ફો પા: faux pas પરેશ વ્યાસ

ફો પા: ભૂલ તો બ્રહ્માની ય થાય..

જિંદગી ! ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત !

એક પગલું ખોટું ને ખોટો જ આખો દાખલો. –

મનસુખલાલ ઝવેરી

ક્રિકેટ આપણો પસંદીદા ટાઇમપાસ છે. હવે ન્યૂઝીલેન્ડ સામે બે ટેસ્ટ મેચની સીરીઝ ચાલુ છે. કે.એલ.રાહુલ ઇજાગ્રસ્ત છે. હનુમા વિહારી ટેસ્ટ ટીમમાંથી પડતો મુકાયો. એ નથી. હોવો જોઈતો હતો. બિચારાનો વાંક શું?- એવું અજય જાડેજાએ કહ્યું. આકાશ ચોપરાએ કહ્યું કે આ પસંદગીકારોએ કરેલો ફો પા છે. પછી એને લાગ્યું હશે કે અઘરો શબ્દ ટ્વીટી નાખ્યો એટલે બીજા વાક્યમાં એનો અર્થ પણ કહી દીધો: ઈટ વોઝ એ ગ્રેવ મિસ્ટેક.. મિસ્ટેક તો આપણે જાણીએ. ગ્રેવ એટલે ઘોર, કબર. ગ્રેવ એટલે ગંભીર, ચિંતા કરાવનારું એવો અર્થ પણ થાય. ગુજરાતીમાં ‘ઘોર બેદરકારી’ શબ્દો આપણે વાપરીએ જ છે. આકાશ ચોપરા પણ એ જ કહે છે કે આ ફો પા ઉર્ફે ગંભીર ભૂલ છે. આજનો આપણો શબ્દ ફો પા(Faux Pas) છે. ઉચ્ચાર પહોળો એટલે ‘ફોહ પાહ’ એવો થાય. એકવચન અને બહુવચનમાં સ્પેલિંગ એક જ પણ બહુવચનમાં ઉચ્ચાર ‘ફોહ પાહઝ’ એવો થાય. ગુજરાતી લેક્સિકોન અનુસાર એનો અર્થ થાય છે: વર્તનમાં કે રીતભાતમાં ગંભીર ભૂલ, આબરૂને જોખમમાં નાખે એવું કામ, અવિચારી કૃત્ય. મૂળ ફ્રેંચ શબ્દ. ‘ફો’ એટલે ખોટું. અને ‘પા’ એટલે પગલું. ઇંગ્લિશમાં કહીએ તો ફોલ્સ સ્ટેપ કે મિસસ્ટેપ. સને ૧૬૭૦થી ફ્રેંચ શબ્દ ફો પા ઇંગ્લિશ ભાષાએ અપનાવી લીધો છે. બીજી ભાષાનો હોય એટલે આમ લાગે પણ મઝાનો. આપણે ગુજરાતી બોલીએ ત્યારે જાણી જોઈને ભારેખમ ઇંગ્લિશ શબ્દ કે ઉર્દૂ શબ્દ ઉપયોગ કરીએ એવું. પણ પછી કાળક્રમે એ બોલાયા કરે તો એ શબ્દ પછી આપણો જ થઈ જાય. સામાન્ય રીતે એટિકેટ ઉર્ફે સામાજિક શિષ્ટાચારમાં કે વ્યવસાયની અલિખિત આચારસંહિતામાં મૂર્ખામીભરેલી ભૂલ થઈ જાય ત્યારે એ ફોક્સ પા કહેવાય. ગુજરાતીમાં સરસ શબ્દ છે: છબરડો. કાંઈ પરિણામ ન આવે એવું કરવું, ગોટાળો કરવો, કંઈને બદલે કંઈ કરવું, ઊંધું વેતરવું. શબ્દોની જબરી મઝા હોય છે. ફો પા-નાં સમાનાર્થી શબ્દો છે ગૅફ (Gaffe)- ગફલત, બ્લન્ડર (Blunder)- મોટી ભૂલ, ઇન્ડિસ્ક્રીશન (Indiscretion)- અવિચારી પગલું, ઇમ્પ્રૉપ્રાયિટી (Impropriety)- અનૌચિત્યતા, સૉલિસિઝમ (Solecism) વ્યાકરણ કે શિષ્ટાચારદોષ, બૂ-બૂ (Boo-Boo) મૂર્ખામી, ગોશરિ (Gaucherie)- અણઘડ કે અનાડીનું કામ, સ્લિપ-અપ (Slip-up) નજર-ચૂક, કલેંગર (Clanger) વાહિયાત ભૂલ, પિકડિલો.. બસ હવે, એક ભૂલ માટે આટલાં બધા શબ્દો? આમાં તો ભૂલ થઈ જાય, ભાઈ! આપણે તો આ ફો પા શબ્દ સારો. તળપદી ગુજરાતીમાં ‘ભગો’ કે ‘ગોટો’ થઈ ગ્યો!-એવું કહેવાય. તંઈ શું? સામાન્ય રીતે સામાજિક શિષ્ટાચારની ભૂલ ફો પા ગણાય. જેમ કે કોઈ બહેન પરણેલાં ન હોય પણ તમે એને મિસિસ તરીકે સંબોધન કરો તો એ ફો પા કહેવાય. કોઈ અજાણ્યાને કાકી કહેવા કરતાં માસી કહો તો સારું! અમેરિકા યુરોપમાં કોઈને જાહેરમાં મળો તો હાથ મેળવો, ગળે મળો કે ગાલ ચૂમી લો પણ ભારતમાં એવું કરવું ફો પા ગણાય. ફિલ્લમવાળાની વાત જુદી છે, ભાઈ. એમને તો આ પા કે ઓ પા, કશું ય ફો પા નથી! કોઈને ઘરે જઈને એને કહીએ કે તમારી સજાવટનો વટ પડે છે તો એ સારું પણ ઘર ગોઠવણીની ટીકા કરવા માંડવી એ ફો પા છે. પુરુષને પગાર અને સ્ત્રીને ઉંમર ન પૂછાય. અને બંનેને એવું ન જ પૂછાય કે… તે હેં ભૈ કે… તે હેં બેયન, તમારી સેકસ લાઈફ કેવી જાય છે? ડોન્ટ ડૂ ધેટ. આ મેજર ફો પા છે. કોઈને નીચા ઉતારી પાડવું, એ પણ ફો પા છે. સમાચારમાં ફો પા છવાયેલો રહે છે. પાકિસ્તાનનાં માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરી બિચારા ભૂલી જાય છે. હમણાં તેઓ ઓન કેમેરા બોલી પડ્યા કે ‘ગાર્લિક બોલે તો… અદ્રક’. આપણે તો જાણીએ જ કે લસણને આદુ ન કહેવાય. શક્ય છે કે તેઓ આદુ લસણ ન ખાતા હોય. પછી તો શું આદુ? ને શું લસણ? બધું એકનું એક. પણ નેટિઝન્સ લોકોએ એમનાં આ લસણિયાં ફો પા બદલ ફવાદ ચૌધરીને ઓનલાઈન ફોલી નાંખ્યા. લસણિયું એટલે કીમત વિનાનું, નમાલું. ગયા મહિને ગ્લાસગોમાં ક્લાઇમેટ ચેન્જની કોન્ફરન્સ થઈ હતી. વિશ્વની આબોહવા બદલાઈ રહી છે, પ્રદૂષિત થઈ રહી છે. સૌએ સાથે મળીને આ પ્રશ્ન હલ કરવો જોઈએ. આપણાં પ્રધાનમંત્રી પણ ત્યાં ગયા હતા. એમાં ઑસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને પોતાના પ્રવચનમાં ફો પા કર્યો. તેઓ -સૌએ સાથે મળીને ક્લાઇમેટ ચેન્જની સમસ્યા હલ કરવી જોઈએ-ની જગ્યાએ –સૌએ સાથે મળીને ચીનની(!) સમસ્યા હલ કરવી જોઈએ- એવું બોલી પડ્યા. પણ તરત સુધારી લીધું. હૈયે હોય એ હોંઠે આવી જાય, એવું માણસ માટે સાંભળ્યું હતું. પણ રાજકારણીની ય લૂલી લપસી જતી હોય છે. કોઈક વાર કોઈ અલગ જ ફો પા થઈ જતો હોય છે. એકતરફી સંવાદ ન થાય એવા શુભ આશયથી સરકારી શિક્ષકોનાં એક સંમેલનમાં રાજસ્થાનનાં મુખ્ય પ્રધાને શિક્ષકોને પૂછ્યું કે તમારે બદલી માટે પૈસા દેવા પડે છે? અને બધા જ શિક્ષકોએ એક અવાજે કહ્યું કે હા… હા.. હા. જબરો ફો પા થઈ ગયો. શિક્ષકો સાચું કહેવા ટેવાયેલા હોય છે. તેઓને આવું ન પૂછાય. મનની વાત પૂછવી હોય તો ખાનગીમાં પૂછાય, જાહેરમાં એનો ભગો ન થાય. હેં ને? ના, સાહેબ, જિંદગી ગણિત નથી. દરેક પગલું પા પા પગલી છે. ક્યાંક ફો પા થઈ પણ જાય. માણસ માત્ર, ફો પાને પાત્ર. મથાળે ટાંકેલી કવિતા કયા સંદર્ભે કવિએ કહી હશે, એ ખબર નથી પણ અમે સ્પષ્ટપણે માનીએ છીએ એક ફો પા એટલે સઘળું ખોટું- એવું જરાય નથી. ભૂલ્યા ત્યાંથી ફરી ગણવું. એક વાર ફો પા એટલે એ ડોફા… એવું નથી. ભગવદ્ગોમંડલ અનુસાર ‘ડોફો’ એટલે કાંઈ નહીં, શૂન્ય, મીંડું. પણ અમે ફો પા અને ડોફા શબ્દનો પ્રાસ બેસાડવા આવું લખીને આખરે તો ફો પા જ કર્યો. કારણ કે ડોફો શબ્દ અશ્લીલ અર્થમાં વપરાય છે. લો બોલો! પણ…ગફલત તો થાય. ગલત મતલબ પણ થાય. પણ જાત સાથે જાત્રા તો કરવી જ રહી. ભૂલને ભૂલીને આગળ વધો. જો કે ધ્યાન તો અલબત્ત રાખવું જ પણ ભૂતનું સંપેતરું સાથે ન રાખવું. હેં ને? શબ્દ શેષ: “મારો સૌથી મોટો ફો પા, મારા પોતાના માટે સમય ન આપવો, એ છે.” –અમેરિકન ફેશન ડીઝાઇનર ડોના કરન

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.