Daily Archives: જાન્યુઆરી 7, 2022

મંગળ-શુક્ર/યામિની વ્યાસ

મંગળ-શુક્ર ધરતી પર પથરાયેલી કેવી લીલાશ! એકવાર નીચે જોઈને ઊંચું જુઓ તો આકાશમાં પણ જાણે લીલું પ્રતિબિંબ દેખાય. લહેરાતા પવનના પણ તરોતાજા તરંગ દેખાય અને આહાહા! આ વહેતાં ઝરણાંની થોડા નજીક જાઓ તો તેની ઝીણી ઝીણી ઝરમર પણ ઊડે અને આપણા મનમગજને આહ્લાદક આનંદની અનુભૂતિ કરાવે કુદરતની મોહક અદા માણીને કીર્તેશભાઈનો પરિવાર ડાંગથી પરત આવી રહ્યો હતો. દૂર રસ્તામાં એક આધેડ માણસ વાંસ ચીરતો હતો. શરીર પર એક ફાટેલું કપડું હતું પણ એ પોતાની મસ્તીમાં પોતાનું કામ કરી રહ્યો હતો. કીર્તેશભાઈને આવા માણસોને મળવાનો, તેમના જીવન વિશે જાણવાનો તેમને મદદ કરવાનો એક શોખ હતો કે એવું વલણ કહી શકો. તેમણે ગાડી ઊભી રાખી. તેમની પત્ની નિશા અને પુત્રપુત્રી અને વ્યોમ અને રીમા પણ ઊતર્યાં. તેઓ એની પાસે પહોંચ્યાં. એ માણસ થોડો સંકોચ પામ્યો. એના પેટનો ખાડો વધારે દેખાયો. કીર્તેશભાઈએ પહેલાં તેને તેનું નામ પૂછ્યું. તે નીચે જોઈ રહ્યો. બે-ત્રણ વાર પૂછ્યું ત્યારે તેણે માંડ ઊંચું જોયું. એ મોઢું ખોલવા પ્રયત્ન કરતો હતો પરંતુ તે ‘આ… આ…’ સિવાય કશું બોલી ન શક્યો. એવામાં એનો દીકરો આવ્યો અને તેણે ઈશારો કર્યો કે તે બોલી શકે તેમ નથી, મૂંગા છે. તેના દીકરાએ તેના બાપુનું નામ ..વિન કહ્યું.કદાચ નવીન કે પ્રવીણ કે એવું કશું હશે પણ સમજાયું નહીં.ફરી તેનો દીકરો તૂટક તૂટક જ બોલ્યો.તે તેના બાપુને કદાચ જમવા માટે બોલાવવા આવ્યો હશે. નિશાએ ગાડીમાં ખાવાનું હતું તે કાઢી આપ્યું. તેણે આભાર વશ ડોકું હલાવ્યું પરંતુ કીર્તેશભાઈને આટલાથી સંતોષ ન હતો. તેમણે વિનના ઘરે જવાની ઈચ્છા દર્શાવી. સંકોચશીલ વિન કશું બોલી ના શક્યો પરંતુ એનો દીકરો વ્યોમનો હાથ પકડીને લઈ ગયો. પડું પડું થતું ઝૂંપડું અને તેમાં પણ પાંચ જણ; વિન, તેની પત્ની, દીકરોદીકરી અને ઘરડાં દાદી. ઘરમાં સામાન જેવું ખાસ કશું નહીં. પત્ની ચૂલા પરથી રોટલા ઉતારતી હતી. કીર્તેશભાઈએ જોયું કે, જેટલા માણસ એટલા જ રોટલા. બેસવા માટે કંઈ સાધન ન હતું. તેથી સૌ ઊભાં જ રહ્યાં. તેમણે રોટલો અને શાક ધર્યું. પરંતુ કીર્તેશભાઈના પરિવારને ખાવું ન હતું.વ્યોમ તો આવું જોઈને જ ચિડાયો.છતાં કીર્તેશભાઈ અને તેની પત્નીએ રોટલાનો ટુકડો ચાખ્યો. તેનો સ્વાદ ખરેખર ખૂબ સરસ હતો. ‘આવો નાગલીની લોટ ક્યાં મળે?’ તેવું પૂછીને કીર્તેશભાઈનો પરિવાર નીકળી ગયો. રસ્તામાં વાત થઈ તે મુજબ બીજી વખત તેઓ ગયા ત્યારે ઘરમાં હતા તે જૂની ચાદરો, કપડાં અને ખાસ તો જૂતાં સાથે લઈને ગયા કેમકે, તેમણે જોયું હતું કે બાળકો ઉઘાડા પગે ચાલતાં હતાં અને તેમના નાજુક પગ કોરાતા હતા. કીર્તેશભાઈ અને પરિવાર ડિકીમાં કોથળો મૂકીને ફરવા ગયો અને પરત ફરતાં એ જ ઝૂંપડીમાં જઈને વિનને બધું આપી દીધું અને સમજાવ્યું કે તમારી આજુબાજુમાં જેને જરૂર હોય તેને પણ પહોંચાડજો. બસ, પછી તો આ એક રૂટીન જેવું થઈ ગયું. ઘણીવાર તેઓ જતા ત્યારે ઘણો સામાન લઈ જતા. પછી તો નિશાબહેને તેમની આજુબાજુની અને ગૃપની બહેનોને પણ વાત કરી કે, જૂનાં કપડાં, વાસણ, રમકડાં વગેરે ફેંકી ન દેશો પરંતુ અમને આપજો અને તેનું અમે થોડું સમારકામ કરીને ત્યાં પહોંચાડીશું.રીમા પણ આ કામમાં જોડાતી પણ વ્યોમને આ બધું નહોતું ગમતું,રીમા એને સમજાવતી. એકવાર રીમાને વિચાર આવ્યો કે, દરવખતે તેઓ જૂનાં કપડાં પહેરે છે. મને નવાં કપડાં પહેરવાનું કેવું ગમે છે! તેવું તેની દીકરીને મન નહિ થતું હોય? કીર્તેશભાઈને આ વાત ગમી. તેઓ બહુ ધનવાન તો ન હતા. તેમને એકાઉન્ટન્ટની નોકરી હતી પરંતુ તેઓ દિલના બહુ ઉદાર હતા. એક વખત તેઓ બધા માટે નવાં કપડાં ખરીદીને લાવ્યાં અને ત્યારે વિન અને તેના પરિવારના ચહેરા પરનો આનંદ કપડાં ખરીદેલાં પૈસા વસૂલ કરી દેતો હતો. આવું થોડાં વર્ષ ચાલ્યું અને કૉરોના આવ્યો. થોડા મહિના કીર્તેશભાઈ ત્યાં જઈ ન શક્યા. તેમને ઘણી ચિંતા થતી હતી પરંતુ તે લોકો પાસે ફોન ન હતો જેથી સંપર્ક થઈ ન શક્યો. દરમિયાન કીર્તેશભાઈ અને તેમના પત્ની પણ કૉરોનાગ્રસ્ત થયાં. શરૂઆતમાં તેઓ ઘરે જ હતાં પરંતુ તકલીફ વધતાં તેમને દાખલ કરવામાં આવ્યાં. રીમા અને વ્યોમ બહુ ચિંતા કરતાં હતાં. નિશાબહેન ઘરે આવી ગયાં પરંતુ કીર્તેશભાઈને ઓક્સિજન ખૂટી પડ્યો. એઓ ન બચી શક્યા. પરિવાર પર આભ તૂટી પડ્યું પરંતુ સૌ લાચાર હતા. કૉરોના વખતે મૃત્યુ થવાથી તેમની કોઈ અંતિમક્રિયા કે દાન કરી શકાયું નહીં. સેકન્ડ વેવ પત્યા પછી વાતાવરણ થોડું સુધર્યું. પછી તેઓ ત્રણેય પપ્પાની યાદમાં નવાં વાસણ, કપડાં વગેરે સામાન લઈને પપ્પાની પાછળ દાન કરવાં ગયાં. વિનનો દીકરોદીકરી, પત્ની, દાદી જાણે નિસહાય બેઠાં હતાં. કદાચ આવા કપરા વાતાવરણે તેઓને વધારે માંદલાં બનાવી દીધાં હતાં. નિશાબહેને તેઓને પૂછ્યું તો જાણવા મળ્યું કે, વિન અને દાદીનું મૃત્યુ થઈ ગયું હતું. તેઓ સમજી ગયા કે કૉરોનામાં આ પરિવારે બે જણને ગુમાવ્યા છે. વિનની પત્નીએ પેટ બતાવીને કહ્યું કે ખાવાનું ન હતું. વિનના દીકરાએ વાત સમજાવી કે તેઓ એકાંતરે ખાલી મંગળ શુક્રએ થોડું થોડું ખાતાં હતાં જેથી બાકીના બધાને વધુ ખાવાનું મળે.એમાંથીય આજુબાજુના ભૂખ્યાં નાના છોકરાંને ખવરાવતા. પરંતુ પછી તો ખાવાનું પણ ખૂટી ગયું. વ્યોમથી બોલ્યા વગર ન રહેવાયું, “સાચી વાત છે. આટલો ભરપૂર ઓક્સિજન મળે તેવા વાતાવરણમાં ઓક્સિજન ક્યાંથી ખૂટે, પરંતુ ખાવાનું ખૂટી પડે. પપ્પા પાસે ખાવાનું ભરપૂર હતું પરંતુ ઓક્સિજન ન હતો.પણ પોતે ભૂખ્યા રહી બીજાને ખવડાવી વિનકાકા સાચેજ વીન થયા.વ્યોમે વિચાર્યું મંગળ-શુક્ર બે દિવસ સાંજે નહીં જમું તો ખોરાક બચે ને કેટલાય વિન જીવી જાય.” યામિની વ્યાસ”.

1 ટીકા

Filed under Uncategorized