે, “આવું મને આવડશે?” પછી તો પપ્પાની મુંબઈ ટ્રાન્સફર થઈ ને અમે અહીં આવ્યાં પછી તો કૃપાટીચર મળ્યા જ નહીં. તમે તો કોઈ વાર એમને મૂકવા લેવા-આવતા એ યાદ છે, તમે હજુ એવા જ લાગો છો, અંકલ. કૃપાટીચર કેમ છે? એમને ના લાવ્યા? એમણે શૉ જોયો હોય તો કહેજો ડાન્સ ચેપ્ટરના પહેલા દિવસે મેં મારા પહેલા ગુરુ તરીકે એમને યાદ પણ કરેલાં. એમને રિપીટ ટેલિકાસ્ટ શૉ બતાવજો.” સહેજ પણ અટક્યા વગર એ નૃત્યની જેમ ઝડપી આવર્તને બોલી ગઈ. નમન મૂર્તિમંત બની જોતો રહી ગયો, “ઓહો! આ તો કૃપાની જ વિદ્યાર્થીની! પણ આટલી સામ્યતા? બોલે છે તેય જાણે કર્ણપટલ પર અમૃત રેડાતું હોય! એને સાવ ચૂપ જોઈ નૃત્યા ફરી ટહુકી, ”અંકલ, કૃપાટીચરને મળવું છે. અરે! આ સ્ટેપ શીખવાડવા માટે તો એમણે બહુ ટ્રાય કરેલી પણ પછી ‘તું હજુ નાની છે, પછી આવડી જશે’ કહી વ્હાલ કરેલું. મારે એમને મળવું છે, પ્લીઝ…એઓ બહુ ખુશ થશે.” જવાબમાં નમને કૃપાનો નૃત્ય રજૂઆતનો મોબાઈલમાં વિડીઓ બતાવ્યો. નૃત્યા આભી બની ગઈ એના મિત્રો પણ જોઈ બોલી ઊઠ્યા, “યે તું હૈના? સો સિમિલર!” નૃત્યાનો ખુશીથી છલકતો ચહેરો જોઈ નમન કૃપા વિશે કંઈ ન બોલ્યો, કૃપાને લઈને ફરી આવવાનું પ્રોમિસ આપી જતો હતો ને નૃત્યા પાછળ દોડતી આવી, “અંકલ, આ મારો નંબર, પ્લીઝ, કૃપાટીચરનો વિડીયો મોકલોને… હમણાં જ.” નમનને નૃત્યાની આ અધીરાઈ ગમી. વિડીઓ ફોરવર્ડ કરી એ નૃત્યાને ઓલ ધ બેસ્ટ વીશ કરી નીકળ્યો. તરત જ અમદાવાદની ફ્લાઇટ પકડી. બિઝનેસમાં ઘણી રજાઓ પડી હતી. ઘરે દીકરાનેય બહુ બહાના કાઢી સમજાવ્યો હતો એનો ગિલ્ટ હતો. પણ નૃત્યાને મળ્યા પછી એક હાશ અનુભવાઈ હતી. જીવનમાં અનેરો પ્રાણ ફૂંકાયો હતો. કૃપાના ગયા પછી મીણની માફક ઠરી ગયેલું હૃદય નૃત્યાની એક જ મુલાકાતે ટપટપ ટપકતી કુમાશથી પીગળી રહ્યું હતું. ‘દુનિયામાં સાત ચહેરામાં સામ્ય જોવા મળે પણ આ તો આટલું જલદી અને એય ગુરુ વિદ્યાર્થી! ગજબ કહેવાય! કૃપા હોત તો ગાંડી થઈ જાત.’આવા વિચારે નમનને કેટલોય ગમતીલો આંતરિક પ્રવાસ કરાવ્યો. આવીને એ ઝડપથી કામે લાગી ગયો. જો કે નૃત્યાનો ડાન્સ શો જોવાનું કે વોટિંગ કરવાનું ચૂકતો નહી. કૃપા ગઈ પછી ફક્ત દીકરા સામે જોઈને જ નમન જીવતો હતો. હવે બધાં જ એના આ પરિવર્તનથી ખુશ હતાં. જાણે ફરીથી જીવંતતાથી જીવવાનું એણે શરૂ કર્યું. કૃપાની યાદમાં એ ઘણી સંસ્થાઓમાં નિયમિત દાન મોકલતો. આ વખતે બાળવિહારમાં એ જાતે ગયો, કારણ કે નૃત્યા બાળવિહારનું ગૌરવ હતી. ત્યાંના સંચાલકોને મળી નૃત્યાનું સન્માન કરવાની વાત કરી. શૉ પતે નહીં ત્યાં સુધી એને પ્રમોટ કરવાનું પણ સૂચન કર્યું. સહુ ખુશીથી સહમત થયાં. નમન અન્ય સંસ્થાઓમાં પણ જાતે જ ગયો અને કૃપાને યાદ કરી વધુ દાન આપ્યું. આજે મનની અભરાઈએ સંકોરાઈને પડેલું યાદનું પોટલું ખૂલી ગયું હતું. નમન કોઈ કાર્યક્રમ માટે મહેમાનોની ગિફ્ટ લેવા આવ્યો હતો ને કૃપાને પહેલી જ વાર જોઈ, પ્રથમ નજરનો પ્રેમ જ વળી. પણ કૃપાએ નજર ફેરવી વિવિધ હાથકલાની ચીજવસ્તુઓ બતાવી. નહીં પસંદ પડતાં કબાટ ખોલી નૃત્યમુદ્રામાં શોભતી નૃત્યાંગના બતાવી કહ્યું, “આને લઈ જાઓ.” નમને ખબર નહીં શું સાંભળ્યું પણ હૃદયમાં ઘૂઘરીઓ સંભળાઈ. ગિફ્ટ પેક કરી આપતા આંગળીઓના સ્પર્શે રોમેરોમ રણઝણી ઉઠ્યું અને આની સાથે જીવનભર રહી શકાય એ વિચાર સાથે સ્મિત આપીને ગયો. કૃપા પણ રતુમડાં ચહેરા સાથે મરક મરક મલકી રહી. કૃપા અહીં નોકરી પણ કરતી અને નૃત્યવર્ગો પણ ચલાવતી. ભગવાનની કૃપા થઈ અને બંનેના લગ્ન થઈ ગયાં. કૃપાના શુભ પગલે નમનની ધંધામાં ખૂબ ચડતી થઈ. કૃપાને અવકાશ અને આકાશ મળ્યું. નૃત્યમાં વિવિધ પ્રકારોમાં આગળ શીખી અને શીખવાડતી રહી. હંમેશ ખુશી હિલ્લોળા લેતી હોય એવા જીવનમાં સુખની ભરતી આવી, દીકરો જન્મ્યો ને સાથે જ દુઃખદ ઓટ આવી એ કૃપાને સાથે લઈને ગઈ. ત્યારથી નમનની આસપાસ એક શૂન્યાવકાશ ઘેરાયો. પછી કેટલાય માગાં આવ્યાં પણ કૃપાની યાદની મહેક સાથે એકલે હાથે દીકરો ઉછેર્યો. ત્યાં અચાનક નૃત્યાને જોતાં ફરી જાતે જ રચેલી ઉદાસીની જાળમાંથી બહાર નીકળ્યો. નૃત્યા અને એના મમ્મીપપ્પા સાથે અહીં કાર્યક્રમ અંગે પણ વાતો થઈ. તેઓ અમદાવાદમાં જ્યાં પહેલાં રહેતાં હતાં ત્યાં આવવા ખુશ થયાં. બસ ફાઇનલ રાઉન્ડ બાકી હતો. નૃત્યાનો મેસેજ આવ્યો, કૃપાટીચરના આશીર્વાદ જોઈએ છે. વાત કરાવો પણ નમને મેસેજ દ્વારા જ ‘બેટા હું હંમેશ તારી સાથે જ છું, તે મહેનત કરી છે તો તું જરૂર વિજેતા થઈશ.’ લખી આશીર્વાદ મોકલ્યા ને સાથે કૃપાનો બીજો વિડીઓ મોકલ્યો. ધારેલું જ પરિણામ આવ્યું. નૃત્યાના શાનદાર, જાનદાર પર્ફોર્મન્સથી અને વ્હાલભર્યા વોટથી એ જીતી. ભવ્ય ઇનામો ને ટ્રોફી હાથમાં લેતા ધન્યતા અનુભવતા આભારવશ થઈ નામો લીધાં એમાં કૃપાનું નામ મોખરે હતું. થોડા જ દિવસોમાં એણે પ્રોમિસ પાળ્યું. મમ્મીપપ્પા સાથે અમદાવાદ આવી. પોતાના બાળવિહારમાં બધે ફરી. સહુ એને જોઈ જ રહ્યાં. વળી કૃપા ટીચરને મળવા લગભગ દોડી જ. તારા પરફોર્મન્સ વખતે સરપ્રાઇઝ છે કહી એને મંચ પર બેસાડી ત્યારે કૃપાનો હાર ચઢાવેલ ફોટો જોઈ ધોધમાર રડી પડી. સહુના કહેવાથી સન્માન લીધું પણ કૃપાના ફોટા સામે મૂકી દીધું. એટલું જ બોલી શકી, “બસ કૃપાટીચરની યાદમાં નૃત્ય કરીશ. એવું અદ્ભૂત નૃત્ય કર્યું કે જાણે સ્વર્ગમાંથી કૃપા એ જોઈ હેત વરસાવતી ન હોય! બધાએ આંસુ ભરેલ આંખે આ નૃત્ય માણ્યું. જતી વખતે નૃત્યા પોતાના ઇનામમાં મળેલી રકમ અહીં દાનમાં આપવા ગઈ ત્યાં લાકડીના ટેકે નૃત્યના અભ્યાસુ ઈશ્વરીમા આવ્યા, “બેટા, તને પહેલીવાર જોતાં જ મેં કહ્યું હતું કે, આ દીકરી નૃત્યકલામાં નિપૂણ થશે. મેં મારા ઘુંઘરૂં કૃપાને આપ્યાં હતાં હવે એ તને આપું છું.” સહુ વડીલોને પગે લાગી ઘુંઘરૂંને હૃદયસરસા ચાંપી નૃત્યા ગાડીમાં બેઠી ને કૃપાટીચરની યાદમાં ખોવાઈ ગઈ. અને નૃત્યાનાં મમ્મીપપ્પાએ ઈશ્વરીમાને જ વિનંતી કરી, “ક્યારેક તો નૃત્યાને કહેવું પડશેને એને અમે દત્તક લીધી છે? તમે કહી આપોને, અમારી જીભ નથી ઉપડતી.” સાથે નમનનો પશ્ન કતારમાં જ હતો, “શું નૃત્યા કૃપાની…” ઈશ્વરીમાએ પહેલાં નમનનો જવાબ આપ્યો, “મેં તો તને તમારાં લગ્ન પહેલાં કૃપા અને એના પહેલાના દંભી અને દયાહીન સાસરિયા વિશે બધું સાચું કહ્યું જ હતું, અને કૃપાને પણ આગલું બધું ભૂલી તારી આગળ જરા સરખો ઉલ્લેખ પણ ન કરે કહી નવેસરથી ખુશીથી જીવવા સમજાવ્યું હતું. મનમાં કચરું પડ્યું હોય તો વીંછળી નાખવાનું.બાકી એ બિચારીએ તો કેટલીવાર કહ્યું તારી આગળ કહેવા માટે. ને સાંભળ કૃપાને પણ ખબર નહોતી કે અનાથાશ્રમમાં ઉછરતી કઈ દીકરી એની છે. પછી તો છ મહિનામાં જ આ આચાર્ય દંપતીએ એને દત્તક લીધી.” હવે આ બધી વાત નૃત્યાને કેમ કહેવી એ ઈશ્વરીમા વિચારે એ પહેલાં તો નિત્યા, “ચાલો, કેટલીવાર?” કહી બોલાવવા ગાડીમાંથી ઊતરી આ તરફ આવી રહી હતી. “હવે હમણાં નહીં, તમે આજે રોકાઈ જાઓ. નાજુક છોકરીને એકસાથે જ બધું કહી દેશોકે? જોકે, લોહીના સબંધ નથી તેઓ બધાં આટલાં હેતાળ છે એ જાણી વધુ વ્હાલ ઊભરાશે. પણ કાલે…જરા ધીમેથી.. નાજુકાઈથી..અરે ભાઈ ક્લેજુ છે, કાળજીથી..” –

Leave a comment

Filed under Uncategorized

*અરીસાનું આકાશ*/ યામિની વ્યાસ

*અરીસાનું આકાશ* “આંખો બંધ કર. લે, તારી ગિફ્ટ.” દેવદત્તે અન્યાને કહ્યું. “દત્તુ, તને ગિફ્ટ લેતાં આવડી પણ ગઈ?” “શું થાય? તને સરપ્રાઈઝ ગમે છે એટલે માંડ ખરીદી શક્યો.” “એમાં શું છે?” “એમાં તને તું જ દેખાય એવું…” અન્યાને થયું, ‘મારે તો તને જોવો છે.’ “શું વિચારમાં પડી ગઈ? તારે જે જોવું હોય તે દેખાય.” અન્યા ખુશ થઈ અને ગિફ્ટનું રેપર ખોલવા લાગી. રેપર ખોલતાં ખોલતાં મનમાં થયું, ‘આ તો વળી શું ઊંચકી લાવ્યો હશે?” ખોલીને જોયું તો એક કલાત્મક અરીસો હતો. લંબગોળ મજાનો અરીસો. પિત્તળની કારીગરીથી એની કિનાર સજાવી હતી. એને આકર્ષક હેન્ડલ પણ હતું જેથી હાથમાં પણ પકડી શકાય અને દીવાલ પર પણ લટકાવી શકાય. અન્યા જોઈને ખુશ થઈ. તેણે સેલ્ફી લેતી હોય તેમ અરીસો હાથમાં ઊંચો કરીને બંનેની સામે ધર્યો. એમાં અન્યા અને દેવદત્ત બંનેના ચહેરા દેખાયા. તે ખૂબ ખુશ થઈ ને ક્યાંક ખોવાઈ ગઈ. દેવદત્તે હલાવી. “ચાલ, હું જાઉં. મને માફ કરજે, લગ્નમાં હાજર નહીં રહી શકું તે માટે.” દેવદત્ત તેનો ખૂબ સારો મિત્ર. બંનેના પરિવારો પણ એકબીજાને ઓળખે. બધા ઈચ્છતા હતા કે અન્યા અને દેવદતનાં લગ્ન થાય. દેવદત્તે પણ કહ્યું હતું કે, “જો હું પરણું તો તને જ પરણું,પણ મારે તો લગ્ન જ નથી કરવા. લશ્કરમાં જઈશ અને ભારતમાની સેવા કરીશ.” અન્યાએ ફરી અરીસામાં જોયું. તેણે દેવદત્તને સમ આપ્યા હતા તે યાદ આવ્યું. “કોઈ લશ્કરમાં હોય તો પણ પરણે તો ખરાને? હું ક્યાં તારી સાથે આવવાની જીદ કરું છું? હું તારી રાહ જોઈશ તું આવે નહીં ત્યાં સુધી.” “ના મારે કોઈને દુઃખી નથી કરવા. મેં નક્કી કર્યું છે કે, મારે લગ્ન જ નથી કરવા.” અન્યાથી આ જવાબ નહીં સહેવાતા આંસુભરી આંખે દોડી ગઈ. દેવદત્ત અન્યાનાં લગ્નમાં હાજર ન રહી શક્યો પરંતુ તેણે દિલથી શુભેચ્છા મોકલી હતી. નમ્ર અને અન્યા ધામધૂમથી પરણ્યાં અને મજાની જિંદગી શરૂ કરી. નાનકડા ફલેટમાં બંને જણા રહેવાં ગયાં અને ઘરની સજાવટ કરી. પેલો નયનરમ્ય અરીસો દેવદત્તે જાતે જ બેડરૂમમાં સજાવ્યો. એ હાથમાં પકડીને ઉતારી શકાય એવો હતો, પરંતુ લટકાવેલો રાખ્યો તેથી બે હાથ ખુલ્લા રહે અને માથું પણ ઓળી શકાય. અન્યા રોજ એમાં જોવાનું ચૂકતી નહીં. જ્યારે પણ નવરાશ મળે ત્યારે જોઈ લેતી. એ જોતી ત્યારે પાછળ તેને દેવદત્ત પણ હસતો દેખાતો.આમ તો મોટું ડ્રેસિંગ ટેબલ હતું પરંતુ આંખના મેકઅપ માટે તે આ અરીસામાં જોતી. નમ્ર ઘણીવાર કહેતો પણ ખરો કે, “સાડી પહેરી રહી છે તો આ લાંબા અરીસાનો ઉપયોગ કરને!” અન્યા કહેતી, “તું જોઈ લે એટલે બસ! અરીસો તારી આંખમાં છે.” પણ ખરેખર અરીસો અન્યાની આંખમાં હતો. ઘણી વખત તે અરીસામાં જોતી હોય અને પાછળથી નમ્ર આવી ચડે તો તે ગભરાઈ જતી, કારણ કે તેને અરીસામાં દેવદત્ત દેખાતો હોય. નમ્ર અને અન્યાનો સંસાર ખૂબ સરસ ચાલતો હતો. તેઓ એકબીજાની, એકબીજાના મિત્રોની ને પોતાનાં ભૂતકાળની વાતો કરીને ખૂબ હસતાં. અન્યાને એક પ્રકારનો રંજ રહેતો કે, તે દેવદત્તને ભૂલી શકી ન હતી. હવે તે એકલી હોય ત્યારે અરીસામાં જોઈને દેવદત્તને ફરિયાદ કરવાનું શરૂ કર્યું કે, ‘તું હવે મારી યાદોમાંથી જા. મારાં મન-હૃદય-આંખોમાંથી પણ જા’ પણ એમ કંઈ થોડું જવાય છે? દેવદત્ત હંમેશા સમાયેલો જ રહેતો. દેવદત્ત સાથે વિતાવેલા પ્રસંગો તેને યાદ આવતા અને તે યાદોમાં ખોવાઈ જતી. એકવાર બંને આંબાના મોરવા ચોરવા ગયાં હતાં. હોળીના દિવસે બંનેએ બધા પર રંગ ભરેલી ડોલો ઢોળી હતી.ઘણીવાર સોસાયટીના ઘરોના બારણાં બહારથી બંધ કરી દેતા.કેટલાય તોફાનો, કેટલીય ધમાલ કરતાં ને બહાર ચોકલેટ્સ મૂકી દેતા.બધે બન્ને સાથે જ હોય. ત્યારે જ અન્યાએ વિચારી લીધું હતું કે તેનો પતિ તો દત્તુ જ હશે. હવે અન્યાને થતું કે, કદાચ હું નમ્રને અન્યાય કરી રહી છું. ગમે તે રીતે દત્તુને ભૂલવો પડશે. મારે કંઈક કરવું જોઈએ. તેણે અરીસા પર એક સુંદર કપડું લઈ સરસ મજાનો પરદો કરી દીધો. નમ્રએ પૂછ્યું કે, “આ શું કર્યું છે.? “બા કહે છે કે બેડરૂમમાં અરીસો હોય તો ઉપર પરદો કરી દેવો.” “તો આ નાના અરીસા પર જ કેમ? મોટા પર પણ કરી દે.” “હા, એ પણ કરીશ.” અન્યાના જન્મદિવસ પર નમ્ર સરસ મજાની ગિફ્ટ લઈ આવ્યો. અન્યાના હાથમાં ગિફ્ટ પકડાવીને હરખભેર તેને બેડરૂમમાં ખેંચી ગયો. નમ્રએ વ્હાલથી તેને પોતાની તરફ ખેંચી. અન્યાના બંને હાથ પકડી ઊંચા કરીને નાચવા લાગ્યો. અચાનક તેનો હાથ અરીસા પર લાગ્યો અને અરીસો નીચે પડ્યો. અન્યા ચીસ પાડી ઊઠી. જાણે તેને થયું કે પોતાનું હૃદય તૂટી રહ્યું છે! નમ્રે તરત સોરી કહ્યું, “અરે એમાં રડે છે શું? આપણે એમાં આવો જ અરીસાનો કાચ ફરી નંખાવી દઈશું.” અન્યાએ વાંકાં વળીને અરીસાના ટુકડા ભેગા કર્યા.નમ્ર પણ મદદ કરવા વાંકો વળ્યો “જો અનુ ટુકડાઓમાં ઘણી બધી અન્યા અને નમ્ર દેખાય છે! સારું થયું ને તૂટ્યો.” અન્યા એમાં દેવદત્તને શોધે એ પહેલાં એક કાચ તેને સહેજ વાગ્યો અને લોહી પણ નીકળ્યું. તે આંગળી પર હાથ ફેરવીને નમ્રએ વહાલથી પટ્ટી બાંધી આપી. અન્યાએ વિચાર્યું કે હવે અરીસો નથી લગાવવો. નમ્રએ ઓફિસ જતી વખતે કહ્યું કે, “મને પેલો અરીસો આપ. હું આવતી વખતે એમાં કાચ નંખાવતો આવીશ.” અન્યાએ કહ્યું, “ના, કંઈ જ વાંધો નહીં. હવે એ અરીસો જવા દો. નવો અરીસો લાવીએ. કમુએ કહ્યું છે કે,ભાભી આ તો ભંગારમાં જશે. એની ફ્રેમ પિત્તળની છે તો સારા પૈસા આવશે એટલે મેં કમુને આપી દીધો છે.” નમ્ર ઓફિસે ચાલ્યો ગયો અને અન્યા એકલી પડી. હૃદયમાં ઘણા બધા સવાલજવાબ ચાલતા હતા, પરંતુ સહસા એને કંઇક યાદ આવ્યું ને તેણે ઝડપથી મોબાઈલ ઊંચક્યો. કમુને ફોન કર્યો, “કમુ, પેલો તૂટેલા અરીસો ભંગારમાં વેચતી નહીં.

Leave a comment

Filed under Uncategorized

ફૂલકાં રોટલી/યામિની વ્યાસ

કૂકરની સિટીમાં ફોનની રિંગ માંડ સંભળાય. સીમા ગેસ ધીમો કરી, લોટવાળા હાથ ધોઈને ફોન લેવા પહોંચી. “પહેલી રિંગે તો કોઈ દિવસ ફોન ઊંચકાતો જ નથી. શું કરતા હો છો આખો દિવસ ઘરમાં? અમે કંઈ ઓફિસમાં નવરા નથી હોતા. આ તારું રોજનું છે.”સીમાએ જવાબ આપ્યા વગર વાત સાંભળી લીધી. “સાંભળ, આજે સાંજે મારા બોસ તેમના પરિવાર સાથે ઘરે જમવા આવે છે. તેઓ સાઉથ ઇન્ડિયન છે. તેમને આપણું ગુજરાતી ખાવાનું બહુ ભાવે છે. તું કશુંય બહારથી ન લાવતી. બધું જ ઘરે બનાવજે. મેં કહી દીધું છે કે, મારી પત્ની ખૂબ સરસ બનાવે છે. જો હું ખોટો ન પડું. અને હા સાંભળ, તેઓ ફૂલકાં રોટલીના શોખીન છે. ગરમ ગરમ ઊતરતી જ પીરસજે. પૂરણપોળી પણ બનાવજે અને બીજી બને તેટલી વધારે વાનગી બનાવજે, તો બોસ ખુશ થાય.” અને ફોન મુકાઈ ગયો.સીમાને સવારથી કમર દુખતી હતી પરંતુ કરે શું? મુદિતને માંડ નવરાવી તે બજારમાં જવા નીકળી. મુદિત જન્મ્યો ત્યારથી નબળો હતો. એને એકવાર ખેંચ આવી પછી તો સાવ વિકલાંગ થઈ ગયો. સીમાએ જ તેનું બધું દૈનિક કાર્ય કરવું પડતું. ઘરમાં સાસુજીને બૂમ મારીને મુદિતનું ધ્યાન રાખવા કહ્યું અને તે સાંજની તૈયારી માટે શાકભાજી વગેરે ખરીદી કરવા ગઈ. તે આવીને હજુ થેલો મૂકે છે ત્યાં મુદિતે બધું બગાડયું હતું તે સાફ કર્યું. સાસુજીની ચા મૂકીને કામમાં પરોવાઈ. વચ્ચે તો કંઈ કેટલાય કામ; પેપરનું બિલ લેવા આવ્યો, ધોબી કપડાં આપવાં આવ્યો, કુરિયરવાળો આવી ગયો અને એવામાં ફરીથી શિરીષનો ફોન આવ્યો, “તૈયારી કરી કે નહીં? હું આવું છું. ફ્રેશ થઈને બોસને લેવા જઈશ અને તું પણ કાયમની જેમ જૂનાં કપડાંમાં લઘરવઘર ન રહેતી. સરસ તૈયાર થઈને પીરસજે અને હા, રોટલી તો ઊતરતી જ.ઘરમાં પણ બધું અપ ટુ ડેઈટ રાખજે. સીમા ફરીથી કામે વળગી.અઠવાડિયાથી તેનું મન કોઈ બીજી જ વાતે ચડ્યું હતું. એની સખી વૈશાલીએ સ્યૂસાઇડ કર્યું હતું. સ્યૂસાઇડ કરવાનું કારણ તો ન સમજાયું પરંતુ તેને ધીરે ધીરે લાગ્યું કે, કદાચ તે જિંદગીથી થાકી ગઈ હશે. પોતે પણ થાકી ગઈ છે. હવે એને કેવી હાશ થઈ હશે! ચાર-પાંચ મહિના પહેલાં જ સીમાની મમ્મીનું મૃત્યુ થયું હતું. મમ્મી ફોન પર તેની બધી જ વાતો સાંભળતી અને વહાલથી સાંત્વના આપતાં કહેતી કે, બધું સારું થઈ જશે ને થોડો હાશકારો રહેતો.તે મુદિતને લઈને અત્યંત પરેશાન રહેતી. મોટો વિશ્વ તો સરસ રીતે આગળ ભણી રહ્યો હતો પરંતુ આખો દિવસ અપંગ મુદિતની સરભરામાં જ પરોવાયેલી રહેતી. શિરીષ હંમેશા કંઈકને કંઈક ભૂલ કાઢતો. ઓફિસની અન્ય સ્ત્રી સહકર્મચારીઓ સાથે તેની સરખામણી કરતો. આ પસ્તી પેપર કેમ આમ પડ્યા છે? રમકડાં કેમ વેરવિખેર છે? આ કપડાંનો ઢગલો સમેટી લેતી હોય તો? અરે! આ જાળાં કેમ દેખાય છે? ત્યાં ફ્રિજ પર ડાઘા કેમ છે? વગેરે વગેરે.સીમાને પહેલાંની વાતો યાદ આવી જતી. જ્યારે તે પરણીને આવી હતી ત્યારે ખુશખુશાલ જિંદગી હતી. તેણે પરણ્યાં પહેલાંની નોકરી પણ ચાલુ રાખી હતી અને બંને મળીને જિંદગી સરસ રીતે જીવવાનાં સપનાં પણ સેવ્યાં હતાં. સીમા ગર્ભવતી થઈ અને વિશ્વના જન્મ પછી તેના ઉછેર માટે નોકરી છોડી દીધી. શિરીષની તો પણ ફરિયાદ રહેતી કે, હવે મારામાંથી તારું ધ્યાન ઓછું થઈ ગયું છે. વિશ્વ થોડો મોટો થયો અને મમ્મીને ત્યાં મૂકીને કે ઘરે કોઈ બાઈ રાખીને ફરી નોકરી શરૂ કરવાનું વિચારતી હતી, પણ ફરીથી તે ગર્ભવતી થઈ અને મુદિત જન્મ્યો. મુદિત એટલો નબળો હતો કે એને મૂકીને ક્યાંય જવાતું ન હતું. પછી સમય વીતતો ગયો. પહેલાં શિરીષ મુદિત પર પણ ઘણું ધ્યાન આપતો, પરંતુ પછી ધીમે ધીમે તેનું વર્તન પણ બદલાતું ગયું. મુદિત જાણે કે સંપૂર્ણ જવાબદારી સીમાની હોય તેમ થઈ ગયું. ઉપરથી, ઘરે મહેમાનોને ભેગા કરીને પાર્ટી કરવાનો શિરીષનો શોખ પણ વધતો ગયો અને સીમા તેમાં પીસાતી ગઈ.તેને ફરીથી વૈશાલી યાદ આવી ગઈ. મમ્મી પણ યાદ આવી અને તેને મૃત્યુ સહજ લાગવા લાગ્યું. તેને થયું કે હું ન હોઉં તો કોઈને ખાસ કશો ફેર પડશે નહીં. મુદિતને સાચવવા માટે કોઈ બહેનને રાખી શકાય. તેને હું ટ્રેઇન કરી લઈશ. વિશ્વ પણ સરસ રીતે ભણે છે અને ભણશે. શિરીષને તો મારી ખાસ કંઈ જરૂર લાગતી નથી, તો હું નહીં હોઉં તો પણ ચાલશે. વારંવાર સીમાને આવા વિચાર આવતા હતા. તેને થતું પણ ખરું કે આવા વિચારો કેમ આવે છે? તેણે મનોચિકિત્સકને બતાવવું જોઈએ. મનમાં ઘોળાતી આ બધી વાતો શેઅર કરે તો પણ કોની આગળ કરે? શિરીષને આ બધી વાતમાં કોઈ રસ ન હતો. તેને થયું કે, હું વળી ક્યાં આવા બધા વિચારે ચડી? અને ફરી ટેબલ શણગારવામાં અને રસોઈ કરવામાં પડી.બેલ વાગતાની સાથે જ તેણે બારણું ઉઘાડ્યું તોય શિરીષ ટેવવશ, “પહેલા બેલે તો કદી નહીં ખૂલે, ખબર નહીં કેમ?” ને તેને જોઈને જ બરાડ્યો, “આવાં કપડાં? ને વાળ તો જો? કપાવી નાખતી હોય તો…”“અરે, હમણાં જ તૈયાર થઈ જાઉં છું. આ બધી સફાઈ કરતી હતી. અને જુઓ, ટેબલ સહિત બધું જ તૈયાર છે. લોટ પણ બાંધેલો તૈયાર છે. તેઓ આવશે એટલે ઊતરતી ગરમાગરમ રોટલી જમાડીશ.”શિરીષ તૈયાર થઈને બોસ ને લેવા ગયો. એટલી વારમાં ઝડપથી સીમાએ મુદિતને જમાડી ને સુવડાવી દીધો અને સાસુજીને પણ જમાડી મુદિતના રૂમમાં બેસવાનું કહ્યું. શિરીષ ઈચ્છતો ન હતો કે બોસ અપંગ મુદિતને જુએ. સીમાએ દુખાવાની ગોળી લીધી. તેની કમર વધારે દુઃખતી હતી. આખરે મહેમાનો પધાર્યા. તેણે હસતે મોઢે બધાને આવકાર્યાં. ફૂલકાં રોટલી જોઈને બોસની પત્ની ખૂબ ખુશ થઈ. કેવી રીતે બને એ જોવા ઊભી થઈ. નાની નાની ફૂલકાં રોટલી જોઈને બોસને નવાઈ લાગી અને એક જ કોળિયામાં ખાઈ જતા. સાથે પૂરણપોળી અને અન્ય ઘણી બધી વાનગીઓ હતી. મહેમાનોને મજા પડી. બોસનો દીકરો અંદર મુદિત સૂતો હતો ત્યાં દોડી ગયો. સાસુજીએ ઝડપથી તેને ઓઢાડી દીધું, જેથી તે વધુ કંઈ પૂછે નહીં. મહેમાનો ખુશ થઈને ગયા.હજુ તો ટેબલ સાફ કરી રહી હતી ત્યાં શિરીષે બૂમ પાડી કે, બેડરૂમની લાઇટ બંધ કરી જા. તે લાઇટ બંધ કરવા ગઈ. શિરીષ ખૂબ ખુશ હતો. તેણે સીમાને તેની તરફ ખેંચી. તે બોલી હજુ રસોડામાં સફાઈ બાકી છે પણ એ બોલી ન શકી કે, તેને પોતાને જમવાનું બાકી છે. તે શિરીષની ભૂખનો ભોગ બની. શિરીષને ભરપૂર વહાલ ઉપડ્યું હતું. આખરે તે જમ્યા વગર જ સૂઈ ગઈ.સવારે જાગી ત્યાર પછી તો તેને સ્યૂસાઇડ કરવાના વિચારો આવવા લાગ્યા. વિચારો એટલી હદ સુધી આવતા હતા કે, તેને થયું કે તે ખરેખર સ્યૂસાઇડ કરીને જ જંપશે. એણે માંડ બે દિવસ કાઢ્યા. ત્રીજે દિવસે સામેવાળા તરલાદાદીનું મૃત્યુ થયું. તેમને લઈ જવાતાં હતાં ત્યારે મુદિતે કુતૂહલવશ પૂછ્યું કે, “તલ્લાદાદીને આ બધા કાં લઈ જાય છે?”સીમાએ તેના માથે હાથ ફેરવીને સમજાવ્યું, “બેટા, તે મૃત્યુ પામ્યા છે. હવે તે ક્યારેય પાછા નહીં આવે.”“કેમ?”“અરે બેટા, એક દિવસ દરેકે મૃત્યુ પામવાનું છે.” અને એ કંઈક જુદા જ વિચારોમાં ભૂલી પડી… “કોઈ અમરપટ્ટો લઈને નથી આવતું. દરેકને મરવાનું તો હોય જ, પછી જ સંપૂર્ણ શાંતિ મળે એ પછી કાલે હોય કે આજે.” ને ફરીથી તેના મનમાં આત્મહત્યાના વિચારે ભરડો લીધો.અચાનક મુદિતે તેને ઢંઢોળી અને બોલ્યો, “મમ્મી, તું પન મલી જશે?”સીમા કશું જ બોલી નહીં. મુદિત મોટેથી રડવા લાગ્યો. “મમ્મી… હું મલી જાઉં પછી તું મલી જજે, નઈતો મને કોણ જોશે?”અને સીમાની આંખોમાંથી આંસુનો ધોધ વહેવાં માંડ્યો. તેણે મુદિતને છાતીએ ચાંપીને કહ્યું, “ના બેટા, મમ્મી ક્યારેય નહિ મરે.” હવે તેને લાગ્યું તેને મનોચિકિત્સકની કોઈ જરૂર નથી. ફરી મુદિતે દુપટ્ટો ખેંચ્યો, “ભૂક લાગી, મમ્મી.” અને એ ઊભી થઈ ફરી વહાલથી ફૂલકાં રોટલી ઊતારવા. –

Leave a comment

Filed under Uncategorized

ધોધમાર રાત/ યામિની વ્યાસ

“આટલો વરસાદ છે તો રાતે આટલી મોડી બસમાં શું કામ જાય છે, દીદી?” “અરે ભઈલા! સવારે આઠેક વાગે અજવાળામાં પહોંચું તો સારુંને, વહેલી બસમાં જાઉં તો સવારે ચારપાંચ વાગે પહોંચીને પછી ક્યાં જાઉં? જો, અહીં ગમે એટલું મોડું થાય તું મૂકી જાયને? અને હા સાંભળ, રિટર્નમાં પણ હું ત્યાંથી સાંજે બેસીશ, તારે મોડી રાતે લેવા આવવું પડશે. જો, આ જ બસ લાગે છે. તું હવે જા, સાચવીને જજે.” ને નાનાભાઈને લેખાએ ટપલી મારી. લેખા અમદાવાદ નોકરીના ઇન્ટરવ્યૂ માટે જતી હતી. આઠ વાગે ઊતરીને કોઈ હોટેલ કે રેસ્ટોરાંમાં ફ્રેશ થઈ બ્રેકફાસ્ટ કરી દસ વાગે ઇન્ટરવ્યૂમાં પહોંચી શકે અને સાંજે ફરી સુરત પરત થવા બસ પકડી લે એવી એની ગણતરી હતી. રાત્રે આરામથી જઈ શકે એટલે એસી બસમાં બારી પાસેની સીટનું જ બુકિંગ હતું. જોકે, વરસાદના છાંટાને બારીમાંથી અડી ન શકાય એટલો અફસોસ હતો. બારી પર એની તડતડ, ટપટપ કે ઝરમર અનુભવી રહી. ચાંદ દેખાતો નહોતો ત્યારે દાદીની ટકોર યાદ આવી. “અરે અમાસે જવાની ઇન્ટરવ્યૂ માટે? ચાલ, હું અખંડ દીવો કરીશ. બધું સારું થશે.” બસની સાથે જાણે વરસાદી વાદળનું છત્ર પણ સફર કરતું હતું. બસમાં બધાં પડદો પાડી સૂતાં હતાં ત્યારે પડદો ખસેડી એ મોસમને મનભર માણી રહી હતી. થોડી થોડી વારે વરસાદને વીંધતી ટ્રક પસાર થતી એ એના આનંદમાં વિક્ષેપ પાડતી. કંટાળીને થોડીવાર પછી એણે બસમાં બધા મુસાફરો સામે જોયું. એની બાજુમાં શરીરે ભરાવદાર એક બહેન બેઠી હતી. એ સગર્ભા હતી એવું તો કેટલીવારે ધ્યાન ગયું જયારે એણે અડધી ઊંઘમાં જ એનું ખોળામાંનું પર્સ લેખાની સીટ પર મૂક્યું. લેખા સાવ એકવડી ને વધુ બારી પાસે ખસેલી એટલે ખાસી જગ્યા હતી. કદાચ લેખા જ જાગતી હતી બાકી તો બધાંને વરસાદી નશો ચઢ્યો હોય એમ ઘેનમાં હતાં. અચાનક બાજુવાળી સ્ત્રી જાગી. એણે પેટ પર હાથ મૂકી આમતેમ જોયું. એને અસુખ જેવું વર્તાતું હતું. “તમને કંઈ થાય છે?” લેખાથી પૂછ્યા વગર ન રહેવાયું. જવાબમાં એણે ચીસ પાડી. બધાં જાગી ગયાં. એને દુ:ખાવો વધતો હતો. એક વડીલ બહેન પાસે આવ્યાં એને પીડાતી જોઈ, ”પ્રસુતિનો દુઃખાવો લાગે છે” કહી એને હાથ ફેરવવાં લાગ્યાં. બસ ઊભી રહી. નજીક અંકલેશ્વર હતું, ત્યાં એક ભાઈએ એમ્બ્યુલન્સ માટે ફોન કર્યો ને બસે ગતિ પકડી. લેખાએ એ બહેનનાં ઘરે ફોન કરવા નંબર માંગ્યો પણ એ બહેન ચીસ સિવાય કંઈ ઉચ્ચારી શકતાં ન હતાં. થોડાં મુસાફરોનાં મુખ પર ચિંતા ને કેટલાંકનાં ચેહરા પર અણગમોય વર્તાતો હતો. ઘણા મદદ કરવા પ્રયત્ન કરતા પણ થાય પણ શું? આખરે એ બેનના પર્સમાંથી મોબાઇલ શોધી છેલ્લે ફોન કર્યો હતો એ નંબર લગાડ્યો. સદભાગ્યે એમના ઘરનો જ નંબર હતો. તેઓએ શક્ય એટલી ઝડપે અહીં પહોંચે છે એવું કહ્યું પણ વરસાદમાં કલાક તો સહેજે થાય એવું લાગતું હતું. દરમિયાન એમ્બ્યુલન્સ આવી ગઈ. એ બેનને તો એમાં ખસેડયાં પણ સાથે કોણ જાય? લેખાએ રિકવેસ્ટ કરી કે, “કોઈ બેનની સાથે જઈ શકે, મારે તો વહેલી સવારે પહોંચવું પડે એમ છે.” પણ કોઈ તૈયાર ન થયું. આખરે લેખા જ સાથે ગઈ. કલાકેક પછી એમનાં સગાં આવી ગયાં ત્યાં સુધીમાં તો બાળક સુખરૂપ અવતરી ચૂકયું હતું. એ બહેનના પતિએ લેખાનો આભાર માન્યો અને સવાર સુધી રોકાઈ જવા કહ્યું પણ “બીજી બસમાં જતી રહીશ. જવું ખૂબ જરૂરી છે.” લેખાએ એવું જણાવતાં લેખાને બસસ્ટેન્ડ પર મૂકવાની વ્યવસ્થા કરી. હજુ પણ ઘણો સમય હતો, બસ મળી જાય તો એ સમયસર પહોંચી શકે એમ હતી. ત્યાં લેખાને જોતાં જ એક કાર ઊભી રહી. ”હેલો, કેવું છે એ બહેનને?”એ બસનાં જ એક મુસાફર, જે એમ્બ્યુલન્સ બોલાવવા કે ફોન કરવા વગેરેની દોડાદોડમાં મદદરૂપ થયા હતા. એમણે પણ એ બહેનની સારી ખબર સાંભળી હાશ અનુભવી અને સૌજન્યતાથી પૂછ્યું, ”આપને ક્યાં જવું છે? હું અમદાવાદ જાઉં છું, આ તો કાલે અમદાવાદથી આવ્યો ત્યારે અંકલેશ્વર મારી કાર બગડી જતાં ભાઈને ત્યાં મૂકી હતી. એણે રીપેર કરાવી દીધી. બીજે કામ પતાવી અહીં આ બસમાં જ આવ્યો. હવે કાર લઈ સવાર સુધીમાં પહોંચી જવાશે. વરસાદ બહુ છે તો બસનાં ઠેકાણાં નહીં. તમને જલદી પહોંચવું છે તો વાંધો ન હોય તો આવો.” પ્રવાસમાં કોઈ ઘટના બને તો અજાણ્યા સહપ્રવાસી પણ જાણીતા બની જતા હોય છે. લેખા બેસી તો ગઈ પણ પછી એને ખ્યાલ આવ્યો કે, રાત, વરસાદ અને કારમાં સાથે એક પુરુષ! ગીતો પણ વરસાદી વાગતાં હતાં. કંઈપણ બની શકે. ક્યાં રહો છો? શું ભણ્યા? શું કરો છો? ઘરે કોણ? ક્યાં જવા માટે ટ્રાવેલિંગ કરો છો? વિગેરે વિગેરે પુછાયું. પછી થોડી ચુપકીદી. વળી પેલો માણસ આ રીતે સહાયરૂપ થવા બદલ લેખાના ભરપૂર વખાણ કરતો હતો ને પછી તો પ્રેમસભર ગીતો શરૂ થયાં. ”ઉંઘ આવતી હોય તો આરામ કરો. મને તો આ ગીતો કંપની આપશે.” પણ લેખા મોબાઈલમાં ટાઈમ જોવા લાગી. ભલભલા વિચાર આવી ગયા. ‘કેટલો સૂમસામ રસ્તો છે! બસમાં હતી ત્યારે તો કેટલા વાહનો જતાં હતાં એ બધાં ક્યાં ગયાં? આ કોઈ ભળતે રસ્તે તો નહીં લઈ જતો હોયને! હું વળી ક્યાં બેઠી? મારે શું કામ પેલી બેનને હોસ્પિટલ લઈ જવી જોઈએ?ચૂપચાપ બસમાં બેઠીબેઠી જોયા કરત તો? ને સારું થયું મેં પેલાને સાવ ખોટા જવાબો આપ્યા. નહીં તો આવા લોકો તો પાછળ પડી જાય. હે ભગવાન! જલદી અમદાવાદ પહોંચાડી દે. દાદી, તું હમણાં જ દીવા કરી દે!” એની આંખો સહેજ ઘેરાવા લાગી ત્યાં માંડ ધીમો પડેલો વરસાદ ધોધમાર થયો અને બારીમાંથી દેખાતું એનું ગમતું દૃશ્ય અણગમતું થવાં લાગ્યું. ફરી વાતો શરૂ થઈ ને એણે વાતો બદલી. રસોઈની વિવિધ રેસિપી, ઓનલાઈન શોપિંગ કે ફેશન વિશેના ઊંધાસીધા વિચારો રજૂ કર્યા. જેમાં પેલા ભાઈને કંઈ ગતાગમ ન પડી છતાં સાંભળી. હવે રાત અને વાત ખૂટવા પર હતી. વરસાદ શાંત પડ્યો હતો અને લેખાને શાંતિ થતી જતી હતી. દૂરથી દેખાતો સોહામણો સૂર્યોદય જોઈ મનોમન હરખાઈ. હજુ આખા રસ્તે એના ગપ્પાં ચાલુ જ હતા. અમદાવાદમાં પ્રવેશતા જ થોડી વારે કહ્યું, ”આ મારા મામાનું ઘર. અહીં ઉતારી દો. થેન્ક યુ” કહી ચાલવા માંડી. મનોમન કહેવા લાગી, ફરી કદી નહી મળીશું.” ને જીવનમાં આવી ભૂલ કદી ન કરવી એવું જાતને વચન આપ્યું. હોટેલમાં ગઈ, મોઢું ધોયું. રાતભર ઊંઘી નહોતી એટલે થાક તો હતો જ. ચાનાસ્તો લઈ હળવી થઈ ને નીકળી ઇન્ટરવ્યૂ આપવા, લાઈનમાં બેઠી, નંબર આવતા અંદર ગઈ એની આંખો આશ્ચર્યથી પહોળી, પેલો માણસ જ ઇન્ટરવ્યૂ લેનાર… –

Leave a comment

Filed under Uncategorized

તરતી નદીઓ/યામિની વ્યાસ

તરતી નદીઓ“પૂર્વ, તું પશ્ચિમમાં જો, આહાહા, કેવી નીતરી સાંજ! સૂરજ પણ નદીની આરપાર દેખાય છે.”“નદી પણ કેવી નિરાંતે વહી રહી છે, ધીમા મધુરા લયથી ગાતી ગાતી! જો તું આવી એટલે એણે ગીત શરૂ કર્યું, પ્રીતા પ્રીતા, પ્રીતા..” કહી પૂર્વએ પ્રીતાને છાલક ઉડાડી. જવાબમાં પ્રીતાએ દુપટ્ટો ભીનો કરી પૂર્વ પર નીચોવ્યો. ક્યાંય સુધી આ નવું પરણેલું જોડું મસ્તી કરતું રહ્યું. “ને આ જો, કિનારાના કાંકરા-પથરાઓને પણ જાણે માંજીને ચમકતા ઉજળા કરી દીધા છે એને હાથ નથી તોય. નદી નારી જાતિ શબ્દ છે એટલે.”“એવું કંઈ નહીં મોટી જોઈ ન હોય નારી જાતિ…” વાક્ય પૂરું કરે એ પહેલાં મોટીબેનનો ફોન આવ્યો. “આવો છો મારા રાજારાણી કે વાર છે? બધાં જમવા માટે રાહ જુએ છે.”“હા મોટીબેન બસ થોડી જ વારમાં પહોંચીએ.”“ચાલો પ્રીતારાણી, તમારાં વગર કોઈ જમશે નહીં, ફરી અહીં આવીશું.” કહી પૂર્વએ બાઈક સ્ટાર્ટ કરી. પ્રીતા વળગીને બેઠી, ફરીને નદી તરફ જોયું. શાંત નદી પણ જાણે ‘આવજો’ બોલી! પૂર્વના ઘરે ડિનર બધાં સાથે જ કરતાં. દિવસે બધાં પોતપોતાનાં કામમાં હોય એટલે મેળ ન પડે. લગ્ન પછી બધા મહેમાનો ગયા પણ પૂર્વની મોટીબેન રોકાઈ હતી. આમેય બાળકોને વેકેશન હતું ને પ્રીતાને પણ એમની સાથે વધુ ફાવતું. જમી પરવાર્યા ત્યાં બહાર બૂમ પડી, “આલે… બેન.” સરળ સ્વભાવના સરલાબેન ડબ્બામાંથી વધેલી પૂરીઓ ને શાક એ ભિખારીને આપવાં ગયાં. “એ ભિખારી તો રોજ આવે ને મમ્મી આપે જ. અરે કોઈવાર તો ન વધે એવું લાગે તો પોતે એક ભાખરી ઓછી ખાય પણ આ ડોસા માટે રાખે જ.” મોટીબેને હસતાં હસતાં મમ્મીના હાથમાંથી વાસણ લીધું. “કંઈ નહીં, બેટા. એના નસીબનું લખાયું જ હોય એ એને પહોંચે. બીજું તો આપણે શું કરી શકીએ?” મોટીબેન ફરી ટહુકી, “જો પ્રીતા, એ આખી સોસાયટીમાં ફરે એટલે કોઈવાર આપણે ન આપીએ તોય એ ભૂખ્યો ન રહે. ને મમ્મીએ તો લગ્નમાંથી આવતી વખતે પણ ત્યાંથી થોડું બંધાવી લીધું હતું આને આપવા.”“હા, મોટીબેન વેસ્ટ જાય એનાં કરતાં તો સારુંને કોઈ ના પેટમાં જાય, પણ રોજ એના માટે વધારે બનાવવું કે ઘટે તો ઓછું ખાઈ બચાવવું એ વધારે પડતું, મમ્મીજી.” પ્રીતાને નવાઈ લાગી. પ્રીતા પરણી નહોતી ત્યારે પણ કોઈ કોઈ વાર એનજીઓના પરમાર્થનાં કાર્યોમાં જોડાઈ હતી એ યાદ આવ્યું, “મામી, અવર નાની ઇઝ ગ્રેટ.” કહેતી મોટીબેનની દીકરી સરલાબેનને વળગી. પ્રીતા પણ એ મસ્તીમાં જોડાઈ. બીજે દિવસે ભાણિયાઓને પ્રોમિસ કર્યું હતું એટલે પ્રીતાએ પીઝા બનાવ્યા. બધાંને બહુ ભાવ્યા. પતી ગયા. “આલે… બેન” બૂમ પડી. વળી ભિખારીને શ્રદ્ધા એટલે એક જ વાર બૂમ પાડે પછી ઊભો રહે. મોટીબેને પ્રીતા સામે જોયું. એણે ખાલી ઓવન બતાવ્યું. મોટીબેન “આજે નથી.” અંદરથી જ મોટા અવાજે કહ્યું. સરલાબેન વહેલાં વહેલાં આવ્યાં ને થોડા બિસ્કિટ કાઢીને પ્રીતા તરફ ધર્યા. પ્રીતા એ આપવા ગઈ. એણે જોયું તો એ વૃધ્ધ ભિખારીનો એક હાથ કોણીએથી કપાઈ ગયો હતો. એ જ ખભા પર ઝોળી ભેરવી હતી. બીજા હાથમાં એક મોટું ડોલચું હતું. ઝોળીમાં એ રોટલી, ભાખરી, પૂરી જેવી સૂકી ચીજ લેતો ને ડોલચામાં દાળ, શાક, કઢી જેવી ચીજ ભરતો. બિસ્કિટ એણે ઝોળીમાં લઈ લીધાં. “ભલું કરે, મા.” તૂટક સ્વરે કહી લાકડી લઈ ચાલતો થયો. પ્રીતા એને જતો જોતી ઊભી જ રહી. થોડીવારે બાજુમાં અવાજ સંભળાયો, “આલે… બેન.”પ્રીતાને આ રોજનું થયું. મહિનો વીત્યો. મોટીબેન પણ ગયાં, પણ વૃદ્ધ ભિખારી બાબત એનું મગજ કંઈ જુદું વિચારતું હતું. એણે એનું ધ્યાન રાખવું શરૂ કર્યું. એ નિયત સમયે આવી જતો. કોઈ આપે કે ના આપે તોય કોઈ ફરિયાદ નહીં. ‘ભલું કરે, મા.’ કહી આગળ ચાલતો. બીજી કોઈ મગજમારી નહીં. સમય વીતતો ગયો. કડકડતી ઠંડીમાં કામળો ઓઢીને ને વરસાદમાં પ્લાસ્ટિક કોથળો ઓઢીનેય આવતો. એણે જોયું લગભગ દરેક ઘરેથી કંઈક તો મળતું જ. એણે મમ્મીને પૂછ્યું, “આટલા બધું ખાવાનું એ શું કરતો હશે? એને ઘરે કેટલાં લોકો છે? ને એ માટે આ ઘરડો જ કેમ આવે છે?”“ખબર નહીં બેટા, પણ મારા સાસુમાએ કહેલું કે ઘરેથી કોઈ ખાલી હાથે ન જાય એટલે ચાપુચપટી પણ આપવું.”પ્રીતાને સંતોષ ન થયો એણે પૂર્વને આ બાબત વાત કરી. પૂર્વએ લેપટોપમાંથી ડોકું ઊંચું કરતા “એય છોડને, તને હું વહાલો છું કે ભિખારી? તું બસ મારો વિચાર કર, મારી મેના!” કહી ટૂંકાવ્યું. પ્રીતાને એનજીઓમાં જવાનું મન થયું. ફરી એ વિચારે ઘેરી લીધી. ‘એનો એક હાથ નથી, આ કોઈ મોટા રૅકિટમાં ન ફસાયો હોય! અથવા તો ચલાવતો હોય! નાના બાળકો પાસે ભીખ કે છોકરીઓ પાસે બીજા કામો…. ઓ માય ગોડ!”એણે એ જ દિવસે એ ડોસા સાથે વાત કરવી શરૂ કરી, પણ એણે ખાસ જવાબ આપ્યા નહીં. ફક્ત ખાવાનું આપે કે ન આપે એટલું જ જોતો. કદી કોઈ સાથે નજર પણ ન મેળવતો. પ્રીતાએ સોસાયટીમાં ઘણી બહેનોને એના વિશે પૂછી જોયું. કોઈને ખાસ ખબર ન હતી. “ભિખારી વિશે શું જાણવાનું? આપવું હોય તો આપવાનું નહીં તો કાઢી મૂકવાનો.” એવુંય સાંભળ્યું. એક દિવસ એક બેને કહ્યું, “સાસુની સમચરીએ ગરીબને જમાડવાના હતા, ત્યારે ખાવાનું પહોંચાડવાનું કેટરિંગવાળાને જ કહેલું. કદાચ નદીએ જતા ઝૂંપડપટ્ટી આવે એ બાજુ આપી આવેલા.” જાણે પ્રીતાના પગમાં પાંખ આવી. એકલાં જતાં થોડી બીક લાગી. અટકી. પૂર્વની ઓફિસેથી આવવવાની રાહ જોઈ. આવતાં જ પૂર્વને લાડ કરતાં બોલી, “પૂર્વ ચાલને પેલી નીતરી નદીમાં આરપાર દેખાતો સૂરજ જોવા.”“એમ? ઓહો ચાલ, ત્યાં પ્રીતા… પ્રીતા… નું ગીત મારે પણ સાંભળવું છે.” નીકળતા’તા ને મહેમાન આવી ગયા. પ્રીતા નિરાશ થઈ ગઈ. ન જવાયું. હંમેશ મોડા ઊઠતા પૂર્વ પાસેથી એણે મોર્નિંગ વૉક માટે આગલી રાત્રે જ પ્રોમિસ લઈ લીધું હતું. બિચારો માંડ ઊઠ્યો. ભાગતી બાઈક પર ભલે વળગીને બેઠી હતી પણ ધ્યાન એનું ઝૂંપડપટ્ટી શોધવામાં હતું. “પૂર્વ, પૂર્વ એક મિનિટ વેઇટ.”“શું થયું?”“ચાલને પેલા ‘આલે… બેન.’વાળા ડોસાકાકાને આપવા. મહેમાનો ગયા પછીનું વધેલું આપવાનું છે. મમ્મીજીએ આપ્યું છે.”“અરે યાર, સાસુવહુ બેય સરખાં, એ અહીં રહે છે? આવતી વખતે આપજે.” પૂર્વની બાઈક સીધી નદીકિનારે થોભી. પ્રીતાની ધીરજની કસોટી થાય એ પહેલાં સામે જે દૃશ્ય જોયું એ જોઈ પૂર્વ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. પ્રીતા સહસા બોલી, “હું નહોતી કહેતી. આ કોઈ રૅકિટ છે?” થોડી છોકરીઓ અને નાના છોકરાઓ નદીનાં પાણીમાં હતાં ને પેલો ‘આલે બેન’ ડોસો પણ પાણીમાં ઊતરતો બૂમ પાડી કંઈ બતાવી રહ્યો હતો. પૂર્વએ જોરથી બૂમ પાડી. બધાં ગભરાઈ ગયાં. ડોસાએ છોકરીઓને અહીંથી જલદી જવાનું કહ્યું ને ધીમેથી નજીક આવ્યો. પ્રીતાનો ગુસ્સો વધે એ પહેલાં પૂર્વએ લાફો મારવા હાથ ઉગામ્યો. બે ત્રણ છોકરાં દોડી આવ્યાં. “આ બાપુને મારજો નઈ. ઈ જ અમન જીવાડ હ.”“આ બધાં કોણ છે?” પ્રીતા ધૂંધવાઈ. એને તો એક ગુનેગારને પકડી પાડવાનો મનોમન ગર્વ પણ હતો. “બેન, મું મજૂર જ હૂ. શેતાનો મારી સોડીને ઉઠાઈ ગ્યાં તાઅરે ઝપાઝપીમાં મારો હાથ કપાઈ ગ્યો ન તોય સોડી તો નથી જ મળી. ઘણી હોધી, હજ્જુય હોધું હૂ, પણ બાપડીને ચોક વેચી મારી હસે. ન ઈ જીવે હે ક ચમ ઈ કોય ખબર નહિ.” ડોસો રડી પડ્યો. એટલામાં એકબે છોકરાનાં માબાપ દોડતાં આવ્યાં. “અર ભઈ, આ બાપુ જ તો અમાર સોકરાંઓને હાચવે હે ન ઇન ભરોહે મેલીન અમ મજૂરીએ જીયે. એ સાર સોપડી ભણેલા હે તો સોકરાંન ભણાવે હે, બધી સોડીઓ વચ્ચે ઈમનું ઘરનું મશીન આલી દીધું હે તે બધી સીવણ કૉમ સીખે હે.”“અરે ભઈ, સોડીને યાદ કરતી કરતી માર ઘરવાળીય મરી જઈ પસ્સ મેં નક્કી કર્યું ક કોઈની સોડી હાથે આવું નઈ થવા દૂ. માબાપ તો ચેટલે હણ હેડીન જોય. ચારે આવી નઅ ચારે રોધી એટલે આ લોક હારું મું જ ખાવાનું મોગી લાઉં. સોડીઓને તકલીફમો સોમનો ચમચમ કરવો ઈ સીખ્વાડું. તરતાંય આવડે. નદી તરીન બી ભાગી હકે. લાકડી સલાવતાય આવડે હે. કોઈ હાથ તો અડાડે ઇયોન!.” ડોસો ઝનૂનથી બોલ્યો. પ્રીતા આભી જ રહી ગઈ ને આ ભીષ્મપિતામહને જોઈ રહી. ખરું એનજીઓ તો અહીં છે. એટલી વારમાં છોકરીઓ કપડાં બદલીને આવી ગઈ. પ્રીતા તરત જ “સૉરી હં… જાઓ તરવા.”“હવે જીએ તો તીજી જોડ ચોથી લાબ્બી?” સૌથી નાનીથી ચૂપ ન રહેવાયું. પૂર્વ ને પ્રીતા એકમેકને જોતાં રહ્યાં. “મારે લીધે એક દિવસ તમારું તરવાનું પડ્યું, બધાં માટે એક એક ડ્રેસ હું આપીશ.” તેઓનાં હરખાયેલાં મોઢા જોઈ, ડોસાને સૉરી કહીને બાઈક વાળી પણ પ્રીતાને તો નદીમાં તરતી નિર્દોષ માછલીઓ જેવી છોકરીઓ જ દેખાતી રહી.પછી એ માછલીઓ જાણે ગમતી નદીઓ બની તરવા લાગી.- યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

લાઈવ સ્ટેચ્યૂ / યામિની વ્યાસ

“લાઈવ સ્ટેચ્યૂ “સ્વર્ગ તો જવાશે ત્યારે જોવાશે, પણ પ્રતિકને પરણીને આવી ત્યારથી અહીં જ સ્વર્ગ છે. પણ તું યુ.એસ.થી આવી ક્યારે?” પરિધિએ બેનપણી આગળ ખુશી વ્યક્ત કરતાં ફોન સ્પીકર પર મૂક્યો. “આહા, તારે માટે ખૂબ જ ખુશ છું. યાર, ઇન્ડિયામાં હોત તો તારા ભવ્ય લગ્નની મજા માણત. તને જલદી મળવું છે. પણ તું હમણાં શું કરે છે? જીજુ સાથે વાત તો કરાવને.” “જીજુ? હમણાં ઘરે હોય? ઓફિસે હોય. ને હું? જીમ જવા રેડી થાઉં છું.” “અરે! તું અને જીમ? ત્યારે તો મારી બ્યૂટીફુલ બહેનપણી મને સલાહ આપતી હતી કે, ઘરનાં બધાં જ કામ જાતે કરો તો જીમ જવાની જરૂર નથી રહેતી. કેટલા બધા રૂપિયા ખર્ચાઈ જાય? ને હવે?” “સાચી વાત પ્રિયા, પણ હું તો પતિદેવના પૈસા વસુલ કરવા જાઉં છું, ગોલ્ડ ક્લબમાં કપલની આજીવન મેમ્બરશીપ છે બોલ! પ્રતિક તો મૂડ હોય તો જાય ને નયે જાય. અહીં તો ઘરનાં કામકાજ પર બિલકુલ ચોકડી જ છે.” ટ્રેકશૂટ પહેરીને સ્પોર્ટશૂઝમાં પગ નાખતા પરિધિએ વાત આગળ ચલાવી. “વાહ, મેઇડ સરવન્ટની તો ભરપૂર સુવિધાઓ હશે જ. જે હોય એ પણ તને આટલું સરસ ધનિક અને સંસ્કારી સાસરું મળવા બદલ સાચે જ ખરા દિલથી આનંદ વ્યક્ત કરું છું, દોસ્ત. તું જીમ જઈ આવ પછી મળીએ છીએ. પાક્કું.” “હા, ઘરે આવજે. પ્રતિક અને મારાં ઘરનાં બધાં તરફથી તને ઇનવાઈટ કરું છું.” “ઓહોહો, સાચે જ ‘શ્રદ્ધા ગ્રૂપ’ની છોટી માલકીનની જેમ બોલે છે, પણ મારી તો તું એજ પરી અપ્સરા. ચાલ, બાય ને ચોક્ક્સ મળીએ.” પરિધિ સાચે જ અપ્સરાથી ઓછી નહોતી. પ્રતિકે એને એક ભવ્ય લગ્નસમારંભમાં દાખલ થતી વખતે જોઈ હતી અને પહેલી નજરે જ મોહી પડ્યો હતો. એણે પરિવારમાં વાત કરી અને આ સંમોહિની છે કોણ એની તપાસ આદરી હતી. પરિધિ પૈસેટકે અત્યંત સામાન્ય પરિવારની ખૂબ સુંદર અને ગુણવાન દીકરી, ભણવાની સાથે પરિવાર માટે થોડી કમાણી પણ કરતી. આવા મોટા સમારંભોના મંચ સજાવટમાં લાઈવ સ્ટેચ્યૂ તરીકે કામ કરતી. ત્રણચાર કલાક એ સજીધજીને પૂતળાની જેમ એક જ પોઝમાં બેસી શકતી. આ ખરેખર અઘરું કાર્ય હતું. એના માટે એણે ઘરે જ પ્રેક્ટિસ કરી પોતાને તૈયાર કરી હતી. આ એક મેડિટેશન છે કે તપ છે એમ જ એ માનતી. ગમે એટલો અવાજ આવે કે કોઈ કેટલુંય ડિસ્ટર્બ કરે પણ એણે તપ ભંગ કરવાનું નહોતું. “ઋષિ મુનિ કરતાં પણ આ તો કઠિન છે. એમણે તો વનમાં શાંતિમાં સમાધિ લગાવવાની હોય!” “હા, સર આને એક તપસ્યા જ માનું છું ને હું મારા કામને રિસ્પેક્ટ કરું છુ”? સહુ પ્રથમ પ્રતિકના પપ્પા વિશ્વેશભાઈએ પરિધિને ઓફિસમાં બોલાવી પૂછ્યું હતું. પરિવારનો એકનો એક દીકરો જે ભવિષ્યમાં આખું શ્રદ્ધા ગ્રુપ સંભાળવાનો હતો. એને કેટલાં વખતથી કંઈ કેટલીય છોકરીઓ બતાવી પણ ધરાર ના જ પાડતો. અચાનક એની નજર બિઝનેસ ફ્રેન્ડના પુત્રના લગ્ન સમારંભમાં લાઈવ સ્ટેચ્યૂ તરીકે કામ કરતી પરિધિ પર ઠરી ત્યારે આખો પરિવાર ઓફિસે ભેગો થયો. રૂપ રૂપની અંબાર પરિધિ વિશે જાણવા એને જ ઓફિસે બોલાવી. પરિધિ પપ્પા સાથે પહોંચી અને અરસપરસ વાતો થઈ. પરિધિને પણ પ્રતિક ગમી ગયો. પરિધિના પપ્પા પોતાની આર્થિક પરિસ્થિતિ વિશે ચિંતાતુર હતા. એમનો એ ભાવ કળી જતા વિશ્વેશભાઈએ એમને એ બાબતે લગીરે ચિંતા ન કરવા જણાવીને ભેટ્યા. મોટા સફળ બિઝનેસમેનને છાજે એ રીતે ખૂબ ધામધૂમથી લગ્નોત્સવ ઉજવાયો. બંને સ્વિત્ઝર્લેન્ડ હનીમૂન પર પણ જઈ આવ્યાં. પરિધિને આ બધું પરીલોક જેવું લાગતું હતું. ઘણીવાર માને ફોન કરી પૂછતી પણ, “આ બધું સાચું હોયને, મમ્મી?” દીકરીની ખુશી જોઈ મમ્મી પણ મલકાતી. સાસુમા રૂપાળી, નમણી અને વિવેકી વહુને સજાવી ધજાવી પોતાની કેટલીય ક્લબો, વિમેન ગ્રૂપ્સ, પાર્ટીઓ વિગેરેમાં લઈ જતી અને અભિનંદનની અધિકારી બનતી. પરિધિ પણ પોરસાતી. લગ્નને ત્રણેક મહિના ક્યાં વીતી ગયા ખબર જ ન પડી. બંનેને ખૂબ મજામાં જોઈ વડીલોની ખુશી બેવડાતી. એક દિવસ બ્રેકફસ્ટ ટેબલ પર ગરમાગરમ ઉપમા અને બટાકાપૌઆથી ટેબલ સજાવેલું જોઈ આશ્ચર્યથી શ્રદ્ધાબેન બોલ્યાં, “આજે મહારાજ મોડા આવવાના છે? કેમ તેં બનાવ્યું? તેલના છાંટાબાંટા ઊડત તો? તારા આરસપહાણ જેવા લીસા હાથ પર ડાઘા પડી જાય, બેટા.” “અરે ના મમ્મીજી, મહારાજ તો ક્યારના આવી ગયા છે. એ તો મને જ થયું કે…” “બેટા, બહુ જ સરસ બની છે બંને વાનગી.” વિશ્વેશભાઈના મા મોટીબા તરત જ બોલ્યાં. આમ પણ પરિધિને મોટીબા સાથે ખૂબ ફાવતું. તે દિવસે સાંજે પૂજાઘરમાં મોટીબા સાથે દીવો કરવા બેઠી હતી ત્યારે એણે એક દીવો એકવાગાર્ડ પાસે પ્લેટફોર્મ પર મૂક્યો હતો ત્યારે સહુએ એની મજાક કરી હતી ને મોટીબા પીઠ થાબડી બોલ્યા હતાં, “હવે નથી રહ્યા પાણિયારાં કે નથી રહ્યાં માટલાં, પણ દીવો તો થવો જ જોઈએ. શ્રદ્ધા એક નાનું માટલું મંગાવી આપજે,હું તો એમાંથી…..” “મોટી બા, હું પણ એમાંથી જ પીશ.” બસ ત્યારથી એ નાનકડાં માટલાં પાસે રોજ દીવો થતો. લગ્ન પછી કેટલાય દિવસો સુધી પ્રતિક ઘરે રહેતો કે ઓફિસેથી વહેલો આવી જતો ને પછી બંને ફરવા નીકળી જતાં. આમ જાણે હનીમૂન લંબાતું. એનાથી પરિધિનો સમય પણ રમ્ય બની જતો. ધીમે ધીમે એ ઓફિસના કલાકો વધારતો ગયો. પરિધિ પાસે કંઈ કામ રહેતું નહીં. એને શ્રદ્ધામમ્મીની પાર્ટીઓમાં ઓછું ગમતું એટલે એ મોટીબા સાથે વધુ રહેતી કે પછી જીમમાં કે ખરીદી કરવા જઈ આવતી. આમેય એને કારણ વગર સમય બગાડવો ગમતો નહીં. કોઈવાર પ્રતિક સાથે બિઝનેસ ટૂર પર પણ જતી પણ ત્યાં પણ એ શું કરે? આખરે એક દિવસ એણે પ્રતિકને કહ્યું. “હું પણ ઓફિસે આવું તો?” “ના, તારું કામ નહીં? ઘરે આરામ કર. પછી આખો દિવસ કામ કરી કરીને તારો થાકેલો ચહેરો મને જોવો ના ગમે. મને તો તું આવી જ ગમે તરોતાજા.” કહેતા એણે પરિધિને પાસે ખેંચી. “પણ પહેલાં હું ઘણા કામ કરતી જ હતીને?” બોલી રહે એ પહેલાં તો પ્રતિકે એના હોઠ પર હોઠ મૂકી દીધા. પરિધિ પણ એ નશામાં ખોવાઈ ગઈ. બીજે દિવસે શ્રદ્ધામમ્મીજીને વાત કરી તો, “જો બેટા, પ્રતિકની વાત સાચી છે, તારે કામ કરવાની શી જરૂર? થોડા વખતમાં નાનું બાળક આવશે. પછી તારી પાસે સમય નહીં રહે, તું બીજું કંઈક કર, ડાન્સ ક્લાસ, યોગા ક્લાસ કે કંઈ પણ.” ફરી બીજી રાતે પણ પ્રતિકનો વ્હાલભર્યો પ્રતિકાત્મક નાનો જવાબ મળ્યો. મોટીબાએ પણ તેના કામ કરવા બાબતે વાત કરી ત્યારે વિશ્વેશભાઈએ કહ્યું, “તારી વાત સાચી, પણ બા, આ આપણા બિઝનેઝનું કામ એ છોકરી ન કરી શકે, બોલ એને શું કામ આપું? ને લાઈવ સ્ટેચ્યૂની નોકરી કરવા થોડી મોકલાય? લોક શું કહે? શ્રદ્ધા ગ્રૂપની વહુ… ચાલ જવા દે.” પરિધિ મોટી બાનો પરિઘ બની રહેતી. એમને જરાય ઊઠવા ન દેતી. એમનું જે પણ કામ હોય નોકરોને ના પાડી જાતે ઘૂમી વળતી. મોટીબા બપોરે આરામ કરે ત્યારે બસ એ ફ્રી રહેતી. એમાં પણ એ ખુશ હતી અને પરિવારના સભ્યો પણ. “આજે તો બહુ મોડું થયું?” ગરમ ચા આપતાં એણે પ્રતિકને પૂછ્યું. “યસ ડાર્લિંગ, નવો બિઝનેસ વધાર્યો એટલે હવે શરૂઆતમાં થોડું થશે.” પરિધિના હાથમાંથી ટૉવેલ લઈ બાથરૂમમાં જતા એ બોલ્યો. શ્રદ્ધા ગ્રુપે સારસ ગ્રુપ ખરીદી લીધું હતું. એના માલિક સારસભાઈ સાથે ખાસ ઓળખાણ નહોતી પણ સારી કંપની છે એટલી જાણ હતી. સારસભાઈ વિદેશ સેટલ થવાના હતા એટલે એણે કંપની વેચવાની જાહેરાત કરી હતી. જોકે, એ નાની કંપની હતી પણ વિશ્વેશભાઈ ને પ્રતિક એ રીતે બિઝનેસ વધારવા માંગતા હતા. “મોટીબા આશીર્વાદ આપો, તમારો પ્રતિક ખૂબ પ્રગતિ કરી રહ્યો છે.” પરિધિ સ્મિત સાથે બોલી. મોટીબાએ મીઠું મોઢું કરાવી આશિષ આપ્યા ને બોલ્યાં “જુઓ પરિધિ શુકનવંતી છેને?” સહુએ હા પુરાવી. બીજે દિવસે પરિધિની બર્થડે હતી. નવી કંપનીની દોડાદોડીમાં પ્રતિકને યાદ ન રહ્યું. તે વહેલો ઓફિસ પહોંચી ગયો. સારસભાઈ સાથે ઘણી વાતો કરવાની હતી. મોબાઈલનું એલાર્મ બીપબીપ થયું. એણે પરિધિની બર્થડે યાદ કરાવી પણ ત્યાં જ સારસભાઈનો ફોન આવ્યો. ફોન પર ઘણી ટેક્નિકલ ને સ્ટાફ બાબત જરૂરી વાતો થઈ. જેમ જેમ પ્રતિક નવી કંપનીની જાણકારી લેતો ગયો તેમ તેમ તેને પોતાની જવાબદારી વધતી લાગી. થોડો ટેંશનમાં હતો કે, કેમ બધું પહોંચી વળાશે? અનુભવી વિશ્વેશભાઈ એની ચિંતા સમજી ગયા. એમણે પ્રતિકને સારસ ગ્રુપમાં કામ કરતા સ્ટાફના ચારપાંચ નામનંબરો આપ્યાં ને કહ્યું. “તું આ સ્ટાફના સભ્યોને ફોન કરી ફોલો-અપ કરી દે. તારા કામનું ભારણ ઓછું થશે અને કામ ઇઝી થઈ જશે.” એમાં બર્થડે સાવ ભુલાઈ ગયો. પ્રતિક એક પછી એક સારસ કંપનીના જૂના કર્મચારીઓ સાથે વાત કરવા લાગ્યો. એક નંબર પર નજર અટકી જાણીતો હોય તેમ લાગ્યું છતાં ડાયલ કર્યો. “થેક્સ ડિયર, ક્યારની રાહ જોતી હતી.” સામે છેડે પરિધિ ટહુકી. પ્રતિકને આશ્ચર્ય થયું કે, સારસ ગ્રુપના સ્ટાફમાં એનો નંબર ક્યાંથી? વાત જાણતાં વિશ્વેશભાઈએ તાત્કાલિક સારસભાઈને ફોન જોડ્યો. સારસભાઈએ કહ્યું, “હા, એ પી. વી. ભટ્ટ. એ સારસ ગ્રુપની સૌથી ડાયનેમિક અને ક્રિએટિવ એમ્પ્લોઈ છે. ચારપાંચ મહિના માટે અંગત કારણોસર તેણે છોડી દીધું હતું. તે સોશ્યિલ મીડિયા મેનેજર તરીકે ખૂબ જ એક્ટિવ છે. હવે તે દિવસના માત્ર ચારેક કલાક ઘરેથી ઓનલાઇન કામ કરે, અને એનો ઇંગ્લિશ લિટરેચરનો સારો સ્ટડી હોવાથી એનું વર્ક એક્સેલન્ટ છે.” વિશ્વેશભાઈ અને પ્રતિક બંને સીધા ઘરે પહોંચ્યા. તરત મોટીબા બોલ્યાં, “જુઓ, મને બધી જ ખબર છે. પરિધિના આ ઓન લાઇન વર્કના નિર્ણયમાં હું તેની સાથે હતી.” બીજે દિવસે ઓફિસ બહાર બોર્ડ ઝૂલતું હતું, “શ્રદ્ધાપરિધિ ગ્રૂપ” અને એના ઉદ્ઘાટનમાં મોટીબાએ પરિધિને મેનેજરની ખુરશી પર બેસાડી માથે હાથ મૂક્યો. – “.

Leave a comment

Filed under Uncategorized

મિલીના ઘર તરફ/યામિની વ્યાસ

“”મિલીના ઘર તરફ ડાયાલીસીસ બાદ શુભાંગી ગજબની સ્ફૂર્તિ અનુભવતી પરંતુ એ લાંબુ ચાલે એમ ન હતું. બંને કિડની કામ ના કરતી હોવાથી કિડની ટ્રાન્સપ્લાન્ટ જ આખરી ઉપાય હતો. સેવ લાઈફ ઈન્સ્ટિટ્યૂટના છઠ્ઠા માળે આજે શુભાંગી અને કિડની ડૉનર ડૉ. મિલીના ઇન્ટરવ્યૂ હતા. માંડ ત્રેવીસ ચોવીસની આ સોહામણી યુવતી શા માટે પોતાની કિડની ડૉનેટ કરી રહી હતી?એને પૈસાની કોઈ મોટી જરૂરિયાત હશે કે માનવીય લાગણી?’ શુભાંગીના મનમાં પ્રશ્ન થયો હતો.ડૉ. મિલી દોઢેક મહિના પહેલા જ એમ.બી.બી.એસ થઈને ઈન્ટર્નશીપ કરવા આ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાઈ હતી.વારંવાર ડાયાલીસીસ કરાવવા આવતી શુભાંગીના કેસથી એ વાકેફ હતી.શુભાંગીના પતિ સૌરભ અને એકના એક પુત્ર આનંદની કિડની મેચ થતી ન હતી માટે ડૉનરની શોધ ચાલી રહી હતી. આમ પણ મોટા બિઝનેસમેન સૌરભને પત્નીની જિંદગી બચાવવા ગમે તેટલા પૈસા વેરવા પડે તો વાંધો આવે એમ ન હતું.આ બાજુ ખૂબ જ સાધારણ ફેમિલીની ડૉ. મિલી પોતાની માની ઓપન હાર્ટ સર્જરી માટે જરૂરી રકમ મેળવી શકે એમ હતી. બ્લડગ્રુપથી માંડીને દરેક રિપોર્ટસ બંનેના પરફેક્ટ મેચ થતા હતા.શુભાંગી કિડની વેચાતી લઇ રહી હોવા છતાં એના દિલમાં ડૉ. મિલી વસી ગઈ હતી.શુભાંગીએ પ્રથમ પ્રેગ્નન્સી વખતે કરાવેલા ગર્ભ પરીક્ષણમાં ફિમેઇલ ચાઈલ્ડ હોવાથી એબોર્શન, કરાવ્યું હતું, એનો એને ભારોભાર રંજ થયો. ‘પોતાની દીકરી હોત તો કદાચ આવડી જ હોત!’ મા-બાપની લાડલી મિલીએ બિમાર માને કિડની ડૉનેશનની વાત કરી ન હતી, પરંતુ બાપુને સોગંદ આપીને સમજાવી લીધા હતા. એજ હોસ્પિટલના બાજુના યુનિટમાં વર્ષોથી સ્વીપર તરીકે નોકરી કરતા માથુરની એ એકની એક દીકરી હતી. હોસ્પિટલના કેમ્પસમાં જ નાચી કૂદી મોટી થઈ હતી. નાનપણથી જ ભણવામાં તેજ મિલી સફેદ એપ્રન પહેરેલા ચપળ ડૉક્ટર્સને દોડાદોડી કરતા જોતી ત્યારથી એને પણ દર્દીની સેવા કરવા ડૉક્ટર બનવાની ઈચ્છા હતી. માથુર ખૂબ મહેનત, ધગશ અને લાગણીથી બધાંનું જ કામ કરતો એટલે સૌને એના માટે માન હતું. હોસ્પિટલ સ્ટાફના ઘણા ડોકટર્સે મિલીને ભણવામાં મદદ કરી હતી. ઓછું ભણેલા માથુરને દીકરી પર અતૂટ શ્રદ્ધા હતી. દીકરી કહે એ સાચું અને સારું જ હોય એમ એ માનતો.માની હાર્ટ સર્જરી માટે હોસ્પિટલ તરફથી મદદ તો મળે છતાં એની ટ્રીટમેન્ટમાં ખૂબ ખર્ચ થાય જે કિડની ડોનેશન દ્વારા મેળવી શકાય એવી મિલીની ગણતરી હતી. નિયત તારીખે કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન થઇ ગયું. હોસ્પિટલમાં શુભાંગી જેટલી જ કાળજી મિલીની લેવાતી હતી.એને જલદી રજા મળી ગઈ. ફક્ત થોડા દિવસ આરામ કરવાનો હતો.શુભાંગીના શરીરે પણ નવી કિડની સ્વીકારી લીધી હતી. તબિયત પણ સુધારાજનક હતી. એને રજા આપવાની હતી એ દિવસે માથુર શુભાંગીને મળવા ગયો. એને નક્કી કરેલી રકમ તો ઓપરેશનના દિવસે જ મળી ચૂકી હતી.કોણ જાણે કેમ માથુરની ભોળી આંખમાં શુભાંગીને મિલી જ તરતી દેખાતી.થોડી વાત કર્યા બાદ વિદાય લેતા માથુરે પોતાના હાથમાં પકડેલી થેલી નીચે મૂકી નમસ્તે કર્યું. શુભાંગી ચમકી,અંકોડી થી ગુંથેલી સફેદ થેલીમાં કેસુડાનાં બે ફૂલ ગુંથ્યા હતાં. આવી થેલી એણે પણ જાતે ડીઝાઈન કરી ગુંથી હતી,ત્યારે સૌરભે ટકોર પણ કરેલી, ‘તને તો કેસરી ભગવો રંગ બહુ ગમે!’ ‘હા બહુ ગમે. આમ તો કામણગારો છતાં ત્યાગ, બલિદાનનો રંગ. વળી કેસુડાને આનાથી વધુ કયો રંગ સોહે?..’ આ વિચારકડી ચાલતી હતી ત્યાં જ શુભાંગીનીની નજર સામેથી માથુરે થેલી ઉઠાવી લીધી, જાણે વિચારતો હોય,’કિડનીની માફક થેલી પણ નજરે ચડે તો વેચાતી ના લઈ લે! પૈસાદરનું શું કહેવું?’ શુભાંગી પળમાં ભૂતકાળમાં સરી પડી. સામાન્ય ઘરની છતાં સ્માર્ટ અને સુંદર શુભાંગી નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગઈ ત્યારે પેનલમાં બેઠેલા મા અને દીકરા બન્નેની નજરમાં ક્લિક થઈ ગઈ હતી. દુર્ગાદેવી યુવાન વયે પતિને ગુમાવ્યા બાદ, ખૂબ સંઘર્ષ કરી,એકલે હાથે બિઝનેસ સંભાળતાં હતાં. એમણે શુભાંગીને પર્સનલ આસિસ્ટન્ટ તરીકે પસંદ કરી ને દીકરા સૌરભે પ્રિયતમા તરીકે. થોડા પરિચયમાં આવ્યા બાદ શુભાંગી પણ સૌરભને ચાહવા લાગી. કડક સ્વભાવની દુર્ગાદેવીનાં હૃદયમાં લાગણીનું મધ્યબિંદુ ફક્ત એકનો એક પુત્ર સૌરભ જ હતો.એની ખુશી માટે અમીર ગરીબના ભેદભાવ વિના, વગર આનાકાનીએ દુર્ગાદેવીએ સૌરભ- શુભાંગીના લગ્ન કરાવી આપ્યા. પરંતુ એ ઈચ્છતી,કહો કે, એની પ્રબળ ઇચ્છા હતી એકના એક પુત્રની દાદી બનવાની. વંશવેલો વધારવનાર વારસદાર પુત્ર જ હોય,એ પણ એક જ. કોઈની પણ ભાગીદારી વગર એકનો એક પૌત્ર ભવિષ્યમાં બિઝનેસ સંભાળે ને વધારે તો એની શાન જળવાય અને દુર્ગાદેવીનો સંઘર્ષ સાર્થક ગણાય.વળી દીકરીનાં વડીલોએ ક્યારેક નમીને ચાલવું પડે એ એમને હરગીઝ મંજુર નહોતું. એટલે એણે સ્પષ્ટ શબ્દોમાં શુભાંગી સૌરભને કહી દીધું હતું કે, ‘આ ઘરમાં છોકરી જન્મ લેશે નહીં’ અને એની ઈચ્છા વિરુદ્ધ સૌરભ કે શુભાંગીએ બોલવા કે વર્તવાનું હતું જ નહીં. શુભાંગીને પ્રથમ પ્રેગનન્સી દરમિયાન ગર્ભ પરીક્ષણમાં ફિમેઇલ ચાઈલ્ડ હોવાથી દોઢ મહિનામાં જ અબોર્શન કરાવવું પડ્યું હતું.થોડા સમય બાદ ફરી પ્રેગનન્સી રહી ત્યારે દુર્ગાદેવીએ પ્રખર જ્યોતિષને બતાવી પુત્રપ્રાપ્તિની મોંઘી વિધિ કરાવી હતી અને અભિમાનથી કહ્યું હતું કે,’ વગર પરીક્ષણે કહી આપું કે, ‘દીકરો જ અવતરશે. આ જ્યોતિષનું કદી ખોટું પડતું જ નથી.’ દુર્ગાદેવી આ વખતે શુભાંગીની ખૂબ જ કાળજી રાખતાં અને દરરોજ શુભાંગીને મંદિરે લઈ જઈ જ્યોતિષે કહ્યા મુજબની પૂજા કરાવતાં. આ ક્રમ છેલ્લા મહિના સુધી જળવાયો. એવામાં જ એક દિવસ પૂજા કરીને સાસુ વહુ મંદિરનાં પગથિયાં ઊતરતાં હતાં, ને સાડીનો છેડો પગમાં ભેરવાતા શુભાંગીનો પગ લપસ્યો અને પછી.. દોડાદોડ.. હોસ્પિટલન ને ઇમરજન્સી..દોઢ દિવસ શુભાંગી કોમામાં રહી, બાળક ન બચાવી શકાયું પરંતુ શુભાંગી ઉગરી ગઈ. બે વર્ષ હતાશામાં ગયા બાદ ફરી આનંદના દિવસો આવ્યા. સાસુમાની ઈચ્છા પૂરી થઈ. દીકરો જન્મ્યો. આનંદ નામ રાખ્યું એ સાથે દુર્ગાદેવીની એકના એક પૌત્રની નેમ પણ જળવાઈ રહી. ફરી નજર પેલી થેલી તરફ ગઈ ને યાદ આવ્યું કે,’ એ એણે પોતે ગુંથેલી થેલીમાં પૂજાનો સામાન લઈ રોજ મંદિરે જતી પરંતુ તે દિવસે પગ લપસતાં સીધા હોસ્પિટલ ભેગા થવું પડયું ત્યારે થેલી મંદિર પાસે જ પડી ગઈ હશે, તે આ થેલી તો ન હોય?’ એણે માથુરને પૂછ્યું, ‘વેચાતી આપીશ?’ માથુર એક ઝાટકે બોલી ઊઠ્યો, ‘ચામડી કહો તો ઉતારી આપું, આ થેલી ન આપું. આ મારી ભાગ્ય થેલી છે. એમાં ફક્ત ઘરેણાં જ મૂકીએ છીએ. મિલીના કહેવાથી આવેલા પૈસામાંથી સૌ પ્રથમ એની માના ગીરવી રાખેલા ઘરેણાં લેવા જાઉં છું.’શુભાંગીએ ફરી કહ્યું,’ તારી દીકરીએ તો કિડની આપી, તું એક થેલી ન આપી શકે?’ માથુરે થેલીને હૈયા સરસી ચાંપી આંખમાં ઝળઝળિયાં સાથે કહ્યું, ‘મારી પત્નીને યુવાનીમાં જ હૃદયની બીમારી હતી, એ બાળકને જન્મ આપી શકે એમ ન હતી, મને તો કચરાપેટી નજીક આ થેલીમાંથી જ મિલી મળી હતી, એટલે જ તો એનું નામ મિલી છે.’ છેલ્લું વાક્ય બોલાતું હતું ને ત્યાં જ દુર્ગા ને સૌરભની રુમમાં એન્ટ્રી થઈ. બંને ચોંકીને એકબીજા સામે તાકી રહ્યાં. સૌરભ અંદરથી હલબલી ઊઠ્યો, શુભાંગીના પગ પાસે ફસડાઈ પડ્યો. દુર્ગાદેવીના મોઢામાંથી આહ નીકળી ગઈ,’મિલી, મારી જ કૂળદીવડી!’ માથુર કાંઈ ના સમજ્યો પરંતુ શુભાંગીનાં મનમાં પારાવાર કળતર સાથે એક એક અંકોડો ખૂલતો ગયો. આંદોલિત થતો ગયો. ‘પૂજાની થેલી, મરેલું બાળક, કચરાપેટી.. ઓહ..ઓહ..!’ ને સાથે જ પોતાના શરીરમાં આરોપાયેલી જીવંત કિડનીના રૂપમાં મિલીના ગર્ભને અનુભવી રહી, વિચારવા લાગી,’દીકરી! તેં તો જન્મ આપનાર અને પાલક મા, બંને માને જીવતદાન આપ્યું.ધન્ય છે તને!’ ત્યાંજ દુર્ગાદેવીના ઉદગાર સંભળાયા,’ માફ કરી દે દીકરી! હું જ તારી ગુનેગાર છું ને એણે દોટ મૂકી, મિલીના ઘર તરફ. યામિની વ્યાસ”. ડાયાલીસીસ બાદ શુભાંગી ગજબની સ્ફૂર્તિ અનુભવતી પરંતુ એ લાંબુ ચાલે એમ ન હતું. બંને કિડની કામ ના કરતી હોવાથી કિડની ટ્રાન્સપ્લાન્ટ જ આખરી ઉપાય હતો. સેવ લાઈફ ઈન્સ્ટિટ્યૂટના છઠ્ઠા માળે આજે શુભાંગી અને કિડની ડૉનર ડૉ. મિલીના ઇન્ટરવ્યૂ હતા. માંડ ત્રેવીસ ચોવીસની આ સોહામણી યુવતી શા માટે પોતાની કિડની ડૉનેટ કરી રહી હતી?એને પૈસાની કોઈ મોટી જરૂરિયાત હશે કે માનવીય લાગણી?’ શુભાંગીના મનમાં પ્રશ્ન થયો હતો.ડૉ. મિલી દોઢેક મહિના પહેલા જ એમ.બી.બી.એસ થઈને ઈન્ટર્નશીપ કરવા આ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાઈ હતી.વારંવાર ડાયાલીસીસ કરાવવા આવતી શુભાંગીના કેસથી એ વાકેફ હતી.શુભાંગીના પતિ સૌરભ અને એકના એક પુત્ર આનંદની કિડની મેચ થતી ન હતી માટે ડૉનરની શોધ ચાલી રહી હતી. આમ પણ મોટા બિઝનેસમેન સૌરભને પત્નીની જિંદગી બચાવવા ગમે તેટલા પૈસા વેરવા પડે તો વાંધો આવે એમ ન હતું.આ બાજુ ખૂબ જ સાધારણ ફેમિલીની ડૉ. મિલી પોતાની માની ઓપન હાર્ટ સર્જરી માટે જરૂરી રકમ મેળવી શકે એમ હતી. બ્લડગ્રુપથી માંડીને દરેક રિપોર્ટસ બંનેના પરફેક્ટ મેચ થતા હતા.શુભાંગી કિડની વેચાતી લઇ રહી હોવા છતાં એના દિલમાં ડૉ. મિલી વસી ગઈ હતી.શુભાંગીએ પ્રથમ પ્રેગ્નન્સી વખતે કરાવેલા ગર્ભ પરીક્ષણમાં ફિમેઇલ ચાઈલ્ડ હોવાથી એબોર્શન, કરાવ્યું હતું, એનો એને ભારોભાર રંજ થયો. ‘પોતાની દીકરી હોત તો કદાચ આવડી જ હોત!’ મા-બાપની લાડલી મિલીએ બિમાર માને કિડની ડૉનેશનની વાત કરી ન હતી, પરંતુ બાપુને સોગંદ આપીને સમજાવી લીધા હતા. એજ હોસ્પિટલના બાજુના યુનિટમાં વર્ષોથી સ્વીપર તરીકે નોકરી કરતા માથુરની એ એકની એક દીકરી હતી. હોસ્પિટલના કેમ્પસમાં જ નાચી કૂદી મોટી થઈ હતી. નાનપણથી જ ભણવામાં તેજ મિલી સફેદ એપ્રન પહેરેલા ચપળ ડૉક્ટર્સને દોડાદોડી કરતા જોતી ત્યારથી એને પણ દર્દીની સેવા કરવા ડૉક્ટર બનવાની ઈચ્છા હતી. માથુર ખૂબ મહેનત, ધગશ અને લાગણીથી બધાંનું જ કામ કરતો એટલે સૌને એના માટે માન હતું. હોસ્પિટલ સ્ટાફના ઘણા ડોકટર્સે મિલીને ભણવામાં મદદ કરી હતી. ઓછું ભણેલા માથુરને દીકરી પર અતૂટ શ્રદ્ધા હતી. દીકરી કહે એ સાચું અને સારું જ હોય એમ એ માનતો.માની હાર્ટ સર્જરી માટે હોસ્પિટલ તરફથી મદદ તો મળે છતાં એની ટ્રીટમેન્ટમાં ખૂબ ખર્ચ થાય જે કિડની ડોનેશન દ્વારા મેળવી શકાય એવી મિલીની ગણતરી હતી. નિયત તારીખે કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન થઇ ગયું. હોસ્પિટલમાં શુભાંગી જેટલી જ કાળજી મિલીની લેવાતી હતી.એને જલદી રજા મળી ગઈ. ફક્ત થોડા દિવસ આરામ કરવાનો હતો.શુભાંગીના શરીરે પણ નવી કિડની સ્વીકારી લીધી હતી. તબિયત પણ સુધારાજનક હતી. એને રજા આપવાની હતી એ દિવસે માથુર શુભાંગીને મળવા ગયો. એને નક્કી કરેલી રકમ તો ઓપરેશનના દિવસે જ મળી ચૂકી હતી.કોણ જાણે કેમ માથુરની ભોળી આંખમાં શુભાંગીને મિલી જ તરતી દેખાતી.થોડી વાત કર્યા બાદ વિદાય લેતા માથુરે પોતાના હાથમાં પકડેલી થેલી નીચે મૂકી નમસ્તે કર્યું. શુભાંગી ચમકી,અંકોડી થી ગુંથેલી સફેદ થેલીમાં કેસુડાનાં બે ફૂલ ગુંથ્યા હતાં. આવી થેલી એણે પણ જાતે ડીઝાઈન કરી ગુંથી હતી,ત્યારે સૌરભે ટકોર પણ કરેલી, ‘તને તો કેસરી ભગવો રંગ બહુ ગમે!’ ‘હા બહુ ગમે. આમ તો કામણગારો છતાં ત્યાગ, બલિદાનનો રંગ. વળી કેસુડાને આનાથી વધુ કયો રંગ સોહે?..’ આ વિચારકડી ચાલતી હતી ત્યાં જ શુભાંગીનીની નજર સામેથી માથુરે થેલી ઉઠાવી લીધી, જાણે વિચારતો હોય,’કિડનીની માફક થેલી પણ નજરે ચડે તો વેચાતી ના લઈ લે! પૈસાદરનું શું કહેવું?’ શુભાંગી પળમાં ભૂતકાળમાં સરી પડી. સામાન્ય ઘરની છતાં સ્માર્ટ અને સુંદર શુભાંગી નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગઈ ત્યારે પેનલમાં બેઠેલા મા અને દીકરા બન્નેની નજરમાં ક્લિક થઈ ગઈ હતી. દુર્ગાદેવી યુવાન વયે પતિને ગુમાવ્યા બાદ, ખૂબ સંઘર્ષ કરી,એકલે હાથે બિઝનેસ સંભાળતાં હતાં. એમણે શુભાંગીને પર્સનલ આસિસ્ટન્ટ તરીકે પસંદ કરી ને દીકરા સૌરભે પ્રિયતમા તરીકે. થોડા પરિચયમાં આવ્યા બાદ શુભાંગી પણ સૌરભને ચાહવા લાગી. કડક સ્વભાવની દુર્ગાદેવીનાં હૃદયમાં લાગણીનું મધ્યબિંદુ ફક્ત એકનો એક પુત્ર સૌરભ જ હતો.એની ખુશી માટે અમીર ગરીબના ભેદભાવ વિના, વગર આનાકાનીએ દુર્ગાદેવીએ સૌરભ- શુભાંગીના લગ્ન કરાવી આપ્યા. પરંતુ એ ઈચ્છતી,કહો કે, એની પ્રબળ ઇચ્છા હતી એકના એક પુત્રની દાદી બનવાની. વંશવેલો વધારવનાર વારસદાર પુત્ર જ હોય,એ પણ એક જ. કોઈની પણ ભાગીદારી વગર એકનો એક પૌત્ર ભવિષ્યમાં બિઝનેસ સંભાળે ને વધારે તો એની શાન જળવાય અને દુર્ગાદેવીનો સંઘર્ષ સાર્થક ગણાય.વળી દીકરીનાં વડીલોએ ક્યારેક નમીને ચાલવું પડે એ એમને હરગીઝ મંજુર નહોતું. એટલે એણે સ્પષ્ટ શબ્દોમાં શુભાંગી સૌરભને કહી દીધું હતું કે, ‘આ ઘરમાં છોકરી જન્મ લેશે નહીં’ અને એની ઈચ્છા વિરુદ્ધ સૌરભ કે શુભાંગીએ બોલવા કે વર્તવાનું હતું જ નહીં. શુભાંગીને પ્રથમ પ્રેગનન્સી દરમિયાન ગર્ભ પરીક્ષણમાં ફિમેઇલ ચાઈલ્ડ હોવાથી દોઢ મહિનામાં જ અબોર્શન કરાવવું પડ્યું હતું.થોડા સમય બાદ ફરી પ્રેગનન્સી રહી ત્યારે દુર્ગાદેવીએ પ્રખર જ્યોતિષને બતાવી પુત્રપ્રાપ્તિની મોંઘી વિધિ કરાવી હતી અને અભિમાનથી કહ્યું હતું કે,’ વગર પરીક્ષણે કહી આપું કે, ‘દીકરો જ અવતરશે. આ જ્યોતિષનું કદી ખોટું પડતું જ નથી.’ દુર્ગાદેવી આ વખતે શુભાંગીની ખૂબ જ કાળજી રાખતાં અને દરરોજ શુભાંગીને મંદિરે લઈ જઈ જ્યોતિષે કહ્યા મુજબની પૂજા કરાવતાં. આ ક્રમ છેલ્લા મહિના સુધી જળવાયો. એવામાં જ એક દિવસ પૂજા કરીને સાસુ વહુ મંદિરનાં પગથિયાં ઊતરતાં હતાં, ને સાડીનો છેડો પગમાં ભેરવાતા શુભાંગીનો પગ લપસ્યો અને પછી.. દોડાદોડ.. હોસ્પિટલન ને ઇમરજન્સી..દોઢ દિવસ શુભાંગી કોમામાં રહી, બાળક ન બચાવી શકાયું પરંતુ શુભાંગી ઉગરી ગઈ. બે વર્ષ હતાશામાં ગયા બાદ ફરી આનંદના દિવસો આવ્યા. સાસુમાની ઈચ્છા પૂરી થઈ. દીકરો જન્મ્યો. આનંદ નામ રાખ્યું એ સાથે દુર્ગાદેવીની એકના એક પૌત્રની નેમ પણ જળવાઈ રહી. ફરી નજર પેલી થેલી તરફ ગઈ ને યાદ આવ્યું કે,’ એ એણે પોતે ગુંથેલી થેલીમાં પૂજાનો સામાન લઈ રોજ મંદિરે જતી પરંતુ તે દિવસે પગ લપસતાં સીધા હોસ્પિટલ ભેગા થવું પડયું ત્યારે થેલી મંદિર પાસે જ પડી ગઈ હશે, તે આ થેલી તો ન હોય?’ એણે માથુરને પૂછ્યું, ‘વેચાતી આપીશ?’ માથુર એક ઝાટકે બોલી ઊઠ્યો, ‘ચામડી કહો તો ઉતારી આપું, આ થેલી ન આપું. આ મારી ભાગ્ય થેલી છે. એમાં ફક્ત ઘરેણાં જ મૂકીએ છીએ. મિલીના કહેવાથી આવેલા પૈસામાંથી સૌ પ્રથમ એની માના ગીરવી રાખેલા ઘરેણાં લેવા જાઉં છું.’શુભાંગીએ ફરી કહ્યું,’ તારી દીકરીએ તો કિડની આપી, તું એક થેલી ન આપી શકે?’ માથુરે થેલીને હૈયા સરસી ચાંપી આંખમાં ઝળઝળિયાં સાથે કહ્યું, ‘મારી પત્નીને યુવાનીમાં જ હૃદયની બીમારી હતી, એ બાળકને જન્મ આપી શકે એમ ન હતી, મને તો કચરાપેટી નજીક આ થેલીમાંથી જ મિલી મળી હતી, એટલે જ તો એનું નામ મિલી છે.’ છેલ્લું વાક્ય બોલાતું હતું ને ત્યાં જ દુર્ગા ને સૌરભની રુમમાં એન્ટ્રી થઈ. બંને ચોંકીને એકબીજા સામે તાકી રહ્યાં. સૌરભ અંદરથી હલબલી ઊઠ્યો, શુભાંગીના પગ પાસે ફસડાઈ પડ્યો. દુર્ગાદેવીના મોઢામાંથી આહ નીકળી ગઈ,’મિલી, મારી જ કૂળદીવડી!’ માથુર કાંઈ ના સમજ્યો પરંતુ શુભાંગીનાં મનમાં પારાવાર કળતર સાથે એક એક અંકોડો ખૂલતો ગયો. આંદોલિત થતો ગયો. ‘પૂજાની થેલી, મરેલું બાળક, કચરાપેટી.. ઓહ..ઓહ..!’ ને સાથે જ પોતાના શરીરમાં આરોપાયેલી જીવંત કિડનીના રૂપમાં મિલીના ગર્ભને અનુભવી રહી, વિચારવા લાગી,’દીકરી! તેં તો જન્મ આપનાર અને પાલક મા, બંને માને જીવતદાન આપ્યું.ધન્ય છે તને!’ ત્યાંજ દુર્ગાદેવીના ઉદગાર સંભળાયા,’ માફ કરી દે દીકરી! હું જ તારી ગુનેગાર છું ને એણે દોટ મૂકી, મિલીના ઘર તરફ. યામિની વ્યાસ”.

Leave a comment

Filed under Uncategorized