Daily Archives: જાન્યુઆરી 8, 2022

*ઓબ્જેક્ટિફિકેશન:પરેશ વ્યાસ

*ઓબ્જેક્ટિફિકેશન: તૂ ચીજ બડી હૈ મસ્ત મસ્ત..*

મને ઝાપટીને મન ફાવે ત્યાં ગોઠવો કે મન ફાવે ત્યાં વેચો કે વહેંચો

ને પછી ફેંકીય દો, બાળીય નાખો. હવે બહુ થયું- ચીજ નહીં, વીજ છું હું.

-યામિની વ્યાસ

આપણે આ રીતે ટેવાઇ ગયા છે, ઘડાઈ ગયા છે. સ્ત્રી જાત એટલે એક ચીજ, એક વિષય, એક વસ્તુ. સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ. સોશિયલ મીડિયા ઉપરનાં બધા જોક્સ સ્ત્રીઓની મજાક ઊડાડે. આપણાં મગજનું એવું જ ફોર્મેટિંગ થઈ ગયું છે. ડીહ્યુમનાઇઝેશન (Dehumanization) એટલે અવમાનિકરણ. એટલે એમ કે સ્ત્રી એ માનવ નથી પણ કોઈ ચીજ છે, વસ્તુ છે. જેમ ઘરમાં ટેબલ હોય, ખુરશી હોય, સોફા-કમ-બેડ હોય એમ સ્ત્રી પણ જાણે કે ફર્નિચર. અને ત્યારે શબ્દ આવે છે ઓબ્જેક્ટિફિકેશન (Objectification). એનો અર્થ થાય વસ્તુકરણ. કોઈ અમૂર્ત સ્વરૂપને મૂર્ત સ્વરૂપ આપવું, જેથી આપણે આપણી જ્ઞાન ઇન્દ્રિયો વડે એને અનુભવી શકીએ. જેમ કે મૂર્તિ સ્વરૂપે ઈશ્વરની આપણે પૂજા કરીએ છીએ એ ઈશ્વરનું ઓબ્જેક્ટિફિકેશન થયું. દરેક ઓબ્જેક્ટિફિકેશન ખરાબ નથી. પણ માણસનું, ખાસ કરીને સ્ત્રીઓનું ઓબ્જેક્ટિફિકેશન ખોટું છે, ખરાબ છે. સ્ત્રી કોઈ નૂમાઈશની ચીજ નથી. જિન્હે નાઝ હૈ હિન્દ પર વો કહાં હૈ? વાત જાણે એમ છે કે સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું. છ મહિલા સાંસદો સાથે લીધેલી સેલ્ફી બિચારા શશી થરૂરે ભોળા ભાવે ટ્વીટ કરી, એમ લખીને કે કોણ કહે છે કે લોકસભા એ કામ કરવા માટે અટ્રૅક્ટિવ જગ્યા નથી? ગુજરાતી લેક્સિકોન અનુસાર અટ્રૅક્ટિવ (Attractive) એટલે આકર્ષક, મોહક, મનોહર, ચિત્તાકર્ષક. હળવા હૈયે લખેલી આ ટ્વીટ સામે ઘણાંએ વાંધો લીધો. કહ્યું કે સ્ત્રીઓ શું ડેકોરેશનની વસ્તુઓ છે? રાષ્ટ્રીય મહિલા આયોગનાં અધ્યક્ષ રેખા શર્માએ ટ્વીટ કરીને કહ્યું કે રાજકારણ અને સંસદમાં મહિલાઓનાં આગવા પ્રદાનની પ્રતિષ્ઠાને તમે હાનિ પહોંચાડી છે. સંસદમાં મહિલાઓને ઓબજેક્ટિફાઈ કરવાનું રહેવા દો. અને શશીભાઈએ માફી માંગવી પડી. કહ્યું કે આ તો મહિલા સાંસદોની પહેલ હતી. તેઓએ જ મને કહ્યું હતું કે મજાકિયાં સૂરમાં ટ્વીટ કરજો એટલે… મેં આવું કર્યું. લો બોલો! એનો અર્થ એવો કે સ્ત્રીઓ પણ એવું જ માને છે કે તેઓ ઓબ્જેક્ટ (વસ્તુ) છે? આઈ ઓબ્જેક્ટ (વાંધો લેવો) માય લોર્ડ.. ઓબ્જેક્ટિફિકેશન માત્ર સ્ત્રીઓ પૂરતું મર્યાદિત નથી. પુરુષોનું ય થઈ શકે છે. કશું પામવા કોઈ માણસને સાધન તરીકે ઉપયોગ કરીએ એ પણ ઓબ્જેક્ટિફિકેશન જ છે. રીઢો રાજકારણી મંત્રી બની જાય ત્યારે કાર્યકરોનો ઉપયોગ ટોઇલેટ પેપરની માફક જ કરે. હઘા, લૂંછ્યા ઔર ફેંક દિયા. હેં ને? આ ઉપરાંત બીજો દાખલો દઉં. બાળકો પોતે પોતાની કોઈ વાત નક્કી ન કરી શકે. માબાપ કડક છે. આમ જ કરવાનું કે તેમ નહીં કરવાનું- આ બાળકોનું ઓબ્જેક્ટિફિકેશન છે. આ વ્યક્તિ આજે મારો છે, કાલે એને બદલે બીજો. કાલથી નહીં આવતો એવું કહેનાર માલિક એનાં નોકરને માણસ નહીં, પણ વસ્તુ સમજતો હોય છે. ધેટ્સ ઓબ્જેક્ટિફિકેશન, યૂ સી. દરઅસલ આ ‘માલિક’ શબ્દ જ શા માટે? કોઈ નોકર તમારે ત્યાં કામ કરે એટલે તમે એનાં માલિક? સબકા માલિક ઉપરવાળા તો એક જ છે ભાઈ! આ ઉપરાંત કોઈને કહીએ કે તારે બોલવાનું જ નથી. ચૂપચાપ અમે કહીએ એમ કર્યે જા- એ પણ ઓબ્જેક્ટિફિકેશન છે. અને હા, શરીરનો ભાગ કે દેખાવ જ મુખ્ય હોય, માણસની કોઈ કિંમત ન હોય એ તો ઓબ્જેક્ટિફિકેશન છે જ. સાયકોલોજીસ્ટ બાર્બરા ફ્રેડિક્સન અને ટોમી-એન રોબર્ટ્સ એવું માને છે કે સ્ત્રીઓનું ઓબ્જેક્ટિફિકેશન પોર્નોગ્રાફી કે સેક્સી જાહેરાતો પૂરતું મર્યાદિત નથી. પોર્નોગ્રાફીમાં સ્ત્રીનું શરીર જ હોય છે. એની બુદ્ધિમતા, એની ઊર્મિ, એની શક્તિ, સમાજનાં ઉત્થાન માટે એનું પ્રદાન જેવી કોઈ વાત એમાં હોતી નથી. મુશ્કેલી એ છે કે પોર્નોગ્રાફી સિવાય પણ મોટા ભાગનાં લોકો સ્ત્રીઓ વિષે આવું જ વિચારે છે. સ્ત્રીઓ દેખાવે તો સારી જ હોવી જોઈએ, એવું સ્ત્રીઓ સહિત બધા માને છે. સજવું-ધજવું, ટાપટીપ સ્ત્રીઓને મન મુખ્ય છે. કોઈ ત્રીજી વ્યક્તિ એને જુએ તો એનાં રૂપરંગ શું વિચારે?- એ બાબત સતત એના મનમાં રમતી હોય છે. પોતે બુદ્ધિશાળી છે, સમજદાર છે, કાર્યક્ષમ છે પણ એ ક્યાં કોઈ જુએ જ છે? અને એટલે કદાચ સ્ત્રી પોતે જાતે ઓબજેક્ટિફાઈ થઈ જાય છે. જે પુરુષ સ્ત્રીઓને પૂર્ણ સ્વરૂપે નહીં પણ એનાં અંગ ઉપાંગને અલગ અલગ જોયા કરે છે, એવા પુરુષો સ્ત્રીઓને એક ચીજ તરીકે જુએ છે અને એવા જ પુરુષો સ્ત્રીઓની કનડગત કરે છે. બળાત્કાર પાછળ પણ ઓબ્જેક્ટિફિકેશનની માનસિકતા જવાબદાર હોય છે. જ્યારે કોઈ ભારતીય સંસ્કૃતિનાં ઠેકેદાર સ્ત્રીઓને પૂરતાં વસ્ત્રો પહેરીને બહાર નીકળવાની સલાહ આપે છે ત્યારે હોબાળો મચી જાય છે. પુરુષની અણછાજતી વર્તણૂંકનું શું એ કારણ છે કે સ્ત્રીઓ ટૂંકા વસ્ત્રો પહેરે છે? ના, જરાય નહીં. સ્ત્રીઓ મુક્ત છે અને સ્ત્રીઓની પજવણીમાં પુરુષોનો જ સો ટકા વાંક હોય છે. ન્યૂયૉર્ક ટાઈમ્સની લેખિકા રાચેલ હેલ્ડ ઈવાન્સ કહે છે કે સત્ય એ છે કે સ્ત્રીએ બિકિની પહેરી હોય કે બુરખો, પુરુષ તો પણ સ્ત્રીને ઓબ્જેક્ટિફાઈ કરે છે. સ્ત્રીને ઢાંકીને તમે પુરુષની કામલોલુપતા અટકાવી ન શકો. એક જ રસ્તો છે. પુરુષને એ શીખવાડવું કે સ્ત્રી એ વ્યક્તિ છે, વસ્તુ નથી, એને આદરભાવથી જુઓ. શશી થરૂર કહે છે કે આ તો મહિલા સાંસદોએ જ સેલ્ફી માટે સેલ્ફ-પહેલ કરી હતી. અમે તો કહીએ છીએ કે સ્ત્રીઓ પોતે પણ આ સેલ્ફ-ઓબ્જેક્ટિફિકેશનની માનસિકતામાંથી બહાર આવવું જોઈએ. અમારી એક માંગણી છે. સંસદનું સત્ર પૂરું થાય ત્યારે શશી થરૂર ફરીથી આવી જ સેલ્ફી સાથે, એવું ટ્વીટ કરે કે આ સત્ર દરમ્યાન આ છ મહિલા સાંસદોએ લોકસભામાં લોકોની ભલાઈ માટે આવી આવી બૌદ્ધિક રજૂઆત કરી. એટલે એમ કે આ છ મહિલા સાસંદો શક્તિસરૂપા છે, બુદ્ધિશાળી છે, કાર્યક્ષમ છે, અને એટલે…. લોકસભા અટ્રૅક્ટિવ જગ્યા છે.

*શબ્દ શેષ* “જો લોગ યે સમઝ નહીં પાતે કિ ઔરત ક્યા ચીજ હૈ, ઉન્હે પહેલે યે સમઝનેકી જરૂરત હૈ કિ ઔરત ચીજ નહીં હૈ!” -સઆદત હસન મન્ટો (૧૯૧૨-૧૯૫૫)”.

1 ટીકા

Filed under Uncategorized