અરે, બાલ્કનીમાં ખીલેલાં કુંડાં હોય તો કેવું સરસ લાગે! તુલસી, ફૂદીનો કે પૂજા માટેનાં ફૂલ માટે પણ બેચાર કુંડાં હોય. પણ આ મૂઆ કબૂતરા રહેવા દે તો ને! અનિલભાઈ કુંજલતાબેનનો રોજનો આ બળાપો સાંભળતા. બાલ્કનીમાં વર્ષોથી કુંડાં રાખતાં પરંતુ કબૂતરો ચાંચથી એનાં સાંઠીકડાં તોડી તોડીને ત્યાં જ માળો બનાવતાં. તુલસીની માંજર તોડી નાખતાં, ફુદીનાની ડાળખી તોડી નાખતાં. તેમને ઊડાડવા માટે કેટલાય ઉપાયો અજમાવ્યા. કોઈએ કહ્યું કે, અરીસાના ટુકડા મૂકો. કોઈએ કહ્યું કે, સીડી લટકાવો. ઘણા બધા પ્રયોગ કર્યા પરંતુ કબૂતર જેનું નામ, આવી જ જાય! દીકરો ને દીકરી પરિવાર સાથે વેકેશનમાં ભેગા થતા ત્યારે પણ કુંજલતાબેન આજ વાત કરતાં. આખરે દીકરાએ કબૂતર ન આવે તે માટે જાળી કરાવી દીધી. કુંજલતાબેનને હાશ થઈ જાળીનો રંગ પણ લીલા રંગનો એટલે આંખોને પણ ઠંડક વર્તાય. વેકેશન પૂરું થયું એટલે દીકરો ને દીકરી પણ ખૂબ ખુશ થઈને ગયાં. અનિલભાઈ તો આખો દિવસ પેપર વાંચે, સમાચાર સાંભળે સાંજે ચાલવા જાય, જૂનાં ગીતો સાંભળે, એમ તેમનો સમય ખૂબ સરસ રીતે પસાર થાય. કુંજલતાબેન સવારે દેવસેવા અને થોડી સાફ-સફાઈ વગેરે જેવાં કામમાં હોય. બાકી રસોઈવાળાં બેન આવે, ઘરકામ માટે બેન આવે. હવે તો જાળી થઈ ગઈ એટલે સરસ મજાનાં નવાનક્કોર કુંડાં ગોઠવાયાં. મહિનામાં બે-ત્રણવાર માળી આવી જાય અને તેની સંભાળ રાખી જાય. હાશ! કેવાં સરસ જાસૂદનાં અને બારમાસીનાં ફૂલ થયાં છે! વળી, નાગરવેલનો છોડ પણ રોપાયો. ફુદીનાની ચા પીવાતી. વિષ્ણુ ભગવાનને તુલસી પણ ચઢાવાતી. પ્રસાદ પર તુલસીનું પત્તું મુકાતું. કુંજલતાબેન બાલ્કનીમાં જાળી થઈ જવાથી બેહદ ખુશ હતાં. દેવસેવા પતી જાય પછી થોડો સમય આમતેમ ઘરમાં ગોઠવણી કરીને જમવાનો સમય લાવી દેતાં, પછી તો સાવ જ નવરાં. ઘરમાં હવે નાનાં છોકરાં પણ નહીં. કોણ ઘર બગાડે? જે પણ હોય તે સફાઈ થઈ જતી હતી. કુંજલતાબેનનો બપોર પછીનો સમય કાઢવો અઘરો થતો. દીકરો ને દીકરી યાદ આવતાં. એવામાં એક દિવસે કુરિયરમાં દીકરીએ એમની વર્ષગાંઠે સાડલો મોકલ્યો. પહેલાં તો કુંજલતાબેન નવી સાડી આવે તો બારસાખે મૂકતાં અને કહેતાં કે બારસાખે મૂકવાથી બાર સાડી આવે! પરંતુ હવે એટલી ધીરજ રહી નહોતી. તેમને થયું કે, બાર બાર સાડીનું તે હવે શું કરવું? ઘરમાં સાડીઓનો ઢગલો પડ્યો છે. ને એમ તે મનમાં મલકાતાં. સાડી પહેરી જોવાની એમને ઈચ્છા થઈ. છેડો કાઢીને નવી સાડી ઉપર લગાવવા જતાં હાથ સહેજ બારી સાથે અથડાયો. તેમને દૃશ્ય યાદ આવી ગયું. એક દિવસ અરીસામાં જોઈને કુંજલતાબેન તૈયાર થતાં હતાં ત્યારે એક કબૂતર ઘરમાં ઘૂસી ગયું હતું. બારીનાં પારદર્શક કાચવાળાં સ્લાઈડિંગ ડોર બંધ હતાં. કબૂતરને કાચ દેખાય નહીં ને વારંવાર તે બહાર જવા કાચ સાથે અથડાતું હતું, કુંજલતાબહેન ત્યારે નક્કી નહોતાં કરી શક્યાં કે પહેલાં છેડો સરખો કરવો કે કબૂતરને બહાર કાઢવું. તેમને તો એમ જ હતું કે, ઘરમાં કોઈ નથી તો લાવ, તૈયાર થઈ જાઉં, પરંતુ જાણે તેમને કબૂતરની પણ શરમ આવી ગઈ હતી! એ વાત યાદ આવતાં જ તેઓ હસી પડ્યાં અને સાડી તરફ જોઈને મનોમન બબડ્યાં, ‘અહીંયાંયે કબૂતર પીછો નથી છોડતાં.’ દીકરીની દીકરીએ સાંજે જન્મદિવસની શુભેચ્છા પાઠવવા વિડીયોકૉલ કર્યો. બાએ સાડી બતાવી અને પાછળ બાલ્કનીમાં એજ રંગના લીલીના ફૂલ ખીલેલા જોઈ દીકરી ખૂબ ખુશ થઈ. દીકરાનો ફોન પણ આવી ગયો. પૌત્ર કુશ પ્રોજેકટ વર્કમાં બીઝી હતો છતાંયે ટહુક્યો ને દાદીને શુભેચ્છા પાઠવી.કુંજલતાબેનને નાનકડો કુશ યાદ આવી ગયો. સ્કૂલમાં ‘ફેધર કલેક્શન’નો પ્રોજેક્ટ આપ્યો હતો. ‘ફેધર કલેક્શન’ એટલે જુદાજુદા પક્ષીઓનાં પીછાં ચોંટાડીને જે તે પંખીનું નામ લખીને એક નાનકડો સંગ્રહ બનાવવાનો. ત્યારે બધાં પીછાં શોધતાં કેટલી માથાકૂટ થઈ હતી! સૌથી પહેલું પીછું મળ્યું હતું કબૂતરનું. બીજાં પીછાં જડતાં જ ન હતાં. દીકરો હસ્યો હતો કે ચાલો, કબૂતરનાં જ પીંછાને રંગીને બીજાં પક્ષીનાં પીછાં બનાવી દઈએ! લો, અહીં પણ કબૂતર પીછો નથી છોડતું! અને હા, એ તો કેમ ભુલાય? કુશ અનિલભાઈને ચાર રસ્તે લઈ જતો. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફિલ્મ જોઈ ત્યારથી તે શાહરૂખ ખાનની એક્ટિંગ કરતો અને દાદાને અમરીશપુરીની એક્ટિંગ કરવા માટે કહેતો. કુશ ‘આઓ… આઓ…’ કરીને દાણા નાખીને કબૂતર બોલાવતો. પછી તો જાણે ચાર રસ્તે જઈને કબૂતરને દાણા ખવડાવવાનો અનિલભાઈનો નિત્યક્રમ જ બની ગયો હતો! ત્યારે પણ બાલ્કનીમાં કબૂતરનો ત્રાસ ઓછો ન હતો. પરંતુ કોણ જાણે એવું લાગતું ન હતું. ઘરમાં જ એટલી બધી વસ્તી હતી કે બહારની વસ્તીની બહુ ફિકર ન હતી. અરે હા, કૂંડા પાસે કબૂતર કેટલા બધા માળા બનાવતાં! માળા બનાવે ત્યાં સુધી તો ઠીક, પરંતુ તેમાં જાતજાતની રિબિનો, દોરીઓ, લોખંડના તારના ટુકડા ને સાંઠીકડાં ભેગાં લઈ આવતાં. એનો જેવોતેવો માળો બનાવીને તેમાં ઈંડા મૂકતાં. ઈંડા ન મુકાય ત્યાં સુધી તો માળો ફેંકી પણ દેવાય, પરંતુ ઈંડા મૂક્યા પછી તો બચ્ચાંનો જન્મ થાય ત્યાં સુધી અનુકંપાવશ માળો રહેવા જ દેવો પડે. આ બાજુ દીકરાની વહુ બિરવા પણ સગર્ભા હતી. જોગાનુજોગ તેની ડિલિવરી થઈ તે જ દિવસે ઈંડામાંથી પણ બચ્ચાં નીકળ્યાં. તે બચ્ચાં માટે કુંજલતાબેને ચાદરનો ટુકડો પાથરી દીધો હતો ને ઠંડીમાં તેઓ પર કપડું પણ ઓઢાડતાં અને નીચે ન્યૂઝપેપર પાથરી દેતાં. બચ્ચાં અઘાર કરીને કેટલું ગંધાવી મૂકતાં! પરંતુ થાય શું? અને પછી રોજ રાહ જોવાતી કે ક્યારે બચ્ચાં ઊડે. એક દિવસ ખબર જ ન પડી કે ક્યારે બચ્ચાં ઊડી ગયાં. કુંજલતાબેનને વિચાર આવ્યો કે, એ બચ્ચાં ઊડીને ક્યાં જતાં હશે? તેનાં માબાપ સાથે રહેતાં હશે કે પછી તેઓ પણ સ્વતંત્ર? ખબર નથી. હા, મારે પણ તો એમજ છે ને? મારાં બચ્ચાં પણ ઊડી ગયાં છે, પરંતુ તેઓ આવે છે જરૂર ને અમારી કાળજી પણ રાખે છે. અરે…રે… હુંય કેવી કેવી સરખામણી કરું છું! મારી અને કબૂતરની? થોડા દિવસ વીત્યા અને ફરીથી કુંજલતાબેનને કબૂતરની વાત યાદ આવી. કેવાં ઊડીને ઘરમાં ઘૂસી જતાં! બિન્દાસ્ત સોફા પર કે બેડ પર જરા પણ ડર વગર ડગલાં માંડતાં અને એક દિવસ તો પંખામાં આવી જાય તેવી બીકથી હું દોડીને પંખો બંધ કરવા ગઈ ને લસરી પડી હતી. કબૂતરને ત્યારે તો સખત ગાળો આપી હતી. કુંજલતાબહેનના મગજમાંથી કબૂતરપુરાણ પૂરું થતું ન હતું. તેમના મનમાં આ બધાં જ દ્રશ્યો ફરી જીવંત થઈ ગયાં હતાં. જાળી નંખાવ્યાં પછી હાશકારો થતો હતો, પરંતુ કોણ જાણે કેમ એક કબૂતર ક્યાંકથી ઘૂસી આવ્યું. તરત જ તેમણે અનિલભાઈને બૂમ પાડી, “આ જુઓ, અહીંથી જાળી ફાટી ગઈ છે એટલે આવી ગયું હશે.” અનિલભાઈ એ કહ્યું. “કાલે માળી આવશે એટલે તેને કહીશ.” બીજે દિવસે માળીને કહ્યું કે, આ જાળી અત્યારે જરા સીવી દે. આમ પણ જૂની થઈ ગઈ છે.” માળીએ કહ્યું કે, દાદા નવી જ નંખાવી દો ને!” દરમિયાન, દીકરાનો ફોન આવ્યો, “કુંજલતાબેને પાછો બળાપો શરૂ કર્યો. જાળી ફાટી ગઈ છે અને કબૂતર ઘૂસી આવે છે.” દીકરાએ કહ્યું, “માળીકાકાને ફોન આપો.” તેણે માળીકાકાને એડ્રેસ સમજાવી દીધું અને ત્યાંથી નવી જાળી લઈને માણસ લઈ આવવાનું કહ્યું, બીજે દિવસે તાબડતોબ આવ્યો. એણે જૂની જાળી કાઢી નાંખી અને કહ્યું કે કાલે આવીને નવી જાળી નાખી દઈશ. જૂની જાળી કાઢતાં જ કબૂતરનું એક પીછું પ્રતિનિધિ રૂપે ઊડતું ઊડતું હક્કપૂર્વક ઘરમાં આવ્યું. તે ખૂબ નાનકડું હતું. કુંજલતાબેને ધીમેથી તે ઉપાડ્યું. એમને થયું કે, આ કોઈ બાળ કબૂતરનું પીછું લાગે છે. તેમણે પીછું બાલ્કનીના ખૂણામાં મૂકી દીધું અને અનિલભાઈને કહ્યું, “ભલે ગમે તેમ હોય પરંતુ જાળી વગર ઘર કેવું સરસ લાગે છે! નકરો હવા-ઉજાશ ને પવન! અનિલભાઈએ કહ્યું, “મને તો જાળી ગમતી જ નથી. તેં કહ્યું હતું તેથી લગાવેલી. કંઈ વાંધો નહીં, કાલે નવી જાળી આવી જશે. “ના, આ તો આપણે કેદખાનામાં હોઈએ તેવું લાગે છે.” કુંજલતાબેને અનિલભાઈને મોબાઈલ આપતાં કહ્યું, “એને ના પાડી દો. હવે આ કેદખાનામાં નથી જીવવું. ભલે આવે કબૂતર અને સુખેથી ચણી જાય. હું અહીં જ ચણ અને પાણી મૂકીશ.” –