શૂઇ: છેલ્લો જોડો બીયરનો પી જજો મેથ્યુ…
આત્મમિલન મારી શૈયા તૈયાર છેપણ જોડા અને ખમીશની જેમતું તારું શરીર પણ ઊતારી લેત્યાં મૂડા પર મૂકી દે.કોઈ ખાસ વાત નથી –આ પોતપોતાના દેશનો રિવાજ છે.
– અમૃતા પ્રીતમ
શૂ ઉર્ફે પગરખું કે જોડો એક પ્રિય શરીરાવરણ છે. તમે એને ખાસડાં કે જૂતિયાં ય કહી શકો. ટૂંકમાં બે પગે પહેરાય એવો ખાડાવાળો ઘાટ એટલે જોડા. જોડા અને પથારી- એ બે વસ્તુ શ્રેષ્ઠ હોવી જોઈએ કારણ કે એ બેમાંથી એકમાં તો આપણે હોઈએ જ. આજનો શબ્દ ‘શૂઇ’(Shoey) જોડાની સાથે જોડાયેલો છે. વર્લ્ડ ટી-૨૦ ક્રિકેટ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા જીત્યું. હવે એની ઉજવણી તો કરવી જ પડે. એટલે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ અનુક્રમે મેથ્યુ વેડ અને માર્ક સ્ટોઈનિસે જોડામાં બીયર ભરીને પીધો. આ સાલું ગજબ! પાકિસ્તાનનાં શોએબ અખ્તરને આ આખી વાત થોડી સૂગ કે થોડી ચીતરી ચઢે એવી લાગી પણ જીતની ખુશાલીનાં પોતપોતાનાં દેશનાં રિવાજ હોય છે. ઇન્ડિયામાં તો બૂટ તો દૂર, કોઈનાં એઠાં પવાલાંમાં પાણી ય પીવાનો રિવાજ નથી. ગુજરાત હોય તો બીયરની જગ્યાએ ફીણ ફીણવાળું લીંબુપાણી હોય. પણ કોઈ પણ રીતે એ જોડામાં ભરીને તો ન જ પીવાય. પણ ઓસ્ટ્રેલિયામાં આવું ઉજવણી રૂપે થાય. કારણ કે ત્યાંનો એવો રિવાજ છે. લો બોલો! સારું છે આપણાં મોદી સાહેબ પીતા નથી. નહીં તો તેઓની ઓસ્ટ્રેલિયા મુલાકાત દરમ્યાન ત્યાંનાં પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન સાહેબ તેઓને જોડે જોડે પીવરાવે ય ખરાં. માટે જ ધ્યાન રાખો, પીવું નહીં અને પીવા દેવું ય નહીં. હેં ને?‘શૂઇ’ એટલે જોડો ભરીને દારૂ પીવો. ભૂતકાળમાં આવું કરવું સારું ય ગણાતું અને ખરાબ પણ. કોઈ પ્રસંગે એ શુભની નિશાની ગણાતું. એમ કરવું શુકનિયાળ ગણાતું. એમ કે એમ કરો તો સુવાણ થાય, એવી માન્યતા હતી. જો કે રેગિંગ રૂપે પણ જબરજસ્તી કરવાનું આળ પણ એની સાથે જોડાયેલું રહ્યું. કોઈ નવાંસવા વિદ્યાર્થીને એનાં સિનિયર્સ પજવણી રૂપે જોડો ભરીને જબરાજસ્તીથી દારૂ પીવરાવતા. અને હા, વીસમી સદીની શરૂઆતમાં, ક્યાંક વધારે પડતો ઉત્સાહ કે અધીરાઇની પરાકાષ્ઠા રૂપે કોઈ પાર્ટીમાં, કોઈ સુંદર સન્નારીનાં સેન્ડલમાં શેમ્પિયન ભરીને પીવાની ઘટના બનતી તો એ સામાજિક અવનતિ કે પડતીની નિશાની ગણાતી. ટૂંકમાં, જોડે પીજો રાજ!… વાત આમ એક જ પણ રસમ જુદી, કરમ નોખાં, શરમ જુદી, ભરમ નોખાં! વીસમી સદીની શરૂઆતમાં અમેરિકાનાં શિકાગો શહેરમાં અદા અને મીના એવરલે નામક બે બહેનો દ્વારા એક ઉચ્ચ કક્ષાનું વેશ્યાગૃહ ચાલતું હતું. સને ૧૯૦૨માં પ્રુશિયા(હાલનાં જર્મની)નાં પ્રિન્સ હેન્રીનાં યારદોસ્તોની ટોળી આ વેશ્યાગૃહની મુલાકાતે ગઈ. તેઓને ખુશ કરવા વેશ્યાગૃહની નૃત્યાંગનાઓ પોતાનાં અંગ ઉપાંગનું સાંગોપાંગ પ્રદર્શન કરીને નાચી રહી હતી ત્યારે તે પૈકી એકનું સેન્ડલ ઊડીને ફર્શ પર પડ્યું. ટોળકીનો એક લટુડોપટુડો સદસ્ય દોડ્યો, સેન્ડલ હાથમાં લીધું, એ સેન્ડલની પ્યાલી બનાવી અને એમાં શેમ્પિયન ભરીને એ દારૂને આકંઠ પીધો. કહે છે કે ત્યારથી ‘સ્લિપર શેમ્પિયન’ ઉર્ફે શૂઇની પ્રથા શરૂ થઈ.જર્મન લશ્કરમાં પણ બૂટે બૂટે પીવાનો રિવાજ હતો. પ્રથમ વિશ્વયુદ્ધમાં યુદ્ધ પહેલાં જર્મન સેનાનાં જવાનોને ચામડાંનાં બૂટમાં દારૂ પીવાનું કહેવામાં આવતું. એવી પૌરાણિક માન્યતા હતી કે બૂટ ભરીને દારૂ પીવું ગૂડ લક લાવે છે. આ વિધિમાં દારૂ પીતા પહેલાં અને પછી, બૂટને ટપલી મારવાનો પણ રિવાજ હતો. એક વાર એક પ્રુશિયન સેનાપતિએ યુદ્ધ પહેલાં જાહેર કર્યું કે જો આપણે જીતીશું તો હું જોડામાં શરાબ ભરીને પી જઈશ. અને યુદ્ધ જીતી ગયા. પણ પછી એણે શૂઈ કરવાનો વિચાર માંડી વાળ્યો. પણ બોલેલું તો પાળવું પડે. એટલે એણે જોડા આકારનો કાચનો ગ્લાસ બનાવીને એમાં દારૂ પીધો. કારણ કે એ સેનાપતિ હતો!શૂઈ પ્રથા ઓસ્ટ્રેલિયામાં લોકપ્રિય છે. અલબત્ત અન્યત્ર પણ એવું કરવામાં આવે છે. શૂઈ કરવાની પણ એક વિધિ છે. આ માટે પોતાનો કે કોઈ મિત્રનો જોડો નિયુક્ત કરવામાં આવે છે. પછી કેન ખોલીને બીયર જોડામાં ઠલવાય છે. ફીણ ફીણ બીયર સેટલ થઈ જાય એટલે પછી એને ઊંચે રાખીને પોતાનાં મોઢામાં રેડીને પછી ગટ ગટ ગટ પી જવાનું. મોઢે માંડીને નહીં પીવાનું. બૂટની બોટાચાટી નહીં કરવાની. પણ બૂટનો સ્વાદ કે ગંધ? ફોર્મ્યુલા વન કાર રેસ વિજેતા ઓસ્ટ્રેલિયન ડેનિયલ રિકીઆર્ડો કહેતો કે બીયર ઠંડી હોય તો મઝા આવે પણ જો ઠંડી ન હોય તો પરસેવાનો ગંદો સ્વાદ એમાં ભળી જાય. ના, અમને ખબર નથી કે મેથ્યુ વેડે કોલ્ડ બીયર જોડામાં નાંખીને પીધી કે પછી વોર્મ બીયર? પણ ઉજવણી અને પજવણી.. એમાં બધું ચાલે. કોઈનો રિવાજ કોઈને વિચિત્ર લાગે. મેથ્યુ વેડની શૂઈ ચેષ્ટા શોએબ અખ્તરને ચીતરી ચઢે એવી લાગી. મથાળે અમૃતા પ્રીતમનું કાવ્ય ટાંક્યું છે, એ આમ સાવ અસ્થાને નથી. મહાન કવયિત્રી કહે છે કે પથારી તૈયાર છે પણ જોડા અને ખમીશ ભેગું પુરુષે પોતાનું શરીર પણ ઉતારીને ટેબલ પર મૂકી દેવું. કારણ કે અહીં એવો રિવાજ છે. આત્માઓનું મિલન તો જ શક્ય છે. પુરુષ અને સ્ત્રી વચ્ચે પથારીમાં એવો સંભોગ છે કે જેમાં શરીરની બાદબાકી છે. તો ક્યાંક એવું ય હોય કે માત્ર શરીર શરીર જ હોય, ફક્ત ફિઝિક્સ જ હોય, કેમેસ્ટ્રી ક્યાંય નહીં. મન તો ક્યાંક બીજે જ રખડતું ભટકતું હોય. હશે ભાઈ! પોતપોતાનો રિવાજ છે. રિવાજ એટલે? રિવાજ એટલે આચાર, વ્યવહાર, ચાલ, ધારો, નિયમ, વહીવટ, પદ્ધતિ, શિરસ્તો, રૂઢિ, પ્રથા. એ યાદ રહે કે શૂઈ પ્રથા પણ એવી જ છે. ઉજવણીમાં ય થાય અને પજવણીમાં થાય. કારણ કે પોતપોતાનાં દેશનો રિવાજ છે. શબ્દ શેષ:“સવાલ એ નથી કે જોડો અર્ધો ભરેલો છે કે અર્ધો ખાલી છે. સવાલ એ છે કે.. જોડામાં હજી વધારે બીયર ભરવાની જગ્યા છે કે નહીં.” – મેથ્યુ વેડ (જસ્ટ જોકિંગ!)
To “do a shoey” is to pour alcohol (usually beer) into a shoe (yours or someone else’s) and chug it.
