ચિ.પરેશને ૬૩મા વર્ષ વર્ષગાંઠના શુભાશીસ

3Paresh-withParents
January 2nd 1959

પરેશ વ્યાસ, Paresh Vyas | ગુજરાતી પ્રતિભા પરિચયhttps://sureshbjani.wordpress.com › p…· Translate this pageJan 1, 2021 — શબ્દ સંશોધનના રસિયા તેમના ઘણા બધા લેખ તેમની માતાના બ્લોગ ‘નીરવ રવે’ પર અહીં ..

ચિ પરેશનો લેખ—-

બીકોઝ: ‘કારણ’ મને ગમે છે.નવાઈની વાત છે કે અમેરિકાની પ્રતિષ્ઠિત મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરીએ તાજેતરમાં અનેક નવીન શબ્દોનું ઉમેરણ કર્યું, એ પૈકી એક શબ્દ છે: બીકોઝ (Because). હવે આ શબ્દ તો વર્ષોથી ઇંગ્લિશ ભાષામાં છે જ. તેનું આજે શું? ઇંગ્લિશ શબ્દ બીકોઝ-નું આપણે ગુજરાતી કરીએ તો થાય ‘કારણ કે’… દાખલા તરીકે- આપ આ લેખ વાંચો છો કારણ કે આપ શબ્દપ્રેમી છો. એટલે એમ કે ‘આપનું વાંચવું’ અને ‘આપનું શબ્દપ્રેમી હોવું’- એ બે ઘટનાને જોડવું હોય તો ‘કારણ કે’ એવા શબ્દો વપરાય. દાખલા તરીકે ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’નાં તાજેતરનાં એક સમાચાર મુજબ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ‘મેં રામ મંદિરની મુલાકાત લીધી કારણ કે હું હિંદુ છું.’ એટલે એમ કે ‘તેઓનું રામમંદિર જવું’ અને ‘તેઓનું હિંદુ હોવું’- એમ બે બાબતો ‘કારણ કે’ શબ્દોને કારણે જોડાઈ ગઈ. શ્રી અરવિંદ કેજરીવાલે આવી ચોખવટ એટલે કરવી પડી કારણ કે તેઓ ઉપર ‘સોફ્ટ હિંદુત્વ’ ફેલાવવાનો આરોપ છે. પોચું હિંદુત્વ? એ વળી શું?! પણ એ વાત ફરી કોઈ વાર. એમ તો આપણાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ ગયે અઠવાડિયે જ ‘બીકોઝ’ શબ્દનો પ્રયોગ કર્યો. તેઓએ કહ્યું કે સામાન્ય માણસ એ ભાજપની શક્તિ છે; આજે એ સામાન્ય માણસનાં દૃઢ વિશ્વાસને કારણે આખી દુનિયા ભારતનાં વખાણ કરે છે; નહીં કે ‘કોઈ મોદી નામનાં માણસને કારણે’. અહીં ‘કારણ કે’-એવું કહીને બે વાક્યોનું જોડાણ નથી. અહીં માત્ર ‘કારણ’ છે. અહીં કારણ શબ્દ દ્વારા બે વાત વચ્ચે શું સંબંધ છે, એ દર્શાવાયું છે. વ્યાકરણની ભાષામાં કહું તો અહીં ‘બીકોઝ’ એ ‘કન્જંક્શન’ (ઊભયાન્વી અવ્યય) નથી પણ ‘પ્રેપોઝિશન’ (સંબંધ સૂચક અવ્યય) છે. સીધી રીતે કહું તો ઇંગ્લિશ શબ્દો ઓન, ઇન, ઓવર, બાય, વિથ, અંડર, અક્રોસ જેવું જ છે આ મોદીસાહેબવાળું બીકોઝ. તો પછી આ હમણાં ડિક્સનરીમાં ઉમેરાયું એ કોઈ નવું ‘બીકોઝ’ છે? હા અને… ના. કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,કારણ નહીં જ આપું કારણ મને ગમે છે. – અમૃત ‘ઘાયલ’ઘાયલ સાહેબ નિવેદન કરે છે કે કાજળથી ભરચક નયન થકી કરવામાં આવતા તારામૈત્રકચક્ષુઅનુરાગી કામણ મને ગમે છે… કેમ ગમ્યું? શા માટે ગમ્યું? અરે ભાઈ, ગમ્યું એટલે ગમ્યું એટલે ગમ્યું. ગમવું એ કાંઈ ગુનો થોડો છે, તે એનાં કારણો દેવા પડે! બસ આ જ અર્થમાં ‘બીકોઝ’ શબ્દ ડિક્સનરીમાં ઉમેરાયો છે. જો મેરિયમ વેબ્સ્ટરનાં કર્તાહર્તાઓને ઘાયલસાહેબનો આ શે’ર ખબર હોત તો બીકોઝ શબ્દ આ અર્થમાં ઘણાં વર્ષો પહેલાં ઉમેરાઈ ગયો હોત. ઘાયલ સાહેબનાં શે’રમાં યુઝ થયેલાં ‘બીકોઝ’ શબ્દમાં એક અદ્ભૂત હ્યુમર પ્રગટે છે. પ્રેમ એ સહજ છે. અને એનું કારણ છે પ્રેમિકાની આંખોનું આ એકધારું અને જબરું કારસ્તાન. કારસ્તાન એટલે? ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘કારસ્તાન’ એટલે તોફાન, મસ્તી, ખટપટ, પ્રપંચનું કામ! હવે આ કામણની વાતમાં તે વળી શું કારણ, બારણ કે મારણ હોય? એ વિષે શું ખોટી પૂછ પૂછ કરવાની? હેં ને? આવું તો હોય. પ્રેમમાં દિલથી વિચારવાનું હોય છે પણ કેટલાંક લોકો ખોટાં અવયવનો ઉપયોગ કરીને વિચારે છે! પ્રેમ મસ્તિષ્કમાં ન હોય, પ્રેમ તો છાતીમાંથી નિષ્પન્ન થતો હોય છે. હવે જેનું કારણ ઘાયલ સાહેબ પણ આપતા નથી તો મારા જેવા મામૂલી કલમઘસિયાની તે વળી શી હેસિયત?! ‘કારણ આપવા’-નાં અર્થમાં ઇંગ્લિશ ભાષામાં ‘બીકોઝ’ શબ્દ ચૌદમી સદીથી છે. મૂળ ‘બાય’ (By) અને ‘કોઝ’ (Cause), એવા બે શબ્દો, બાય એટલે નજીક, પાસે, બાજુમાં અને કોઝ એટલે કારણ, નિમિત્ત, સબબ, અર્થ. પણ પછી કાળક્રમે આ બે શબ્દો એક થઈને ‘બીકોઝ’ બની ગયા. સંબંધ સૂચક અર્થમાં ‘બીકોઝ’ શબ્દ સને ૨૦૧૨થી ઉપયોગમાં આવ્યો. આજે જે બીકોઝ શબ્દ અધિકૃત રીતે ડિક્સનરીમાં શામેલ થયો એ પણ સંબંધ સૂચક જ છે પણ એ એવી રીતે કહેવાય છે કે એમાં એક જાતનું હ્યુમર ઉજાગર થાય. બીકોઝ ઇટ્સ ન્યૂ મીનિંગ, યૂ સી! આજનો શબ્દ ‘બીકોઝ’ ત્યારે વપરાય છે, જ્યારે કશું એવું બને છે, જેનું કોઈ સ્પષ્ટ કારણ નથી અથવા કારણ હોય તો એ સ્પષ્ટ રીતે સમજાતું નથી. અહીં સંદિગ્ધતા છે, અનિશ્ચિતતા છે. કશું એવું છે, જે અસ્પષ્ટ છે, અચોક્કસ છે. અને રમૂજની રીતે આ વાત કહેવી હોય ત્યારે બીકોઝ શબ્દ હાથવગો છે. તમે એને આંગળીવગો કે જીભવગો પણ કહી શકો. દાખલા તરીકે એમ કહી શકાય કે નરેન્દ્ર મોદી તો અયોધ્યા રામ મંદિરમાં જાય જ જાય પણ અરવિંદ કેજરીવાલ….? બીકોઝ ઇટ્સ પોલિટિક્સ! અહીં કારણ સ્પષ્ટ નથી, સ્પષ્ટતા કરવાની જરૂર પણ નથી. રાજકારણમાં કાંઈ કારણ થોડું હોય? અહીં તો ચૂપકીદી પણ એક સ્ટેટમેન્ટ હોય છે.અહીં બધું ગોળ ગોળ હોય. ફોડ પાડીને કોઈ કહે નહીં. અને પછી એવું કહે કે મૈંને ઐસા તો નહીં કહા થા! બાય ધ વે, ભગવદ્ગોમંડલ અનુસાર રાજકારણનો એક અર્થ થાય છે: રાજખટપટ. અને ખટપટ એટલે? ખટપટ એટલે દાવપેચથી કામ કરવાની રીત, પંચાત, કડાકૂટ, ઝઘડો, કજિયો. અને એમ થવાનું કારણ? એનું કારણ રાજકારણ! તંઈ શું? આવું જ વિજ્ઞાનનું છે. વિજ્ઞાન આમ તો ચોક્કસ છે. પણ મારા જેવા સામાન્ય માણસને એ પલ્લે ન પડે. એમ કે પ્રવાહીને ગરમ કરીએ તો વાયુ સ્વરૂપ બનવું જોઈએ પણ ઘન કેમ થઈ જાય છે? દાખલા તરીકે ઢોકળાં. ગરમ કરીએ તો ઘન થઈ જાય, એનું કારણ? વિજ્ઞાન..! રાજકારણ અને વિજ્ઞાન ગહન હોય છે. ઇંગ્લિશમાં એટલે તો રાજકારણને પોલિટિકલ સાયન્સ કહે છે. સામાન્ય માનવીને એ સમજાતા નથી. એટલે જ્યારે અઘરી વાત હોય તો કારણ રાજકારણ.. કે કારણ વિજ્ઞાન… એમ રમૂજમાં કહીને હાથ ઊંચા કરી દેવા. પણ પ્રેમનો વિષય તો આપણી હોમપિચ. દરેકનો પોતાનો પોતીકો અનુભવ. પ્રેમ થયો તો હોય જ. આપણે ત્યાં તો સાલું ભવ ભવનાં પ્રેમ-ની વાત થાય. ગજબ છે, નહીં?! અને તેમ છતાં એ ક્યારે થાય? કેમ થાય? કોની સાથે થાય? અને…કેટલું ટકે? તૂટે તો પછી ફરી થાય? અને આપણાં ગુજરાતીઓ માટે તો… કેટલામાં પડે?- અને આવા તો કેટલાંય સવાલો.. અને આ સવાલોનાં કોઈ વન-સાઇઝ-ફિટ્સ-ઓલ જવાબો હોતા નથી. એનું કારણ? પ્રેમ..પરેશ વ્યાસ

શબ્દ શેષ: “સાચી વસ્તુ કરવી કારણ.. એ સાચી છે.” –જર્મન ફિલોસોફર ઇમેન્યુઅલ કેન્ટ (૧૭૨૪-૧૮૦૪)

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “ચિ.પરેશને ૬૩મા વર્ષ વર્ષગાંઠના શુભાશીસ

  1. ગોવીન્દ મારુ

    🌹 🎂 જન્મ દીવસે અઢળક અભીનન્દન… 🎂 🌹

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.